કળશ ૫

વિશ્રામ ૫

પૂર્વછાયો

શ્રીહરિ સોરઠ દેશમાં, ગયા તે પછી જે જે ગામ;

તેહ કથા તમને કહું, સુણો નૃપ અભેસિંહ નામ. ૧

ચોપાઈ

ચાલ્યા સોરઠમાં હરિ ફરવા, કૈંક જનને કૃતારથ કરવા;

રામાનંદના વિરહી જન, શાંત કરવાને તેહનાં મન. ૨

સંત મંડળ પાર્ષદ સાથ, ચાલ્યા ધોરાજીથી મુનિનાથ;

સત્રાસે થઈ ભાડેર ગયા, તહાં પાદરમાં સ્થિર થયા. ૩

સતસંગી મળી સામા આવ્યા, વાજાં વિવિધ પ્રકારનાં લાવ્યા;

ગણું મુખ્ય તો ગોકુળદાસ, ભક્ત વાઘજીનો ત્યાં નિવાસ. ૪

તેના પુત્ર દેહળજી નામ, ભક્ત વિપ્ર રુડા દેવરામ;

તેણે પૂજા કરી ધરી ભાવ, રીઝ્યા તે થકી નટવર નાવ. ૫

ત્યાંથી માણાવદર ગયા શામ, સામા આવ્યા ત્યાં ભટ મયારામ;

ભૂપ બાબી1 ગજેફરખાન, સામા આવી કર્યું સનમાન. ૬

કર્યો ઉતારો ભટજીને ઘેર, સભા નિત્ય સજે શુભ પેર;

રામાનંદની ગાદીની આશે, માંડ્યો પાખંડ રઘુનાથદાસે. ૭

ગુરુડોળ2 બનાવીને બેશી, કાઢે શ્રીરામનંદની દેશી;

ઘનશામનું બોલે ઘસાતું, સુણી સંતે સહન નથી થાતું. ૮

કહે ગાદીનો વારસ હું છું, શ્રેષ્ઠ શિષ્ય તો હું જ ઠરું છું;

માટે મેં ગુરુનું પદ લીધું, રામાનંદે દૈવત મને દીધું. ૯

એવાં સાંભળી વચન પ્રકાશ, ખીજ્યા સાધુ રામચર્ણદાસ;

સાધુ તે રામાનંદના શિષ્ય, વાત ભાંખતા તે તો ભવિષ્ય. ૧૦

ચાલ્યા ત્યાં થકી તે તો રિસાઈ, કહે કેમ કરે તે ઠગાઈ?

એનું મન છે મલીન અપાર, નથી સત્સંગમાં રહેનાર. ૧૧

એમ કહીને ગયા સાધુ જ્યારે, મહારાજ ને ભટજી ત્યારે;

ગયા બેય મળીને મનાવા, કહ્યા સાધુયે ત્યાં શબ્દ આવા. ૧૨

એ છે કાનો ગરાશિયો નાતે, પણ હું તો છું વાઘેલો જાતે;

એનું બોલ્યું સહન કેમ કરું? કેટલીક ક્ષમા ઉર ધરું. ૧૩

એને મોકલશો ક્યાંઈ જ્યારે, તમ પાસ હું આવીશ ત્યારે;

ત્યાં સુધી બીજે ગામ ફરીશ, સતસંગમાં વાતો કરીશ. ૧૪

તમ ઊપર છે મારે પ્રીત, રુડી તમારી જાણું છું રીત;

એમ બોલીને સંત સિધાવ્યા, ભટજી ને શ્રીજી પાછા આવ્યા. ૧૫

પછી સંતનાં મંડળ લૈને, પીપલાણે રહ્યા પ્રભુ જૈને;

નરસિંહ મે’તા તણે ઘેર, ઉતર્યા પ્રભુજી રુડી પેર. ૧૬

પધરામણી ઘેર ઘેર થાય, હરિભક્ત ઘણા હરખાય;

સભામાં ઘનશામ બિરાજે, જેમ ઉડુગણમાં3 શશિ છાજે. 4 ૧૭

હરિજનને સમાધિ કરાવી, દઉં તેનાં તે નામ ગણાવી;

મે’તા નરસિંહ દ્વિજ ઉનેવાળ, શોભે જેનું કુટુંબ વિશાળ. ૧૮

તેની પત્નીનું લાછુ છે નામ, પુત્ર ચાર તેના અભિરામ;

નામે કલ્યાણજી વાલજીય, રઘુનાથ તથા રવજીય. ૧૯

લાડુબાઈ તથા માનુબાઈ, મે’તા નરસિની પુત્રી ગણાઈ;

નારાયણદવે હરિના ઉપાસી, આખા ગામ તણા રહેવાસી. ૨૦

તેના પુત્ર પવિત્ર છે જેહ, કુંવરજી ગોવિંદજી તેહ;

ત્રીજા નરસિદવે કહેવાય, જીબા મીઠી બે પુત્રી ગણાય. ૨૧

ઉકો ડાઉ આહીરની જાતી, જેને સહજે સમાધિ થાતી;

આવરણ જેણે આડું ન આવે, ધારે ત્યાં તે સ્વતંત્ર સિધાવે. ૨૨

જોશી લાધા આદિક બેઠા આવી, સૌને હરિએ સમાધિ કરાવી;

જઈ જુવે જુદાં જુદાં ધામ, કહે જાગીને વાત તમામ. ૨૩

લોકો અચરજ પામે ઘણાય, તેથી શ્રીજીના આશ્રિત થાય;

એવી લીલા ઘણી ઘણી કરી, પછી જમવા પધારિયા હરિ. ૨૪

મે’તા નરસિના ભાઈ પ્રમાણો, જેનું નારણજી નામ જાણો;

તેની પત્નિ નામે રુકમાઈ, જેની માતા છે લાડકીબાઈ. ૨૫

તેણે સારી રસોઈ કરીને, હેત લાવિ જમાડ્યા હરીને;

સાધુ પાળાની પંગતિ થઈ, જમાડ્યા જગજીવને જઈ. ૨૬

પછી સાંજ સમે મહારાજ, લૈને પાર્ષદ સંત સમાજ;

એક અશ્વે થઈ અસવાર, ગયા પશ્ચિમમાં પુર બાર. ૨૭

દીઠો સંઘાઇનો વડ એક, હતાં તે વિષે ભૂત અનેક;

તેને મુક્તિ દેવા રુચિ કરી, બેઠા ત્યાં જ સભા સજી હરી. ૨૮

નારાયણધૂન્ય ત્યાં તો કરાવી, ભૂતો ઉભાં રહ્યાં સર્વ આવી;

બહુ રૂવે અને રાડ્યો પાડે, અતિ દુઃખનાં ચિહ્ન દેખાડે. ૨૯

દયાસિંધુ દયા કરી તેને, બદ્રીકાશ્રમે મોકલ્યાં એને;

પછી પ્રશ્ન ઉત્તર બહુ કર્યા, નદી ઓઝતે નાવા સંચર્યા. ૩૦

સંત હરિજન કીર્તન ગાય, તેની શોભા ન વરણવી જાય;

પાણી ભરવાનો આરો છે જ્યાંય, તેથી પશ્ચિમમાં હૃદ5 ત્યાંય. ૩૧

નાહ્યા તે હૃદમાં મુનિનાથ, નાહ્યા સંત ને હરિજન સાથ;

મે’તા નરસિના સુતને બોલાવી, તેને શામે સમાધિ કરાવી. ૩૨

રઘુનાથ નામે કહેવાતો, નદીમાં તેને મેલ્યો તણાતો;

હરિભક્તો કહે મહારાજ, વિપ્ર બૂડી મરી જશે આજ. ૩૩

ત્યારે તેને શ્રીહરિયે બોલાવ્યો, ઉઠી તરત પ્રભુ પાસે આવ્યો;

બોલ્યા સહુ સુણતાં તેહ ઠામ, મેં તો જૈ જોયું અક્ષરધામ. ૩૪

દીઠા ત્યાં સહજાનંદસ્વામી, એ જ અક્ષરધામના ધામી;

સેવામાં ઉભા મુક્ત અનંત, જેના ઐશ્વર્યનો નહિ અંત. ૩૫

એવી વાત સુણી તેહ વાર, પામ્યા અચરજ સૌ નરનાર;

પછી અશ્વે સજી અસવારી, આવ્યા ગામમાં શ્રીગિરધારી. ૩૬

વાજતે ગાજતે રુડી પેર, આવ્યા નરસિંહ મે’તાને ઘેર;

બેઠા સાંઝે સભા ભરી લાલ, લાવ્યો વશરામ નાઈ6 મશાલ. ૩૭

સભામાં આરતી ધૂન્ય કરી, વાળુ કરવા પધાર્યા શ્રીહરિ;

કર્યો લાડકીબાઇયે થાળ, જમ્યા પ્રીતથી જનપ્રતિપાળ. ૩૮

પ્રભુ પોઢ્યા પલંગમાં રાતે, પછી જાગિયા થાતે પ્રભાતે;

પછી નિત્યક્રિયા સર્વ કરી, એક અશ્વ ઉપર ચડ્યા હરી. ૩૯

જરિયાનનાં પટ7 ધરી અંગે, સંત હરિજનને લઈ સંગે;

શામ આવ્યા સંઘાઇને વડે, ઢોલ ત્રાંસાં નોબત ગડગડે. ૪૦

હરિભક્તે હિંડોળો બંધાવ્યો, ભાળી શ્રીહરિને મન ભાવ્યો;

ઝૂલ્યા હિંડોળે શ્રીભગવાન, કર્યું સંતોયે કીર્તન ગાન. ૪૧

લાધા જોશીને શ્રીમહારાજે, છડી આપી સમાધિને કાજે;

તેનું ઠેબું જેને અડાડાય, તેને તરત સમાધિ થાય. ૪૨

બીજું ઠેબું અડાડે તે જ્યારે, જાગે તે સમાધિમાંથી ત્યારે;

એમ બહુને સમાધિ કરાવી, થાય જન બહુ આશ્રિત આવી. ૪૩

હિંદુસ્થાની ત્યાં વેરાગી કોઈ, બોલ્યો તેહ સમાધિને જોઈ;

સુણો સ્વામિનારાયણ વાત, ન જુવો તમે જાત કુજાત. ૪૪

જેને તેને સમાધિ કરાવો, તેનું કારણ મુજને બતાવો;

સુણી બોલિયા શ્રીઅવિનાશી, એ છે અક્ષરધામના વાસી. ૪૫

તેણે ભૂતળમાં તનું ધારી, એનું કારણ ઇચ્છા અમારી;

તેનો મર્મ તમે નવ જાણો, એથી અંતરે સંશય આણો. ૪૬

સુણી પામ્યો અચરજ એહ, થયો આશ્રિત તત્ક્ષણ તેહ;

એમ પીપલાણા પુર વિષે, જે જે કાર કર્યો જગદીશે. ૪૭

એમ જ્યાં વિચર્યા ભગવાન, કર્યાં તે સ્થળ તીરથ સ્થાન;

તેનો મહિમા કહ્યો નવ જાય, મોટા જોગી કરે જાત્રાય. ૪૮

પિપલાણેથી શામ સિધાવ્યા, અગત્રાઈને પાદર આવ્યા;

દીઠો ગામથી દક્ષિણ ભાગ, જળાશય તટ સુંદર બાગ. ૪૯

સતસંગી ત્યાં સામૈયું લાવ્યા, બાગમાં હરિને ઉતરાવ્યા;

ભીમભાઈ ને પર્વતભાઈ, સારી સેવા સજે સુખદાઈ. ૫૦

પૂર્વછાયો

અધવારું8 એ બે ભક્તનું, હતું તેવે સમે ત્રણ ગામ;

સ્નેહ સહિત નૃપ સાંભળો, કહું તે ત્રણ ગામનાં નામ. ૫૧

ચોપાઈ

માણાવદર ને અગત્રાઈ, કાલવાણી ભલું ત્રીજું ભાઈ;

માટે જે ગામ શ્રીહરિ જાય, ત્યાં તે સેવામાં હાજર થાય. ૫૨

સભામાં બેઠા શ્રીઘનશામ, આવ્યો બ્રાહ્મણ એક તે ઠામ;

નામ તેનું ઉમિયાશંકર, એક શ્લોક બોલ્યો દ્વિજવર. ૫૩

હરિમૂર્તિનું વર્ણન તેમાં, મહિમા પણ અદભુત એમાં;

તે તો શ્લોક સ્નેહે સુણી લઈ, એક જનને સમાધિ થઈ. ૫૪

દ્વિજને કહે ધર્મદુલારો, તમે શ્લોક બોલ્યા બહુ સારો;

હરિનો મહિમા સુણી લઈ, હરિજનને સમાધિ થઈ. ૫૫

સુણી વિપ્ર બોલ્યો શિર નામી, મુજ શક્તિ નથી એવી સ્વામી;

કથા કરતાં ઉંમર ગઈ બાધી, પણ કોઈને થઈ ન સમાધિ. ૫૬

એવા માંહી બની બીજી વાત, કહું તે સાંભળો તમે ભ્રાત;

જુનાગઢનો કોઈ જમાદાર, બેઠો હતો તે સભા મોઝાર. ૫૭

તેને પણ સમાધિ થઈ ત્યાંય, જોયું ધામ ખુદા રહે જ્યાંય;

ખુદારૂપે દીઠા શ્રીહરિને, ઉભા પાસે સલામ કરીને. ૫૮

એક લાખ ને એંશી હજાર, ઓલિયા કરે અરજ ઉચ્ચાર;

જોયા ત્યાં ઘણા પીરાન પીર,9 કરે સ્તુતિ નમાવીને શીર. ૫૯

એવું જોઈને જાગિયો જ્યારે, ઉમિયાશંકરે કહ્યું ત્યારે;

થયા આગળ હરિ અવતાર, આવું તો ન કર્યું કોઈ વાર. ૬૦

આ તો જાદુ જેવું મને લાગે, ભાઈ કેમ આ ભ્રાંતિ તે ભાંગે?

સુણી બોલિયો તે જમાદાર, આ તો નિશ્ચે ખુદા અવતાર. ૬૧

એને બેહેસ્તમાં10 મેં દીઠા એવા, સજે સર્વ પેગાંબર સેવા;

મેં તો જાણી હરિની ખુદાઈ, કહો તો કહું સોગન ખાઈ. ૬૨

પુષ્પિતાગ્રાવૃત્ત

સુણી થઈ અતિ ચિત્તમાંહી શાંતિ, ઉભય તણી મનમાંથી ભાંગી ભ્રાંતિ;

તજી નિજ મત ગર્વ સર્વ છોડી, સરસ થયા સતસંગી સ્નેહ જોડી. ૬૩

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પંચમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિસૌરાષ્ટ્રદેશવિચરણનામા પંચમો વિશ્રામઃ ॥૫॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે