કળશ ૫

વિશ્રામ ૨૬

પૂર્વછાયો

પૂજા કરી જને પ્રેમથી, સહુ બેઠા સભા મોઝાર;

મૂર્તિ મનોહર નિરખતાં, અતિ દીઠો તેજ અંબાર.1

ચોપાઈ

કોટિ સૂર્ય શશાંક2 સમાન, દીઠું અદભુત તેજ તે સ્થાન;

દીઠું દિવ્ય સિંહાસન તેમાં, જડ્યા ચિંતામણી બહુ જેમાં. ૨

જોયા તે વિષે શ્રી ઘનશામ, પુરુષોત્તમ પૂરણકામ;

ત્યાં તો અગણિત શક્તિયો યુક્ત, સ્તુતિ ઉચ્ચરે અક્ષરમુક્ત. ૩

દીઠા હરિના બધા અવતાર, કરે વર્ણન ત્યાં વેદ ચાર;

દીઠા પુરુષ પ્રધાન અનેક, ઉભા આજ્ઞામાં થૈ દીન છેક. ૪

જ્યાં સુધી એક મુહુરત ગયું, સભા સઘળીને દર્શન થયું;

હરિઇચ્છાથી એહ ઠેકાણે, પછી તો દીઠા પૂર્વ પ્રમાણે. ૫

માંચાભક્ત આદિક હરિજન, અતિ અચરજ પામિયા મન;

જાણ્યા અવતારના અવતારી, ભક્તિધર્મ તનુજ ભયહારી. ૬

નેણે આવિયાં પ્રેમનાં નીર, થયાં રોમાંચ સૌનાં શરીર;

મહિમા પ્રભુનો મન ધારી, સ્તુતિ ગદગદ કંઠે ઉચ્ચારી. ૭

નારાચ છંદ

અહો કૃપાનિધાન કૃષ્ણ કોટિ વિશ્વકારિ છો,

સુધર્મ થાપનાર્થ ધર્મગેહ દેહ ધારિ છો;

અખંડ ચિત્તવૃત્તિમાં અહો પ્રભુ રહો તમે,

પુરો અમારિ આશ દીનદાસ વંદિયે અમે. ૮

   સુરેશ ને ગણેશ શેષ ભાવથી સદા ભજે,

   મહેશ તો હમેશ ધ્યાન ચિત્તથી નહીં તજે;

   અનંત મુક્ત આપ પાસ નેહથી સદા નમે,

   પુરો અમારિ આશ દીનદાસ વંદિયે અમે. ૯

સમર્થમાં સમર્થ આપ સર્વથી વિશેષ છો,

સ્વતંત્ર સર્વના પતી થયા મનુષ્યવેષ છો;

તમો વિના ન અન્ય વસ્તુ અલ્પ અંતરે ગમે,

પુરો અમારિ આશ દીનદાસ વંદિયે અમે. ૧૦

   અભીષ્ટ આપનાર ઇષ્ટ તો તમે વરિષ્ઠ છો,

   અનિષ્ટ નાશકારિ સદ્‌ગુણી તમે ગરિષ્ઠ3 છો;

   સુદર્શ કાજ યોગિરાજ પ્રાણ ઇન્દ્રિયો દમે,

   પુરો અમારિ આશ દીનદાસ વંદિયે અમે. ૧૧

સુભક્તપાળ હે કૃપાળ કાળનાય કાળ છો,

વિશાળ પુષ્પમાળ ધારિ ધર્મભક્તિબાળ છો;

તમારિ ભક્તિહીન હોય તે ભવાબ્ધિમાં4 ભમે,

પુરો અમારિ આશ દીનદાસ વંદિયે અમે. ૧૨

   સમસ્ત રિદ્ધિ સિદ્ધિ કેરિ વૃદ્ધિ થાય આપથી,

   સમસ્ત કષ્ટ નષ્ટ થાય આપના પ્રતાપથી;

   સજે ન ભક્તિ તે સદા અસંખ્ય સંકટો ખમે,

   પુરો અમારિ આશ દીનદાસ વંદિયે અમે. ૧૩

ધર્યો મનુષ્ય દેહ પ્રાણિયો અપાર તારવા,

અધર્મિયે કર્યો સુધર્મ લોપ તે ઉધારવા;

અહો કૃપાનિધી કરી કૃપા અધીક આ સમે,

પુરો અમારિ આશ દીનદાસ વંદિયે અમે. ૧૪

સુધરમના કુમાર ધર્મ કેરિ ધીંગિ5 ઢાલ છો,

સમસ્ત વિશ્વમાં વિભો તમે વિહારીલાલ છો;

અમારી ચિત્તવૃત્તિ આપ મૂરતિ વિષે રમે,

પૂરી અમારી આશ દીનદાસ વંદિયે અમે. ૧૫

ચોપાઈ

ભાખે એવું સુણી ભગવાન, માંચા ભક્ત માગો વરદાન;

તમે માગશો તે હું આપીશ, આશા પૂર્ણ તમારી કરીશ. ૧૬

માંચો બોલિયા મસ્તક નામી, સદા એટલું માગું છું સ્વામી;

મારા મનમાં તમે સ્થિર ઠરજો, કામ ક્રોધથી રક્ષણ કરજો. ૧૭

માયામાં મન નવ લોભાય, તવ દાસનો દ્રોહ ન થાય;

રહે આપનું સ્મરણ અખંડ, મિથ્યા ભાસે આ પિંડ બ્રહ્માંડ. ૧૮

આપો એ જ મને વરદાન, તથા અસ્તુ બોલ્યા ભગવાન;

માંચો ભક્ત વદ્યા6 વળિ વેણ, તમે સાંભળો જન સુખદેણ. ૧૯

સરધારમાં હું જ્યારે આવ્યો, પાછો ત્યાં થકી ઘેર સિધાવ્યો;

આવ્યું રસ્તામાં ગઢપુર ગામ, હું તો રાત રહ્યો તેહ ઠામ. ૨૦

નૃપ અભય સગા છે અમારા, જન સર્વ પવિત્ર છે સારા;

ત્યાં તો મેં આપની કરી વાત, સૌએ જાણ્યા પ્રભુ સાક્ષાત. ૨૧

થયા આતુર દર્શન કરવા, પછિ લાગિયાં એમ ઉચરવા;

પ્રભુ આવે તમારે જ ગામ, ત્યારે કરજ્યો ખબર આ ઠામ. ૨૨

અમે આવશું દર્શન કાજ, નેણે નિરખશું શ્રીમહારાજ;

કહો તો તહાં ખબર કરાવું, સૌને દર્શન કાજ તેડાવું. ૨૩

સુણી બોલિયા સુંદર શામ, તે હું જાણું છું વાત તમામ;

એહ રાજા ને રાજકુમાર, રાજપુત્રિયો પરમ ઉદાર. ૨૪

એ છે સર્વે અનાદિનાં મુક્ત, ભલાં મારાં છે પૂર્વના ભક્ત;

સુખ આપવા એને અપાર, આજ લીધો છે મેં અવતાર. ૨૫

માત તાતે લીધું સુખ લેશ, એને આપીશ એથી વિશેષ;

રાજા અભય અમારે કાજ, કરે છે તપ તજિ સુખસાજ. ૨૬

તેનો પુત્ર ને પુત્રિયો જેહ, વ્રત તીવ્ર સદા કરે તેહ;

ઇચ્છા રાખે છે અમને મળવા, નથી ચા’તાં બીજું ફળ ફળવા. ૨૭

મોટી પુત્રી તેની જીવુબાઈ, તેની વાત કહું સુણો ભાઈ;

અમે ફરિયે ને કરિયે જે કામ, તે તો ત્યાં બેઠાં દેખે તમામ. ૨૮

મીણબાઈ જે કરિયાણાનાં, લાડકીબાઈ પીપલાણાનાં;

ફર્યા જ્યાં જ્યાં અમે જન્મ ધરી, વળી જે જે લીલા અમે કરી. ૨૯

તે બે બાઈયો દેખે છે જેમ, જીવુબાઈયે દેખે છે તેમ;

નૃપ ને નૃપનો પરિવાર, મુજ ભક્ત છે પ્રેમી અપાર. ૩૦

માટે માણસ ત્યાં મોકલાવો, લખી પત્રને અત્ર તેડાવો;

પછી તેણે લખી આપી પત્ર, વિપ્ર રાઘવ મોકલ્યો તત્ર. ૩૧

પૂર્વછાયો

કહે અચિંત્યાનંદજી, સુણો ભૂપ અભેસિંહ ભ્રાત;

દુર્ગપુરીમાં શું થયું, કહું તે હવે તમને વાત. ૩૨

ચોપાઈ

રાજા અભય સહિત પરિજન,7 રાતે સર્વેને લાગ્યું સ્વપન;

પૂર્વ દેશથી પૂર્ણ પ્રકાશ, દીઠો આવતો દરબાર પાસ. ૩૩

દીઠું તેજમાં દિવ્ય વિમાન, કોટિ સૂર્ય શશાંક સમાન;

દીસે દિવ્ય મણિમય સાર, તેમાં ચિંતામણીનો ન પાર. ૩૪

તેને ફરતું વિમાનનું વૃંદ, જેમ તારામંડળ મધ્ય ચંદ;

તેમાં બેઠેલા મુક્તો અનેક, વચલામાં મહાપ્રભુ એક. ૩૫

શોભે મૂર્તિ મનોહર શામ, કોણ માત્ર તે કોટિક કામ;

ધર્યાં દિવ્ય આભૂષણ અંગે, માથે મુગટ જડેલો છે નંગે. ૩૬

તેહ મૂર્તિનું વરણન કરવા, જડતા નથી શબ્દ ઉચરવા;

જેમ મુંગાને સ્વપનું થાય, તે તો મનમાં જ સમજી રખાય. ૩૭

બીજા જે હરિના અવતાર, દીઠા અન્ય વિમાન મોઝાર;

તહાં મુક્ત બોલ્યા તતકાળ, સાંભળો ભાગ્યશાળી ભૂપાળ. ૩૮

ઘણા જન્મનું પુણ્ય તમારું, આજ ઉદય થયું અતિ સારું;

સર્વ અવતારના અવતારી, સરવોપરી જે સુખકારી. ૩૯

સૌના ઈશ્વર સૌના નિયંતા, જે છે અતિશય ઐશ્વર્યવંતા;

જેનું ધ્યાન શિવાદિક ધારે, તે તો ઘેર પધાર્યા તમારે. ૪૦

દયા આણીને દર્શન દીધાં, કાજ સરવે તમારાં સીધાં;

ભલા છોજી એકાંતિક ભક્ત, મનમાં છો માયાથી વિરક્ત. ૪૧

માટે મોટી કરી પ્રભુ મહેર, સદા રહેશે તમારે જ ઘેર;

ઘણા અક્ષરમુક્ત સહીત, તમ પાસે રહેશે ખચીત. ૪૨

ગુણવંતુ આ ગઢપુર ગામ, કરશે જેવું અક્ષરધામ;

તમારો સહુનો જોઈ સ્નેહ, નહીં દૂર રહે ક્ષણ તેહ. ૪૩

ભાગ્યશાળી તમારા સમાન, નથી સાંભળ્યો કોઇયે કાન;

રાખે ઘેર હરિને સદાય, એવા નથી થયા નહીં થાય. ૪૪

જેના ચરણની રજને કાજ, તપ શ્રેષ્ઠ કરે જોગીરાજ;

કરે વેદ જેનાં ગુણગાન, જે છે કોટી બ્રહ્માંડ નિદાન. ૪૫

પ્રભુ તે ગઢપુરમાં વિચરશે, સર્વ ઠામ ચરણરજ કરશે;

નિત્ય ઉન્મત્તગંગામાં જૈને, સ્નાન કરશે સખા સંગ લૈને. ૪૬

મોટું તીર્થ ગણાશે તે એવું, બિજું જગમાં નહીં તેના જેવું;

