વિશ્રામ ૪
પૂર્વછાયો
સ્વામીનું કાર્ય ગયા પછી, મુક્તાનંદને કહે મહારાજ;
સંતનું મંડળ સંગ લઈ, તમે ભુજ પધારો આજ. ૧
ચોપાઈ
ત્યાંના જાણે છે ભક્ત સુજાણ, રામાનંદને જીવન પ્રાણ;
સ્વામી જાતાં તે થૈને નિરાશી, હશે અંતરે અધિક ઉદાસી. ૨
માટે જૈ તમે ધીરજ આપો, કષ્ટ વિરહવિજોગનું કાપો;
મુક્તાનંદે તે આગન્યા ધારી, હાથ જોડીને વિનતિ ઉચ્ચારી. ૩
આજ્ઞા આપની શીશ ધરીશ, ભુજ જૈ કહ્યું તેમ કરીશ;
પણ વાત કહું એક જેહ, લેજો અંતરમાં ધરી તેહ. ૪
અભિમાની આ રઘુનાથદાસ, રહે એવી મને નથી આશ;
અંતે સત્સંગમાંથી તો જાશે, પૂરેપૂરો વળી દ્રોહી થાશે. ૫
એને ગમતાં વચન ઉચરીને, રાખજો જેમ તેમ કરીને;
જે જે બોલે તે બોલ સાંભળજો, અમદાબાદ એને મોકલજો. ૬
એવી વાત વદીને વિશેષ, મુનિ મુક્ત ગયા કચ્છ દેશ;
ઘણા સાધુ રહ્યા પ્રભુ પાસ, તેમાં મોટેરા તો રામદાસ. ૭
જે જે કામ શ્રીહરિ આદરે, તે તો તેહને પૂછીને કરે;
ભાવે સુણો અભેસિંહ ભ્રાત, હવે શ્રીહરિની કહું વાત. ૮
પૂર્વછાયો
વિપ્ર મહાભક્ત માવજી, જેનું ધોરાજીમાં ધામ;
રામાનંદના કાર્યમાં, આવ્યા હતા ફણેણી ગામ. ૯
ચોપાઈ
તેણે પ્રેમથી શ્રીહરિ પાસ, કર્યા વિનતિનાં વચન પ્રકાશ;
દયાસિંધુ દયા દિલ ધારો, ધર્મપુત્ર ધોરાજી પધારો. ૧૦
રામાનંદના શિષ્ય છે જેહ, ઇચ્છે દર્શન આપનું એહ;
ઘણા નાસ્તિક જન ત્યાં રહે છે, સ્વર્ગ નરકને મિથ્યા કહે છે. ૧૧
તેને જીતી કરો જેજેકાર, વેદધર્મનો થાય પ્રસાર;
ધર્મ સ્થાપવાને ધર્યો દેહ, માટે કામ કરો પ્રભુ તેહ. ૧૨
એવી અરજી સુણી થયા રાજી, ધર્મપુત્ર પધાર્યા ધોરાજી;
વિપ્ર માવજી કેરે નિવાસ, કર્યો ઉતારો શ્રીઅવિનાશ. ૧૩
આંગણામાં સભા ભલી ભરી, સિંહાસનમાં બિરાજ્યા શ્રીહરિ;
દૈવી જીવ જે ત્યાંના નિવાસી, આવ્યા દર્શન કરવા હુલ્લાશી. 1 ૧૪
નાથે નજર તેઓ સામી સાંધી, થઈ સૌ જનને ત્યાં સમાધિ;
જોયો કોઇયે વૈકુંઠવાસ, જોયો કોઇયે ગિરિ કૈલાશ. ૧૫
કોઈ ગોલોક ધામમાં ગયા, કોઈ બ્રહ્મસદન2 સ્થિર થયા;
કોઇયે શ્વેતદ્વિપ નિહાળ્યો, કોઇયે નિજ આત્માને ભાળ્યો. ૧૬
જન જાગ્યા સમાધિથી જ્યારે, જે જે જોયું તે તે કહ્યું ત્યારે;
પેખી પ્રગટ પ્રભુનો પ્રતાપ, સતસંગી થયા તજી પાપ. ૧૭
આખા પુર વિષે પ્રસરી વાત, એ તો અદ્ભુત જાણ્યું અઘાત;3
કૈંક જોગી મરે જોગ સાધી, તોય થાય ન તેને સમાધી. ૧૮
જોગ સાધ્યા વિના આ તો થાય, નિશ્ચે શ્રીપ્રભુ પ્રગટ્યા જણાય;
જન ટોળે ટોળાં મળી આવે, કરી દર્શન મન મુદ4 લાવે. ૧૯
જેવો નાસ્તિક મત ચાર્વાક,5 એવા મતના જે લોક ઘણાક;
વેદ બ્રાહ્મણને સાધુ સારા, સદા તેની નિંદા કરનારા. ૨૦
વેદ શાસ્ત્રને કલ્પિત જાણે, સ્વર્ગ નરક અસત્ય પ્રમાણે;
કદી ન કરે તીરથ વ્રત દાન, નહીં ગોવિંદના ગુણગાન. ૨૧
શિષ્નોદરના6 જ સ્વાદને ઇચ્છે, પાપપુણ્ય કશામાં ન પ્રીછે;7
વાદ વદવા કરી નીરધાર, આવ્યા શ્રીપ્રભુ પાસ અપાર. ૨૨
તેની આગળ હરિ સાક્ષાત, કહી વેદના ધર્મની વાત;
વરણાશ્રમના ધર્મ પાળે, યજ્ઞ યાગ કરે અઘ ટાળે. ૨૩
તે તો સ્વર્ગ તણાં સુખ લે છે, વેદ તો એવાં વાક્ય વદે છે;
થાય ઈશ્વરનો અવતાર, થાપે ધર્મ શ્રુતિ અનુસાર. ૨૪
કરે આજ્ઞા તે જે સમે જેવી, પાળે જે જન તે સમે તેવી;
તે તો મોક્ષ ગતીયે જ જાય, ફરી જન્મમરણ નવ થાય. ૨૫
જન જે પાપ પંથે ચડે છે, તે તો નરકના કુંડે પડે છે;
જમના દુત મારે છે માર, પીડા પામે છે અપરમપાર. ૨૬
માટે પાપ કદાપિ ન કરવું, સદાચરણ સદૈવ આચરવું;
વદ્યા એવાં વચન ભગવાન, બોલ્યા નાસ્તિક ધરી અભિમાન. ૨૭
કેવી સારી શોધી કાઢી જુક્તિ, મળે ધર્મે મુવા પછી મુક્તિ;
પેલા ભવનો તે વાયદો સારો, કોણ જાણે તે કોણ જોનારો. ૨૮
કરે સંસારનાં સુખ ત્યાગ, અમે જાણિયે એનાં અભાગ્ય;
ખાવું પીવું ખુશી થવું જેહ, જન્મનું ફળ જાણિયે તેહ. ૨૯
કોણે દીઠાં છે પુણ્ય ને પાપ, સમજાવોજી અમને આપ;
સુણી બોલિયા શ્રીગિરધારી, જુઓ ચિત્તમાં ઉંડું વિચારી. ૩૦
ઉપજાતિવૃત્ત
જો પુણ્ય ને પાપ ખરું ન હોય, તો દુઃખી સુખી ન જણાય કોય;
રાજા તથા રંક જનો જણાય, તે પુણ્ય ને પાપ થકી જ થાય. ૩૧
જો એક આરોગ્ય દિસે અતિશે, જો એક જન્માંધ દરિદ્રિ દિસે;
જો પુણ્ય ને પાપ ન હોય ભાઈ, જણાય એવી નહીં રે જુદાઈ. ૩૨
જો એક મિષ્ટાન્ન સદા જમે છે, જો એક ભીક્ષા કરવા ભમે છે;
તથાપિ તે પેટ નહીં ભરાય, તો પુણ્ય ને પાપ ખરું જણાય. ૩૩
જો એકને વાહન અશ્વ હાથી, જો એક જીવે જન કાસદાથી;8
જો એકને છત્ર શિરે ધરાય, જો એક તાપે રણમધ્ય જાય. ૩૪
જો કૈંક છે પાલખી બેસનારા, બીજા ઉપાડી વિચરે બિચારા;
એવું ઘણુંયે નજરે નિહાળે, તથાપિ પાપી નહિ ધર્મ પાળે. ૩૫
જે પૂર્વ જન્મે સુકૃતો કરેલાં, તે આ ભવે ભોગવવા ઠરેલાં;9
આ જન્મમાં જે કરશો કમાઈ, બીજે ભવે ભોગવશો જ ભાઈ. ૩૬
ઉન્મત્તતામાં નહિ પાપ ભાસે, ઉન્મત્તતા દુઃખ પડે વિનાસે;
તેવે સમે તો પ્રભુ સત્ય જાણી, પસ્તાય છે પાપ તપાસી પ્રાણી. ૩૭
યથા તથા વાદ વૃથા વિસારી, કથા તથા કીર્તનને ઉચ્ચારી;
ભજો રથારૂઢ10 રથાંગધારી,11 અથાહ12 સંસારવ્યથા નિવારી. ૩૮
અરે ઉરે સાર વિચાર આણી, શ્રુત્યાદિ સચ્છાસ્ત્ર સુસત્ય જાણી;
ચિત્તે કરો ચિંતન નિત્ય ચેતિ, ગોવિંદ દામોદર માધવેતિ. ૩૯
પૂર્વછાયો
તે સુણીને નાસ્તિક કહે, ક્યાં છે કૃષ્ણ જગતકરતાર?
દિઠા વિના કેમ માનિયે? માનવાનો તે શો આધાર? ૪૦
ચોપાઈ (જગત્કર્તા પરમેશ્વર છે તે વિષે)
સુણી બોલિયા સુંદરશામ, પરમેશ્વરનાં જુઓ કામ;
જેણે પૃથવી બનાવી આ છે, જેણે સાગર શૈલ13 કર્યા છે. ૪૧
પશુ પક્ષી વનસ્પતિ પ્રાણી, રચ્યાં જેણે ઘણી જુક્તિ આણી;
કાયા માણસની રુડી કીધી, તેમાં જુક્તિ કેવી કરી દીધી. ૪૨
અંગોઅંગ તપાસીને ભાઈ, જુવો ઈશ્વરની ચતુરાઈ;
આંખ્યમાં જળ ઉતરે ન જેમ, કરી ભમર્યો છજા જેવી તેમ. ૪૩
તાજું દૂધ બાળકને કાજે, માના સ્તનમાં કર્યું મહારાજે;
કેમ રુધિરનું દૂધ તે થયું? કેમ કામ મટ્યે મટી ગયું? ૪૪
એવી જુક્તિ જણાય અપાર, કેમ થાય વિના કરનાર?
કર્યા સૂર્ય શશિ ગ્રહ તારા, યથાયોગ્ય પ્રકાશ દેનારા. ૪૫
તેનો નિયંતા જો નવ ઠરે, કેમ નિયમ પ્રમાણે તે ફરે?
વાયુ નિયમ પ્રમાણે જ વાય, વૃષ્ટિ નિયમ પ્રમાણે જ થાય. ૪૬
જુવો સાગરને નથી પાળ્ય, તોય હદ ન તજે કોઈ કાળ;
એવી રચના નિહાળી અપાર, નિશ્ચે જાણો છે જગકરતાર. 14 ૪૭
શ્વેત રંગે રંગ્યા જુવો હંસ, કર્યો કાળો કોકિલનો15 વંશ;
જુવો પોપટ લીલો જણાય, કરતાર વિના કેમ થાય? ૪૮
જુવો પવન તો નજરે ન પડે, પણ તરુવર ડોલે તે વડે;
દેખી દૂરથી નિશ્ચય થાય, કહે પવન ઘણો ત્યાં વાય. ૪૯
વીશ કોશ16 ઉપર થાય વૃષ્ટિ, દેખે દૂરથી નહીં જનદૃષ્ટિ;
પણ આવે નદી માંહી પૂર, જાણે વૃષ્ટિ થઈ તે જરૂર. ૫૦
તેમ રચના આ સૃષ્ટિની જોઈ, જાણો નિશ્ચે છે કરનાર કોઈ;
એવા સાંભળી હરિનાં વચન, માન્યું નાસ્તિકનું નહિ મન. ૫૧
કહે નાસ્તિક કોણ બનાવે, સૃષ્ટિ થાય ને જાય સ્વભાવે;
કર્યા વગર જો કંઈ ન થાય, કહો ઈશ્વરનો કર્તાય. ૫૨
અતિ ચતુર તે ઈશ્વર ઠર્યો, એવો એને કહો કેણે કર્યો?
સુણી બોલિયા સુંદરશામ, તમે સાંભળો વાદી તમામ. ૫૩
નભમાં બહુ ઉપજે સમાય, પણ આકાશ સિદ્ધ સદાય;
એમ ઈશ્વર શાશ્વત એ છે, એની ઇચ્છાયે જગ ઉપજે છે. ૫૪
કહો તો વેદવાક્ય બતાવું, કહો તો શાસ્ત્રથી સમઝાવું;
સુણી બોલિયા નાસ્તિક વાણી, વેદવાણી તો કલ્પિત જાણી. ૫૫
શાસ્ત્રની અમને ન પ્રતીત, અમે માનીયે જુક્તિની રીત;
કહે કૃષ્ણ જો શાસ્ત્ર તજાશે, ત્યારે વિશ્વની શી ગતિ થાશે? ૫૬
ઉપજાતિવૃત્ત (શાસ્ત્રના વિશ્વાસ વિષે)
સદ્ધર્મ તો શાસ્ત્ર થકી જણાય, સદ્ધર્મથી સર્વ સુખી સદાય;
જો ધર્મ કેરો ન રહે પ્રવેશ, તો પાપથી સર્વ પિડાય દેશ. ૫૭
જેવી સ્થિતિ જાણ જનાવરોની, જેવી સ્થિતિ નારી તથા નરોની;
ડરે ન ચોરી વ્યભિચાર દોષે, લૈ પારકાં પ્રાણ સ્વપંડ પોષે. ૫૮
શાસ્ત્ર પ્રમાણે જ વિવાહ થાય, શાસ્ત્રો સુણી માત પિતા પૂજાય;
વિશ્વાસ જો શાસ્ત્ર તણો ન હોય, તો રીતિ સારી ન ધરે જ કોય. ૫૯
ગરીબને તો બળવાન મારે, દયા ન ધારે દિલમાં લગારે;
ન સ્વર્ગ આશા જમનો ન ત્રાસ, કુકર્મમાં કેમ કરે કચાશ? ૬૦
માતા સુતા કે ભગિની સગાઈ, છે સર્વ સચ્છાસ્ત્ર થકી જ ભાઈ;
પક્ષી પશુ શાસ્ત્ર ન જાણનારાં, સગાઈમાં શું સમજે બિચારાં. ૬૧
મનુષ્ય કેરી મન જુક્તિ કેવી, જે દીશ ચાલે વહિ જાય તેવી;
આકાશમાં જાય હવાઈ17 જેમ, જોરે ભરેલી અટકે ન એમ. ૬૨
જો કલ્પના શુદ્ધપથે સિધાવે, સંસારસિંધુ તરી પાર લાવે;
જો કલ્પના કુત્સિત18 માર્ગ જાય, તો વિપ્રનો પુત્ર કસાઈ થાય. ૬૩
જે શાસ્ત્ર વાંચી દ્વિજ તો રળે છે, જે શાસ્ત્રથી મોદક તો મળે છે;
તે શાસ્ત્રને કલ્પિત જે ગણો છો, બેઠા તણી ડાળ તમે હણો છો. ૬૪
જે શાસ્ત્ર સત્તા દ્વિજની વધારે, પૂજાય વિપ્રો પણ શાસ્ત્ર દ્વારે;
તે શાસ્ત્ર મિથ્યા કરવા જ લાગ્યા, જૂવો દ્વિજો આજ સપૂત જાગ્યા. ૬૫
વશ્યા ૠષી જેહ અરણ્ય19 વાસે, ન જાણતા નાસ્તિક પુત્ર થાશે;
વ્યાપ્યો કળીકાળ અશેષ20 અંશે, પુત્રો થયા નાસ્તિક વિપ્રવંશે. ૬૬
ધિક્કાર માતા ધિક તાત તેનો, જોતાં દિસે નાસ્તિક પુત્ર જેનો;
તે તાતનો વંશ ડુબાવનારો, છે દૈત્ય કે રાક્ષસ છે નઠારો. ૬૭
ચોપાઈ
એવા શબ્દ સુણી સુણી સાચા, થઈ નાસ્તિકની બંધ વાચા;
ડરે થરથર ધ્રુજ્યાં શરીર, વહ્યાં નેણ થકી ઘણાં નીર. ૬૮
શિશ નામી બોલ્યા તતખેવ, પ્રભુ છો તમે દેવના દેવ;
સ્વર્ગ નરક તો અમને દેખાડો, મન સંશય સર્વ મટાડો. ૬૯
દયાસિંધુયે દિલ દયા લાવી, નાસ્તિકોને સમાધિ કરાવી;
સૌને દેખાડ્યા નરકના કુંડ, જોયાં ત્યાં જમદૂતના ઝૂંડ. ૭૦
પાપી જાણી પકડવાને આવ્યા, ડશી21 હોઠને ખૂબ ડરાવ્યા;
લીધું સ્વામિનારાયણ નામ, ત્યારે તે રહ્યા દૂર તમામ. ૭૧
દેવ એવે સમે એક આવ્યો, લેઈ નાસ્તિક સ્વર્ગે સિધાવ્યો;
દેવ દેવીનાં દેખાડ્યાં સ્થાન, ઘણા વૈભવ વિવિધ વિમાન. ૭૨
જેણે જેવો સાધ્યો તપ જોગ, તેવા ભોગવે વૈભવ ભોગ;
એવું જોઈ સમાધિથી જાગ્યા, પ્રભુને પગે પ્રેમથી લાગ્યા. ૭૩
ભક્તિપુત્ર જાણ્યા ભગવાન, થયા શિષ્ય તજી અભિમાન;
એમ નાસ્તિક મત જીતી લીધો, ધોરાજીમાં જેજેકાર કીધો. ૭૪
પુષ્પિતાગ્રાવૃત્ત
સુણ નરપતિ એમ નાસ્તિકોને, જગપતિ જીતી ખુશી કર્યા જનોને;
શ્રુતિ મત અતિ શુદ્ધ તેહ થાપ્યો, અધરમરૂપ અશાસ્ત્ર વાદ કાપ્યો. ૭૫
ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પંચમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિનાસ્તિક-નાસ્તિકમતપરાજયકરનામા ચતુર્થો વિશ્રામઃ ॥૪॥