કળશ ૬

વિશ્રામ ૧૪

પૂર્વછાયો

કહે અચિંતાનંદજી, સુણો ભૂપ અભેસિંહ ભાઈ,

પીપરડીમાં પધારિયા, સર્વ સંત સહિત સુખદાઈ. ૧

ચોપાઈ

તહાં બ્રાહ્મણ ભાણજી ઘેર, પધાર્યા પ્રભુજી રુડિ પેર;

તેણે થાળ કરીને જમાડ્યા, સજી સેવા સંતોષ પમાડ્યા. ૨

કરિ સુતાર કસળાયે સેવા, રહ્યા બે દિન હરિ સુખ દેવા;

ગયા ત્યાં થકિ નડાળે નાથ, સર્વે સંત મંડળ લઈ સાથ. ૩

હતો ત્યાં એક વિપ્ર ગંગેવ, તેને ઘેર રહ્યા દેવદેવ;

સારી રીતે સેવા તેણે કરી, ત્યારે તે પ્રત્યે બોલિયા હરિ. ૪

અમે આ સ્થળમાંહિ રહ્યાતા, મરચાં મીંઢીઆવળ ખાતા;

તને સાંભરે છે ભાઈ તેહ! સુણી એવું બોલ્યો દ્વિજ એહ. ૫

સુખ આપ્યું છે આપે અનંત, કેમ વીસરે તે ભગવંત?

એવી વાતો કરી ત્યાં અપાર, શ્રીજી ત્યાંથી ગયા સરધાર. ૬

ક્ષત્રિ તોંગોજી ને વેરીભાઈ, એ તો આવિયા સનમુખ ધાઈ;

ગોવર્ધન ને કમળશી વણીક, બીજા વિપ્ર ને વૈશ્ય અધિક. ૭

સામૈયું સજિને સામા આવ્યા,વાજાં વિવિધ પ્રકારનાં લાવ્યા;

સારી રીતે કરી સનમાન, પધરાવ્યા પ્રિતે ભગવાન. ૮

તોંગેજીયે કરી ઘણી તાણ, આવો અમ ઘેર શ્યામ સુજાણ;

સુણી બોલ્યા વણિક બેય વાણી, ભક્તરાજ સુણો સ્નેહ આણી. ૯

ઘણી વાર તમારે તો ઘેર, ઉતર્યા છે પ્રભુ રુડી પેર;

લેવા દ્યો અમને આજ લાવો, રુડો અવસર આવ્યો છે આવો. ૧૦

અમે ગરીબ વણિક બે છૈયે, આવો લાભ ફરી ક્યારે લૈયે?

સુણી બોલ્યા શ્રીજીમહારાજ, અમે આવશું તમ ઘેર આજ. ૧૧

પ્રભુજી તેને ઘેર પધાર્યા, સંતોને પણ ત્યાં જ ઉતાર્યા;

સૌની સેવા સજી શુભ પેર, ધર્મલાલે કરી લીલાલેર. ૧૨

કર્યો વર્ણિ મુકુંદે ત્યાં થાળ, જમ્યા સ્નેહથી જનપ્રતિપાળ;

કહ્યું વાણિયે નિજ વૃદ્ધ માને, મારે જાવું છે તરત દુકાને. ૧૩

માટે પોઢવા પ્રભુને અભંગ, સારો પાથરી દેજો પલંગ;

ભલામણ એવી ડોશિને દીધી, પછી વાટ દુકાનની લીધી. ૧૪

ડોશી ઢુંઢિયાનો ધર્મ પાળે, જુઓ માંકડનેય સંભાળે;

એક ખાટલામાં ભેળા કરે, આવે મેમાન ત્યારે પાથરે. ૧૫

ઢાળ્યો તે હરિકૃષ્ણને કાજ, કહ્યું પોઢો તમે મહારાજ;

સુતા જૈ જગદીશ્વર જ્યારે, આવ્યાં માંકડ ને જુઓ ત્યારે. ૧૬

જેમ કીડીનું દર ઉભરાય, જેમ રાફડે ટીડ ન માય;

જેમ ઉધેઇ નિકળે અપાર, આવ્યા માંકડ એમ એ ઠાર. ૧૭

હરિકૃષ્ણને કરડવા લાગ્યા, ત્યારે ઝબકીને શ્રીહરિ જાગ્યા;

બેઠા ભૂમિયે શ્રીભગવાન, નિજરૂપ તણું ધરિ ધ્યાન. ૧૮

ઉપજાતિવૃત્ત (માંકડ વિષે)

વર્ણી કહે છે સુણ ભૂપ વાત, મહા બુરી માંકડ કેરિ જાત;

ઉત્પત્તિ એની અતિ થાય જ્યારે, અત્યંત લોકો અકળાય ત્યારે. ૧૯

સૂર્યાદિ આકાશ વિષે ફરે છે, સ્મશાનમાં શંકર જૈ ઠરે છે;

વિષ્ણુ સુએ શેષ શરીર માટે, કલ્પે કવિ માંકડ દુઃખ માટે. ૨૦

ચોપાઈ

કહે વર્ણિ સુણો રુડા રાય, કહું ચાલતી તેહ કથાય;

આવ્યા બે ભાઈ ઘેર ફરીને, હેઠા બેઠેલા દીઠા હરીને. ૨૧

કર્યા પ્રેમ કરીને પ્રણામ, પોઢો એહ પલંગમાં શામ;

કહે કૃષ્ણ સૂવાય ન એમાં, જુઓ માંકડ છે બહુ તેમાં. ૨૨

શેઠે સાંભળને મર્મ જાણ્યો, દીલે ડોશિ ઉપર ક્રોધ આણ્યો;

જૈને લાગ્યા તે ડોશિને લડવા, ત્યારે ડોશિ લાગી બડબડવા. ૨૩

તારા સ્વામિજી છે ભગવાન, દેશે માંકડને મોક્ષદાન;

એવું જાણીને એહ પલંગ, મેં તો પાથરી આપ્યો અભંગ. ૨૪

એવો શબ્દ સુણ્યો ઘનશામે, ત્યારે બોલાવ્યાં તેને તે ઠામે;

ડોશી સામિ નજર જ્યારે સાંધી, ત્યારે ડોશિને થૈ ત્યાં સમાધી. ૨૫

દિવ્ય દૃષ્ટિયે ડોશિ તે કાળે, મહા મોક્ષનો માર્ગ નિહાળે;

જુઓ માંકડના જીવ જેહ, એકે એકે તજી તન તેહ. ૨૬

વિમાને ચડી વૈકુંઠ જાય, બધું તે તો ડોશીને દેખાય;

ડોશિ જ્યારે સમાધિથી જાગી, પ્રેમે શ્રીપ્રભુને પગે લાગી. ૨૭

કર્યું સ્તવન કર્યાં ગુણગાન, તમે સમરથ શ્રીભગવાન;

હવે જાણ્યા જથારથ તમને, આવ્યા પાવન કરવાને અમને. ૨૮

મોટો અપરાધ કીધો મેં આજ, માફ કરજો તમે મહારાજ;

પછિ ડોસી થઈ સતસંગી, પામી અવિચળ ભક્તિ અભંગી. ૨૯

કહે વર્ણિ કહું બીજિ વાત, ભલો જાણી પ્રસંગ આ ભ્રાત;

નામે બોદો જે કમાનગર, સરધાર વિષે તેનું ઘર. ૩૦

રામાનંદસ્વામી તણો દાસ, ઘણું રહેતો તે સ્વામિનિ પાસ;

એવામાં એહ ગામ મોઝાર, કોઈ જનને થયો અતિસાર.1 ૩૧

ત્યારે બોલ્યા રામાનંદ વાણી, પાઓ પાશેર મીઠાનું પાણી;

ગુરુવચને પાયું લુણ નીર,2 થયું તેથી નિરોગી શરીર. ૩૨

બોદા ભક્તે દેખી શિખી રાખ્યું, એ જ ઓસડ અન્યને ભાખ્યું;

તેથી થૈ એક જન તણી ઘાત, ફિટકાર કરે જનજાત. ૩૩

બોદે સ્વામિનો અવગુણ લીધો, સતસંગ તેથી તજી દીધો;

સૌની આગળ બોલે સદાય, જુઠા સ્વામિ ને જૂઠો ઉપાય. ૩૪

ઉપજાતિવૃત્ત (દેખાદેખી ન કરવા વિષે)

જ્ઞાની તણો વાદ અજાણ લે છે, અજાણિતું ઓસડ કાંઈ દે છે;

એ ઉંટવૈદું ગણતાં ગણાય, એમાંથી અંતે ઉલટું જ થાય. ૩૫

જાણ્યા વિના જોગ સમાધિ સાધે, કાં તો મરે કાં તનરોગ વાધે;

એ તો મહા કષ્ટ તણો ઉપાય, એમાંથિ અંતે ઉલટું જ થાય. ૩૬

તારો3 નહીં ને તરવા કરે છે, તે નીરમાં બૂડિ જઈ મરે છે;

વાદે4 નહીં વારિ વિષે તરાય, એમાંથી અંતે ઉલટું જ થાય. ૩૭

ઉમાવરે5 ઝેર અસહ્ય પીધું, સદૈવ કંઠે નિજ ધારિ લીધું;

બિજા થકી એમ નહીં રખાય, એમાંથિ અંતે ઉલટું જ થાય. ૩૮

જણાય છે ઈશ્વરમૂર્તિ જેહ, ઇચ્છા પ્રમાણે વરતે જ એહ;

જો અન્ય એવું કરવા ચહાય, એમાંથિ અંતે ઉલટું જ થાય. ૩૯

બિજા તણા દોષ જ મૂર્ખ જાણે, પોતા તણા દોષ નહીં પ્રમાણે;

બિજાનિ વાંકાઈ જ ઉંટ દેખે, પોતાનિ વાંકાઈ જરી ન લેખે. ૪૦

મોટા કહે તેમ સદા કરીજે, મોટા કરે તેમ કદી ન કીજે;

મોટા કરે તે કરવા ચહાય, નહીં જ હળાહળ6 જીરવાય. ૪૧

મોટા તણો દોષ દિલે ધરે છે, પોતા તણું તે નરસું કરે છે;

જે મત્સ્ય ગંગાજળથી રિસાય, પોતે જ પીડા થકિ તે પીડાય. ૪૨

ચોપાઈ

ગંગાતુલ્ય છે આ સતસંગ, તજી જાશે જે તેના તરંગ;

તે તો પ્રાણી જ પોતે પીડાશે, સતસંગમાં ભંગ ન થાશે. ૪૩

ગયાં હરબાઈ ને વાલબાઈ, ગયા રઘુનાથદાસ રિસાઈ;

એવા કૈંક ગયા અને જાશે, સતસંગમાં ઓછું ન થાશે. ૪૪

જ્યારે લાગે છે માયાનો ધક્કો, ત્યારે હાલી પડે થંભ પક્કો;

ગયા કૈંક તો વિદ્યાનાં પાત્ર, ત્યારે બોદો બિચારો શા માત્ર? ૪૫

જ્યારે મોટાનો અવગુણ આવે, ત્યારે માયા તણું જોર ફાવે;

ભલા ભક્તોયે રાખવું ભાન, કહ્યું એ માટે આ આખ્યાન. ૪૬

સુણ્યો બોદે શ્રીજીનો પ્રતાપ, નમ્યો જૈને તેથી ટળ્યું પાપ;

બુદ્ધિ નિર્મળ થૈ તેનિ જ્યારે, સતસંગિ સારો થયો ત્યારે. ૪૭

હવે શ્રીહરિની કહું વાત, ચાલ્યા સરધારથી સાક્ષાત;

ગામ રામોદમાં જઈ રહ્યા, બંધિયે ત્યાંથિ બળવંત ગયા. ૪૮

ડોસા વાણિયાના ઘર પાસ, કરતા રામાનંદ નિવાસ;

એ જ ઓરડિમાં અવિનાશી, ઉતર્યા સુખથી સુખરાશી. ૪૯

ઢાળ્યો ઢોલિયો તે ફળિયામાં, બેઠા શ્રીહરિ ઉત્તર સામા;

બેઠા આગળ હરિજન સંત, ભાગવત લીધું શ્રીભગવંત. ૫૦

વાંચી વેદસ્તુતી સંભળાવી, વળી વાત બોલ્યા મુખે આવી;

ભાગવત સુણે છે જન જેહ, એમ અંતરે સમજે છે એહ. ૫૧

એ તો ભૂપ પરીક્ષિત કાજ, કહિ છે કથા શુક ઋષિરાજ;

પણ સુણનાર એમ ન જાણે, આપણે પરીક્ષિતને ઠેકાણે. ૫૨

કથા કરનાર શુકજી સમાન, લેવું આપણે એમાંથિ જ્ઞાન;

એમ જાણી કહે સુણે જેહ, ધન્ય વક્તા તથા શ્રોતા તેહ. ૫૩

બોલ્યા ભાઈ ત્યાં આતમાનંદ, એક પ્રશ્ન સુણો સુખકંદ;

જેણે હરિને જાણ્યા ભગવાન, જાણ્યા સંતને મુક્ત સમાન. ૫૪

પછિ જાણ્યે અજાણ્યે ભુલાય, સતસંગ થકી પડિ જાય;

એની અંત્યે કેવી ગતિ થાય? કહો કૃષ્ણ કરીને કૃપાય. ૫૫

સુણિ ઉચ્ચર્યા અંતરજામી, મોટા સંત સુણો નિષકામી;

જાણતાં કે અજાણે ભુલાય, જીભ દાંત તળે કચરાય. ૫૬

તેની પીડા ભોગવવી તો પડે, જ્ઞાનિ અજ્ઞાનિને પણ નડે;

જાણો ઇંદ્રિયો દાંત સમાન, જીભ જાણો નિયમ વર્તમાન. ૫૭

ભૂલે ચૂકે કરે તેનો ભંગ, તેની પીડા તેને થાય અંગ;

પ્રભુ કેરો જો નિશ્ચે ન જાય, કોઈ કાળે તો કલ્યાણ થાય. ૫૮

એવી વાતો બહુ જ પ્રકારે, કરી ધર્મની ધર્મકુમારે;

સંતે અંતરમાં ધરી લીધી, કરી મનન મહા દૃઢ કીધી. ૫૯

પુષ્પિતાગ્રાવૃત્ત

વૃષસુત ઉચરે મુખેથિ વાણી, કદિ ઉચરે મુખ એ જ અન્ય પ્રાણી;

પણ ન મધુર વાક્ય તેહ દીઠું, અવનિતણું જળ ઇક્ષુમાં7 જ મીઠું. ૬૦

શુકમુખ8 ઉચરે સુશબ્દ જેહ, કદિ ઉચરે મુખ અન્ય પ્રાણિ એહ:

સુણિ સ્વર કહિયે ન હર્ષકારી, શુકમુખ કેરિ સરસ્વતી9 જ ન્યારી. ૬૧

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે ષષ્ઠકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિબંધિયાગ્રામે વિચરણનામા ચતુર્દશો વિશ્રામઃ ॥૧૪॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે