॥ શ્રીહરિલીલામૃતમ્ ॥
કળશ ૬
દુર્ગપુરાખ્યષષ્ઠકલશપ્રારંભઃ
વિશ્રામ ૧
શાર્દૂલવિક્રીડિતવૃત્તમ્
વંદૂં જે હરિ દુર્ગપત્તન રહી ત્યાં ભૂપના ધામમાં,
સ્થાપી ઉત્તમ વાસુદેવ પ્રતિમા રંગે રૂડા શામમાં;
સૌરાષ્ટ્રાદિ વિશેષ દેશ ફરિને દુર્ગાખ્ય પૂરે રહ્યા,
જેને આ જગ માંહિ દુર્ગપુરના વાસી વિશેષ કહ્યા. ૧
પૂર્વછાયો
સજી સામૈયું લાવિયા, નાગમાલો જેહનું નામ;
ઘેલો ધાધલ ઘણા હરખથી, હરિ સામા આવ્યા તેહ ઠામ. ૨
ભોકો ખાચર ભલા ભાવથી, રામો ખાચર પણ રુડી રીત;
સામા આવ્યા ઘનશામની, પુરિ ધારી પ્રભુપદ પ્રીત. ૩
ચોપાઈ
ઘણાં ઢોલ નગારાં તો વાજે, શરણાઇયોના સ્વર ગાજે;
ઘણા પાળા ઘણા અસવાર, હાથ માંહિ ધર્યાં હથિયાર. ૪
રથ ચાલે ને ધરણી ધમકે, ઘણા બળદના ઘૂઘરા ઘમકે;
થાય બંદુક કેરા બહાર,1 બોલે જન સહુ જયજયકાર. ૫
હાર તોરા ને ગજરા બનાવી, મુકી માળિયે છાબ ત્યાં લાવી;
ભલાં ભૂષણ વસ્ત્ર ભૂપાળે, કર્યાં અર્પણ લાવી તે કાળે. ૬
પ્રભુની કરી વિનતી અપાર, સજાવ્યાં વસ્ત્ર ભૂષણ સાર;2
હારતોરા ને ગજરા ધરાવ્યા, એવા અંતર માંહી ઠરાવ્યા. ૭
હરિ અશ્વે થયા અસવાર, મુનિયો બેઠા રથ મોઝાર;
પચરંગી ઉડે છે નિશાન,3 ગાય ગુણીજન હરિગુણગાન. ૮
કેવી રીતે સજી અસવારી, અનુક્રમથી કહું તે ઉચ્ચારી;
થયા વાજાવાળા આગેવાન, તેની પાછળ ડંકો4 નિશાન. ૯
તેની પાછળ કુંતલ ઘોડા,5 શણગારેલા સારા સજોડા;
હરિભક્તો ધરિને ઉમંગ, બજાવે બહુ તાલ મૃદંગ. ૧૦
ભલાં વાજે છે ભુંગળ ભેર,6 જોવા ઉલટું ત્યાં આખું શહેર;
પછી મુનિજન કીર્તન ગાય, તેની શોભા વરણવી ન જાય. ૧૧
પછી પાળા ચાલે શસ્ત્ર ધારી, ભલા છોડતા બંદુક ભારી;
અશ્વ ઉપર શ્રીમહારાજ, તેને વિંટેલો વર્ણિસમાજ. ૧૨
ભક્ત કુબેરજી છડિદાર, કરે આગળ જયજયકાર;
એક વર્ણિ શ્રીમુકુંદાનંદ, બીજા જેરામ વર્ણિ સ્વચ્છંદ. ૧૩
ચારુ ચમર કરે તે તો બેય, તેની દાંડિયો સોનાની છેય;
ઉમાભાઇયે તો ધર્યું છત્ર, ઇંડું સોનાનું ઝળકે છે તત્ર. ૧૪
વેરાજિયે ધર્યો છે વીંઝણો, શોભે રત્ન જડિત તે ઘણો;
સાથે ચાલે સખા અસવાર, તેનો ગણતાં ન પામિયે પાર. ૧૫
તેની પાછળ રથનો ન અંત, તેમાં બેઠા મોટા મોટા સંત;
ઉંટે નોબત7 છે સહુ છેલી, ઝુલ પાંચ પટાની કરેલી. ૧૬
એમ અસ્વારી પુરમાં પધારી, થયાં દર્શનાતુર નરનારી;
તજ્યાં કામનીયે ઘરકામ, ચાલી નિરખવા શ્રીઘનશામ. ૧૭
મેલ્યાં કોઇયે તો રોતાં બાળ, ચાલી નિરખવા જનપ્રતિપાળ;
ધર્યાં વસ્ત્ર ઉતાવળે અવળાં, ધર્યાં ભૂષણ અવળાં ને સવળાં. ૧૮
જોવા કોઈ અગાશિયે ચડી, ચડી છાપરે કોઈ તે ઘડી;
ટોળેટોળાં મળી સ્ત્રીયો આવે, પ્રભુને બહુ પુષ્પે વધાવે. ૧૯
સુણો ભૂપ કહે બ્રહ્મચારી, શોભા ગઢપુરની દીસે સારી;
ચારુ ચોવટા બવળી8 બજાર, બન્ને બાજુયે હાટની9 હાર. ૨૦
કરે વેપાર રુડા વેપારી, ઘણી વસ્તુઓ વેચાય સારી;
નાણાવટી નાણાવટાં કરે, હુંડી10 તેની પાછી નવ ફરે. ૨૧
દીપે દેવનાં મંદિર સારાં, લાગે પેખતાં11 મનને પ્યારાં;
સારા ચારે વરસનો છે વાસ, કરે વિપ્ર તે વેદ અભ્યાસ. ૨૨
શોભે દેવ ને દેવીયો જેવાં, નરનારિયો શોભે છે એવાં;
દીસે રાજા તણા દરબાર, તેની શોભા તણો નહીં પાર. ૨૩
ઘેર ઘેર હરિગુણ ગાય, અતિ આનંદ ઉત્સવ થાય;
વિવા જેવું દિસે ઠાર ઠાર, રુડાં તોરણ બાંધિયાં બાર. ૨૪
શોભે નર ને નારિયોનાં વૃંદ, જ્યાં ત્યાં દિસે આનંદ આનંદ;
જોઈ પુર મુનિયે મન ધર્યું, જાણે અક્ષરધામ ઉતર્યું. ૨૫
વસ્યા જે પુરમાં ભગવાન, અન્ય પુર નહિ એહ સમાન;
ભૂપ અભયના દરબાર માંય, રૂડી રીતે આવ્યા હરિરાય. ૨૬
એકસઠ્યની સાલ તે ખાસી, શુક્લ એકાદશી માઘમાસી;
નૃપ અભય તણે દરબાર, પધાર્યા પ્રભુ પરમ ઉદાર. ૨૭
સંત ને સતસંગીને સારો, આપ્યો અભય નરેશે ઉતારો;
હરિ ને મુનિને તેહ વાર, આપ્યો હેત ધરી ફળાહાર. ૨૮
એમ કરતાં હુતાશની આવી, રમ્યા રંગે હરિ હર્ષ લાવી;
સખા સહિત સજી અસવારી, ઘેલે નાવા પધાર્યા મુરારી. ૨૯
આવ્યો વાટે જતાં તેહ વાર, જીવા ખાચરનો દરબાર;
જીવા ખાચરે ત્યાં સ્તુતિ કરી, કહ્યું આંહિ પધારો શ્રીહરિ. ૩૦
ગયા હરિ દરબાર મોઝાર, હતો ત્યાં પણ રંગ તૈયાર;
સંતો સંગે રમ્યા હરિ રંગે, નિરખે જન અધિક ઉમંગે. ૩૧
ત્યાંથી ઉન્મત્તગંગાને તીર, ગયા નાવાને શામ શરીર;
જળક્રીડા સખા સંગે કરી, પછી પુરમાં પધારિયા હરી. ૩૨
નૃપ અભયના દરબારમાંય, પ્રભુ આવી બિરાજિયા ત્યાંય;
બીજે દિન ડોળ ઉત્સવ12 કીધો, લાવ ભક્તજને ભલો લીધો. ૩૩
રામનૌમી આવી રુડી રીતે, પ્રભુ સમૈયો ભર્યો પ્રીતે;
આવ્યા જે જે જનો એહ કાળે, બરદાસ13 કરી નરપાળે. ૩૪
દેહો ખાચર ને મીણબાઈ, કરિયાણેથી આવેલાં ચાઈ;14
તેણે વિનંતિ કરી જોડી હાથ, કરિયાણે ચાલો મુનિનાથ. ૩૫
પ્રભુએ કહ્યું તેહની પાસે, જ્યારે આ સંઘ સર્વ વેરાશે;15
લઈ સંતનું મંડળ ત્યારે, અમે આવશું ગામ તમારે. ૩૬
સંઘના જન સહુ સંચરી,16 ગયા પોતપોતાને દેશ;
કરિયાણે કરુણા કરી, ત્યારે પોતે ગયા પરમેશ. ૩૭
સંત સહિત હરિ ઉતર્યા, દેહા ખાચરને દરબાર;
બહુવિધે મીણબાઇયે, પૂજ્યા પ્રેમથી પ્રાણઆધાર. ૩૮
ચોપાઈ
સુણો ભૂપ અભેસિંહભાઈ, મહા સમરથ તે મીણબાઈ;
જન્મથી હરિ જે લીલા કરે, ઘેર બેઠાં તે દેખે નજરે. ૩૯
એ તો અક્ષરનાં રહેનાર, આવી લીધો મનુષ્ય અવતાર;
પ્રભુ પ્રત્યક્ષને તેથી પેખે, બીજાં દેવ દેવી નવ દેખે. ૪૦
હવે શ્રીહરિની સુણો વાત, પ્રભુ નિત્ય ઉઠીને પ્રભાત;
કાળુભાર નદી તણે તીરે, જાય નાવાને નિર્મળ નીરે. ૪૧
કરાવે સંતને જોગાભ્યાસ, અક્ષરાધીશ શ્રીઅવિનાશ;
દેહા ખાચરને કહે માવો, એક કોઠો17 આ ઠામ કરાવો. ૪૨
અહીં એકાંતમાં વસી વાસ, સંતને શીખવું જોગાભ્યાસ;
નદીથી દક્ષિણે મન ભાવ્યો, દેહા ખાચરે કોઠો કરાવ્યો. ૪૩
પછી ત્યાં કેટલાએક માસ, વૃષનંદને કીધો નિવાસ;
આવી ભીમ એકાદશી જ્યારે, ગયા ગઢપુર શ્રીહરિ ત્યારે. ૪૪
થયો ઉત્સવ ત્યાં અતિ સારો, નિરખ્યા સૌયે ધર્મદુલારો;
પછી બેઠી બાસઠ્યની સાલ, રથજાત્રા આવી એહ કાળ. ૪૫
તેનો ઉત્સવ ઉત્તમ કીધો, ભલો લાવ તે ભક્તોએ લીધો;
નૃપ અભય તથા પરિવાર, સૌને જેને જેવો અધિકાર. ૪૬
સ્નેહે શ્રીહરિની સજે સેવા, વૃષપુત્રને વશ કરી લેવા;
જીવા ખાચર ભક્ત સુજાણ, સેવે શ્રીજીને ઈષ્ટ પ્રમાણ. ૪૭
તેની પુત્રિયો એ બહુ ડાહી, અમુલ બીજી અમરબાઈ;
તેઓ પણ ભક્તિપુત્રને ભજે, ક્ષણ માત્ર ને મન થકી તજે. ૪૮
જીવા ખાચરનો દરબાર, પ્રભુ બેસે સભા સજી સાર;
કથા વારતા કીર્તન થાય, અતિ આનંદમાં દિન જાય. ૪૯
જીવા ખાચરે જોડીને હાથ, કહ્યું હે હરિ હે મુનિનાથ!
મારા દરબારમાં મહારાજ, એક રાખવો સંતસમાજ. ૫૦
સેવા જેવી થશે તેવી કરશું, તેની વાત સુણી મન ધરશું;
એવી અરજ સુણી ઉર ધારી, કહે મુક્તમુનિને મુરારી. ૫૧
જીવા ખાચરને દરબાર, રહો સંત લઈ દશબાર;
સુણી આજ્ઞા ધરીને આનંદ, રહ્યા ત્યાં જઈને મુક્તાનંદ. ૫૨
ઓરડા થકી પાછળ જ્યાંય, એક લિંબડો છે આજ ત્યાંય;
જગ્યા સાધુને રહેવા માટે, કરાવી હતી સુંદર ઘાટે. ૫૩
મુક્તાનંદ રહ્યા તેમાં જઈ, સંતનું મોટું મંડળ લઈ;
કથા વાત કરે નિત્ય નિત્યે, પ્રેમી ભક્તો સુણે મળી પ્રીત્યે. ૫૪
નૃપ અભય તણે દરબાર, રહ્યા શ્રીહરિ ધર્મકુમાર;
જન્માષ્ટમીનો દિન આવ્યો, ભૂપે ઉત્સવ ભારે કરાવ્યો. ૫૫
આવ્યા દસરા ને આવી દીવાળી, અન્નકૂટ કરી હદ વાળી;
મોટા મોટા સમૈયા ભરાય, સંત સતસંગી એકઠા થાય. ૫૬
મળે લોક હજારો હજાર, દિવ્યભાવ તે દેખે અપાર;
વાત વિસ્તરી તે ઠામોઠામ, સતસંગ વધ્યો ગામોગામ. ૫૭
ગઢપુરમાં લીલા કરી ઘણી, ગણતાં તે શકાય ન ગણી;
ઘણા ગ્રંથોમાં તેહ લખાણી, દેશદેશ વિષે તે વંચાણી. ૫૮
માટે તે વાતનો વિસ્તાર, જાણવો અન્ય ગ્રંથ મોઝાર;
કહું સંક્ષેપમાં કાંઈ વાત, સુણો ભૂપ અભેસિંહ ભ્રાત. ૫૯
એમ કરતાં પ્રબોધિની આવી, હરિભક્તોને અંતરે ભાવી;
ત્યાં તો સંત સમસ્ત તેડાવ્યા, દેશોદેશના હરિજન આવ્યા. ૬૦
કર્યો ઉત્સવ તે રુડી રીતે, પૂજ્યા સૌયે પ્રભૂજીને પ્રીતે;
છેલ્લે દિવસ સભા સજી જ્યારે, જવા સૌને રજા આપી ત્યારે. ૬૧
હરિભક્તો બોલ્યા તેહ ઠામ, પ્રભુજી આવો અમારે ગામ;
જે જે વૃદ્ધ ને અંગે અશક્ત, ઇરછે દર્શન આપના ભક્ત. ૬૨
પુષ્પિતાગ્રાવૃત્ત
વિચરણ કરશો વિશેષ દેશ, જન સતસંગિ થશે ઘણા જનેશ;
સુણિ શુભ વિનતી ધરી સ્વઊર, વચન કહ્યું પ્રભુ આવશું જરૂર. ૬૩
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે ષષ્ઠકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
દુર્ગપુરે અભયનૃપતિ સૌધે18 શ્રીહરિસ્થિતિકરણનામા પ્રથમો વિશ્રામઃ ॥૧॥