વિશ્રામ ૭
પૂર્વછાયો
મહાપ્રભુ માંગરોળમાં, વસી પૂરો કર્યો પોષ માસ;
વસંતપંચમીનો ભલો, ત્યાં તો દિવસ આવ્યો પાસ. ૧
ચોપાઈ
માણાવદરના મેહેરબાન,1 ભલા ભૂપ ગજેફરખાન;
તેણે મોકલ્યા ભટ મયારામ, ગયા તે સાથે ગોવિંદરામ. ૨
ભક્ત પર્વત ને ભીમભાઈ, હરિભક્ત ચાલ્યા હરખાઈ;
સતસંગીનો થઈને સમાજ, ગયા કૃષ્ણને તેડવા કાજ. ૩
જૈને શ્રીજગજીવન પાસ, કરી પ્રેમથી વિનતિ પ્રકાશ;
માણાવદરમાં મહારાજ, કરો આવી વસંતનું કાજ. ૪
ત્યાં જ તેડી જવાને તમને, અવનીશ્વરે મોકલ્યા અમને;
સંત હરિજનને લઈ સાથ, નેહ લાવી પધારોને નાથ. ૫
માઘી પંચમીને દિન પ્રીતે, રંગખેલ કરો રુડી રીતે;
પછી લૈ સાથે સંતસમાજ, ગયા માણાવદર મહારાજ. ૬
ભટને ઘેર જૈ ભગવાને, કર્યો ઉતારો કરુણાનિધાને;
આવ્યો પંચમીનો દિન જ્યારે, થયો સારો સમૈયો તે ત્યારે. ૭
સારી અઠાવના તણી સાલે, કર્યો ઉત્સવ ત્યાં વૃષલાલે;
દેશદેશના હરિજન આવ્યા, ભલી ભેટ સામગરી લાવ્યા. ૮
પછી કેસર કેસુ2 પતંગ,3 રુડી રીતે રચાવિયા રંગ;
લાવ્યા ખૂબ અબીર ગુલાલ, પીચકારિયોનો તેવો તાલ. ૯
એક પાસે તો સંતસમાજ, બીજે પાર્ષદો ને મહારાજ;
મળી ખૂબ કર્યો રંગખેલ, ચારે પાસે ચાલી રંગરેલ. ૧૦
નાખ્યો ખૂબ ગુલાલ અબીર, પછી નાવા ગયા નરવીર;
નદી ક્ષારવતી લક્ષ્મી આરે, કર્યું સ્નાન ત્યાં ધર્મદુલારે. ૧૧
ભટની વાડી માંહી પધારી, કરી જગ્યા પ્રસાદીની સારી;
માણાવદરના શાહુકાર, નામ જાદવજી નિરધાર. ૧૨
તેણે રેશમની કોરવાળો, ધોતી જોટો જે રુડો રુપાળો;
ધર્મપુત્રની આગળ ધર્યો, ભલા ભાવ થકી ભેટ કર્યો. ૧૩
તેને દેખીને રઘુનાથદાસ, લેવા અંતરમાં કરી આશ;
ધોતી હરિવરે હાથમાં લીધી, ભટ બેયને બે વેંચી દીધી. ૧૪
મયારામ ને ગોવિંદરામે, લીધી સ્નેહે દીધી ઘનશામે;
દાસ રઘુનાથે ઇરષા આણી, તે તો સર્વે જનોયે જાણી. ૧૫
વૃષપુત્રે વિચારિયું ઊર, આને મોકલિયે ક્યાંઈ દૂર;
ક્લેશ વારે વારે ઉપજાવે, જાય તો સુખ સર્વને આવે. ૧૬
પછી બોલાવીને નિજ પાસ, કહ્યું સાંભળો રઘુનાથદાસ;
રામાનંદનો વિરહ સમાવા, સતસંગીને શાંતિ કરાવા. ૧૭
મુક્તાનંદ ગયા કચ્છ જેમ, તમે ગુજરાતમાં જાઓ તેમ;
હરિભક્તોને હરખ પમાડો, મોટું વિરહનું દુઃખ મટાડો. ૧૮
અતિ શ્રેષ્ઠ તે કામ ગણાય, તમ વગર બીજાથી ન થાય;
માટે અંતરે ઉત્સાહ લાવો, અમદાવાદ આપ સિધાવો. ૧૯
બોલ્યો રઘુનાથદાસ તે ઠામ, એવું હું જ કરી શકું કામ;
મુક્તાનંદ બિચારો શું કરશે? કચ્છમાં જઈને પાછો ફરશે. ૨૦
હું તો જૈને કરું એવી વાત, કરું વશ્ય આખી ગુજરાત;
એમ કહીને તે ત્યાંથી સિધાવ્યો, અમદાવાદમાં એ તો આવ્યો. ૨૧
કહે વર્ણી સુણો હે રાજાન, અભિમાની ધરે અભિમાન;
પણ શ્રીહરિ સાંખી રહે છે, સમો આવ્યે તેનું ફળ દે છે. ૨૨
ઉપજાતિવૃત્ત (હરિનું ધાર્યું થાય તે વિષે)
ધાર્યું બધું શ્રીહરિનું જ થાય, મનુષ્ય જાણે મુજથી કરાય;
ગાડાં તળે શ્વાન ગતિ કરે છે, તે માન મિથ્યા મનમાં ધરે છે. ૨૩
છે પ્રાણ નાડી પ્રભુને જ હાથ, સૌને નચાવે વળી વિશ્વનાથ;
અજ્ઞાની લોકો અભિમાન આણે, જથાર્થ શક્તિ હરિની ન જાણે. ૨૪
કરે અધર્મી અઘ જે અલેખે, શ્રીનાથ સાક્ષી થઈ સર્વ દેખે;
જ્યારે સમો તે ફળયોગ્ય આવે, ત્યારે જ તેનું ફળ તે અપાવે. ૨૫
ચોપાઈ
હતા જે સમૈયે જન આવ્યા, આપ આપને ઘેર સિધાવ્યા;
માણાવદરથી મહારાજ, ચાલ્યા સંતનો લઈને સમાજ. ૨૬
પીપલાણે જવાને સિધાવ્યા, નદી ઓઝતને તટ આવ્યા;
સંત આગળ તહાં શ્રીહરિ, એક વાત એવી રીતે કરી. ૨૭
રામાનંદસ્વામી ઘણી વાર, નાહ્યા છે તે આ નદી મોઝાર;
અમે પણ ઘણી વાર ઉમંગે, કર્યું છે આમાં મજ્જન4 અંગે. ૨૮
રામાનંદને અમે આ ઠાર, પ્રશ્ન પૂછ્યો તેનો કહું સાર;
કાં તો સદ્ગુરુ કે ભગવાન, દે છે કલ્યાણદાન નિદાન. ૨૯
કહો તેમાં તમે છો જ કેવા? જાણે સર્વ જથારથ જેવા;
સુણી બોલ્યા નહી કાંઈ સ્વામી, દૃષ્ટિ દઈ પરવતભાઈ સામી. ૩૦
વાણી મર્મમાં એવી ઉચ્ચારી, જ્યારે થાય ઉદય તિમિરારી;5
પડે ચંદ્રનો ઓછો પ્રકાશ, સુણી સમજ્યા મરમ હરિદાસ. ૩૧
ચંદ્ર જેવા રામાનંદસ્વામી, સૂર્ય જેવા આ અક્ષરધામી;
જ્યાં સુધી રવિ ઉદય ન થાય, ચંદ્ર સર્વોપરી જ જણાય. ૩૨
રામાનંદ હતા ભગવાન, થયા સદ્ગુરુ શ્રેષ્ઠ સમાન;
એમ સમજીયા સૌ હરિદાસ, એવી વાત કરી અવિનાશ. ૩૩
પછી સંત સહિત સુખરાશી, નાયા ઓઝતમાં અવિનાશી;
કરી નિત્યક્રિયા સૌ સંતે, વળી પોતે કરી ભગવંતે. ૩૪
મે’તા નરસિંહને ઘેર જૈને, ઉતર્યા હરિ હર્ષિત થૈને;
સર્વ ભક્તને સુખ દઈ ભારી, માંગરોળ પધાર્યા મુરારી. ૩૫
પૂર્વછાયો
હરિયે ત્યાં જ હુતાશનીનો, ઉત્સવ કીધો અનૂપ,
તેમ જ ત્યાં રહીને કરી, રુડી રામનૌમી સુખરૂપ. ૩૬
અક્ષય તૃતીયા એ પછી, નરસિંહ ચતુર્દશી નામ;
ભીમ એકાદશી પણ ભલી, જળજાત્રા ઉત્સવ અભિરામ. ૩૭
ચોપાઈ
એવા ઉત્સવ ઉપર ભાવે, દેશ દેશના હરિજન આવે;
ઉષ્ણ કાળ તે આકરો બાણ, પડી પાણીની ત્યાં ઘણી તાણ. ૩૮
તપે સૂર્ય ઘણો તાપ પડે, પાણી પીવા પુરું નવ જડે;
દીઠી પાદર વાપિકા6 એક, બહુ જૂની પુરાયેલી છેક. 7 ૩૯
તેહ ખોદાવવા ઉર ધારી, રાજા આગળ વાત ઉચ્ચારી;
કહે કૃષ્ણ ઘણા સંઘ આવે, જળ વગર કેમ અહીં ફાવે? ૪૦
વારી વગર વિપત્તિ પડે છે, જળ તો ઘણું દૂર જડે છે;
માટે તરત રજા આપો તમે, તો આ વાવ્ય ખોદાવિયે અમે. ૪૧
સુણી બોલિયા વજરુદીન, હું છું આપ તણો જ આધીન;
કરો આજ્ઞા તો વાવ્ય ખોદાવું, કહો તો પાણી હું પોંચાડાવું. ૪૨
સુણી બોલિયા શ્રીભગવાન, અહીં કરવું છે તીરથ સ્થાન;
કરે શ્રમ સહુ સંતનો સાથ, ગાળ કાઢું વળી મારે હાથ. ૪૩
હરિભક્ત કરે કામ જ્યારે, તીર્થ થાય પવિત્ર તો ત્યારે;
મોટો આ ભૂમિનો મહિમાય, વધે તે કરવો છે ઉપાય. ૪૪
એવો કીધો છે સંકલ્પ અમે, માટે તરત રજા આપો તમે;
બોલ્યા ભૂપ સુણી તેહ ટાણે, કરો આપની ઇચ્છા પ્રમાણે. ૪૫
ધન્ય ધન્ય તમે મહારાજ, પ્રભુ પ્રગટ્યા અમારે કાજ;
મારી ભૂમિનાં ભાગ્ય અપાર, થશે વિખ્યાત વિશ્વ મોઝાર. ૪૬
થશે આ સ્થળે તીરથ સ્થાન, ભલો જાણીશ હું ભાગ્યવાન;
સારા શબ્દ સુણી હરિ આવા, વાવ્ય માંડી તે તરત ખોદાવા. ૪૭
સતસંગી કરે સઉ કામ, કરે કામ ત્યાં શ્રીઘનશામ;
ભક્ત દેશી તથા પરદેશી, બાઈ ભાઈ રહે નહીં બેસી. ૪૮
હરિભક્ત હજારો હજાર, ગાળ કાઢે કહે જેજેકાર;
સંતો અષ્ટક કીર્તન ગાય, જન જોવા હજારો ભરાય. ૪૯
સુખ પામ્યો સુણી શેષનાગ, ભલાં જાણ્યાં પોતા તણાં ભાગ્ય;
જેને સેવે છે સુરપતિ જેવા, પ્રભુ લાગ્યા તે ટોપલી લેવા. ૫૦
એવી લીલા જોવા તેહ સ્થાન, છાયાં વ્યોમમાં દેવ વિમાન;
દશ દિવસ કર્યું કામ જ્યારે, વારી વાવ્યમાં આવ્યું તે વારે. ૫૧
મિષ્ટ જળ સુરસરિતા8 સમાન, કર્યું શ્રીહરિયે તેમાં સ્નાન;
વિપ્ર વેદિયા બોલાવી પ્રીતે, પૂર્તકર્મ કર્યું રુડી રીતે. ૫૨
દ્વિજને ત્યાં ચતુર્ભુજરૂપે, દીધું દર્શન વૃષકુળભૂપે;
કરી વેદના મંત્ર ઉચ્ચાર, પૂજ્યા વિપ્રોયે વિશ્વઆધાર. ૫૩
પછી બ્રાહ્મણોને રુડી રીત, દીધાં ભોજન ભાવ સહિત;
જમ્યા વિપ્ર હજારો હજાર, નાનાં મોટા પુરુષ અને નાર. ૫૪
ઘણા પર્ચા દેખાડીને આપ, કર્યો પ્રગટ તે પ્રૌઢ પ્રતાપ;
એવી અદ્ભુત વાત સાંભળી, જુદા મતના જનો આવ્યા મળી. ૫૫
કહે છો તમે સમરથ સારા, ઇષ્ટ દેખાડો અમને અમારા;
સુણી વિનતિ તે વૃષકુળભૂપે, દીધાં દર્શન ઇષ્ટ સ્વરૂપે. ૫૬
વલ્લભી માધવી નિમાનંદી, સંપ્રદાયના જન જુવે વંદી;
જાણે સાક્ષાત છે ગોપીનાથ, હેતે વાંસળી લીધી છે હાથ. ૫૭
રામાનુજ મતના હતા જેહ, દેખે લક્ષ્મીનારાયણ તેહ;
રામાનંદી હતા તેહ ઠામ, તેણે દીઠા સીતા સહ રામ. ૫૮
હતા વેદાંતી શંકરવાળા, તેણે બ્રહ્મજ્યોતીરૂપે ભાળ્યા;
જેને શિવની ઉપાસના હતી, તેણે તો દીઠા પાર્વતી પતી. ૫૯
ભાનુભક્તોયે ભાળ્યા દિનેશ, ગણનાથના ભક્તે ગણેશ;
દેવી દેખે દેવીભક્ત જેહ, જૈનિ તો તીરથંકર તેહ. ૬૦
હતા યવન જે સદગુણી શાણા, તેણે પ્રગટ પેગંબર જાણ્યા;
જોઈ નિજ નિજ ઇષ્ટસ્વરૂપ, થયા સૌ સતસંગી હે ભૂપ. ૬૧
અવતાર તણા અવતારી, જાણ્યા તે શ્રીહરિ બ્રહ્મચારી;
પછી પોતે પોતા તણે ઘેર, ગયા સૌ જન તે શુભ પેર. ૬૨
પુષ્પિતાગ્રાવૃત્ત
પુર પુર પ્રસરી સુવાસ એહ, પ્રગટ થયા પ્રભુ અક્ષરેશ જેહ;
સુણી જન શરણે અસંખ્ય આવે, દુરિત સમસ્ત દયાનિધિ શમાવે. ૬૩
ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પંચમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિમાંગરોળપુરે વાપિકાખનનનામા સપ્તમો વિશ્રામઃ ॥૭॥