કળશ ૫

વિશ્રામ ૬

પૂર્વછાયો

વાસ વસે અગત્રાઈમાં, હરિભક્ત ભલા ભીમભાઈ;

વાત કહું એક એહની, અભેસિંહ સુણો હરખાઈ. ૧

ચોપાઈ

એક અવસરે શ્રીહરિ પાસ, બેઠા સંત તથા હરિદાસ;

તેમાં બેઠા હતા ભીમભાઈ, કથા કૃષ્ણલીલાની વંચાઈ. ૨

પુરુષોત્તમનો મહિમાય, સુણી હૈયામાં હરખ ન માય;

હરિભક્તનો મહિમા વિચારી, અંગોઅંગમાં લાગી ખુમારી. ૩

પછી પ્રભુપદ કરીને પ્રણામ, ગયા ખેતરે કરવાને કામ;

ત્યાં તો અવની થકી એક ઠાર, લાખો કીડિયો નિકળી બહાર. ૪

તેને દેખી દયા દિલે ધારી, કર્યો સંકલ્પ કૃષ્ણ સંભારી;

અહો ભક્તિતનુજ ભગવાન, દીનબંધુ દયાના નિધાન. ૫

આવા પ્રાણીની શી ગતિ થાશે? વળી વૈકુંઠમાં ક્યારે જાશે?

કશું સામર્થ્ય જો હોય મારું, બધિયોને વિમાને બેસારું. ૬

સૌને વૈકુંઠ માંહી વસાવું, એનું સંકટ સર્વ નસાવું;

એવો ચિત્તમાં કીધો વિચાર, ત્યાં તો આવ્યાં વિમાન અપાર. ૭

કીડિયોયે તજી નિજ કાયા, દિવ્યદેહ તે સૌના દેખાયા;

રુડાં દિસે ચતુર્ભુજ રૂપ, બેઠાં વિમાનમાં સુખરૂપ. ૮

વસ્યા જૈને તે વૈકુંઠ વાસ, ભીમભાઈ આવ્યા પ્રભુ પાસ;

બધી વાત કરી રૂડી રીતે, પૂછ્યાં પ્રશ્ન પછી પુરી પ્રીતે. ૯

કીડીયોનાં તે શાં હશે કર્મ? મહારાજ કહો તેનો મર્મ;

દેવતા પણ દુર્લભ જાણે, ઠરી કેમ તે એવે ઠેકાણે? ૧૦

સુણી બોલ્યા સદા સુખદાઈ, સુણો ભક્ત ભલા ભીમભાઈ;

થાય અંશ કળા અવતાર, ત્યારે ભક્ત પામે ભવપાર. ૧૧

પુરુષોત્તમ પોતે પધારે, તેની રીત જુદી હોય ત્યારે;

નહિ ભક્ત અભક્ત પ્રમાણ, કરે સંકલ્પથી જ કલ્યાણ. ૧૨

તેના સેવક સંકલ્પ કરે, એથી પણ બહુ જીવ ઉદ્ધરે;

અવતાર અને અવતારી, એની એટલી રીત છે ન્યારી. ૧૩

કીડીયો કેરા કલ્યાણ માટ, ઘડ્યો અંતરમાં તમે ઘાટ;

થયો તે થકી તેનો ઉદ્ધાર, પામી તે ભવસાગર પાર. ૧૪

એવી વાત સુણી નરનારી, જાણ્યા અવતારના અવતારી;

એવી લીલા ત્યાં કીધી અપાર, આ તો એમાં થકી કહ્યો સાર. ૧૫

તીર્થભૂમિ કરી અગત્રાઈ, પછી ત્યાંથી ચાલ્યા સુખદાઈ;

કાલવાણિયે કૃષ્ણ સિધાવ્યા, સતસંગી સઉ સામા આવ્યા. ૧૬

પૂર્વછાયો

ગામથી પશ્ચિમ દિશ વિષે, એક બાગમાં જૈ મહારાજ;

એકાંત જોઈને ઉતર્યા, સાથે લઈને સંતસમાજ. ૧૭

ચોપાઈ

હતા ત્યાં મુખ્ય આહીર ભક્ત, હરિપદમાં અધિક આસક્ત;

તેઓને કહે શ્રીઅવિનાશી, તમે છો સઘળા વ્રજવાસી. ૧૮

એમ કહિને આનંદ પમાડ્યા, સમાધિ વિષે ધામ દેખાડ્યા;

બેઠા સભા સજી ઘનશામ, બેઠા હરિજન સંત તમામ. ૧૯

વ્યાપકાનંદને કહે હરિ, ઇન્દ્રલોકમાં જૈ આવો ફરી;

સમાધિ વિષે તેહ સિધાવ્યા, ઇન્દ્રલોક નિહાળીને આવ્યા. ૨૦

પછી મોકલ્યા બ્રહ્માને ઘેર, ત્યાંય જૈને આવ્યા રુડી પેર;

પછી મોકલ્યા ગોલોક ધામ, સંત જૈને આવ્યા તેહ ઠામ. ૨૧

વળી આજ્ઞા કરી અવિનાશ, જાઓ ભૂમાપુરુષની પાસ;

સમાધિ કરી ત્યાંય સિધાવ્યા, થોડી વાર પછી પાછા આવ્યા. ૨૨

કહ્યું દૈત્ય છે રસ્તા મોઝાર, મોટી કાયા ને માથાં હજાર;

જવા દેતો નથી મને ત્યાંય, માટે શી રીતે મુજથી જવાય? ૨૩

કહે કૃષ્ણ નહિ મન હારો, કાયા તેના થકી મોટી ધારો;

જુદ્ધે જીતીને રસ્તે સિધાવો, ભૂમાપુરુષ કને જઈ આવો. ૨૪

સાધુ એવું સુણીને સિધાવ્યા, મોટા અસુરની આગળ આવ્યા;

દુષ્ટ તે બહુ લાગ્યો ડરાવા, કહે નહિ દઊં આગળ જાવા. ૨૫

સાધુયે ઘનશામ સંભારી, કાયા દૈત્યથી બમણી વધારી;

પછી યુદ્ધ કર્યું દૈત્ય સંગ, માર મારી ભાંગ્યાં એનાં અંગ. ૨૬

પડ્યો પાપી તે પૃથ્વીમાં જ્યારે, સાધુ ચાલિયા આગળ ત્યારે;

બીજો દૈત્ય દીઠો તેહવાર, દીઠાં મસ્તક દશ હજાર. ૨૭

કરી ક્રોધ બોલ્યો બોલ આવા, વળ્ય પાછો નહીં દઊં જાવા;

સાધુ પાછા વળ્યા સાક્ષાત, આવી શ્રીહરિને કહી વાત. ૨૮

બોલ્યા શ્રીહરિ આણીને સ્નેહ, ધરો દૈત્ય થકી ડોઢો દેહ;

એને જીતીને આગળ જાઓ, છતાં શક્તિ ન બીકણ થાઓ. ૨૯

સુણી સાધુ સમાધિમાં ગયા, દેહે દૈત્ય થકી ડોઢા થયા;

જીતી દૈત્યને ત્યાંથી સિધાવ્યા, ભૂમાપુરુષની આગળ આવ્યા. ૩૦

જૈને નેહે કર્યો નમસ્કાર, કહ્યા શ્રીહરિના સામાચાર;

ભૂમાપુરુષે પુરો પ્રેમ આણી, પૂજ્યા સાધુને મુક્ત પ્રમાણી. ૩૧

સારે સિંહાસને પધરાવ્યા, ચર્ચિ ચંદન હાર ચડાવ્યા;

વળી આપ્યો ભલો ફલાહાર, જમ્યા સંત ગણી સુખકાર. ૩૨

ત્યાંના વાસી હતા જન જેહ, જેના દિસે ચતુર્ભુજ દેહ;

આવી સાધુને તે પગે લાગ્યા, વાત સાંભળવા અનુરાગ્યા. ૩૩

પુરુષોત્તમનો મહિમાય, સંભળાવિયો તે સમે ત્યાંય;

વળી આશ્રય હરિનો કરાવ્યો, દૃઢ નિશ્ચય દિલમાં ઠરાવ્યો. ૩૪

લેતાં સ્વામિનારાયણ નામ, પહોંચાડિયા અક્ષરધામ;

કર્યું સાધુયે એટલું કામ, પછી આવ્યા જ્યાં છે ઘનશામ. ૩૫

સભા માંહી કહી બધી વાત, થયા સર્વ સુણી રળિયાત;

સુણી શ્રીહરિનો મહિમાય, જનને મન અચરજ થાય. ૩૬

પૂર્વછાયો

એવે સમે હરિ આગળે, ભીમભાઈ ભલા ભક્તરાજ;

હાથ જોડી કહે હે હરિ, મારી અરજ સુણો એક આજ. ૩૭

ચોપાઈ

રાજનીતિની છે એક રીત, કહું સાંભળો પરમ પુનીત;

જન્મ મરણ ને પટ્ટાભિષેક, જ્યારે પામે છે રાય હરેક. ૩૮

બંધિવાનની બંધી છોડાવે, એવી રીત સદા ચાલી આવે;

થયો આપને પટ્ટાભિષેક, સુણી હરખ્યા છે લોક અનેક. ૩૯

પણ નરકના કુંડમાં જે છે, તે તો પ્રાણી પીડા જ ખમે છે;

કોઈ સંતને મોકલો આપ, જૈને જીવ છોડાવે અમાપ. ૪૦

સુણી એટલી વાત તે ઠામ, સ્વરૂપાનંદને કહે શામ;

તમે યમપુર પ્રત્યે સિધાવો, કુંડ નરકના પ્રાણી છોડાવો. ૪૧

ભૂમાપુરુષ તણું જ્યાં છે ધામ, સૌને મોકલજો તેહ ઠામ;

સ્વરૂપાનંદે કીધી સમાધિ, ગયા યમપુર કૃષ્ણ આરાધિ. ૪૨

જોયા નરકમાં પીડાતા પ્રાણી, અતિ અંતરમાં દયા આણી;

લીધું સ્વામિનારાયણ નામ, નાઠા સાંભળી દૂત તમામ. ૪૩

પ્રાણી નીકળ્યા કુંડ બહાર, વંદ્યા સાધુને વારમવાર;

નારાયણ સ્વામિ ભજન કરાવ્યું, પાપ સંચિત સર્વે બળાવ્યું. ૪૪

થયા સર્વ ચતુર્ભુજરૂપ, દેહ દિવ્ય દેખાય અનૂપ;

ધામ ભૂમાપુરુષનું છે જ્યાંય, સંતે સર્વને મોકલ્યા ત્યાંય. ૪૫

સંતે શ્રીજીની આગળ આવી, વાત વિગત સહિત સુણાવી;

સુણી રાજી થયા શ્રીગોવિંદ, દીધાં છાતિમાં ચરણારવિંદ. ૪૬

વળી બોલિયા જગદાધાર, અમારે ધરી આ અવતાર;

જીવ ઉદ્ધારવા છે અનંત, હોય પાપી તથા પુણ્યવંત. ૪૭

મારે સંકલ્પે ઉદ્ધરે સહુ, કાયા ધરવાનું કારણ કહું;

ભક્તજનને ભલાં સુખ દેવા, ઇચ્છા કીધી મેં અવતાર લેવા. ૪૮

એવી વાત ઘણી ઘણી કરી, પછી તો ગયા પંચાળે હરિ;

પોશી પૂનમે સંતની સાથ, માંગરોળ ગયા મુનિનાથ. ૪૯

પૂર્વછાયો

સામા આવ્યા સતસંગી સૌ, તેમાં મુખ્યનાં કહું છું નામ;

શેઠ ગોરધન સાથ છે, રામચંદ્ર સદ્‌ગુણધામ. ૫૦

સુંદરજી અને રતનજી, મુળચંદાદિ વણિકની જાત;

ભક્ત બીજા મંછારામ છે, અને આણંદજી વિખ્યાત. ૫૧

ચોપાઈ

ભક્ત ધનજી ને ત્રીકમભાઈ, રાજુબાઈ આદિક બહુ બાઈ;

સામા આવી કર્યું સનમાન, ભાળી ભાવ રીઝ્યા ભગવાન. ૫૨

માંગરોળથી પશ્ચિમમાંય, રુડી વાડી છે ઉતર્યા ત્યાંય;

દેશપાળક વજરૂદીન, નેહ તેણે દેખાડ્યો નવીન. ૫૩

સજી સેવા તેણે પણ સારી, પગે લાગ્યા પેગંબર ધારી;

સભા શ્રીજી સમીપ ભરાય, બહુ જનને સમાધિ થાય. ૫૪

જ્યારે શ્રીહરિ પુરમાં પધારે, જેના સામું જુવે હરિ જ્યારે;

તેને સદ્ય સમાધિ તો થાય, ગોલોકાદિક ધામમાં જાય. ૫૫

કોઈ વેપાર કરતા વેપારી, કોઈ તોળતા ત્રાજવાં ધારી;

કોઇ નામું ઠામું લખનાર, થઈ જાય જોતાં શબાકાર. ૫૬

બીજા પરચા અનેક જણાય, જોઈ જન હરિ આશ્રિત થાય;

કરે દેવતા પુષ્પની વૃષ્ટિ, કોઈ કાળે દેખે જન દૃષ્ટિ. ૫૭

આવે દર્શને દેવ અલેખે, કોઈ જન નિજદૃષ્ટિયે દેખે;

આખા દેશમાં વિસ્તરી વાત, પ્રભુ પ્રગટ થયા સાક્ષાત. ૫૮

પરગામ થકી જન આવે, કરી દર્શન મનમુદ લાવે;

ભક્તિ જ્ઞાન વૈરાગ્યની વાત, ધર્મ સહિતની કરે ધર્મજાત. 1 ૫૯

મતવાદી વદે વાદ આવી, તેને શિષ્ય કરે સમજાવી;

હરિ સંશય સર્વના તોડે, અભિમાની જનો માન છોડે. ૬૦

કોઈ આવે છે શાસ્ત્ર ભણેલા, કોઈ સાધક સિદ્ધ બનેલા;

કોઈ જૈની ને કોઈ વેદાંતી, પ્રભુ ભાંગે છે સર્વેની ભ્રાંતિ. ૬૧

કહે કોઈ ભણ્યો છું પુરાણ, કહે કોઈ પઢ્યો છું કુરાન;

કૌળશાસ્ત્ર ભણ્યો કહે કોઈ, હારે સૌ હરિનું મુખ જોઈ. ૬૨

પુષ્પિતાગ્રાવૃત્ત

મુનિપતિ રહી માંગરોળ માંય, પરમ પ્રતાપ જણાવિયો તહાંય;

અહિપતિ2 ઉચરે મુખે હજાર, તદપિ પમાય નહી કદાપિ પાર. ૬૩

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પંચમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

સૌરાષ્ટ્રદેશે અગત્રાઈગ્રામે શ્રીહરિપ્રતાપેન ભીમભાઈ પિપીલિકા3-મોક્ષકરણનામા ષષ્ઠો વિશ્રામઃ ॥૬॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે