કળશ ૫

વિશ્રામ ૨૭

પૂર્વછાયો

પત્ર વાંચ્યો ઘણા પ્રેમથી, તેમાં શામના સુણિ સમાચાર;

અભયનૃપ સકુટુંબને, વધ્યો ઉર ઉમંગ અપાર. ૧

ભૂપતિ બ્રાહ્મણને કહે, તમે મોટો કર્યો ઉપકાર;

પ્રાપ્તિ થવા પરમેશની, લાવ્યા વધામણી એહ વાર. ૨

આપું શું તમને આ સમે, અહો સુણો રુડા દ્વિજરાય;

રાજ બધું જો આપિયે, આજ એ પણ અલ્પ ગણાય. ૩

એમ કહીને આપિયાં, ભલાં ભૂષણ વસ્ત્ર અમૂલ્ય;

મસ્તક ચરણે નમાવિયું, જાણ્યું તે પણ નથી તે તુલ્ય. ૪

ભાવે દીધું ભોજન ભલું, બીજા જમાડિયા દ્વિજ સંત;

સ્નેહી સગાંને જમાડિયાં, જાણી હર્ષનો દિવસ અત્યંત. ૫

પછી જવા કારિયાણીયે, નરનાથ થયા તૈયાર;

પુત્ર તથા નિજ પુત્રિયો, સહુ સાથે લીધો પરિવાર. ૬

એક રથે બે રાણિયો, બેઠી પ્રભુને કરીને પ્રણામ;

જેહ તણાં રુડાં જાણિયે, સોમાદેવી ને સુરપ્રભા નામ. ૭

ચોપાઈ

જીવુબાઈ અને લાડબાઈ, એ બે પુત્રિયો મોટી ગણાઈ;

બિજા રથમાં બિરાજિયાં તેહ, જેનો શ્રીહરિ પર બહુ સ્નેહ. ૮

પાંચુબાઈ તથા નાનબાઈ, નૃપ પુત્રિયો વય લઘુતાઈ;1

ત્રીજા રથમાં તે બેઠિયો જૈને, મુખે શ્રીહરિનું નામ લૈને. ૯

ચોથા રથમાં બેઠા સગા સ્નેહી, એકમાં નૃપ અભય વિદેહી;

દાદો નામે કુંવર નિજ સાથે, બેસાર્યો રથમાં નરનાથે. ૧૦

સુરબાઈનો તે સુત સારો, ભાવથી પ્રભુને ભજનારો;

નૃપનો જમાઈ નાગમાલો, ઘેલો ધાધલ ભૂપનો સાળો. ૧૧

એ બે અશ્વે થયા અસવાર, બીજા અસવારનો નહિ પાર;

સાથે દાસિયો ને બહુ દાસ, ખિજમતદાર2 ઝાઝા ખવાસ.3 ૧૨

શુરવીર લીધા ઘણા સંગે, અસ્ત્ર શસ્ત્ર ધરી લીધાં અંગે;

મળી શુકને સવત્સી4 ગાય, આવી જળ ભરી સામી કન્યાય. ૧૩

મળ્યા વિપ્ર તે વેદ ભણેલા, તેણે કેસર તિલક કરેલાં;

નરનાથે નમસ્કાર કીધો, ત્યારે તેણે આશીર્વાદ દીધો. ૧૪

સામો માળી મળ્યો છાબ ભરી, તેણે હારતોરા ભેટ ધરી;

લૈને મહોર એને આપી રાજ, હાર તોરા રાખ્યા હરિ કાજ. ૧૫

પછી પંથમાં કીધું પ્રયાણ, ધરી શ્રીહરિમાં મન પ્રાણ;

ઘનશામનું નામ ઉચ્ચારે, વળી ચિત્તમાં એમ વિચારે. ૧૬

મને આજ મહાપ્રભુ મળશે, ઘણા દિનના મનોરથ ફળશે;

મારાં સિદ્ધ થશે સર્વ કાજ, મને બોલાવશે મહારાજ. ૧૭

વાટે જાય વિચારતા આમ, ત્યાં તો આવ્યું ઉગામેડી ગામ;

પછિ આવિયું ગામ નિંગાળું, ઝીંઝાવદર ઝડપથી ભાળ્યું. ૧૮

એમ આઠ ગાઉ ગયા છેક, કારિયાણી રહી ગાઉ એક;

ધરી ઉર હરિનો મહિમાય, તજિ વાહન ચાલિયા પાય. ૧૯

પુર પાસે આવે જેમ જેમ, અંગે ઉપજે હરખ તેમ તેમ;

જાણે જો પાંખવાળો હું થાઉં, ઉડી તરત પ્રભુ પાસે જાઉં. ૨૦

ગયો આગળ એક સવાર, તેણે જૈને કહ્યા સમાચાર;

ત્યારે સંબંધીજન સંગ લૈને, માંચોભક્ત મળ્યા સામા જૈને. ૨૧

સારી રીતે કરી સનમાન, લાવ્યા સ્નેહ સહિત સ્વસ્થાન;

આપ્યો ઉત્તમ ભુવને ઉતારો, શણગારી તે રાખેલો સારો. ૨૨

ક્યાં છે કૃષ્ણ ક્યાં છે હરિકૃષ્ણ? એમ પૂછે વારે વારે પ્રશ્ન;

અતિ આતુર મળવાને કાજ, થયા ઘેલા તે ગઢપુરરાજ. ૨૩

ગયા સૌ મળી શ્રીહરિ પાસ, પેખ્યો ત્યાં પણ પૂર્ણ પ્રકાશ;

માંચાભક્તે કહ્યા હતા જેવા, સ્વપ્નામાં દીઠા હતા તેવા. ૨૪

જોયા મુક્તો વિષે મહારાજ, દીઠો ત્યાં બધો દિવ્ય સમાજ;

દંડવત કરીને નિજ દેહ, નમ્યા કુંવર સહિત નૃપ તેહ. ૨૫

વદતાં મુખે ગદગદ વાણી, આવ્યાં પ્રેમનાં નેણમાં પાણી;

અહો નાથ! અહો નાથ! કહી, શીશ ચરણે નમાવિયું સહી. ૨૬

મહારાજે મુક્યો શિર હાથ, ઉઠી ભૂપને ભેટિયા નાથ;

પછી આસને સારે બેસાર્યા, પ્રભુ સ્નેહના શબ્દ ઉચ્ચાર્યા. ૨૭

કર્યા બાઇયોએ તેહ ઠામ, પ્રભુજીને પંચાંગ પ્રણામ;

પછી ચંદન આદિ મંગાવી, ભૂપે પૂજા કરી પ્રેમ લાવી. ૨૮

ભૂપે ભાવ ભલો મન ધારી, સ્તુતિ જુગ કર જોડી ઉચ્ચારી;

જય જય પ્રભુ પ્રાણજીવન, જય જય ભક્તિધર્મના તન. ૨૯

હરિગીત છંદ

જય ધર્મબાળ વિશાળ જશ જનપાળ દીનદયાળ છો,

ઉર કુસુમમાળ વિશાળ ધર પ્રભુ કાળના પણ કાળ છો;

કળિકાળ અતિ વિકરાળમાં કરુણાનિધી કરુણા કરી,

મહારાજ આજ સમાજ લૈ અમ કાજ પ્રગટ થયા હરી. ૩૦

બહુનામિ સૌના સ્વામિ અંતરજામિ અક્ષરધામિ છો,

નથિ ખામિ રિપુ છો વામિના ખગગામિ5 નર નિષકામિ છો;

ગુણ ગાય નારદ શેષ શારદ અંત ન શકે ઉચ્ચરી,

મહારાજ આજ સમાજ લૈ અમ કાજ પ્રગટ થયા હરી. ૩૧

જય જય મુરારી અભયકારી ધર્મ ધીરજ ધારિ છો,

અસુરારી ધર્મોદ્ધારી સદઆચારિ અચળ વિચારિ છો;

મુનિ તપ કરે મખ6 આદરે છબિ મન ધરે વનમાં ઠરી,

મહારાજ આજ સમાજ લૈ અમ કાજ પ્રગટ થયા હરી. ૩૨

વ્રત દાન તીર્થસ્નાન સર્વ નિદાન તમને પામવા,

શ્રુતિવરણ7 શ્રવણે ધરણ8 તે તવ ચરણમાં ચિત જામવા;

મહાકાળ જે વિકરાળ તે તવ હુકમમાં ચાલે ડરી,

મહારાજ આજ સમાજ લૈ અમ કાજ પ્રગટ થયા હરી. ૩૩

અણમાપ આપ પ્રતાપ છે પરિતાપ હર નિષ્પાપ છો,

છે ચિહ્ન ચરણે ચાપનું9 ધરિ છાપ ઈશ્વર આપ છો;

તવ દાસ થાય સદાય તે જન જાય ભવસાગર તરી,

મહારાજ આજ સમાજ લૈ અમ કાજ પ્રગટ થયા હરી. ૩૪

તવ ભક્ત વિષય વિરક્ત થૈ આસક્ત તવ પદમાં થશે,

તે મુક્ત થૈ સુખયુક્ત અક્ષરમુક્ત માંહિ સદા વસે;

તે મરણ કે અવતરણ ભવમાં ફરણ10 નવ પામે ફરી,

મહારાજ આજ સમાજ લૈ અમ કાજ પ્રગટ થયા હરી. ૩૫

ધરિ પ્યાર વારમવાર જગદાધાર ચરણે લાગિયે,

દ્યો જ્ઞાનદાન કૃપાનિધાન અમે મુખે એ માગિયે;

મુજવાસ વાસ વસો સદા ગણી દાસ ખાસ દયા ધરી,

મહારાજ આજ સમાજ લૈ અમ કાજ પ્રગટ થયા હરી. ૩૬

ચોપાઈ

મારે વાસ વસો મહારાજ, અમે તેડવા આવિયા આજ;

સ્તુતિ સાંભળીને એવી કાને, તથા અસ્તુ કહ્યું ભગવાને. ૩૭

વળી બોલિયા સુંદર શામ, અમે આવ્યા હતા તવ ગામ;

ત્યારે નવ થયો જોગ અમારો, પણ જાણ્યો મેં પ્રેમ તમારો. ૩૮

માટે ગામ તમારે આવીશ, તહાં દર્શન સૌને દઈશ;

રુડી ઉન્મત્તગંગા વહે છે, અતિ વાલું મને સ્થાન એ છે. ૩૯

ત્યારે ઉભા થઈ જોડી હાથ, માંચો ખાચર બોલ્યા હે નાથ!

ઘણે કાળે કરી કાંઈ મહેર, ઘનશામ આવ્યા મુજ ઘેર. ૪૦

માટે હમણાં વસો આંહીં વાસ, કરો પૂરી અમારી આશ;

સગા જાણી તેડાવ્યા મેં જ્યારે, ભૂપ અભય પધાર્યા છે ત્યારે. ૪૧

તે તો અક્રુરના જેવું કામ, કરવાને બેઠા છે આ ઠામ;

પ્રાણનાથને ત્યાં તેડી જાવા, આદરે છે ઉપાય તે આવા. ૪૨

પછી બોલ્યા પોતે પરમેશ, તમે ચિંતા ન રાખશો લેશ;

પંચમી તો વસંતની કરશું, પછી અત્રથી તત્ર વિચરશું. ૪૩

ભૂપ અભય પ્રત્યે ભગવાન, કહે સાંભળો નૃપ ગુણવાન;

હું તો જાણું છું પ્રેમ તમારો, પણ એવો વિચાર છે મારો. ૪૪

મેળો આંહિ વસંતનો ભરવો, અતિ ઉત્તમ ઉત્સવ કરવો;

પછી આવશું ગામ તમારે, નથિ સંશય એમાં લગારે. ૪૫

કહે ભૂપ સુણો પ્રભુ તમે, રહેશું આંહિ ત્યાં સુધી અમે;

દયાસિંધુનાં દરશન કરશું, સાથે લૈને સ્વગેહ11 વિચરશું. ૪૬

સુણી હરખ્યા હરિ તે વાર, નૃપતીનો કર્યો સતકાર;

પછી લૈ પ્રભુનો અભિપ્રાય, બંદોબસ્ત કર્યો નિજરાય. ૪૭

ઘેલો ધાધલ ને નાગમાલો, કહ્યું તેને તમે આજ ચાલો;

ગઢપુરમાં જઈ સ્થિર ઠરજો, મુજ રાજ્યનું રક્ષણ કરજો . ૪૮

એવું સાંભળીને એ તો ગયા, પરિવાર સહિત નૃપ રહ્યા;

કરે નાથનાં દર્શન નિત્ય, કથા વાત સુણે ધરિ ચિત્ત. ૪૯

માંચે ખાચરે મન ધરિ પ્યાર, આપ્યું નાણું શ્રીજીને અપાર;

એનું ઉપયોગ કરવાનું ધારી, વૃષવંશીયે વાત વિચારી. ૫૦

અસુરે અવતાર ધર્યા છે, વિષ્ણુયાગ તો બંધ કર્યા છે;

જેમાં હિંસા કર્યાનું બતાવે, એવા ચંડિના યજ્ઞ કરાવે. ૫૧

માટે તે મત ખંડન કરૂં, વિષ્ણુયાગ વિમળ12 આદરૂં;

લોક યજ્ઞમાં લાખો ભરાય, તેને પાણી પુરું નવ થાય. ૫૨

માટે મોટું તળાવ ખોદાવું, તેમાં નીર સજીવન13 લાવું;

વારી વાવરે લોક અપાર, તોય તાણ પડે ન લગાર. ૫૩

પછી સારી દિવસ જોવરાવ્યો, ખોદવાનો સામાન મંગાવ્યો;

ગામથી દિશા ઉત્તરમાંય, સર ખોદાવા માંડિયું ત્યાંય. ૫૪

પ્રાતઃકાળમાં ભોજન કરી, થાય તૈયાર ત્યાં જવા હરી;

સારી ઘોડી સજિત શણગાર, પ્રભુ થાય તે પર અસવાર. ૫૫

સખામંડળ સંચરે સાથ, સુણો નામ તેનાં નરનાથ;

મહીનાથ અભય ને માંચો, જેનો સ્નેહ સંપૂરણ સાચો. ૫૬

મોકો ખાચર સોમલો સુરો, અલૈયો ને જીવો પ્રેમી પૂરો;

બીજા હરિજનનો નહિ પાર, કરે કીર્તન વાટે ઉચ્ચાર. ૫૭

વાજાં વિવિધ પ્રકારનાં વાજે, છડીદાર તણા શબ્દ છાજે;

ખીજડો સારો સરવર14 પાળે, તેની છાયામાં ઢોલિયો ઢાળે. ૫૮

બેસે તે પર શ્રીઘનશામ, કરે હરિજન ખોદ્યાનું કામ;

સહુ જયજય શબ્દ ઉચ્ચારે, કામ કરતાં તે કોઈ ન હારે. ૫૯

સાંજ સુધી કરે એમ કામ, પછી સૌને ભેટે ઘનશામ;

કચરાળાં થયાં વસ્ત્ર હોય, હરિ હેતે મળે તેને તોય. ૬૦

આપે પુષ્પ પ્રસાદિના હાર, આપે ચરણ તે છાતિ મોઝાર;

માથે કોઈને મુકે છે હાથ, દેખાડે છે પ્રસન્નતા નાથ. ૬૧

તપ કરતા મોટા ઋષિરાય, તન પર રાફડા વળી જાય;

તોય દર્શન દેતા ન જેહ, આજ રિઝ્યા સહજમાં તેહ. ૬૨

અહો ભાગ્ય અહો મહાભાગ્ય, જે જે આવ્યા જનો એહ જાગ્ય;

તેનાં પુણ્ય તણો નહિ પાર, શું વખાણિયે વારમવાર! ૬૩

પછી પુરમાં પધારે મોરારી, ગાજતે વાજતે ગિરધારી;

વાત દેશમાં વિસ્તરી જ્યારે, હજારો જન આવિયા ત્યારે. ૬૪

નિત્ય નિત્ય લીલા નવી થાય, જોવા દેવ આવે નભમાંય;

બ્રહ્મા આદિ ધરિ સંત વેષ, કરે જૂથમાં આવિ પ્રવેશ. ૬૫

પુષ્પિતાગ્રાવૃત્ત

જને કૃત હરિ જોઈ રાજિ થાય, જન મન તેમ ઉમંગ તો ન માય;

પરમ પુનિત તે ચરિત્ર જેણે, નજર નિહાળ્યું લિધો સુલાવ તેણે. ૬૬

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પંચમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

કારિયાણીપુરે શ્રીહરિ-અભયનૃપમિલનનામા સપ્તવિંશતિતમો વિશ્રામઃ ॥૨૭॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે