કળશ ૫

વિશ્રામ ૨૮

પૂર્વછાયો

લીલા શ્રીહરિની નિરખવા, સતસંગીનો આવે સમાજ;

જીવા ખાચર ગઢપુર થકી, ત્યારે આવિયા દર્શન કાજ. ૧

ચોપાઈ

સાથે પુત્રી છે અમૂલાબાઈ, બીજી અમરબાઈ ગણાઈ;

મુળુ ખાચર આવિયા સાથ, નેહે નિરખિયા નટવર નાથ. ૨

ખાસી રીતે તળાવ ખોદાય, સહુ ત્યાં મળી દર્શને જાય;

ભૂખ્યા થાય જનો તેને કાજ, કરે એવું શ્રીજીમહારાજ. ૩

આગલે દિવસ સંધ્યાકાળે, બાજરો ડોઢ કળશી1 પલાળે;

બીજે દિવસ બપોરને ટાણે, કામ ચાલતું હોય ત્યાં આણે. ૪

પ્રભુ પોષ2 ભરી ભરી દેય, સહુને તે પહોંચી રહેય;

જ્યારે આવ્યું સજીવન નીર, નાહ્યા તે વિષે શાખશરીર. ૫

પ્રેમથી પ્રભુએ જળ પીધું, ચરણામૃત સૌ જન લીધું;

ત્રણ માસ લગી તેહ ઠામ, રાખ્યું ખોદ્યાનું ચાલતું કામ. ૬

વળી તેહ તળાવ મોઝાર, દિશા પશ્ચિમમાં તેહ ઠાર;

પૂર્વ પશ્ચિમ કુંડ કરાવ્યા, રામ ને ભીમ કુંડ ઠરાવ્યા. ૭

તેમાં નાહ્યા મોટા મોટા સંત, ઘણી વાર નાહ્યા ભગવંત;

તેથી તીર્થ મોટું એહ આજ, કોણમાત્ર તે પુષ્કરરાજ. ૮

સર્વ તીરથ વસે ત્યાં કણે, ગંગા ગોમતીને કોણ ગણે?

પાણી પુષ્કળ ત્યાં થયું જ્યારે, વિષ્ણુયાગ આરંભિયો ત્યારે. ૯

શ્રૌત3 સ્માર્ત4 ક્રિયા જાણનાર, ત્યાં તો તેડાવ્યા વિપ્ર અપાર;

પૂર્તકર્મ તળાવનું કર્યું, પછી યજ્ઞનું કામ આદર્યું. ૧૦

ઘણા વિપ્ર વરૂણીમાં વર્યા, પાઠ વિષ્ણુસહસ્રના કર્યા;

નિત્ય બ્રાહ્મણ ભોજન થાય, તે તો ગણતાં નહીં જ ગણાય. ૧૧

દિશા પશ્ચિમે સરોવર પાળે, ચોકા5 ચાળીશ કીધા તે કાળે;

સવા માસ સુધી તેહ ઠાર, જમ્યા વિપ્ર હજારો હજાર. ૧૨

મોટો મંડપ કુંડ કરાવ્યો, પુર્ણાહૂતિનો દિન આવ્યો;

કર્યો હોમ ભલો એહ કાળે, ઘૃત હોમ્યું ઘણું પરનાળે. ૧૩

વિષ્ણુયાગ પુરો એમ કર્યો, અતિરુદ્ર પછીથી આદર્યો;

એક અવસરે જમવાને ટાણે, ઘૃત ખૂટિ પડ્યું તે ઠેકાણે. ૧૪

પ્રભુ અશ્વે થઈ અસવાર, વિચર્યા ઘૃત લેવા તે વાર;

તલબાવળાં છે ત્યાંથી પાસ, ગયા ત્યાં સુધી શ્રીઅવિનાશ. ૧૫

ઘીનાં કુલ્લાંનું ચોકિયું ગાડું, આડે રસ્તે જતું હતું આડું;

હરિ તે તો હંકાવીને લાવ્યા, ઘીનાં કુલ્લાં તે ખાલિ કરાવ્યાં. ૧૬

પછી ગાડું તે કઈ દશે ગયું, તે તો કોઈની નજરે ન થયું;

સૌને અચરજ ઉપજ્યું અમાપ, જાણ્યો પ્રૌઢ પ્રભુનો પ્રતાપ. ૧૭

એવાં ઐશ્વર્ય અપરમપાર, પ્રભુ દેખાડે વારમવાર;

અતિરુદ્ર કર્યો એવી રીતે, અક્ષરાધીશ અક્ષરાતીતે. ૧૮

દીધાં દ્વિજને નાનાવિધિ દાન, જેજેકાર કર્યો ભગવાન;

વળી આશ્ચર્યની એક વાત, સુણો ભૂપ અભેસિંહ ભ્રાત. ૧૯

જેકુંવર એક ઉંઝાની બાઈ, તે તો એક જ શિંઘોડું ખાઈ;

નિત્ય નિત્ય કરે ઉપવાસ, એમ વીતિ ગયા ઘણા માસ. ૨૦

પ્રતિદિવસ દાણા મણ દળે, લોટ સંઘના લોકને મળે;

એવો ભક્તિમાં તેહનો ભાવ, કામ કરવાનો અંગે ઉત્સાવ. ૨૧

ઉપજાતિવૃત્ત (ઉત્સાહ વિષે)

ઉત્સાહથી કામ ઘણું કરાય, આલસ્ય એમાં જરિયે ન થાય;

ઉત્સાહવાળો જન હોય જેહ, ક્ષુધા તૃષાને ન ગણે જ તેહ. ૨૨

જો માનવી નિર્બળ હોય અંગે, બલિષ્ઠ થૈ કામ કરે ઉમંગે;

જોરાવરે જે ન કરી શકાય, તે કામ ઉત્સાહ થકી કરાય. ૨૩

ઉત્સાહથી જે રણમાં ચડે છે, માથું પડે તો ધડ ત્યાં લડે છે;

સતી કરે પાવકમાં6 પ્રવેશ, ઉત્સાહથી કષ્ટ ગણે ન લેશ. ૨૪

કષ્ટે કરી જે જન મૂડિ જોડે,7 ન પ્રાણ જાતાં પણ પાઇ તોડે;8

ઉત્સાહ એનાં ઉર માંહિ આવે, તો દ્રવ્ય તે એક દિને ઉડાવે. ૨૫

ઉત્સાહથી જાય ઉપાડિ ભાર, ઉત્સાહથી જાય સમુદ્ર પાર;

ઉત્સાહ જો અંતરમાં ન હોય, કરી શકે કામ કશું ન કોય. ૨૬

ઉત્સાહવાળું મન હોય જેવું, તેના થકી કામ કરાય તેવું;

જે કામ ઉત્સાહ વિના કરાય, તે વેઠિયું કામ નજીવું થાય. ૨૭

એકાદશીનો ઉપવાસ હોય, સંતો કરે કામ તળાવ તોય;

ઉત્સાહ જેના મનમાં અમાપ, ગણે ન વૃષ્ટી તન ટાઢ તાપ. ૨૮

મહાપ્રભુનો મહિમા વિચારે, તે પ્રાપ્તિ જ જીવ અમૂલ્ય ધારે;

ઉત્સાહ તેના ઉરમાં ન માય, તેના થકી શું ન કરી શકાય? ૨૯

ચોપાઈ

કરે ઉત્સાહથી સહુ કામ, રાજી થાય જોઈ ઘનશામ;

પંચમી ત્યાં વસંતની આવી, ભક્તિનંદનને મન ભાવી. ૩૦

મણ ઝાઝા ગુલાલ મંગાવ્યો, રંગ વિવિધ પ્રકાર રચાવ્યો;

પ્રભુ સંતને હરિજન સંગે, રમ્યા રંગે ઉમંગથિ અંગે. ૩૧

એમ ઉત્સવ અદભુત કર્યો, તે તો ધ્યાનમાં મુનિજને ધર્યો;

સમૈયા પછી શ્રીહરિરાય, સંઘ સર્વને કીધા વિદાય. ૩૨

પણ વાત તો એવી વિસ્તરી, દુર્ગપુરમાં પધારશે હરી;

ફુલડોલ ઉત્સવ તહાં કરશે, અતિ અદભુત લીલા આદરશે. ૩૩

માટે દૂરદેશી જન જેહ, રહ્યા શ્રીહરિની સાથે તેણ;

ગામ બોટાદના દૃઢ ધીર, સાખે ખાચર નામ હમીર. ૩૪

ભગો દોશી ને સોમલોભક્ત, જેનાં મન હરિચરણ આસક્ત;

સૌયે વિનતિ કરી શિર નામી, આવો બોટાદમાં બહુનામી. ૩૫

દીનબંધુ દયા દિલ ધરો, અમારા ઘર પાવન કરો;

એવી વિનતી સુણીને તે ઠામ, ગિરિધર ગયા બોટાદ ગામ. ૩૬

ભક્ત હમીરને દરબાર, ઉતર્યા જૈ જગત આધાર;

વસ્યા બે દિન ત્યાં પ્રભુ વાસ, દિલે રાજી થયા સહુ દાસ. ૩૭

કારિયાણીયે પાછા પધાર્યા, ત્યાંના ભક્તોના હરખ વધાર્યા;

માઘકૃષ્ણ એકાદશી આવી, ભૂપ અભયે ત્યાં વિનતિ સુણાવી. ૩૮

પંચમી તો વસંતની ગઈ, પ્રભુ આજ એકાદશી થઈ;

ચાલો ગઢપુર શ્રીગિરિધારી, કરો પૂરણ આશા અમારી. ૩૯

સુણી બોલ્યા શ્રીજીમહારાજ, ચાલો આવશું આજ ને આજ;

માંચા ખાચરની રજા લૈને, ત્યાંથી ચાલિયા તૈયાર થૈને. ૪૦

માંચો ખાચર આવ્યા વળાવા, મન વૃત્તિ પ્રભુમાં ઠરાવા;

સોમલો તથા ખાચર સુરો, જેનો પ્રેમ પ્રભુ વિષે પૂરો. ૪૧

કારિયાણીને સીમાડે આવ્યા, માંચા ભક્તને પાછા વળાવ્યા;

સોમ સુરને કહે ઘનશામ, તમે જાઓજી તમારે ગામ. ૪૨

ત્યારે તે બોલ્યા જોડીને હાથ, અમને તો રાખો આપ સાથ;

જુદા તમ થકી નહીં રહેવાય, પળ એક તે જુગ જેવી જાય. ૪૩

વાત શી કહીયે મુખે ઘણી, તમે જાણો છો અંતર તણી;

એવું સાંભળીને મુનિનાથે, રાખ્યા તેઓને પોતાની સાથે. ૪૪

અમે ખાચર સહ પરિવાર, જીવો ખાચર પણ ધરી પ્યાર;

ચાલ્યા શ્રીઘનશામને સંગ, તેના મનમાં છે મોટો ઉમંગ. ૪૫

બીજા પણ મહારાજના મિત્ર, ઘણા ક્ષત્રિ છે પરમ પવિત્ર;

વર્ણિ મુખ્ય છે મુકુંદાનંદ, મુક્તાનંદ પ્રમુખ મુનિવૃંદ. ૪૬

મયારામ ભટાદિ ગૃહસ્થ, શ્રીજી સંગ ચાલે થઈ સ્વસ્થ;

પ્રભુ આવ્યા દુરગપુર પાસ, થઈ પુરમાં તે વાત પ્રકાશ. ૪૭

ભોકો ખાચર જીવા ખાચરના, રામો ખાચર મૂળુ ખાચરના;

પ્રભુ ભક્તિમાં તે અનુરાગ્યા, નગરી શણગારવા લાગ્યા. ૪૮

ઘેલો ધાધલ ને નાગમાલે, શણગાર્યું શહેર તે કાળે;

છંટકાવિયા રસ્તા વળાવી, બાંધ્યાં તોરણો દરવાજે આવી. ૪૯

વાવટા9 પચરંગી ચડાવ્યા, ચારુ ચૌટા ને ચોક શોભાવ્યા;

પ્રભુ આવવાની જાણી પેર, ઘણો હરખ વધ્યો ઘેર ઘેર. ૫૦

શ્રીજી સાથે હતો સંઘ જેહ, કેવું દેખે દુરગપુર તેહ;

ગામથી દિશા દક્ષિણ માંય, વહે ઉન્મત્તગંગા તે ત્યાંય. ૫૧

તેનાં નીર પ્રવાહનો ઘોષ, સુણતાં થઇયે નિરદોષ;

તેનું નીર કદાપિ ન ખૂટે, બારે માસ પ્રવાહ ન તૂટે. ૫૨

દિશા ઉત્તરમાં બહુ બાગ, એની શોભા તો દીસે અથાગ;

આંબા આંબલિયો ને અનાર,10 પુષ્પજાતિ તણો નહીં પાર. ૫૩

ખૂબ છે નાળિયેરી ખજૂરી, કદળી11 પણ પેખિયે પૂરી;

આસોપાલવ વૃક્ષ અનેક, દિસે સરસ તે એકથી એક. ૫૪

કોકિલા12 બોલે મધુરા બોલ, કરે પક્ષીનાં વૃંદ કલ્લોલ;

કળા પૂરી13 કળાધર14 નાચે, જાણે શ્રીહરિને જોઈ રાચે. ૫૫

કુવા વાવ્ય શોભે તેહ સ્થાન, પાણી મીઠાં પીયૂષ15 સમાન;

તેહ નીરનું જે કરે પાન, બહુ થાય તે તો બળવાન. ૫૬

સુણો રુડા અભેસિંહ રાજ, રાધાવાવ્ય છે જે સ્થળ આજ;

સારો બાગ હતો તેહ ઠામ, આવી ઊતર્યા ત્યાં ઘનશામ. ૫૭

નેણે નિરખવા ધર્મકુમાર, પુરના જન ઉલટ્યા અપાર;

તેણે નીરખીને હરખે છે સર્વ, જાણે આવ્યું અનુપમ પર્વ. ૫૮

કરી નિત્યક્રિયા પરમેશે, પેંડા બરફી મંગાવ્યાં નરેશે;

ભાવ જોઈ જગ્યા ભગવાન, પછી આરોગિયા બીડિપાન. ૫૯

પુષ્પિતાગ્રાવૃત્ત

પરમપુરુષ અક્ષરાધિનાથ, નરતનુ ધારિ અનેક મુક્ત સાથ;

પ્રભુ ગઢપુર તે સ્વયં પધાર્યા, જનમન મોદ અનેકધા16 વધાર્યા. ૬૦

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પંચમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અમયસિંહનૃપસંવાદે

શ્રીહરિ કારિયાણીપુરાત્-દુર્ગપુરઆગમનનામા અષ્ટાવિંશતિતમો વિશ્રામઃ ॥ર૮॥

 

॥ ઇતિ શ્રીહરિલીલામૃતે સૌરાષ્ટ્રનામ પંચમકલશઃ સંપૂર્ણઃ ॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે