વિશ્રામ ૮
પૂર્વછાયો
સંવત શુભ અષાઢાદિની, બેઠી ઓગણસાઠની સાલ;
મહાપ્રભુ માંગરોળમાં, વસી રહ્યા વરષા કાળ. ૧
ચોપાઈ
શુદિ બીજ અષાઢી ગણાય, રથજાત્રાનો ઉત્સવ થાય;
પ્રભુ આજ્ઞાથી પૂરણ પ્રીતે, કર્યો ઉત્સવ તે રુડી રીતે. ૨
દેવપોઢણી એ પછી આવી, ભલી એકાદશી મન ભાવી;
સૌને નિયમ વિશેષ ધરાવ્યાં, ચાંદ્રાયણ આદિ વ્રત રખાવ્યાં. ૩
કરે ગર્જના મેઘ આકાશે, થાય વીજળી ત્યાં ચારે પાસે;
ક્યારે ઇન્દ્રધનુષ્ય દેખાય, વૃષ્ટિ વિશ્વ વિષે ઘણી થાય. ૪
કરે મોર અધિક ઉચ્ચાર, ગાય મુનિજન રાગ મલાર;
વદી અષાઢની દ્વિતીયાય, બેઠા હીંડોળે શ્રીહરિરાય. ૫
આવી શ્રાવણી પૂનમ સારી, કર્યો ઉત્સવ કુંજવિહારી;
જન્મઅષ્ટમીનો દિન આવ્યો, મોટો ઉત્સવ કૃષ્ણે કરાવ્યો. ૬
પરગામ તણા સતસંગી, આવ્યા અંતરે અધિક ઉમંગી;
અમદાવાદના જન આવ્યા, એ તો એવા સમાચાર લાવ્યા. ૭
માંડી રઘુનાથદાસે ઉપાધી, કૈંક સાધુને લીધા છે સાધી;
મહારાજની નિંદા કરે છે, સૌથી શ્રેષ્ઠ તો પોતે ઠરે છે. ૮
વાત શ્રીહરિને તે સુણાવી, ત્યાંનો પત્ર આપ્યો વળી લાવી;
હરિભક્તોયે તેમાં લખેલું, અમને દુઃખ છે ઉપજેલું. ૯
કોઈ સદ્ગુરુ મંડળ સાથ, અમદાવાદ મોકલો નાથ;
આંહી આવી ઉપાધિ શમાવે, દાસ રઘુનાથને સમજાવે. ૧૦
એવા સાંભળીને સમાચાર, વૃષનંદને કીધો વિચાર;
રામદાસજીને કહી વાત, ઝટ જાઓ તમે ગુજરાત. ૧૧
જૈને સર્વે ઉપાધિ શમાવો, દાસ રઘુનાથને સમજાવો;
જો તે સતસંગમાંથી નિસરશે, કૈંક જીવનું પણ ભૂંડું કરશે. ૧૨
માટે રાખજો જેમ તેમ કરી, શબ્દ સ્નેહ સહિત ઉચ્ચરી;
એમ કહી મોકલ્યા રામદાસ, ગયા તે રઘુનાથની પાસ. ૧૩
પૂર્વછાયો
એવે સમે માંગરોળમાં, ભક્ત માતાનો મગનીરામ;
આવી ચડ્યો અન્ય દેશથી, એનું આખ્યાન કહું આ ઠામ. ૧૪
ચોપાઈ
સુણી બોલ્યા અભેસિંહરાય, કૃપાનાથ કહો તે કથાય;
હતો કોણ તે મગનીરામ? ક્યાંથી આવી ચડ્યો એહ ઠામ? ૧૫
કહે વર્ણી સુણો હે રાય, કહું છું હવે તેહ કથાય;
ઘણા જુગ કરતો તપ જોગી, જોગ ભ્રષ્ટ થઈ થયો ભોગી. ૧૬
ભલા દ્રાવીડ દેશમાં તેહ, પામ્યો પુણ્ય થકી નરદેહ;
ધર્યો દ્વિજકુળમાં અવતાર, રહ્યો ઈશ્વર મળવા વિચાર. ૧૭
નામ પામ્યો તે મગનીરામ, બાળાપણમાં હૈયે ઘણી હામ;
આઠ વર્ષે તો ઉપવીત દીધું, કાંઈ શાસ્ત્રાધ્યયન પછી કીધું. ૧૮
રાત દિવસ રહે એવું ધ્યાન, મને કેમ મળે ભગવાન?
પછી ચાલ્યો તજી ઘરબાર, ગયો દેશ બંગાળા મોઝાર. ૧૯
ત્યાં તો વાત તેણે સુણી એવી, પ્રભુ મેળવે શારદા દેવી;
પીપા નામે હતો એક રાય, તેને ત્રૂઠી1 હતી શારદાય. ૨૦
તેણે ભેટાડ્યા શ્રીભગવાન, એવું સાંભળ્યું શુભ આખ્યાન;
તેથી તેણે ઇચ્છા કરી એવી, કરું સાધ્ય2 હું શારદા દેવી. ૨૧
જેણે શારદા વશ કરી હોય, ક્યાંઈ શોધું એવો ગુરુ કોય;
એમ કરતાં ગયો એક ગામે, એક વિપ્ર વસે તેહ ઠામે. ૨૨
તેણે શારદા સાધ્ય કરેલી, એવી વાત બધે પ્રસરેલી;
હતો દ્રાવિડ દેશનો તેહ, પેટ અર્થે આવી વશ્યો એહ. ૨૩
કન્યા સોળ વરસની તેને, વર નાતનો નવ મળે એને;
ત્યાં તો શારદા સાધન કામ, મળ્યો આવીને મગનીરામ. ૨૪
તેને પોતાની નાતનો જાણ્યો, ત્યારે કન્યાપિતા હરખાયો;
માગ્યો મંત્ર તે મગનીરામે, શારદા વશ્ય કરવાને કામે. ૨૫
દ્વિજે સાધન શીખવ્યું જ્યારે, સાધ્ય કીધી સરસ્વતી ત્યારે;
પછી માગી રજા ગુરુપાસ, કહ્યું કરવો છે મારે પ્રવાસ. ૨૬
કહે વિપ્ર આ કન્યાને વરો, મારી આશા તે પૂરણ કરો;
ત્યારે બોલ્યો તે મગનીરામ, બ્રહ્મચારી રહીશ હું આમ. ૨૭
દેશોદેશ ફરીને નિદાન, મારે ભેટવા છે ભગવાન;
ગુરુપુત્રી તે ભગિની3 પ્રમાણું, ખોટો સંકલ્પ ઉરમાં ન આણું. ૨૮
એમ કહીને તે ત્યાંથી વિચરિયો, પુરુષોત્તમપુરી4 જઈ ઠરિયો;
પૂર્વભવનું કરમ નડ્યું આવી, પ્રભુ મળવાની વાત ભૂલાવી. ૨૯
પામ્યો સાધનસિદ્ધિ તે કાળે, દેખાદેખી ચડ્યો બીજે ચાળે;
જાણે હું મોટો સિદ્ધ મનાઉં, પ્રભુની પેરે અધિક પૂજાઉં. ૩૦
સર્વ રાજા પ્રજા વશ કરું, થૈને ફક્કડ ફાવે ત્યાં ફરું;
કરી મંત્ર તણો ઉપચાર, કર્યા વેરાગી શિષ્ય હજાર. ૩૧
સાથે મોટી જમાત તે લૈને, કરે દંડ રાજાઓને જૈને;
વળી જ્યાં જ્યાં જુવે મઠધારી, તેને દંડે તે ચીપીયા મારી. ૩૨
તેનો વેશ દિસે વિકરાળ, કંઠે માળા જેવી રુંડમાળ;5
બહુ મોટી જટા ધરી માથે, લીધું લોઢાનું ત્રિશૂળ હાથે. ૩૩
રાતી આંખ્યો તે અંગારા જેવી, દેખી બાળક બી મરે એવી;
કરે ચાંદલો સિંદુર કેરો, ભાસે ભારે ભયંકર ચેરો. 6 ૩૪
નાકને મૂળે બંદગી કરે, કાંડે કેદારી કંકણ ધરે;
મોટો ચિપિયો હાથમાં રાખે, અભિમાન ભર્યા બોલ ભાખે. ૩૫
પોતે પાલખીમાં ચડી બેસે, ઝુંડ લૈ ફરે દેશ વિદેશે;
ચાલે સ્વાર પાળા એની આગે, ઊંટ ઉપર નોબત વાગે. ૩૬
મોટું ફરકે છે ભગવું નિશાન, ભાસે ફોજ તે જમની સમાન;
રણશિંગું વાગે તેની પાસ, સુણતાં લોકને લાગે ત્રાસ. ૩૭
કોઈ નાગડા ઊંટે ચડેલા, કોઈ છે મદ માંહી છકેલા;
લીધી કોઇયે તલવાર ઢાલ, જમદૂત જેવા વિકરાળ. ૩૮
બાંધ્યા મુંઝ7 તણાં આડબંધ,8 ધરી પાવડી કોઇયે કંધ;
વાળ્યા કોઇયે વજર9 કછોટા, લીધા કોઇયે વાળી લંગોટા. ૩૯
ધર્યા કોઇયે ગોરખધંધા,10 બહુ તો દિસે હથિયારબંધા;
દેશપાળ11 પાસે દંડ માગે, મંત્રજંત્રે ડરાવવા લાગે. ૪૦
કહે હું દિલમાં ક્રોધ લાવું, મેલી આગિયો12 પુર સળગાવું;
કાં તો પથ્થરની કરું વૃષ્ટિ, પળ એકમાં સંહારું સૃષ્ટિ. ૪૧
એવી ધાક સુણી જન ધ્રુજે, મુખે માંગે તે આપીને પૂજે;
જૈને કાશીની જાત્રા તે કીધી, પછી દ્વારિકાની વાટ લીધી. ૪૨
ઘણા દેશ થકી દંડ લાવ્યો, પછી પોરબંદરમાં આવ્યો;
હતો ગોસાંઈ ત્યાં મઠધારી, ભાળ્યો તેહનો વૈભવ ભારી. ૪૩
તેને ચીપીયાનો માર્યો માર, મંત્ર જોર જણાવ્યું અપાર;
કર બાંધી વળી કેદ કીધો, ઘણો દંડ તે પાસેથી લીધો. ૪૪
મઠધારી બોલ્યો છેલી વારે, આવું જોર જણાવો છો જ્યારે;
જૈને જીવનમુક્તને જીતો, નથી માથાનો કોઈ અહીં તો. ૪૫
જેનું સ્વામિનારાયણ નામ, માંગરોળમાં આજ મુકામ;
નવો પંથ ચલાવે છે એહ, તમે જીતી શકો નહિ તેહ. ૪૬
તમ જેવાને ચેલા કરે છે, માનીનું અભિમાન હરે છે;
જીતો તેને જો જીતી શકાય, આંહી દેડકાં ડાંભે13 શું થાય? ૪૭
એવી વાત તે એણે ઉચ્ચારી, સુણી દાઝ્યો દિલે અહંકારી;
માંગરોળનો મારગ લીધો, આવી પાદરમાં ડંકો દીધો. ૪૮
ઘેરો ઘાલ્યો તે ગામને આવી, વળી વાત રાજાને કહાવી;
આપો રુપૈયાં પાંચ હજાર, નહિ તો કરું સૌનો સંહાર. ૪૯
વ્યોમથી પથરા વરસાવું, આખા શેહેરમાં આગ્ય ચલાવું;
જો આ પત્તર ઊંધું વળાય, તો આ પટ્ટણ14 ડટ્ટણ15 થાય. ૫૦
સુણી ભૂપ કહે સાક્ષાત, કાંઈ હોય એવી કરામાત;
જાઓ સ્વામિનારાયણ પાસ, કરો સિદ્ધાઈ સર્વ પ્રકાશ. ૫૧
એને જીતી આવો જેહ વાર, દેશું રૂપૈયા દશ હજાર;
એવું સાંભળીને અહંકારી, ચાલ્યો જીતવા શ્રીગિરિધારી. ૫૨
લીધા વેરાગી દશવીશ સાથે, ઝાલ્યા ચીપીયા ત્રિશૂળ હાથે;
એમ શ્રીજીની આગળ આવી, બોલ્યો બોલ મહા ગર્વ લાવી. ૫૩
તમે કેમ પાખંડ ચલાવો? હોય સિદ્ધાઈ કાંઈ બતાવો;
શ્રીજી બોલ્યા ગંભીરાઈ ધરતા, અમે સિદ્ધાઈ તો નથી કરતા. ૫૪
અમે ઉપદેશ દૈયે સદાય, જેથી જીવનું કલ્યાણ થાય;
અમે આપીયે જ્ઞાન અખંડ, નથી કાંઈ ચલાવ્યો પાખંડ. ૫૫
એવું સાંભળી કીધો ઉચ્ચાર, આપો રૂપૈયા દસ હજાર;
નહિ તો બધું નગર ઉપાડું, મહાસાગર માંહી બુડાડું. ૫૬
તમે સાંભળ્યું છે મારું નામ? દેવીવાળો હું મગનીરામ;
મારી પાસે મોટા સિદ્ધ નમે, મોટા રાજાને દંડિયે અમે. ૫૭
જાણું મારણ મોહન મંત્ર, વશીકરણ ઉચ્ચાટન તંત્ર;
જાણું સ્તંભન આકરષણ, જપ હોમ કર્યા તરપણ. ૫૮
મેં તો સાધી છે શારદા દેવી, કરે સૌનો પરાભવ એવી;
મારી ફુંકથી પરવત ફાટે, મારા ત્રાસથી ઇન્દ્ર ઉચાટે. ૫૯
વસ્ત્ર પાણી ઊપર પાથરું, એના ઊપર આસન કરું;
પેસું પાવક ઝાળ મોઝાર, પૂરો ઘરમાં ને નીસરું બા’ર. ૬૦
સુણી બોલિયા શ્રીઅવિનાશ, રુપૈયા તો નથી અમ પાસ;
કહો તો અન્ન આપિયે તમને, કાંઈ તમથી ન થૈ શકે અમને. ૬૧
અતિ સમરથ ઇષ્ટ અમારા, તેથી નિર્બળ મંત્ર તમારા;
થાય તમથી તે તો કરી લેજો, જાઓ દેવીને મોકલી દેજો. ૬૨
પુષ્પિતાગ્રાવૃત્ત
સુણી અતિ ઉર માંહી ક્રોધ આણી, વૃષકુળભૂપ મનુષ્યરૂપ જાણી;
અધર ડશન16 આપનો કરીને, ગતિ કરી ત્યાંથી ગયો વળી ફરીને. ૬૩
ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પંચમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
દેવીભક્ત-મગનીરામઆખ્યાને અષ્ટમો વિશ્રામઃ ॥૮॥