કળશ ૬

વિશ્રામ ૧૧

પૂર્વછાયો

મંડળ ફરતાં સંતનાં, દેવા દૈવી જનને ઉપદેશ;

પ્રૌઢ પ્રતાપ જણાવવા, પ્રભુ પણ જતા પરદેશ. ૧

ચોપાઈ

ઉપદેશનાં વચન અપાર, લખી મોકલતા ઠારોઠાર;

કૈંક વાંચીને અંતરે ધરતા, આવી શ્રીજીનો આશ્રય કરતા. ૨

એક અવસરે પત્ર લખાવ્યો, એમાં એવો તો મર્મ જણાવ્યો;

ભરતખંડમાં માનુષ્ય દેહ, ફરી મળવાનો દુર્લભ તેહ. ૩

ભલાં ભાગવતાદિ પુરાણ, કરે તે સર્વ શાસ્ત્ર પ્રમાણ;

આખા બ્રહ્માંડની મોઝાર, ભરતખંડ હશે કિયે ઠાર. ૪

તેનું જાણવા સ્થળ પાવન, કર્યું બ્રહ્માંડનું વરણન;

લખાવે જેમ અંતરજામી, લખનાર શુકાનંદ સ્વામી. ૫

ભક્તિબાગે રહી ભક્તિપુત્ર, પ્રભુ પોતે લખાવ્યો આ પત્ર;1

હરમાના2 તરુ તળે બેશી, લખાવી વાત આ ઉપદેશી. ૬

ભરતખંડમાં માનવ દેહ, મળવો અતિ દુર્લભ તેહ;

દેહ ચિંતામણી સમ એ છે, ઇંદ્ર આદિક એને ઇચ્છે છે. ૭

સુખ જે પંચવિષયો તણાં, તે તો સ્વર્ગ આદિકમાં છે ઘણાં;

વળી આયુષ્ય તો દેવતાનું, ઘણું લાંબું છે તે નથિ છાનું. ૮

પણ મોક્ષ મળ્યાનો ઉપાય, ભરતખંડમાં જન તને થાય;

બીજે દેહે કે બીજે ઠેકાણે, નથિ થાતો તે તો સહુ જાણે. ૯

નહિ દેહ મનુષ્ય સમાન, ભરતખંડ સમું નહિ સ્થાન;

ચૌદ લોક વિષે ધરિ ચિત્ત, ભલે જૈ જુવે કોઈ ખચીત. ૧૦

ચૌદ લોક તણાં સુણો નામ, કહ્યું તેમાં છે જેહનાં ધામ;

નરનારીયો જેમાં રહે છે, ભૂર્લોક તો તેને કહે છે. ૧૧

તેથી ઉચે છ લોક છે ભાઈ, તેનાં નામ કહું હરખાઈ;

તેમાં પ્રથમ ભુવર્લોક જે છે, તેમાં દેવ મલીન રહે છે. ૧૨

એથી ઉંચો સ્વર્ગલોક જાણો, તેમાં ઇંદ્રાદિ દેવ પ્રમાણો;

એથી ઉંચે મહર્લોક માન, પિતૃ અર્યમા આદિનું સ્થાન. ૧૩

પછી જનલોક ને તપલોક, ઋષિ ભૃગ્વાદિ વાસ અશોક;3

સત્યલોક તે સાતમો4 જાણો, તે તો બ્રહ્માનું સ્થાન પ્રમાણો. ૧૪

ભૂર્લોકથી સાત છે હેઠા, તેનાં નામ સુણો તમે બેઠા;

એક અતળ બીજો વિતળ, ત્રીજો તેથિ નીચે છે સુતળ. ૧૫

એહ ત્રણ્યમાં દૈત્ય રહે છે, તેથી નીચે તળાતળ તે છે;

રસાતળની નીચે મહાતળ, નિશાચરનું5 છે તે માંહિ બળ. ૧૬

પછી સાતમો લોક પાતાળ, તેમાં તો વસે છે બધા વ્યાળ;6

ચૌદ લોક એવિ રીતે ધારો, તેમાં સૌથિ છે ભૂર્લોક સારો. ૧૭

ભૂરલોકના છે દ્વિપ સાત, તે છે ચક્ર આકાર પ્રખ્યાત;

જાંબુદ્વીપ છે મધ્ય મોઝાર, લક્ષ યોજનનું વિસ્તાર. ૧૮

ખારો સાગર છે તેને ફરતો, લક્ષ યોજનનું માપ ધરતો;

પ્લક્ષ દ્વીપે આંટો લીધો એને, ઇક્ષુરસનો7 સમુદ્ર છે તેને. ૧૯

બબે લક્ષ યોજનના છે તેહ, લખી છે વાત શાસ્ત્રમાં એહ;

ત્રીજો શાલ્મલિ દ્વીપ છે તેમ, સુરોદક8 નિધિ ફરતો છે એમ. ૨૦

લક્ષ ચાર યોજન તેનું માપ, વેદવ્યાસ કહે એમ આપ;

તેથી બમણો કુશદ્વીપ જાણો, નિધિ તેવો ઘૃતોદ9 પ્રમાણો. ૨૧

સોળ લાખનો છે ક્રૌંચ દ્વીપ, તેવો ક્ષીરોદધી10 તે સમીપ;

શાકદ્વીપ છે બમણો તેથી, દધિમંડોદ11 ફરતો છે એથી. ૨૨

સાતમો દ્વીપ છે પુષ્કર, તેને ફરતો મિઠો છે સાગર;

લક્ષ ચોસઠ યોજન દ્વીપ, તેવો સાગર તેનિ સમીપ. ૨૩

સાત દ્વીપ છે એવા વિચિત્ર, જાંબૂદ્વીપ છે સૌથિ પવિત્ર;

જાંબૂદ્વીપના છે નવ ખંડ, દ્વીપમધ્ય છે મેરુ અખંડ. ૨૪

શોભે તેવો સુવર્ણનો તે છે, નદી જ્યાંથિ ગંગાજી વહે છે;

એક શિખરનું નામ કૈલાસ, તેમાં શંકરનો છે નિવાસ. ૨૫

મેરુ ફરતો તળાટીને ઠામ, એક ખંડ ઇલાવર્ત નામ;

ત્યાં તો ભક્તિ સંકર્ષણની છે, મુખ્ય ભક્ત મહાદેવજી છે. ૨૬

મેરુથી તો પશ્ચિમમાં વિશાળ, ખંડનું નામ છે કેતુમાળ;

શુભગણ તેનું બીજું છે નામ, ભક્તિ પ્રદ્યુમ્નની તેહ ઠામ. ૨૭

જેનું નામ છે લક્ષ્મીજી દેવી, મુખ્ય ભક્ત તે ત્યાં ગણી લેવી;

મેરુથી ઉત્તરે ત્રણ ખંડ, એક રમ્યક નામ અખંડ. ૨૮

મત્સ્યદેવને ત્યાં સૌ ઉપાસે, મુખ્ય તો મનુ સાવર્ણિ ભાસે;

ઉત્તરે છે હિરણ્મય12 ખંડ, કૂર્મદેવની ભક્તિ અખંડ. ૨૯

અર્યમાં મુખ્ય ભક્ત છે એમાં, લેશ સંશય તો નથિ તેમાં;

કુરુ ખંડ છે ત્યાંથી ઉત્તરમાં, ભક્તિ વારાહની નારિ નરમાં. ૩૩૦

મુખ્ય ભક્ત ત્યાં પૃથ્વી પ્રમાણો, એવો ભેદ જથારથ જાણો;

મેરુથી પૂર્વમાં ખંડ જે છે, તેનું ભદ્રાશ્વ નામ કહે છે. ૩૧

હયગ્રીવને ત્યાં તો ઉપાસે, ભક્ત મુખ્ય ભદ્રશ્રવા ભાસે;

ત્રણ ખંડ મેરુથિ દક્ષિણમાં, એક તો હરિવર્ષ તે ત્રણમાં ૩૨

ત્યાંના દેવ તો નરસિંહજી છે, મુખ્ય ભક્ત ત્યાં પ્રહ્‌લાદજી છે;

ત્યાંથી દક્ષિણમાં ખંડ જેહ, કિંપુરુષ નામે કહે તેહ. ૩૩

રામચંદ્ર પ્રભુ તેહ સ્થાન, મુખ્ય ભક્ત તહાં હનુમાન;

ભરતખંડ છે દક્ષિણે ત્યાંથી, જડે સાર એવો શાસ્ત્રમાંથી. ૩૪

નરનારાયણ ત્યાંના દેવ, મુખ્ય નારદજી કરે સેવ;

નવ ખંડ એ રીતે પ્રમાણો, સૌથી શ્રેષ્ઠ ભરતખંડ જાણો. ૩૫

બીજે છે બહુ ભોગવિલાસ, પણ કલ્યાણની નહિ આશ;

મોક્ષ થાય ભરતખંડ માંય, માટે સૌથી તે શ્રેષ્ઠ ગણાય. ૩૬

પૂર્વછાયો

ભરતખંડમાં દેશ છે, તેની સંખ્યા સાડીપચ્ચીશ;

તેર તો તેમાં અનાર્ય છે, વળી એ છે કઠોર અતીશ. ૩૭

ચોપાઈ

એક બંગાળ બીજો નેપાળ, ત્રીજો ભૂતાન દેશ કરાળ;13

ચોથો કામાક્ષિ પાંચમો સિંધ, છઠ્ઠો કાબુલ પણ એવિ વીધ. ૩૮

પછી લાહોર ને મુલતાન, એમ જાણવો નવમો ઇરાન;

૧૦અસ્તંબોલ ને ૧૧અર્બસ્થાન, ૧૨સ્વાલ ને ૧૩પીલપીલામ સ્થાન. ૩૯

તે તો તેર મલીન છે દેશ, તહાં દુર્લભ સદઉપદેશ;

ગુરુ દેવ કલ્યાણના દાતા, નથી તે દેશ માંહિ જણાતા. ૪૦

મોક્ષ મારગનું જેહ જ્ઞાન, થવું દુર્લભ છે તેહ સ્થાન;

આર્ય દેશ જે છે સાડા બાર, તેનાં નામ કહું નિરધાર. ૪૧

એક પૂર્વ બીજો વ્રજ દેશ, માળવો14 મરુ15 દેશ વિશેષ;

પછિ પંજાબ ને ગુજરાત, દેશ દક્ષિણ સુદ્ધાં તે સાત. ૪૨

પછી તીલંગ16 ને મલબાર,17 દેશ ૧૦દ્રાવિડ ૧૧બારમલાર;

૧૨આખો સોરઠ ૨.૫અરધો કચ્છ, સાડા બાર તે દેશ છે સ્વચ્છ. ૪૩

બ્રહ્મવેત્તા જે સંત કહાવે, તે તો તે દેશમાં મળિ આવે;

તેમાં ભગવાનના જન્મ થાય, દેશ ઉત્તમ એથિ ગણાય. ૪૪

પામે તેમાં મનુષ્ય અવતાર, પામી જ્ઞાન પામે ભવપાર;

ભરતખંડ આખા વિષે ક્યાંય, કરે જો મોક્ષ મળવા ઉપાય. ૪૫

મોક્ષપ્રાપ્તિ તો તેહને થાય, નવ પામે જો ન કરે ઉપાય;

માટે જે જન છે બુદ્ધિમાન, તેણે મેળવવું પ્રભુજ્ઞાન. ૪૬

સદશાસ્ત્રનો સાર સંભાળી, હિંસા દોષ રહિત ધર્મ પાળી;

સ્નેહે સેવવા સદગુરુ સંત, ભાવે ભજવા સદા ભગવંત. ૪૭

એવા સદગુરુનાં જે લક્ષણ, શાસ્ત્રથી સમઝે વિચક્ષણ;

ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ, તેની જાણે જથારથ જુક્તિ. ૪૮

પોતે પાળે બીજાને પળાવે, ભજે પોતે બીજાને ભજાવે;

કામ ક્રોધ નહીં લોભ મોહ, ન કરે કોઈ પ્રાણિનો દ્રોહ. ૪૯

તજે કામિનિ18 અષ્ટ પ્રકારે, ધનસંગ્રહ ન કરે લગારે;

એવા સંત તણો કરી સંગ, કરે વશ મન ઇંદ્રિય અંગ. ૫૦

મોહ માયા કપટ છળ તજે, ભગવાનને ભાવથી ભજે;

ત્યારે જન્મ-મરણથી છુટાય, તજી તન હરિધામમાં જાય. ૫૧

ભૂતકાળે ભજન જેણે કર્યું, આજ પણ એમ જેણે આદર્યું;

આવતા કાળમાં જેહ કરશે, જન્મ સાર્થક તેનો જ ઠરશે. ૫૨

સતસંગ જેને નહિ થાશે, જનદેહ19 તેનો વ્યર્થ જાશે;

પછિ નરકના કુંડમાં જૈને, પીડા ભોગવશે દુઃખી થૈને. ૫૩

ઘણા કલ્પ જતાં આવે પાર, પછિ જાય ચોરાશિ મોઝાર;

ઘણે કાળે મનુષ્યભવ મળે, ત્યારે પણ ભજને ભવ ટળે. ૫૪

પુષ્પિતાગ્રાવૃત્ત

દુરલભ નરદેહ દેવ જાણે, તનુ મળવા અતિ આશ ઉર આણે;

જનમ મરણ દુઃખ અંત જેહ, નરતનથી જ પમાય સદ્ય તેહ. ૫૫

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે ષષ્ઠકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

દુર્ગપુરે ભક્તિબાગે શ્રીહરિભૂદ્વીપખંડાદિનિરૂપણનામા એકાદશો વિશ્રામઃ ॥૧૧॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે