કળશ ૫

વિશ્રામ ૯

પૂર્વછાયો

કહે અચિંત્યાનંદજી, ભાવે સુણો અભેસિંહ ભ્રાત;

મગનીરામે શું કર્યું, હવે તે હું કહું છું વાત. ૧

ચોપાઈ

ચાલ્યો શ્રીહરિ પાસેથી જ્યારે, ગયો તરત પોતાને ઉતારે;

શુદ્ધ વસ્ત્ર ધર્યાં કરી સ્નાન, બેઠો એકાંતે થૈ સાવધાન. ૨

ઘીના દીવા કરી મૌન લીધું, પછી કુંભનું સ્થાપન કીધું;

આવાહન એમાં દેવીનું કરી, મંત્ર જપવાને માળીકા ધરી. ૩

કરી હોમ કર્યું તરપણ, ત્યાં તો આવી દેવી તતક્ષણ;

કેમ સમરી મને કહે દેવી, માગ્ય માગ્ય ઇચ્છા હોય જેવી. ૪

મુખે બોલિયો મગનીરામ, કહું છું તે કરો એક કામ;

માતા પામ્યો પ્રતાપ તમારો, તેથી જગમાં થયો જય મારો. ૫

મોટા મોટા મેં સિદ્ધ નમાવ્યા, ઘણા જોગી ચેલા થવા આવ્યા;

મંત્રી તંત્રી ગમે તેવો હોય, મને જીતી શક્યો નહિ કોય. ૬

ફર્યો દક્ષિણ પૂરવ દેશ, કર્યો પશ્ચિમ દેશ પ્રવેશ;

ઘણા નરપતિના દંડ લીધા, અભિમાની ઘણા વશ કીધા. ૭

મહાસાગરનો પામી પાર, હવે ડૂબું છું ખાડા મોઝાર;

માટે માતા સહાયતા કરો, મારા શત્રુ તણો મદ હરો. ૮

એક પુરુષ રહે છે આ ઠામ, તેનું સ્વામિનારાયણ નામ;

એણે કીધું મારું અપમાન, ધર્યું તે માટે મેં તારું ધ્યાન. ૯

મારો કોઈ પરાભવ કરે, તેની લાજ તો તુજને ઠરે;

માટે જાઓ માતા હાલહાલ, ધરો વેષ મહા વિકરાળ. ૧૦

એનાં સર્વ મનુષ્યો સહીત, નાંખો સાગર માંહી ખચીત;

ત્યારે જીત્યો હું જગમાં જણાઉં, નહિ તો નક્કી હાર્યો ગણાઉં. ૧૧

પછી માનશે નહિ કોઈ મને, તેનો બટો1 તો લાગશે તને;

એના મુખની વાણી સુણી એવી, બોલી તે સમે શારદા દેવી. ૧૨

સુણ સેવક મગનીરામ, તારી બુદ્ધિ ફરી કેમ આમ?

જો તું પ્રથમની વાત વિચારી, રહ્યો શા માટે તું બ્રહ્મચારી? ૧૩

મારી સાધના શા માટે કીધી? કન્યા મળતી હતી તે ન લીધી;

ભગવાનને ભેટવા માટ, ઘણા ઘડતો હતો મન ઘાટ. ૧૪

પછી પાપ પૂરવ તણું નડિયું, તેથી ચિત્ત બીજે ચાળે ચડિયું;

તોય જાણજે છે ઘણું સારું, બીજબળ પૂર્વજન્મનું તારું. ૧૫

રાખી ભગવત ભેટવા બુદ્ધી, કર્યું છે તપ બહુ જુગ સુધી;

તે તો સંચિત છે ઘણાં સારાં, નથી તે કદી નાશ થનારાં. ૧૬

જોગભ્રષ્ટ થયો પછી જોગી, ભળ્યો સંસારમાં થયો ભોગી;

પેટ અર્થે કર્યાં કાંઈ પાપ, ફરી બુદ્ધિ તે પાપ પ્રતાપ. ૧૭

એમ કહી જાતિસ્મરણ કરાવ્યું, તેથી સર્વે તે સાંભરી આવ્યું;

પછી લાગ્યો તે પસ્તાવો કરવા, લાગ્યાં આંખેથી આંસુડાં ઝરવા. ૧૮

બોલ્યો દેવીને પ્રણમી પાય, મને ભગવાન ભેટાડો માય;

એ જ અર્થે મેં સાધના કીધી, પણ તે વાત વિસારી દીધી. ૧૯

પીપા ભૂપાળને તમે જેમ, ભગવાન ભેટાડિયા તેમ;

મને પણ ભલી ભાતે ભેટાડો, મારા ચિત્તની ચિંતા મટાડો. ૨૦

સુણી બોલિયાં શારદા દેવી, ઇચ્છા અંતરે જો હોય એવી;

વદું તે સત્ય માનજે વાત, ભ્રમે ભૂલીશમાં હવે ભ્રાત. ૨૧

જે છે અક્ષરધામના ધામી, પુરુષોત્તમ સર્વના સ્વામી;

બ્રહ્મા વિષ્ણુ ને રુદ્ર અનેક, એવા સર્વના ઈશ્વર એક. ૨૨

સર્વ અવતારના અવતારી, સૌના કારણ અતિ સુખકારી;

તેણે કળિજુગનો મળ હરવા, વેદધર્મનું સ્થાપન કરવા. ૨૩

દેહ ધાર્યો છે ધર્મને ધામ, શુભ નામ છે શ્રીઘનશામ;

એ જ સ્વામિનારાયણ આપ, જેનો પ્રગટ છે પ્રૌઢ પ્રતાપ. ૨૪

અતિ મોટો એનો મહિમાય, તે ન કોઈથી જીતી શકાય;

મારા જેવી તો દેવિયો ઘણી, સજે સેવા તેના પદ તણી. ૨૫

દીનતા ધરી થા તેનો દાસ, ત્યાગી થૈ રહેજે તેની પાસ;

ભક્તિપુત્ર જાણી ભગવાન, મુકી દેજે બધું અભિમાન. ૨૬

સેવા નીચામાં નીચીયે કરજે, મોટાં ભાગ્ય એવું મન ધરજે;

ઉર હોય કલ્યાણની આશ, થજે સ્વામીનો દાસાનુદાસ. ૨૭

ઉપજાતિવૃત્ત (સાધુ પાસે નિર્માની રહેવા વિષે)

અનન્ય જે ભક્ત મહાપ્રભુના, નવા જનો કે જન હોય જૂનાં;

ન રાખિયે મોટપ તેની પાસ, કલ્યાણની જો ઉર હોય આશ. ૨૮

જ્યાં ખાસડાં સંત તણાં પડે છે, ત્યાં બેસવા મારગ જો જડે છે;

માને મહાભાગ્ય તણો પ્રકાશ, કલ્યાણની જો ઉર હોય આશ. ૨૯

જો શૂળિયે સંત કદી સુવારે, તથાપિ સદ્‌ભાગ્ય સુજાણ ધારે;

લે સંત પાસે મુખ માંહી ઘાસ, કલ્યાણની જો ઉર હોય આશ. ૩૦

કરે તિરસ્કાર કદાપિ સંત, ન સંતનો દ્રોહ કરે ધીમંત;

કરે સદા સંત સમીપ વાસ, કલ્યાણની જો ઉર હોય આશ. ૩૧

કરે રસાસ્વાદ તણો નિષેધ, જો થાય તે વાક્યથી ચિત્તવેધ;

ન થાય તેથી દિલમાં ઉદાસ, કલ્યાણની જો ઉર હોય આશ. ૩૨

રજોતમોના ગુણ જો જણાય, તે ટાળવા સંત કરે ઉપાય;

તે તર્ત છોડે ન પડે પ્રયાસ, કલ્યાણની જો ઉર હોય આશ. ૩૩

વાંચે ભણે તે સતશાસ્ત્ર નિત્ય, સંસારમાં સ્વલ્પ ધરે ન ચિત્ત;

કરે નહિ ગ્રામ્યકથા વિલાસ, કલ્યાણની જો ઉર હોય આશ. ૩૪

તપે કરી દુર્બળ દેહ રાખે, સ્વાદિષ્ટ જાણી નહિ સ્વાદ ચાખે;

કરે વિશેષે વ્રત ઊપવાસ, કલ્યાણની જો ઉર હોય આશ. ૩૫

ચોપાઈ

એવી દીધી શિખામણ સારી, પછી દેવી તો ત્યાંથી પધારી;

જે જે વચન કહ્યાં એહ ઠામે, સત્ય માન્યાં તે મગનીરામે. ૩૬

ઉંઘ આવી નહી આખી રાત, જાણે જો ઝટ થાય પ્રભાત;

તો હું પ્રગટ પ્રભુ પાસે જાઉં, સર્વ આ તજીને સાધુ થાઉં. ૩૭

રાત ચાર ઘડી રહી જ્યારે, સ્નાન આદિ ક્રિયા કરી ત્યારે;

આવ્યો શ્રીહરિ આશ્રમ પાસ, જોયો સંતનો જૈને નિવાસ. ૩૮

બેઠા કોઈક ધરીને ધ્યાન, કરે કોઈ હરિગુણ ગાન;

કરે કોઈ પ્રભુનું પૂજન, કોઈ કરવા ગયા મજ્જન. ૩૯

સંતને કરી દંડ પ્રણામ, નમ્યો પ્રેમથી મગનીરામ;

પછી ચોકમાં જોયું નિહાળી, એઠાં વાસણ ત્યાં પડ્યાં ભાળી. ૪૦

તેને માંજવા મંડ્યો જઈને, અતિશે નિરમાની થઈને;

માંજી વાસણ વાશીદું વાળ્યું, પછી નાથને મળવા નિહાળ્યું. ૪૧

પૂછ્યું સાધુને ક્યાં છે શ્રીહરિ? કહ્યું બેઠા છે તે સભા ભરી;

સભામાં ગયો મગનીરામ, પ્રભુને કર્યા દંડ પ્રણામ. ૪૨

હેતે વિનતિ કરી જોડી હાથ, કરો કોટિ કૃપા કૃપાનાથ;

તમ અર્થે મેં તપશ્રમ કર્યો, તમ અર્થે આ ઢોંગ આદર્યો. ૪૩

શારદા તણું સાધન સાધ્યું, તેથી પ્રૌઢ પરાક્રમ વાધ્યું;

જાણ્યું જીતશે મુજને જેહ, જગદીશ તો જાણીશ તેહ. ૪૪

તમ આગળ હું રહ્યો હારી, તમે નિશ્ચે છો દેવ મુરારી;

દેવી શારદાયે મને કહ્યું, તેથી મુજ મનમાં દૃઢ થયું. ૪૫

તમ શરણે હું આવ્યો છું આજ, મને સાધુ કરો મહારાજ;

સુણી બોલિયા જનસુખદાની, તમે છો અતિશે અભિમાની. ૪૬

મારા નિર્માની સંત જણાય, તેમાં કેમ તમે રહેવાય?

એવું સાંભળી વાણી ઉચ્ચારી, મેં તો મેલ્યું છે માન વિસારી. ૪૭

પ્રભુ જેમ કહો તેમ કરું, અભિમાન ન અંતરે ધરું;

સુણી શ્રીહરિયે ધાર્યું આવું, એના શિરની જટા ઉતરાવું. ૪૮

મૂછ વહાલી ભૂપાળને જેવી, જટા સિદ્ધને તો પ્રિય એવી;

એમ જાણી મુખે બોલ્યા માવો, તમે શિરની જટા ઉતરાવો. ૪૯

સંતો જાયને આવે છે જ્યાંય, નાંખો રસ્તામાં તે જટા ત્યાંય;

પગે ખુંદીને સંત પધારે, નિરમાની તમે ખરા ત્યારે. ૫૦

સુણી તે કહે હે મહારાજ! મારાં ભાગ્ય એવાં ક્યાંથી આજ?

રજ સંતના ચરણની જેહ, મારી જટા ઉપર પડે તેહ. ૫૧

એમ કહીને જટા ઉતરાવી, સંત ચાલે તે રસ્તે નખાવી;

કરી સ્નાન આવ્યો પ્રભુ પાસ, કહ્યું સાધુ થવાની છે આશ. ૫૨

હરિભક્ત કહે કોઈ એમ, અભિમાન તે મુકશે કેમ?

એ છે ઢોંગી તે ઢોંગ કરે છે, કાંઈ ધૂતવા ધર્મ ધરે છે. ૫૩

સુણી બોલિયા શ્રીઘનશામ, તમે સાંભળો મગનીરામ;

અભિમાન તજ્યું તમે આજ, કરે નિશ્ચય સર્વ સમાજ. ૫૪

જોડા સંતના એકઠા કરો, તેની ગાંસડી નિજ શિર ધરો;

સર્વ બેઠી છે સંત સભાય, તેને પાંચ પ્રદક્ષિણા થાય. ૫૫

ત્યારે પાપ તમારું તો જાય, ઘણા દંડ્યા છે રંક ને રાય;

એવું સાંભળી એ જ ઠેકાણે, કર્યું મગનીયે એ જ પ્રમાણે. ૫૬

કહે લોક કુસંગી તે ઠામ, આ શું કીધું તેં મગનીરામ;

ત્યારે કહી હરિશ્ચંદ્ર કથાય, ઘેર શ્વપચને વેચાણો રાય. ૫૭

એથી ઉત્તમ છે આ તો કામ, હરિઆજ્ઞાયે કીધું મેં આમ;

પછી હરિને કહે જોડી હાથ, મને સાધુ કરો મુનિનાથ. ૫૮

ઉપજાતિવૃત્ત (સમજીને સાધુ થવા વિષે)

કહે હરિ જો દૃઢ હોય ચિત્ત, વૈરાગ્ય જો હોય ખરો ખચીત;

જાણી વિચારી પછી સાધુ થાવું, જાણ્યા વિના સાધુ થવા ન જાવું. ૫૯

સ્મશાન-વૈરાગ્ય ઘડી જણાય, એવે સમે જે જન સાધુ થાય;

વૈરાગ્ય તેનો પછી ઊડી જાશે, ધોબી તણા શ્વાન સમાન થાશે. ૬૦

ત્યાગી થવું તે તપને જ કાજે, ખાવા પિવા કે નહિ લોકલાજે;

જો તે પછી દૈહિક સુખ ઇચ્છે, પાખંડી છે એમ પ્રભુજી પ્રીછે. ૬૧

જે ભૂખના દુઃખથી સાધુ થાય, ખાવા મળે ત્યાં લગિ ખૂબ ખાય;

પછી ગુરૂ પાસ તજી નિવાસ, વસે જઈને વળી અન્ય પાસ. ૬૨

નહીં મળે વસ્ત્ર વિશેષ અંગે, નહીં મળે પાથરવા પલંગે;

નહીં મળે સ્વાદ સહિત ખાવું, એવું વિચારી ઉર સાધુ થાવું. ૬૩

જો ઇચ્છવું માયિક સુખ કાંઈ, મુંડાવું બીજા મતપંથ માંઈ;

તપે કરી હું હરિને રીઝાવું, એવું ચહો તો અહિં સાધુ થાવું. ૬૪

જો હોય તૃણા જરિયે અધૂરી, કરો જઈને જગમાં મજૂરી;

જો ઘાણીમાં પંડ ધરી પિલાવો, તો સાધુ થાવા અમ પાસ આવો. ૬૫

માયિક જે જે સુખ નાશવંત, વિના તપે કોઈ નહીં લહંત;

તો લાડવા ખાઈ ફુલાવી દેહ, શું પામશે અક્ષરધામ એહ? ૬૬

ચોપાઈ

સુણી બોલિયો મગનીરામ, કર્યું સંસારસુખ મેં હરામ;

મારે કલ્યાણનું જ છે કાજ, મને સાધુ કરો મહારાજ. ૬૭

પછી સાધુ કર્યો ઘનશામે, અદ્વૈતાનંદજી એવે નામે;

દેવીવાળા તે મગનીરામ, રહ્યું નામ એવું સહુ ઠામ. ૬૮

ચેલા દૈવી હતા તે ઉમંગે, આવી સાધુ થયા તેને સંગે;

હતા આસુરી તે ગયા નાશી, થયા દિલમાં વિશેષ ઉદાસી. ૬૯

પુષ્પિતાગ્રાવૃત્ત

કંઈ જન હરિને પ્રભુ પ્રમાણ્યા, કંઈ જન તો હરિ જાદુજાણ જાણ્યાં;

અસુરમતિ જનો પ્રતાપ દેખે, તદપિ કુતર્ક કરી મનુષ્ય લેખે. ૭૦

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પંચમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

દેવીભક્તમગનીરામ-આખ્યાનકથનનામા નવમો વિશ્રામઃ ॥૯॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે