કળશ ૫

વિશ્રામ ૩

પૂર્વછાયો

કહે અચિંત્યાનંદજી, સુણો ભૂપતિ સદગુણવાન;

શીતળદાસ તણું કહું, પામી પ્રસંગ શુભ આખ્યાન. ૧

ચોપાઈ

ઝરણાપરણાના નિવાસી, એક વિપ્ર જગતથી ઉદાસી;

ૠષિ એકલશૃંગીના વંશી, જેવા ઈશ્વરના હોય અંશી. ૨

અંગે ધારી વેરાગીનો વેશ, ચાલ્યા ફરવાને દેશ વિદેશ;

જાણે જોઉં તીરથનાં સ્થાન, મળે ક્યાંઈ પ્રગટ ભગવાન. ૩

જોયાં તીર્થમાં સ્થાન અપાર, આવ્યા પશ્ચિમ દેશ મોઝાર;

વાત સાંભળી ત્યાં એવી કાન, રામાનંદ છે શ્રીભગવાન. ૪

તેનાં દર્શન કરવાને કામ, ચાલી આવ્યા તે ફણેણી ગામ;

કહી ત્યાં કોઇયે વાત એહ, રામાનંદ તજી ગયા દેહ. ૫

તેને તેર દિવસ જ થયા, ગાદી વર્ણીને સોંપીને ગયા;

પછી કરવાને કાંઈ તપાસ, સાધુ આવ્યા તે શ્રીહરિ પાસ. ૬

સાધુ શીતળદાસ છે નામ, કર્યો જઈ પ્રભુપદને પ્રણામ;

શ્રીજીયે જાણ્યું સાધુ છે સારો, એને આપ્યો એકાંતે ઉતારો. ૭

સાધુ એવા વિચાર તે લાવ્યા, રામાનંદ સ્વધામ સિધાવ્યા;

પણ સાધુ છે તેહના ધન્ય, કરું તેને તો પ્રથમ પ્રસન્ન. ૮

પછીથી પ્રભુ ખોળવા કામ, જાઉં જૈ ફરીને ચારે ધામ;

મહારાજ મને ક્યાંઈ મળશે, મારા ચિત્તની ચિંતા તો ટળશે. ૯

એમ કરતાં વીતી ગઈ રાત, થયું ચૌદમા દિનનું પ્રભાત;

શ્રીજી બેઠા સભા સજી જ્યારે, આવ્યા શીતળદાસ ત્યાં ત્યારે. ૧૦

સભામાં બેશી સાંભળી વાત, જાણ્યા મોટા પુરુષ સાક્ષાત;

ચિત્ત ચાલવા કીધો વિચાર, બોલ્યા અંતરજામી તે વાર. ૧૧

કરો ચાલવાનું ચિત્ત કેમ? કરો કેમ ઉતાવળ એમ?

સાધુ બોલિયા જોડીને હાથ, મારી વિનતિ સુણો મુનિનાથ. ૧૨

રામાનંદનાં દર્શન કાજ, અહિ આવ્યો હતો હું તો આજ;

હતી આશા તે નિષ્ફળ થઈ, પ્રભુ ખોળું બીજે સ્થળ જઈ. ૧૩

સુણી બોલ્યા શ્રીજીમહારાજ, રામાનંદને મેળવું આજ;

કરો આજ અહિં સ્થિર વાસ, થશે પૂર્ણ તમારી તે આશ. ૧૪

કહે સાધુ મળે રામાનંદ, ત્યારે તો અતિ ઉપજે આનંદ;

સુણી બોલિયા સુંદરશામ, રટો સ્વામિનારાયણ નામ. ૧૫

લાગ્યા નામ તે રટવાને જ્યારે, થઈ તેને સમાધિ તે વારે;

સમાધિ વિષે શીતળદાસ, ગયા અક્ષરધામ નિવાસ. ૧૬

પૂર્વછાયો

કોટિ કોટી શશી સૂર્ય સમ, અતિ શીતળ સુખદ અનંત;

એવા તેજોમય ધામમાં, દીઠા પુરુષોત્તમ ભગવંત. ૧૭

જે છબી જોઈ ફણેણીમાં, દીઠી એ જ પ્રત્યક્ષ પ્રમાણ;

અનંત અક્ષરમુક્ત મળી, સજે સેવા પરમ સુજાણ. ૧૮

ઉભા સ્તુતિ કરે આગળે, મત્સ્યાદિક ચોવિશ અવતાર;

ઉભા સ્વામી રામાનંદ પણ, કરે એહના ગુણ ઉચ્ચાર. ૧૯

શીતળદાસે શ્રીજીની, કરી પૂજા ધરીને પ્રેમ;

અનંત મુક્તને પૂજવા, કરી ઇચ્છા પૂજે પણ કેમ? ૨૦

શ્યામે શીતળદાસને, કહ્યું ધરો અનંત સ્વરૂપ;

અનંત મુક્તને એક ક્ષણમાં, પૂજા કરો મુનિભૂપ. ૨૧

ત્યારે તેણે કર જોડીને, કહ્યું મુજથી તે કેમ થાય?

શ્રીજી કહે નિજ અંતરે, તમે એવી કરો ઇચ્છાય. ૨૨

આ રામાનંદસ્વામી તે, હોય પુરુષોત્તમ ભગવંત;

તો તેહના જ પ્રતાપથી, મારાં દેખાય રૂપ અનંત. ૨૩

શીતળદાસે ધારિયું, પણ સિદ્ધ થયું ન લગાર;

ત્યારે વળી શ્રીજી કહે, જુઓ ચોવીશ આ અવતાર. ૨૪

તે પ્રત્યેક વિષે તમે, ચિત્તે કરો એમ વિચાર;

તે પુરુષોત્તમ હોય તો, મારાં થાય સ્વરૂપ અપાર. ૨૫

કર્યો એવો સંકલ્પ તે, જ્યારે સુફળ ન થયો લેશ;

ચિંતવન એવું મુજ વિષે, હવે કરો કહે પરમેશ. ૨૬

શીતળદાસે ધારિયું, સ્વામી આ છે સહજાનંદ;

તે પુરુષોત્તમ હોય તો, મારાં થાય સ્વરૂપનાં વૃંદ. ૨૭

તે સમે શીતળદાસનાં, ત્યાં તો રૂપ થયાં અગણિત;

અનંત મુક્તની એક ક્ષણમાં, પૂજા કરી ધરી પ્રીત. ૨૮

ચોપાઈ

રામાનંદજીની પૂજા કરી, કરી વિનતિ ભલો ભાવ ધરી;

તમે ભગવાન છો મહારાજ, હું તો આવ્યો’તો તમારે કાજ. ૨૯

સુણી બોલ્યા રામાનંદસ્વામી, ભગવાન તો અક્ષરધામી;

તમે જોયા ફણેણીમાં જેહ, જુઓ આ દિસે પ્રત્યક્ષ એહ. ૩૦

સર્વ અવતારના અવતારી, સરવોપરી વિશ્વવિહારી;

હું તો છું એના દાસનો દાસ, સજું સેવા રહી પ્રભુ પાસ. ૩૧

જાણો ઉદ્ધવ છે મારું નામ, કહે શ્રીહરિ તે કરું કામ;

સર્વ અવતાર એમાં સમાય, પોતે કોઈમાં લીન ન થાય. ૩૨

એવી વાત કહી જેહ વાર, થયા લીન બધા અવતાર;

સરિતાઓ મળે તે સાગરમાં, મળ્યા અવતાર સૌ હરિવરમાં. ૩૩

દીઠા અક્ષરપુરુષ અનેક, સૌના નિયંતા શ્રીહરિ એક;

એવા સમરથ શ્રીભગવાન, કોણ માત્ર તે પુરુષપ્રધાન. ૩૪

એવું આશ્ચર્ય નજરે નિહાળી, જાણ્યા પ્રત્યક્ષ શ્રીવનમાળી;

ભક્તિપુત્ર જાણ્યા ભગવાન, બીજો નહિં કોઈ તેહ સમાન. ૩૫

પછી સંતે શરીરમાં આવી, સભામાં બધી વાત સુણાવી;

રામાનંદ તણા શિષ્ય તોય, વાત માની શક્યા નહીં કોય. ૩૬

રામાનંદ જ છે ભગવાન, એવા નિશ્ચળ નિશ્ચયવાન;

કેમ માને તે તો બીજી વાત, બોલ્યા હાથ જોડી સાક્ષાત. ૩૭

અમને પણ ધામ દેખાડો, મન સંશય સર્વ મટાડો;

સુણી બોલિયા સુંદરશામ, રટો સ્વામિનારાયણ નામ. ૩૮

સભા સર્વ લાગી ધુન્ય કરવા, મન સંશય સૌ પરહરવા;

સમાધિ સર્વ ભક્તને થઈ, જોયું અક્ષરધામ તે જઈ. ૩૯

ત્યાં તો અક્ષરધામના ધામી, દીઠા શ્રી સહજાનંદ સ્વામી;

ઉભા સેવામાં શ્રીરામાનંદ, તથા અક્ષરમુક્તનાં વૃંદ. ૪૦

સર્વ શ્રીહરિને જ આધીન, થયા સૌ હરિરૂપમાં લીન;

આવું અચરજ દેખી અપાર, જાણ્યા સર્વેશ ધર્મકુમાર. ૪૧

પછી સર્વ સમાધિથી જાગ્યા, પ્રભુ પ્રત્યક્ષને પગે લાગ્યા;

વિનતિ કરી મસ્તક નામી, સરવોપરી છો આપ સ્વામી. ૪૨

પછી સાધુ તે શીતળદાસે, લીધી દીક્ષા મહાપ્રભુ પાસે;

નામ વ્યાપકાનંદ વરિષ્ઠ, થયા પરમ સમાધિનિષ્ઠ. ૪૩

એના પરચાની વાતો અનેક, તે તો જાણે છે સંત પ્રત્યેક;

પછી સ્વામિનારાયણ નામ, તેનો મહિમા કહ્યો ઘનશામ. ૪૪

ઉપજાતિવૃત્ત

જે સ્વામિનારાયણ નામ લેશે, તેનાં બધાં પાતક બાળી દેશે;

છે નામ મારાં શ્રુતિમાં અનેક, સર્વોપરી આ જ ગણાય એક. ૪૫

જો સ્વામિનારાયણ એક વાર, રટે બીજાં નામ રટ્યાં હજાર;

જપ્યા થકી જે ફળ થાય એનું, કરી શકે વર્ણન કોણ તેનું? ૪૬

ષડક્ષરી મંત્ર મહાસમર્થ, જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ;

સુખી કરે સંકટ સર્વ કાપે, અંતે વળી અક્ષરધામ આપે. ૪૭

ગાયત્રીથી લક્ષ ગુણો1 વિશેષ, જાણે જ જેનો મહિમા મહેશ;

જ્યાં જ્યાં મહામુક્ત જનો વસાય, આ કાળમાં તો જપ એ જ થાય. ૪૮

જો અંતકાળે શ્રવણે સુણાય, પાપી ઘણો તે પણ મોક્ષ જાય;2

તે મંત્રથી ભૂત પિશાચ ભાગે, તે મંત્રથી તો સદબુદ્ધિ જાગે. ૪૯

તે મંત્ર જેના મુખથી જપાય, તેના થકી તો જમ નાશી જાય;

શ્રીસ્વામિનારાયણ જે કહેશે, ભાવે કુભાવે પણ મુક્તિ લેશે. ૫૦

ષડક્ષરો છે ષટ શાસ્ત્ર સાર, તે તો ઉતારે ભવસિંધુ પાર;

છયે ૠતુમાં દિવસે નિશાયે, સર્વે ક્રિયામાં સમરો સદાયે. ૫૧

પવિત્ર દેહે અપવિત્ર દેહે, તે નામ નિત્યે સ્મરવું સનેહે;

જળે કરીને તન મેલ જાય, આ નામથી અંતર શુદ્ધ થાય. ૫૨

જેણે મહાપાપ કર્યાં અનંત, જેણે પીડ્યાં બ્રાહ્મણ ધેનુ3 સંત;

તે સ્વામિનારાયણ નામ લેતાં, લાજી મરે છે મુખથી કહેતાં. ૫૩

શ્રી સ્વામિનારાયણ નામ સાર, છે પાપને તે પ્રજળાવનાર;4

પાપી ઘણું અંતર હોય જેનું, બળ્યા વિના કેમ રહે જ તેનું? ૫૪

ચોપાઈ

એમ નામનો મહિમા ઉચાર્યો, સંત હરિજને હૈયામાં ધાર્યો;

કહે વર્ણી સુણો હે રાય, એવું ભજન તે દિવસથી થાય. ૫૫

તેના પહેલું ભજન એમ થાતું, રામ કૃષ્ણ ગોવિંદ ભજાતું;

હરે નારાયણની ઉચ્ચારી, સઉ કરતાં ભજન નરનારી. ૫૬

ચૌદમાંથી5 નવી રીત કરી, સૌના અંતર માંહી ઊતરી;

પરગામથી આવેલા જન, પ્રભુ તે પ્રત્યે બોલ્યા વચન. ૫૭

જાઓ પોત પોતાને પ્રદેશ, ભગવાનને ભજો હંમેશ;

રામાનંદસ્વામી નથી ગયા, સદા છે સતસંતમાં રહ્યા. ૫૮

કદીયે નહિ દિલગિરી કરવી, ધર્મમાં રહી ધીરજ ધરવી;

એમ કહી કર્યા સૌને વિદાય, ચાલ્યા સૌ પ્રભુને નમી પાય. ૫૯

વ્યાપકાનંદનું આખ્યાન, કોઈ કહેશે કે સુણશે કાન;

તેના સિદ્ધ મનોરથ થાશે, અંતે અક્ષરધામમાં જાશે. ૬૦

પુષ્પિતાગ્રાવૃત્ત

હરિ હરિજનની કથા પવિત્ર, શ્રવણ કર્યાથી મટે ભ્રમો વિચિત્ર;

તન મન પણ શુદ્ધ સદ્ય થાય, શુક સનકાદિ સદૈવ તેથી ગાય. ૬૧

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પંચમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

વ્યાપકાનંદાખ્યાને સ્વામિનારાયણ-નામમહિમાકથનનામા તૃતીયો વિશ્રામઃ ॥૩॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે