કળશ ૬

વિશ્રામ ૧૩

પૂર્વછાયો

આવિ પવિત્ર પ્રબોધિની, આવ્યા દર્શને દાસ અનંત;

ફરતા દેશ વિદેશથી, આવ્યા ગઢપુરમાં સહુ સંત. ૧

ચોપાઈ

નેણે નિરખિયા ધર્મકુમાર, એથી આનંદ ઉપજ્યો અપાર;

સુધા સમ મીઠાં વચન ઉચ્ચારી, સૌને સુખિયા કર્યા સુખકારી. ૨

સ્નેહે પૂછ્યા પછી સમાચાર, સંતો વિચર્યા તમે જેહ ઠાર;

કહો કેવા તહાં દેશ કાળ? કેવી રૈયત કેવા ભૂપાળ? ૩

કેવા ભાવથી માનિયા તમને, કહો સર્વ સમાચાર અમને;

બોલ્યા સંત હેતે જોડી હાથ, નમી કહિયે સુણો કૃપાનાથ. ૪

એક આપના ચરણની પાસ, સદા છે સર્વ સુખનો નિવાસ;

બીજે દુઃખ દરિયાવ દેખાય, તે તો સ્વલ્પ સહન નવ થાય. ૫

ભેખધારિ અસુરના જે અંશ, જેવા કાળનેમી અને કંસ;

અમો ઊપર રાખે છે વેર, પાપી પીડે છે તે બહુ પેર. ૬

આવિ કંઠનિ કંઠિયો તોડે, ભુંશી તિલક ને તુંબડા ફોડે;

બ્રહ્મચર્ય જે અષ્ટ પ્રકારે, અમે પાળિયે વચને તમારે. ૭

અમે નારીને અડિયે ન અંગ, ભેખધારિ કરે વ્રત ભંગ;

નીચ નારિયોને ઉશકેરે, સ્પર્શ કરવાને જોરથિ પ્રેરે. ૮

ભેખ જુલમ કરે એવા ભારી, રાય રક્ષા કરે ન અમારી;

ઝાલાવાડે ધરાંગધરા છે, તહાં દ્વેષિ વૈરાગી ઘણા છે. ૯

ગયું ત્યાં સંતમંડળ ફરવા, દૈવી જીવને ઉપદેશ કરવા;

મુખ્ય તે માંહિ જાનકિદાસ, સિંહાસન હતું તેહની પાસ. ૧૦

હતા તે માંહિ બાળમુકંદ, એવે આવ્યું વૈરાગિનું વૃંદ;

કરિ મૂરતિ ખંડિત એણે, ભાંગિ નાંખ્યું સિંહાસન તેણે. ૧૧

કંઠ માંહિથિ કંઠિયો તોડી, તુંબિપાત્ર નાંખ્યાં વળિ ફોડી;

વળિ પાપીયે કીધો પ્રહાર,1 દીધી નિર્લજ2 ગાળી અપાર. ૧૨

સંતે જઈને કહ્યું જ્યાં રાય, રાયે કાંઈ કર્યો નહિ ન્યાય;

કહ્યું ગાયો સાથે ગાયો લડી, તેમાં શું કરિયે વચ્ચે પડી? ૧૩

કહે સંત સુણો ધર્મલાલ, આજ એવો દિસે દેશકાળ;

પીડે નિર્બળને બળવાન, રાજા કાંઈ ધરે નહિ કાન. ૧૪

એમ રાજનીતિ રાયે મેલી, ત્યારે કોણ ગરીબનો બેલી?3

આપ છો જગના પ્રતિપાળ, માટે લ્યો સર્વ કેરી સંભાળ. ૧૫

સુણી બોલિયા શ્રીમહારાજ, ધરી ધીરજ સંતસમાજ;

વાયુ4 દિશમાંથી આવશે રાય, તે તો સંતની કરશે સહાય. ૧૬

રાજા સર્વ સ્વતંત્ર થયા છે, રાજનીતિ તજીને રહ્યા છે;

નથિ અંકુશ કોઈ આ ટાણે, માટે વરતે છે મરજી પ્રમાણે. ૧૭

એક આવશે સમરથ રાય, તેને વશ થશે ભૂપ બધાય;

નથિ સંતનો સુણતા પોકાર, કેમ સાંખશે જગ કરતાર. ૧૮

ઉપજાતિવૃત્ત (અન્યાયી રાજા વિષે)

સર્વેનિ રક્ષા કરવા જ કાજ, આપ્યું પ્રભુયે નરનાથ રાજ;

કરે નહીં સંત તણી સહાય, તે રાયનું રાજ જરૂર જાય. ૧૯

જો ભાવ ભુંડો ઉર ભૂપ આણે, સ્વપુત્ર પુત્રી સમ તે ન જાણે;

કે લોભ લાવી લવ લાંચ ખાય, તે રાયનું રાજ જરૂર જાય. ૨૦

જાણે નહીં જે નૃપ રાજનીતી, કે પાપકારી જન સાથે પ્રીતી;

અન્યાયથી દીન પ્રજા પિડાય, તે રાયનું રાજ જરૂર જાય. ૨૧

જેને ઘણા મૂર્ખ મળે પ્રધાન, વિદ્વાનનું જ્યાં નહિ લેશ માન;

બળિષ્ઠ તો જ્યાં અબળા ગણાય, તે રાયનું રાજ જરૂર જાય. ૨૨

નરેશ દિસે વ્યસની વિશેષ, વસે નહીં ચિત્ત વિવેક લેશ;

કુટુંબમાં નિત્ય કુસંપ થાય, તે રાયનું રાજ જરૂર જાય. ૨૩

દિલે પ્રભુનો ડર જે ન રાખે, સ્વેચ્છા પ્રમાણે મુખશબ્દ ભાખે;

સ્વચ્છંદ5 રીતે વરતે સદાય, તે રાયનું રાજ જરૂર જાય. ૨૪

સદૈવ જ્યાં નીચ સલાહકાર, અકૃત્ય કે કૃત્ય નહીં વિચાર;

ન દીર્ઘદૃષ્ટી કરિ નીરખાય, તે રાયનું રાજ જરૂર જાય. ૨૫

જાણે નહીં જે ધન કેટલું છે, જાણે નહીં જે બળ જેટલું છે;

મિથ્યાભિમાની મનમાં સદાય, તે રાયનું રાજ જરૂર જાય. ૨૬

ચોપાઈ

એવા ભાસે છે આજ ભૂપાળ, નથી રાખતા સૌની સંભાળ;

નવું રાજ્ય જોરદાર થાશે, તેથી તેહ પીડા ટળી જાશે. ૨૭

સંતો ત્યાં સુધી ધીરજ ધરો, જોઈ સમય તમે અનુસરો;

કંઠી તિલક તણો કરી ત્યાગ, શિખા સૂત્ર6 તજો બડભાગ. ૨૮

પરમહંસ દશા તમે રાખો, પ્રતિમાની પૂજા કાઢી નાંખો;

માનસીક કરો જપ ધ્યાન, કરો હરિ ગુણ કીર્તન ગાન. ૨૯

માંગિ મધુકરી ભીક્ષા જમો, તીવ્ર તપ કરી દેહને દમો;

એવી આજ્ઞા કરી અવિનાશ, રાખ્યા સંતોને પોતાની પાસ. ૩૦

દિવસ જાણી પ્રબોધિનિ કેરો, કર્યો ઉત્સવ સરસ ઘણેરો;

રહ્યા ગઢપુરમાં હરિ સંત, આવ્યો પંચમિ દિવસ વસંત. ૩૧

દેશોદેશથી આવિયા દાસ, કર્યો ઉત્સવ શ્રી અવિનાશ;

પછી જનને દેવા ઉપદેશ, ગયા પીપરડી પરમેશ. ૩૨

પુષ્પિતાગ્રાવૃત્ત

નરતનું ધરિ ધર્મના કુમાર, પુનિત ચરિત્ર કરે ભલાં અપાર;

ગણિ ગણિ ગુણ શેષનાગ ગાય, સુણિ સુણિ સંત મહાંત રાજી થાય. ૩૩

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે ષષ્ઠકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

દુર્જનકૃતસંતાપ-ઉપદ્રવનિવારણનામા ત્રયોદશો વિશ્રામઃ ॥૧૩॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે