કળશ ૬

વિશ્રામ ૧૦

પૂર્વછાયો

બુધેજમાં બહુનામિયે, ઘણી લીલા કરી ઘનશામ;

માહાત્મ્ય તેનું વધારિયું, જેવું ગણાય ગોકુળ ગામ. ૧

ચોપાઈ

ત્યાંથી ચાલવાની રુચિ કીધી, ઘોડી ગોકળ ગઢવીની લીધી;

તેની ઉપર થઈ અસવાર, ગયા ગોરાડ ગામ મુરાર. ૨

રહે છે ત્યાં કાંધોજી ઠાકોર, તેને ઘેર ગયા ચિત્તચોર;

પટેલ શામજી ને પ્રભુદાસ, રહ્યા સેવામાં શ્રીહરિ પાસ. ૩

કહે તેઓને ધર્મકુમાર, અમે આવ્યા હતા એક વાર;

એમ કહિ કાંઈ ચિહ્ન બતાવ્યું, ત્યારે ત્રણેને સાંભરી આવ્યું. ૪

કર જોડીને કહે કાંધોજી, તમે સમરથ શ્રીહરિ છોજી;

અહીં આવ્યા હતા આપ જ્યારે, નીર ઉંડું હતું કુવે ત્યારે. ૫

તમે ઊંચૂં આણી ભરિ લીધું, એવું અદ્‌ભુત કારજ કીધું;

અમે એ વાત સાંભળી જ્યારે, ત્રણે અસવાર થૈ આવ્યા ત્યારે. ૬

જણ એક સમાચાર કહ્યા, જોગિ અંતરિક્ષે1 જાય વહ્યા;

અમે પાછા વળ્યા થૈ નિરાશ, આજ પૂરી તમે આવી આશ. ૭

રહ્યા ગોરાડમાં હરિ રાત, પછી ઊઠિને ચાલ્યા પ્રભાત;

ગયા કુંડળ ને કારિયાણી, પછી ગઢપુર સારંગપાણી. ૮

સામા આવિયા સૌ હરિભક્ત, સામા આવિયા સંત વિરક્ત;

વાજતે ગાજતે પધરાવ્યા, કહે સર્વે ભલે પ્રભુ આવ્યા. ૯

નૃપ અભય તણે દરબાર, બિરાજ્યા ભક્તિધર્મકુમાર;

સમાચાર બધા રુડી રીતે, પછી પૂછ્યા પરસ્પર પ્રીતે. ૧૦

કરે સંત પરસ્પર વાત, અઢી માસ ફર્યા ગુજરાત;

ચૈત્ર વદમાં અહીંથિ સિધાવ્યા, જેઠ માસ ઉતરતાં આવ્યા. ૧૧

થઈ બાસઠની પુરી સાલ, સાલ ત્રેસઠી બેસશે કાલ;

એમ કરતાં પરસ્પર વાત, થયો ભોજનનો સમો ભ્રાત. ૧૨

જમ્યા શ્રીહરિ ને જમ્યા સંત, સજિ સાંઝે સભા ભગવંત;

યથાયોગ્ય બેઠાં બાઈ ભાઈ, જેથી બાધ આવે નહિ કાંઈ. ૧૩

મુક્તાનંદ આદિક સઉ સંત, મુકુંદાદિક વર્ણિ અનંત;

ભગુજી આદિ સહુ ભલા પાળા, ગૃહસ્થો બેઠા સૌ ધર્મવાળા. ૧૪

નૃપ અભય પ્રેમીજન પૂરા, ભક્ત ખાચર સોમલા સૂરા;

એહ આદિક દેખિ સમાજ, મોટે સાદે બોલ્યા મહારાજ. ૧૫

સર્વે સાંભળો દૃષ્ટાંત એક, સુણિ કરજો વિચાર વિવેક;

ચક્રવર્તિ હતો એક રાય, તેણે એમ ધાર્યું મનમાંય. ૧૬

ધરું અંગે ફકીરનો વેશ, જોઉં ચર્ચા કરું મુજ દેશ;

કોણ છે કેવિ રીતથી દુઃખિયા, કોણ છે કેવી રીતથી સુખિયા. ૧૭

દુઃખિયા તણાં દુઃખ મટાડું, થતો હોય તે જુલમ નસાડું;

જાઉં રાજાને વેષે જો આપ, કરે કેમ ગરીબ મેળાપ. ૧૮

ઉપજાતિવૃત્ત (સ્વજાતિમાં મન મળવા વિષે)

સમાન સાથે સુખથી મળાય, મોટા થકી તો ડરિ દૂર જાય;

કીડી મળે કુંજર2 સાથ કેમ, મળે ન ભૂપાળ ગરીબ તેમ. ૧૯

મૈત્રી કરે બાળક સાથ બાળ, વિશાળ સાથે જન જે વિશાળ;

પશૂ પશૂ સાથ વિનોદ પામે, માટે મળે છે જઈ એક ઠામે. ૨૦

સ્વજાતિ સાથે સુખ થાય જેવું, વિજાતિ સાથે નવ થાય એવું;

પાણી તણો જે જડ છે પ્રવાહ, સ્વજાતિ સાથે જ મળે અથાહ. ૨૧

જો દેવ કોઈ દરશાય સામે, તો ભૂત જાણી જન ભીતિ પામે;

મનુષ્યની સાથે મનુષ્ય થાય, ત્યારે મનુષ્ય સુખ તો પમાય. ૨૨

ચોપાઈ

એમ વાત ભુપાળે વિચારી, લીધો વેષ ફકીરનો ધારી;

મોટા મંત્રીયોને સાથે લીધા, તેના વેષ ફકીરના કીધા. ૨૩

ઉતર્યા ગામડે જઈ ચોરે, લોકો જોવા મળ્યા ચારે કોરે;

ત્યારે બોલિયો મંત્રી સમાજ, આ છે પ્રત્યક્ષ રાજાધિરાજ. ૨૪

સુણશે અરજી નિજ કાન, પછી જાશે પોતા તણે સ્થાન;

એની આજ્ઞાને જે અનુસરશે, તેને જાગિર3 બક્ષિસ કરશે. ૨૫

નહિ માને હુકમ તેનો જેહ, ગુનેગાર તો ઠરશે તેહ;

એવી મંત્રિયોની મુખ વાણી, કેટલાક જને સત્ય જાણી. ૨૬

નૃપઆજ્ઞા તેણે માની લીધી, સેવા ચાકરી પણ સારી કીધી;

કોઈકે તો તે બોલ ન ધર્યો, કોઈકે તો ઉપદ્રવ કર્યો. ૨૭

ભૂપે ત્યાં તો કશું નવ ભાખ્યું, પણ પોતે બધું લખી રાખ્યું;

લખ્યું નામ ઠામ તથા ગામ, લખ્યું જેણે કર્યું જેવું કામ. ૨૮

એવી રીતે વિશેષ વિચરી, આવ્યા રાજધાની વિષે ફરી;

પછી સૌ જનને ત્યાં તેડાવ્યા, તે તો ભૂપના હુકમથી આવ્યા. ૨૯

જેણે માન્યો હુકમ સેવા કીધી, તેને તો સારી જાગિર દીધી;

જેણે કીધો હતો તિરસ્કાર, ગયા તે કારાગૃહ4 મોઝાર. ૩૦

એ તો એક જ કહ્યું દૃષ્ટાંત, હવે કહ્યું તેહનો સિદ્ધાંત;

કોટિ બ્રહ્માંડનો પતિ હુંય, મુક્ત સાથે લઈ આવ્યો છુંય. ૩૧

ગામોગામ જઉં છું વિચરવા, કોટિ જીવનાં કલ્યાણ કરવા;

મુક્ત સૌને મનાવે છે વાત, આ છે પુરુષોત્તમ સાક્ષાત. ૩૨

સુણી આજ્ઞા જે માનશે મારી, તેને આપિશ હું સુખ ભારી;

મારો કે સંતનો દ્રોહ કરશે, તે તો નરકની વાટે વિચરશે. ૩૩

જેહ અવસર ચુકશે આવો, તેને થાશે પછીથી પસ્તાવો;

સુણી વાત આ અંતરે આણો, એમાં સંશય લેશ ન જાણો. ૩૪

વળિ વાત ઉચ્ચારવા બીજી, સભામાં એમ બોલિયા શ્રીજી;

સ્નેહે સાંભળો સૌ નરનાર, સુણી સમજજો વાતનો સાર. ૩૫

જનથી ક્રિયા જે જે કરાય, પગલે પગલે પાપ થાય;

કરે કેવળ પુરુષપ્રયત્ન, તેથિ નવ મળે કલ્યાણ રત્ન. ૩૬

જ્યારે ઈશ્વરની કૃપા થાય, મોક્ષ પ્રાપ્તિ તો ત્યારે પમાય;

નથિ હું કરતો કાંઈ પાપ, એવો ગર્વ ન ધારશો આપ. ૩૭

કહું એ વિષે એક દૃષ્ટાંત, સુણિ ભાંગજો મન તણિ ભ્રાંત;

એક અવસરે એક રાજાયે, સર્વ લોક તેડ્યા સભામાંયે. ૩૮

આવ્યા પુરજન આજ્ઞાને ધારી, આવ્યા નાના મોટા કારભારી;

બેઠા સરવે સભા મોઝાર, ત્યારે રાજાયે કીધો ઉચ્ચાર. ૩૯

આમાં જે જે ગુનેગાર હોય, ઉભા થાઓ તે તો સહુ કોય;

એવી સાંભળી રાજાની હાક, ત્યાં તો ઉભા થયા કેટલાક. ૪૦

ફરિ ભૂપ કહે સુણો ભાઈ, ગુનો જેણે કર્યો હોય કાંઈ;

એ તો આ અવસર ઉભા થાઓ, માફી માંગને નિજ ઘેર જાઓ. ૪૧

વળિ કૈંક ઉભા થયા ત્યારે, માફી માંગી ગયા તેહ વારે;

વળિ રાજાયે કીધો ઉચ્ચાર, જેનામાં હોય વાંક લગાર. ૪૨

ઉભા થાઓ હુકમ મુજ માની, કશી વાત નહીં રહે છાની;

સુણિ સર્વે જનો ઉભા થયા, કારભારિઓ સૌ બેસી રહ્યા. ૪૩

બોલ્યા રાજાજિ ચિત્ત વિચારી, તમે સાંભળી સૌ કારભારી;

તમે છો જ મહા ગુનેગાર, બિજા તો મુજથી ડરનાર. ૪૪

તમે છો અતિશે અભિમાની, વાંકની વાત રાખો છો છાની;

પછિ સર્વેનો કીધો તપાસ, થયો સૌના ગુનાનો પ્રકાશ. ૪૫

જાણિ લીધિ કસુર જેનિ જેવી, રાયે શિક્ષા કરી તેને તેવી;

સુણો તે વાતનો હવે સાર, જેને છે અભિમાન અપાર. ૪૬

તે તો જાણે છે તપ જપ કરી, ભવસાગર હું જૈશ તરી;

નથી કરતો હું પાપ લગારે, પ્રભુ શું કરશે મને ત્યારે. ૪૭

જેવું કરિયે તેવું જ પમાય, ત્યારે પ્રભુનિ ગરજથી શું થાય?

એમ સમજે છે મૂઢ અજ્ઞાની, પ્રભુ ન ભજે અહં બ્રહ્મમાની. ૪૮

મારા આશ્રિત છો જન જેહ, તેવા કોઈ થશો નહિ તેહ;

સુણિ બોલ્યા સહૂ શિર નામી, એવા નહીં થૈયે અહો સ્વામી. ૪૯

પગલે પગલે ગુનેગાર, અમે છૈયે હે જગદાધાર!

રચ્યું પદ પ્રેમાનંદે તે વેરા, પ્રભુ મેં તો ગુનેગાર તેરા. ૫૦

એવી વાત કરે નિત્ય નિત્ય, ચોરે દૈવિજનો તણાં ચિત્ત;

રથજાત્રા તણો દિન આવ્યો, ત્યારે ઉત્સવ સારો કરાવ્યો. ૫૧

દેવપોઢણિ દિવસે જનેશ, સૌને નિયમ ધરાવ્યા વિશેષ;

જપ તપના નિયમ કોઈ ધારે, કોઈ પાઠ કે પૂજા વધારે. ૫૨

જન્મ અષ્ટમી ઊપર નાથ, જવા ચાલ્યા લઈ સહુ સાથ;

ગામ નામ રુડું અગત્રાઈ, ભક્ત જ્યાં વસે પર્વતભાઈ. ૫૩

જૈને ઉત્સવ અષ્ટમી કેરો, કર્યો તે સ્થળ સરસ ઘણેરો;

દેશદેશના હરિજન આવ્યા, સર્વ સંતને પણ ત્યાં તેડાવ્યા. ૫૪

સમૈયો તે તો સર્વ વખાણે, થયો એવો સરસ એહ ટાણે;

પૂજા પર્વતભાઇયે કીધી, બીજા ભક્તોયે પણ ભલી વિધી. ૫૫

કરીને તહાં જયજયકાર, ચાલ્યા ત્યાં થકી થૈને તૈયાર;

આવ્યા ગઢપુર શ્રીઅવિનાશી, અતિ રાજિ થયા પુરવાસી. ૫૬

જળઝીલણી ત્યાં કરી શામે, કરી શરદપુનમ એહ ઠામે;

દીપઉત્સવી ઉત્સવ કર્યો, અન્નકૂટ ભલી વિધિ ભર્યો. ૫૭

ધન્ય ધન્ય દુરગપુરવાસી, જેની પાસે વસ્યા અવિનાશી;

ધન્ય ધન્ય અભય દરબાર, સદા જ્યાં રહ્યા ધર્મકુમાર. ૫૮

ધન્ય ધન્ય તે ઉન્મત્તગંગા, એ તો ગંગાથી ઉત્તમ અંગા;

જેમાં નાહ્યા મહાપ્રભુ નિત્ય, એ તો પરમ ગણાય પુનીત. ૨૯

પ્રમિતાક્ષરાવૃત્ત

અતિ ધન્ય ધન્ય શુભ તે ધરણી, મહિમા સમગ્ર ન શકું વરણી;

વૃષવંશ હંસ હરિ જ્યાં વિચર્યા, પ્રગટી પ્રતાપ જનતાપ હર્યા. ૬૦

ભવપાર કોટિ જનને કરવા, વળિ ભૂમિભાર સઘળો હરવા;

વૃષવંશ માંહિ અવતાર ધર્યો, કળિકાળ ટાળિ કૃતયૂગ5 કર્યો. ૬૧

અજ ઈશ તીર્થ કરવા વિચરે, રજ લૈ તહાંનિ નિજ શીશ ધરે;

સહુથી જ એહ થળ જાણિ શુચિ,6 ધરી તીર્થ સર્વ વસવાનિ રુચિ. ૬૨

પુષ્પિતાગ્રાવૃત્ત

પુનિતકરણ પૂરિ સાત જોઈ, નહિ નહિ દુર્ગપુરી સમાન કોઈ;

સુખનિધિ હરિ જ્યાં વસ્યા સદાય, પુર ગણતાં પુર મુખ્ય તે ગણાય. ૬૩

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે ષષ્ઠકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

દુર્ગપુરે શ્રીહરિ-યુગ્મનૃપદૃષ્ટાંતોચ્ચારણનામા દશમો વિશ્રામઃ ॥૧૦॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે