વિશ્રામ ૨૪
પૂર્વછાયો
ગિરધર ચાલ્યા ગણોદથી, રહ્યા જઈને જાળિયે ગામ;
સાંગા બાબરિયાને ઘરે, કર્યો મહાપ્રભુયે મુકામ. ૧
ચોપાઈ
રુડી પત્ની તેની રત્નબાઈ, સતસંગી તે સારી ગણાઈ;
તેણે ભાવ ભલો દિલ લાવી, વિપ્ર પાસે રસોઈ કરાવી. ૨
જમ્યા ભાવ જોઈ જગદીશ, મહારાજાધિરાજ મુનીશ;
આવ્યા ભક્ત મળી એહ ઠામ, કહું નિર્મળ તેહનાં નામ. ૩
નાથો લુવાણો જ્ઞાનનિધાન, ખિમો હીરો મકન ભગવાન;
હતો પિપળો ત્યાં ફળિયામાં, બાંધ્યો હીંડોળો તેહ સમામાં. ૪
હીંડોળે હરિને પધરાવ્યા, ભલા ભક્તોયે ભાવે ઝુલાવ્યા;
દીઠું નાથનું દિવ્ય સ્વરૂપ, થયું અચરજ સૌને અનુપ. ૫
એમ આપીને સુખ અનંત, બીજે દિવસ ચાલ્યા બળવંત;
ઉપલેટે ગયા અવિનાશ, નદીતટ કર્યો વાડીમાં વાસ. ૬
મહારાજ કરી ઘણી મહેર, જમ્યા કાનજી જોશીને ઘેર;
બીજા સતસંગીયે તેહ ગામ, સજી સેવા તેનાં કહું નામ. ૭
વિપ્ર શવજી ક્ષત્રી નથુભાઈ, પટેલ નારાયણ રૂપબાઈ;
કુરજી રતનો ભગવાન, કણબી કરશન ગુણવાન. ૮
બીજો આહીર કરશનદાસ, ગોકળ ને ગોવિંદ ખવાસ;
તેણે સારી રીતે સજી સેવા, મોટો લાભ અલૌકિક લેવા. ૯
પધરામણિયો રુડી પેર, હરિભક્ત કરી ઘેર ઘેર;
નિજજનનાં હૃદય કરી રાજી, ધર્મપુત્ર પધાર્યા ધોરાજી. ૧૦
ત્યાંના જન પર અઢળક ઢળી, પછી શામ પધાર્યા સાંકળી;
લુવાણા ભગવાનને ઘેર, પ્રભુ રાત રહ્યા રુડી પેર. ૧૧
ત્યાંથી નાથ ફણેણીયે ગયા, વેલા સોની તણે ઘેર રહ્યા;
ગયા ગિરિધર ત્યાંથિ ગુંદાળે, જનો સામા આવ્યા એહ કાળે. ૧૨
સોની આનંદજી અને મીઠો, ત્રીજો સોની કરમશી દીઠો;
લાખો કુંભાર કેસરબાઈ, ધર્મપુત્રને નિરખિયા ધાઈ. ૧૩
પ્રભુને ગામમાં પધરાવ્યા, સજી સેવા હરખ ઉપજાવ્યા;
જેતપુરમાં ગયા જગરાય, ભટ વામનના ઘરમાંય. ૧૪
ત્યાંના ભૂપને દર્શન દીધું, હરિભક્તોનું કારજ સીધું;
વિરપર ગયા ત્યાંથી વિચરી, પછી ગોંડળમાં ગયા હરી. ૧૫
હઠીભાઈયે કર્યું સનમાન, રાખ્યા દરબારમાં ભગવાન;
રહ્યા ત્યાં પ્રભુ દિન ત્રણ-ચાર, પછી પરવર્યા પ્રાણ આધાર. ૧૬
ગામ કોટડા ભાડવા થૈને, સરધાર રહ્યા હરિ જૈને;
વેરીભાઈને તોંગોજી ત્યાંય, ઉતર્યા તેના દરબાર માંય. ૧૭
પૂરી થઈ એમ સાઠ્યની સાલ, વરષાઋતુનો આવ્યો કાળ;
સર્વે સરધારના મળી દાસ, રાખ્યા શ્રીજીને ચાતુરમાસ. ૧૮
રથજાત્રાનો ઉત્સવ કીધો, હરિભક્ત ભલો લાવ લીધો;
દેવપોઢણી દિને જનેશ, વ્રત સૌને ધરાવ્યાં વિશેષ. ૧૯
જનમાષ્ટમી આવતી જાણી, કહી ભક્તોયે વિનયની વાણી;
સંતમંડળ સર્વ તેડાવો, હરિભક્તોને પત્ર લખાવો. ૨૦
ભલો આંહીં જ સમૈયો ભરી, જન્મઅષ્ટમી ઉત્સવ કરો;
તેથી પૃથ્વિ આ પાવન થાય, ગણતાં મોટું તીર્થ ગણાય. ૨૧
શબ્દ સાંભળી શામને ભાવ્યા, સતસંગી ને સંત તેડાવ્યા;
શિળ સાતમ1 દિન એહ ઠાર, લોક આવ્યા હજારો હજાર. ૨૨
દેહો ખાચર ને મીણબાઈ, કરિયાણેથિ આવિયાં ધાઈ;
બીજા પણ બહુ આવ્યા ગૃહસ્થ, વળી આવિયા સંત સમસ્ત. ૨૩
હરખ્યા ગામના હરિદાસ, સારી સૌની કરી બરદાસ;
કથા સાંભળીને સુતા રાતે, ઉઠ્યા અષ્ટમી દિવસ પ્રભાતે. ૨૪
ત્યાં છે સાગર જેવું તળાવ, તેમાં નાવા તણો ધરી ભાવ;
સંઘ સહિત સજી અસવારી, નેહે નાવા પધાર્યા મુરારી. ૨૫
સંતમંડળ કીર્તન ગાય, તેની શોભા વરણવી ન જાય;
વાજાં વિવિધ પ્રકારનાં વાજે, અવની અને આકાશ ગાજે. ૨૬
ચારુ2 ચમર3 હરિશિર ઢળે, મુખ ચંદ્રછબી ઝળમળે;
ઉંચે સ્વર ઉચરે છડીદાર, જન સૌ કહે જયજયકાર. ૨૭
નિરખે હરિને નરનારી, છબી અંતરમાં લે ઉતારી;
ગયા સર્વ સરોવર તીર, મુનિનાથે વખાણીયું નીર. ૨૮
સંઘ સહિત કર્યું હરિ સ્નાન, જળક્રીડા કરી ભગવાન;
સહુ સાંભળતાં તે ઠામ, બોલ્યા શ્રીમુખે શ્રીઘનશામ. ૨૯
રામાનંદસ્વામી બહુ વાર, નાહ્યા છે આ તળાવ મોઝાર;
આ છે તીરથ પરમ પવિત્ર, એનો મહિમા છે મોટો વિચિત્ર. ૩૦
જે જે જન્મે અહીં જળજંત, એનાં જાણવાં પુણ્ય અનંત;
પ્રાણી જે કરશે જળપાન, નિશ્ચે પામશે મોક્ષ નિદાન. ૩૧
એવી જ્યાં કરે છે હરિ વાત, થયું અચરજ એક અઘાત;
મત્સ્ય કચ્છ હતાં માંહિ જેહ, તરી આવ્યાં ઉપર સહુ તેહ. ૩૨
હાલે ચાલે નહીં સ્થિર થયા, સૌયે જાણ્યું એ તો મરી ગયા;
નિસર્યા સહુ મજ્જન કરી, કોરાં વસ્ત્ર અંગે લીધાં ધરી. ૩૩
મત્સ્ય કચ્છ મૃતક સમ જોઈ, પ્રશ્ન કૃષ્ણને પૂછે છે કોઈ;
પ્રભુ આ તે શી ઉપજી ઉપાધી? કહે શામ તે થઈ છે સમાધી. ૩૪
પૂર્વછાયો
મુક્તાનંદ આદિક કહે, સુણો શ્રીહરિ સુંદર શામ;
બગ શીચાણા સમળિયો, એવા ઉડે છે બહુ આ ઠામ. ૩૫
મત્સ્ય આદિકને તે મારશે, માટે જગાડો જગદાધાર;
જેથી તે જળ અંતર જઈ, સુખે વિચરે સર મોઝાર. ૩૬
ઉપજાતિવૃત્ત
બોલ્યા સુણી શ્રીહરિરાય ત્યાંય, છે સૌની દોરી મુજ હાથમાંય;
હું થાઉં રક્ષા કરનાર જેનો, ન કોઈથી પ્રાણ હણાય તેનો. ૩૭
જે જે થતું આ જગમાં જણાય, અમારિ ઇચ્છાથિ જ સર્વ થાય;
ઇચ્છા વિના તો કદિ શુષ્કપત્ર, ન જૈ શકે અત્ર4 થકી પરત્ર. 5 ૩૮
અમારિ ઇચ્છા થકિ વાયુ વાય, અમારિ ઇચ્છા થકિ વૃષ્ટિ થાય;
અમારિ ઇચ્છા થકિ સૃષ્ટિ જામે, અમારિ ઇચ્છાથિ વિનાશ પામે. ૩૯
રવી શશી જે નભમાં ફરે છે, ફણીંદ્ર જે શીશ ધરા ધરે છે;
સમુદ્ર મર્યાદ વિષે વસાણો, અમારિ ઇચ્છા થકિ એહ જાણો. ૪૦
મત્સ્યાદિ આ રક્ષિત છે અમારા, બકાદિ શું મારિ શકે બિચારા?
બોલ્યા સુણીને મુનિ શીશ નામી, સાચું કહો છો જગદાદિસ્વામી. ૪૧
ચોપાઈ
પછી મત્સ્ય જગાડવા કાજે, મત્સ્ય સામું જોયું મહારાજે;
જળજંતુ તે જાગ્રત થયાં, જળમાંહિ ગતી કરી ગયાં. ૪૨
સૌને અચરજ ઉપજ્યું અમાપ, જાણ્યો પ્રગટ પ્રભુનો પ્રતાપ;
એવાં ઐશ્વર્ય વારમવાર, પ્રભુ જનને દેખાડે અપાર. ૪૩
પછી સુંદર અસવારી સાથ, નિજ ઊતારે આવિયા નાથ;
સભા સજી વિરાજિયા શામ, મતવાદી આવ્યા એહ ઠામ. ૪૪
કોઈ વામી ને કોઈ વેદાંતી, ભાંગી શ્રીહરિયે સૌનિ ભ્રાંતી;
નિજ મત તણું થાપન કીધું, માન સર્વ તણું હરિ લીધું. ૪૫
કૃષ્ણજન્મ ઉત્સવ થયો રાતે, જોયું ત્યાં અચરજ જનજાતે;
રૂડી રીતે રાધાકૃષ્ણરૂપે, દીધાં દર્શન વૃષકુળ ભૂપે. ૪૬
નેણે નિરખવા ઉત્સવ એવો, આવ્યા ઇન્દ્ર આદિક સહુ દેવો;
મળી સુરવધૂ સુમને વધાવે, ગુણી ગાંધર્વ હરિગુણ ગાવે. ૪૭
થયો નવમી તણો દિન જ્યારે, ત્યાંના ભૂપ તોંગાજીયે ત્યારે;
વિપ્ર પાસે રસોઈ કરાવી, સંતને પીરશું હરિ આવી. ૪૮
કર્યો વર્ણિ મુકુંદે ત્યાં થાળ, જમ્યા શ્રીહરિ દીનદયાળ;
પછી એકાદશી આવી જ્યારે, બેઠા શ્રીજી સભા સજી ત્યારે. ૪૯
સંતે લૈને સરોદા સતાર, કર્યું ગાન અલોકી પ્રકાર;
પ્રભુયે પછી વાત ઉચ્ચારી, કામ ક્રોધની ખંડનકારી. ૫૦
કહ્યા લોભના દોષ વિશેષ, લોભમાં છે અધર્મ અશેષ;
લોભ છે સર્વ પાપનું મૂળ, લોભ ધર્મ થકી પ્રતિકૂળ. ૫૧
ઉપજાતિવૃત્ત (લોભ વિષે)
પંચેન્દ્રિયોના વિષયો પ્રમાણો, તેની જ તૃષ્ણા જન લોભ જાણો;
તેને તજે તો ભવમુક્ત થાય, તજે નહીં તે નરકે જ જાય. ૫૨
અત્યંત જાગે ઉર લોભ જેને, સુપુણ્ય કે પાપ સુજે ન તેને;
લોભે કરીને ન રહે જ જ્ઞાન, લોભી દિસે પ્રૌઢ પશૂ સમાન. ૫૩
વૈરાગ્ય પામી ઘરબાર ત્યાગે, જો તે પછી અંતર લોભ જાગે;
જો ચિત્ત દ્રવ્યાદિકમાં લગાડે, બહુ કરેલું તપ તે બગાડે. ૫૪
જો દેવ અર્થે પણ ધર્મ છોડી, કમાઈ આપે ધન એક કોડી,
તેને નહીં દેવ પ્રસન્ન થાય, તે પાપિ પાપે નરકે જ જાય. ૫૫
જો માનનો અંતર લોભ ધારે, નિર્માનીતા સાધુ થઈ વિસારે;
એથી બીજો શ્રેષ્ઠ નહીં અધર્મ, તે લોભથી તે કરશે કુકર્મ. ૫૬
ન્યાયે મળ્યું તે ધન હાથ લેવું, પડ્યું જડ્યું તે પણ ત્યાગિ દેવું;
ગૃહસ્થ તેનો મન લોભ રાખે, તે પાપનું તો ફળ તેહ ચાખે. ૫૭
લોભે કરે છે જન ચોર ચોરી, લૈ જાય છે લોભ કુમાર્ગ દોરી;
લોભે અધર્મી જન લાંચ ખાય, લોભે કરી પાપ બધાં કરાય. ૫૮
જેને દિલે લોભ ઘણો જણાય, આજ્ઞા પ્રભૂ કેરી નહીં પળાય;
જો લોભિને લાભ જડે જરૂર, દિલેથિ મૂકે નિજ ધર્મ દૂર. ૫૯
લોભીષ્ટ ડાબે કર ચોરી લાવે, સાચી થવાને જમણો બતાવે;
આ હાથથી મેં કરિ હોય ચોરી, શિક્ષા કરે દેવ મને સજોરી. 6 ૬૦
લોભી પ્રભુને ઠગવા ઉપાય, કરે ભલે ઈશ્વર શું ઠગાય?
ખોટું ખરું અંતરજામિ જાણે, તે દંડશે કર્મ કર્યાં પ્રમાણે ૬૧
તે લોભનું ખંડન એમ કીધું, સર્વે જનોયે મન ધારિ લીધું;
બીજે દિને પાક ભલા બનાવી, જમ્યા સહુ શ્રીહરિને ધરાવી. ૬૨
પુષ્પિતાગ્રાવૃત્ત
હરિ નિજજનને કર્યા વિદાય, નિજનિજ દેશ ગયા લઈ રજાય;
ચિત ધરી હરિનાં રુડાં ચરિત્ર, પ્રતિદિન પાઠ કરે ગણી પવિત્ર. ૬૩
ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પંચમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિ સરધારપુરે જન્માષ્ટમ્યુત્સવકરણનામા ચતુર્વિંશતિતમો વિશ્રામઃ ॥૨૪॥