વિશ્રામ ૨૫
પૂર્વછાયો
શિષ્ય રામાનંદ સ્વામિના, માંચો ભક્ત મહાબુદ્ધિમંત;
વાસ વસે કારિયાણીમાં, જેને વાલા શ્રીહરિ સંત. ૧
મહાપ્રભુયે માંગરોળમાં, કૃષ્ણજન્મ ઉત્સવ કર્યો સાર;
એ અવસર માંચે ખાચરે, પેખ્યો પ્રભુપ્રતાપ અપાર. ૨
શિષ્ય થયા ત્યારે શ્રીજિના, જાણી સર્વોપરી અવતાર;
વળિ સમૈયે આવિયા, અતિ સ્નેહ સહિત સરધાર. ૩
ચોપાઈ
સરધારમાં શ્રીહરિ કેરો, પૂરો પેખ્યો પ્રતાપ ઘણેરો;
દૃઢ નિશ્ચય તે થકી થયો, સર્વ સંશય તેહનો ગયો. ૪
પધરાવા પ્રભૂ નિજ ગામ, ઉર ઇચ્છા થઈ એહ ઠામ;
અરજી કર જોડી ઉચ્ચારી, મારે ગામ પધારો મુરારી. ૫
સુણી બોલ્યા પ્રભુ બળવંત, તમે સાંભળો શુભ મતિમંત;
ભલા છોજી એકાંતિક ભક્ત, વ્રત નૈષ્ઠિકવંત વિરક્ત. ૬
રામાનંદજીના શિષ્ય પ્યારા, વળી સારા છો શિષ્ય અમારા;
રામાનંદજી તમારે ઘેર, પધાર્યા હતા ઉત્તમ પેર. ૭
અમે પણ આવશું એ જ રીતે, તમે નિશ્ચય રાખજો ચિત્તે;
સરધારના ભક્તોને અમે, એવું વચન આપ્યું એક સમે. ૮
ચાલતે વર્ષ ચાતુરમાસ, વસશું સરધારમાં વાસ;
મારું વેણ મિથ્યા કેમ થાય? ચોમાસામાં ન ક્યાંઈ જવાય. ૯
પ્રબોધિની કરીને આ ઠામ, પછી આવશું આપને ગામ;
કહી એવું ને કીધા વિદાય, સરધાર રહ્યા હરિરાય. ૧૦
માંચાભક્તના સંબંધી કેરું, ગામ ગઢડું પવિત્ર ઘણેરું;
પાસે ઉન્મત્ત ગંગા વહે છે, અવનીપતિ અભય રહે છે. ૧૧
તેના ઉત્તમ1 પુત્ર ભલા છે, જુગ પુત્રી જયા લલિતા2 છે;
માંચોભક્ત રહ્યા તહાં રાત, કરી પ્રગટ પ્રભુ તણી વાત. ૧૨
કોટિ જગત તણા કરતાર, તેણે લીધો છે નર અવતાર;
શિવ બ્રહ્મા ધરે જેનું ધ્યાન, ભાળ્યા મનુષ્યરૂપે ભગવાન. ૧૩
મેં તો લીધો અલૌકિક લાવ, દેવને ન મળે આવો દાવ;
સુણી ભૂપ બોલ્યા તેહ સ્થાન, તમે શાથી જાણ્યા ભગવાન? ૧૪
માંચોભક્ત કહે હે મહીશ! કહું જેથી જાણ્યા જગદીશ;
દીઠી મૂર્તિ મનોહર એવી, દૈવી જીવનાં દિલ હરે તેવી. ૧૫
સોળે ચિહ્ન ચરણમાં જણાય, જોતાં શ્રીહરિ નિશ્ચે મનાય;
એના મુખની જો વાત સુણાય, પાકો પથ્થર પીગળી જાય. ૧૬
નથી હુકમે મનાવતા બળથી, નથી આપતા નાણું આગળથી;
લાખો જન વશ વર્તે છે તોય, હરિ વગર એવું કેમ હોય?૧૭
ચોર જે નૃપથી નથી ડરતા, હરિવચને ચોરી નથી કરતા;
થયા આધીન લોક અપાર, તેને વચને તજે ઘરબાર. ૧૮
ઘણા વૈષ્ણવ ને શિવભક્ત, થયા શ્રીહરિ પદમાં આસક્ત;
ઘણા જૈન ને મુસલમાન, નિજ મતનું તજી અભિમાન. ૧૯
ભક્તિપુત્રનું ભજન કરે છે, સાચા ભાવથી ધ્યાન ધરે છે;
દેશો દેશ જનો સંભળાય, પણ આવું કોઈથી ન થાય. ૨૦
લાખો જનમન સાક્ષી પુરે છે, પરમેશ્વર પ્રત્યક્ષ એ છે;
કર્યું મુજ મને નક્કી કબૂલ, નથી ભોળપણે થઈ ભૂલ. ૨૧
તમે આપો એવા સમ ખાઉં, સાચા ઈશ્વર એને જ ગાઉં;
ઉચરું છું હું અર્થે તમારે, નથી સ્વાર્થ એમાં કાંઈ મારે. ૨૨
કહે ભૂપ એવું હોય ત્યારે, કેમ સૌ નથી માનતા ત્યારે?
જુદા પંથ જણાય છે જેહ, કેમ એક થતા નથી તેહ? ૨૩
માંચા ખાચર બોલ્યા તે વારે, કહું કારણ તેનું અત્યારે;
બીજ ભૂમિમાં હોય અભંગ, ઉગી નીસરે વૃષ્ટિ પ્રસંગ. ૨૪
પુણ્ય પૂર્વનું સંચિત જેહ, ઉગે સંત પ્રસંગથી તેહ;
બીજા આસુરી ભાવથી ભમે, તેને પ્રગટની વાત ન ગમે. ૨૫
રામ કૃષ્ણ થયા પ્રભુ જ્યારે, ઝાઝા લોકે ન માનિયા ત્યારે;
તેહ ટાણે મોટા સંઘ મળી, આવ્યાની નથી વાત સાંભળી. ૨૬
આજ પ્રગટનાં દર્શન માટે, મોટા સંઘ આવે મળી વાટે;
પ્રતિપક્ષીયો પણ આજ ભાઈ, જાણે છે પ્રભુની પ્રભુતાઈ. ૨૭
મનમાં ગોટા વાળવા માટ, ઘડે છે પછી કુતરક ઘાટ;
કહે સાધ્યો છે બાબરોભૂત, તેથી દેખાડે છે અદભૂત. ૨૮
કાં તો જાદુનો ગોટકો જડ્યો, તેથી તેનો પાસો સમો પડ્યો;
એના કરની પ્રસાદી જે ખાય, જન તે તો ગાંડા થઈ જાય. ૨૯
જણ એકે પ્રસાદી ન ચાખી, લૈને ભેંસના ખાણમાં નાખી;
ભેંસ ખાણ ખાધે ગાંડી થઈ, સ્વામિનારાયણ પાસે ગઈ. ૩૦
પ્રતિપક્ષી કરે એવી વાત, એમાં મર્મ છે ઉંડો અઘાત;
કૃષ્ણમાં છે ચમત્કાર કાંઈ, એ તો નિશ્ચે થયું જગમાંઈ. ૩૧
હરિ જોતાં દિસે જન જેવા, પણ ક્યાંઈ નથી બીજા એવા;
એમાં સંશય કોઈ ન કરશે, તેથી નિશ્ચય તે પ્રભુ ઠરશે. ૩૨
એવો ભૂપને ભેદ સુણાવ્યો, હરિકૃષ્ણનો નિશ્ચે કરાવ્યો;
પછી બોલ્યા અભય તેહ વાર, મળશે ક્યારે અમને મુરાર. ૩૩
અહીં આવ્યા હતા એકવાર, ઉતર્યા હતા વાડી મોઝાર;
બાળકોને સમાધિ કરાવી, થોડી વાર રહ્યા હતા આવી. ૩૪
અમે ત્યાં ગયા દર્શન કાજ, ત્યાં તો ચાલી ગયા મહારાજ;
પ્રભુ એ જ હશે સાક્ષાત, માંચેભક્તે કહ્યું ખરી વાત. ૩૫
પૂર્વછાયો
માંચો ખાચર વળી બોલિયા, સરધારમાં છે સુખધામ;
પ્રબોધિની પછી આવશે, ગિરિધર અમારે ગામ. ૩૬
ચોપાઈ
ત્યારે તમને તેડાવશું અમે, પ્રભુ ભેટવા આવજો તમે;
એવી ઉચ્ચારીને શુભ વાણી, માંચો ભક્ત ગયા કારિયાણી. ૩૭
હવે શ્રીહરિની કહું વાત, રહ્યા સરધારમાં નરભ્રાત;
એકસઠ્યાની દસરા દીવાળી, કર્યા ઉત્સવ ત્યાં વનમાળી. ૩૮
અન્નકૂટ કર્યો મુદ લાવી, તિથિ ત્યાં તો પ્રબોધિની આવી;
ત્યારે સારો સમૈયો ભરાણો, તે તો વિશ્વ વિષે વખણાણો. ૩૯
પછી શ્રીહરિ ત્યાંથી સિધાવ્યા, હરિભક્ત વળાવવા આવ્યા;
પ્રભુ ગામ પીપરડીયે ગયા, વિપ્ર ભાણજીને ઘેર રહ્યા. ૪૦
પછી ચાલિયા પ્રાતસ્કાળ, કારિયાણીયે આવ્યા કૃપાળ;
હરિ આવશે એવું વિચારી, માંચાભક્તે કરેલી તૈયારી. ૪૧
સગા સંબંધિયોને તેડાવી, પરગામથી રાખેલા લાવી;
તેઓ સૌ મળીને સજી સ્વારી, હરિ સામા આવ્યા હર્ષ ધારી. ૪૨
હવે તેહ તણાં કહું નામ, જેનાં સિદ્ધ થયાં સર્વ કામ;
માંચા ખાચર મુખ્ય ગણાય, જેની પ્રીતિ ઘણી પ્રભુમાંય. ૪૩
રુડા ખાચર વસ્તો ને રામ, વળી વેલો વિકમશી નામ;
કણબી કમી ને વીરદાસ, ત્રિજો રાઘવ ત્યાં વસે વાસ. ૪૪
શેઠ દેવો ને ગોવરધન, વિપ્ર વૈકુંઠ છે હરિજન;
સોની પૂંજો ભલો સતસંગી, સામા આવ્યા તે સર્વ ઉમંગી. ૪૫
બુટો કાંધો જેઠી માલૂભાઈ, ચારેને ભાઈની છે સગાઈ;
ધોલેરાના ગરાશિયા તેહ, ભલા ભક્ત એકાંતિક એહ. ૪૬
પૂંજાભાઈ બનેસિંહ જાણો, પુત્ર બુટાના બેય પ્રમાણો;
અજુબા નામે પુત્રી તો એક, જેના મનમાં વિશેષ વિવેક. ૪૭
જેઠીભાઈની પુત્રી પુનીત, ફુલજીબા ભજે પ્રભુ નિત્ય;
રહેનાર જે બોટાદ ગામ, સારા ખાચર સોમલો નામ. ૪૮
હતા ખાચર બીજા હમીર, ત્રીજા માતરો ધાધલ ધીર;
ઝીંઝાવદરના રહેનાર, ભક્ત નામ અલૈયો ઉદાર. ૪૯
સુરો ખાચર નાગડકાના, જેના જશ જગમાં નથી છાના;
જીવો ખાચર સારંગપરના, એ તો ભક્ત ભલા હરિવરના. ૫૦
ખંભાળાના ભલા છે ખાચર, નામે માણશિયો નિરડર;
મોકો ખાચર તો વાંકિયાના, નાજો ભક્ત તો લાખણકાના. ૫૧
કહે વર્ણિ સુણો નૃપ ધીરે, નાજા જોગિયાને રઘુવીરે;
પછી સાધુ કરી રાખ્યા પાસ, નામ ધરાવી ઘનશામદાસ. ૫૨
એવા કાઠી થઈ અસવાર, શ્રીજી સામા આવ્યા તેહ વાર;
બહુ ભાલાં તણાં ફળ3 ઝળકે, તરવાર તણી મુઠ્યો ચળકે. ૫૩
વાજાં વિવિધ પ્રકારનાં વાજે, શબ્દ જયજયની ધ્વનિ ગાજે;
માંચાભક્તના દરબારમાંય, અક્ષરાધીશ ઉતર્યા ત્યાંય. ૫૪
મુક્તાનંદ આદિક મુનિ જેહ, જોગ્ય જગ્યામાં ઊતર્યા તેહ;
માંચોભક્ત તે નિર્માની એવા, કરે કિંકરની4 પેરે સેવા. ૫૫
પાંચો રત્નો રઘુ લાધો હરજી, સર્વે શ્રીજીની સાચવે મરજી;
લાલો ખોડો ધનો ભગવાન, માધો શામ તેજો બુદ્ધિમાન. ૫૬
હરિબા શીતબા ધનુબાઈ, દેવીબા દિલની ઘણી ડાઈ;
મળીને ઘણા હરિજન એવા, સજી શ્રીહરિની બહુ સેવા. ૫૭
થઈ ત્યાં તો રસોઈ તૈયાર, સંતને પિરસે સુખકાર;
કર્યો વર્ણિ મુકુંદે ત્યાં થાળ, જમ્યા શ્રીહરિ દીનદયાળ. ૫૮
સભા ભરી સજી સાંજ ટાણે, બેઠા સૌ જન રીતિ પ્રમાણે;
બેઠી બાઈયો ત્યાં થકી દૂર, શ્રીહરિની છબી ધરી ઊર. ૫૯
મોટી કાર્તિકી પૂનમ જાણી, સૌયે અંતરે ઉમંગ આણી;
પ્રભુજીની મહાપૂજા કરી, ધ્યાનમાં તે છબી લીધી ધરી. ૬૦
માંચાભક્તે પૂજ્યા મહારાજ, સારો લાવીને પૂજાનો સાજ;
ભલાં ભૂષણ વસ્ત્ર ધરાવ્યાં, ચારુ ચંદન પુષ્પ ચડાવ્યાં. ૬૧
ધૂપ દીપ ને નૈવેદ્ય ધરી, અતિ ઉમંગે આરતી કરી;
બહુ બાઈયોયે પ્રેમ લાવી, કરી પૂજા પ્રભુજીની આવી. ૬૨
હાર તોરા ને ગજરા ધરાવ્યા, કડાં વેઢ વિંટી પહેરાવ્યાં;
અહો ભૂપ હું શી કહું વાત, સૌએ પૂજ્યા પ્રભૂ સાક્ષાત. ૬૩
લીધો લાવ અલૌકિક એવો, અજ ઇંદ્રને નવ જડે જેવો;
ધન્ય હરિજન તે નરનાર, જેણે સેવિયા જગકરતાર. ૬૪
પુષ્પિતાગ્રાવૃત્ત
શ્રુતિ5 ધરિ સુણ હે રુડા નરેશ, અચરજ એક તહાં થયું વિશેષ;
ચિત્ત ધરિ શુભ તે ચરિત્ર ગાઉં, હરિગુણ ગાઈ હમેશ રાજિ થાઉં. ૬૫
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પંચમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિકારિયાણીપુરે વિચરણનામા પંચવિંશતિતમો વિશ્રામઃ ॥૨૫॥