અહો ભૂપતિ ભાગ્ય તમારું, સુર મુનિયો વખાણશે સારું. ૪૭

કીર્તિ અચળ તમારી તો થાશે, મોટા ગ્રંથોમાં વાતો લખાશે;

અંતે બ્રહ્માંડનો નાશ થાય, હરિલીલાના ગ્રંથ ન જાય. ૪૮

જ્યારે બ્રહ્માંડ આ પ્રલે8 પામે, રહે ગ્રંથ તે અક્ષરધામે;

એવું સાંભળતાં નૃપ જાગ્યા, ચિત્તે વાત વિચારવા લાગ્યા. ૪૯

અચરજ ઉપજ્યું છે અંતર, આ તે સત્ય કે સ્વપનાંતર?

શ્રીહરિ મળિયા સાક્ષાત, નથી સંશય જેવી તે વાત. ૫૦

પુત્ર પુત્રિયોને કહ્યું જ્યારે, તેઓએ કહ્યું તેમ જ ત્યારે;

સૌને એવું જ લાગ્યું સ્વપન, થયાં શ્રીહરિનાં દરશન. ૫૧

પ્રભાતે જન સૌ જ્યારે જાગ્યાં, સારાં શુકન ત્યારે થવા લાગ્યાં;

ફરક્યાં વામ અંગ સ્ત્રીયોનાં, જમણાં ફરક્યાં પુરુષોનાં. ૫૨

થયાં શાંત સરવ તણાં મન, દિસે નિર્મળ સર્વ ગગન;

શુક9 સારિકા10 શબ્દ ઉચારે, એવા શબ્દ સુણ્યા નહિ ક્યારે. ૫૩

વજાવ્યા વિના દુંદભિ વાજે, જાણે આનંદનો ઘન ગાજે;

હતા શત્રુ તે થૈ ગયા મિત્ર, બોલ્યા પ્રીતિનાં વચન વિચિત્ર. ૫૪

જે જે ધારેલાં દુષ્કર કામ, અનાયાસે થયાં એહ ઠામ;

ત્યારે સૌ મળી કીધો વિચાર, આજ સારા મળે સમાચાર. ૫૫

એવાં ચિહ્ન જણાય છે આજ, કાં તો આવી મળે મહારાજ;

કાં તો આપણને ત્યાં તેડાવે, એવી કોઈ વધામણી લાવે. ૫૬

ઉપજાતિવૃત્ત (ચેતવા વિષે)

વર્ણી કહે સાંભળ સુજ્ઞ રાય, જ્યારે બહુ ચિહ્ન ભલાં જણાય;

ત્યારે જે જે કામ કર્યાનું ધારે, મનોરથો તે જન સર્વ સારે. ૫૭

જ્યારે પડે સૌ અવળા જ પાસા, જ્યાં ત્યાં અકીર્તી જ અને નિરાશા;

ચતૂર ચેતે ચિત માંહિ ત્યારે, મમત્વ ને માન બધું વિસારે. ૫૮

ન જુદ્ધ કીજે પડતી દશામાં, નમી જવું નિશ્ચય તે સમામાં;

શત્રૂનિ સાથે પણ સ્નેહ થાય, એવા જ ત્યારે કરવા ઉપાય. ૫૯

અશુભ ચિહ્નો અગણીત હોય, ચેત્યો નહીં રાવણ રાય તોય;

મમત્વ તેણે મનનો ન મૂક્યો, ચતૂર શેનો ચતુરાઈ ચૂક્યો. ૬૦

પુષ્પિતાગ્રાવૃત્ત

શુકન સરસ જાણિ જાણ્યું રાય, જરુર મનોરથ આજ સિદ્ધ થાય;

દ્વિજવર શુભ પત્ર તત્ર લાવ્યો, મહિપતિ લૈ નિજ મસ્તકે ચડાવ્યો. ૬૧

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પંચમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

અભયનરપતિસ્વપ્ને શ્રીહરિદર્શનનામા ષડ્‌વિંશતિતમો વિશ્રામઃ ॥૨૬॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે