વિશ્રામ ૧૫
પૂર્વછાયો
સંતો સહિત પછિ સંચર્યા, ગામ બંધિયેથી બળવંત;
ગોંડળમાં ગિરિધર ગયા, થયાં જનમન મુદિત અનંત. ૧
ચોપાઈ
ચાલ્યા ગોંડળથી જગદીશ, રહ્યા મેવાસે જૈન મુનીશ;
નદી ચાંપરવાડી છે નામ, બેઠા ત્યાં જઈ શ્રીઘનશામ. ૨
કર્યું સંત સહિત તેમાં સ્નાન, કરી નિત્યક્રિયા ભગવાન;
વીરેશ્વર ઇંદ્રજી અને કડવા, આવ્યા વિપ્ર પ્રભુપાય પડવા. ૩
કહ્યું પ્રેમે કરીને પ્રણામ, પ્રભુજી કરો પાવન ગામ;
સુણિ બોલ્યા શ્રીજી થઈ રાજી, ઉતાવળથી જવું છે ધોરાજી. ૪
રસોઈ જમવા નહિ રહિયે, તમે સમજુ છો ઝાઝું શું કહિયે;
હતો વીવા વીરેશ્વર ઘેર, લાવ્યા પકવાન તે રુડી પેર. ૫
પીરસ્યું સંતને પ્રભુ પ્રીતે, પોતે પેંડા જમ્યા રુડી રીતે;
એક વૃક્ષ તળે સભા સજી, બેઠા સંતમંડળ મધ્યે શ્રીજી. ૬
સમૈયો થવાની સુણિ ગાથ, આવ્યા બ્રહ્મમુની સંત સાથ;
પદ વંદી બેઠા તેહ ઠાર, ત્યારે શ્યામે પૂછ્યા સમાચાર. ૭
તમે જૈ ફર્યા જે દેશ માંય, કહો કેવો છે સત્સંગ ત્યાંય?
બોલ્યા બ્રહ્મમુની શીર નામી, વધ્યો છે ઘણો સતસંગ સ્વામી. ૮
વળી બોલિયા માવ ઉમંગી, તમે કેવા થયા સતસંગી?
બ્રહ્માનંદ કહે ભગવાન, કર્યું તન મન ધન કુરબાન. ૯
પામ્યા ભક્તિ તમારી અભંગી, અમે સાચા થયા સતસંગી;
કહે શ્રીજી અમે ક્યાં ફરતા? કહો કેવી ક્રિયા અમે કરતા? ૧૦
કહો તો જાણું સત્સંગી સાચા, નહિ તો કહું સત્સંગી કાચા;
એવા સત્સંગિ પર્વતભાઈ, મીણબાઈ તથા જીવુબાઈ. ૧૧
એવા ભટ્ટ ભલા મયારામ, તથા શેઠ ગોવર્ધન નામ;
અમે જે જે જગ્યામાં વિચરિયે, તથા જે જે ક્રિયા અમે કરિયે. ૧૨
તે તો ત્રણે અવસ્થાની માંય, ભક્તો ભાળે છે નજરે સદાય;
કહે બ્રહ્મમુનિ અહો દેવા, સતસંગી નથી અમે એવા. ૧૩
અમે તો છૈયે દાસના દાસ, જેવી દૂધની આગળ છાશ;
મેરુ આગળ ટેકરા જેવા, મોટા ભક્ત આગળ અમે એવા. ૧૪
સુણી બોલ્યા મુક્તાનંદસ્વામી, અહો સમરથ અંતરજામી;
એવા સત્સંગી કેમ થવાય? કહો જે હોય એનો ઉપાય. ૧૫
સુણી ઉચર્યા અંતરજામી, સાંભળો મુક્તાનંદ સ્વામી;
કરે આગ્રહથી જે અભ્યાસ, પોતે ટાળે માયા તણો પાસ. ૧૬
માને આત્માને અક્ષરરૂપ, મને જાણે અક્ષર તણો ભૂપ;1
ધરે અંતરમાં મારું ધ્યાન, થાય સત્સંગી શ્રેષ્ઠ સમાન. ૧૭
બોલ્યા બ્રહ્મમુની શિર નામી, સુણો શ્રીસહજાનંદ સ્વામી;
કૃપાનાથ કૃપા કરો જ્યારે, એવા થૈયે સત્સંગી તો ત્યારે. ૧૮
સુણી બોલ્યા શ્રીજીમહારાજ, કહું સાંભળો કવિ શિરતાજ;
ચૌદ લોકનું બ્રહ્માંડ એક, એવાં મોટાં બ્રહ્માંડ અનેક. ૧૯
એક અક્ષરના રોમકૂપે,2 રહ્યાં છે થઈને અણુરૂપે;
એવો અક્ષરનો મહીમાય, જેનું વરણન શેષે ન થાય. ૨૦
એવા અક્ષરધામના ધામી, હું છું શ્રી પુરુષોત્તમ નામી;
કોટિ મુક્ત તણો પતિ જેહ, તમ અર્થે ધર્યો નરદેહ. ૨૧
તમ અર્થે આવ્યો એહ ઠાર, ન રહ્યો અન્ય ધામ મોઝાર;
તજ્યું પ્રકૃતિપુરુષનું ધામ, તજ્યાં વૈકુંઠ આદિ તમામ. ૨૨
બીજાં ધામ ને સ્થાન અનંત, જેનો આવે ન ગણતાં અંત;
કર્યો ક્યાંઈ જઈ નહિ વાસ, પ્રેમે આવિ વસ્યો તમ પાસ. ૨૩
નિત્ય દર્શન દૈ સાક્ષાત, કરું છું તમ આગળ વાત;
જુગતી થકિ પિરથી જમાડું, રંગ ઉત્સવે રંગે રમાડું. ૨૪
બહુ હેતે હું તમને બોલાવું, લૈને છાતીની સાથે લગાવું;
હેતે આપું પ્રસાદિના હાર, વળિ લાડ લડાવું અપાર. ૨૫
કાંઈ આજ્ઞા કરી ઉલંઘન, સગાતુલ્ય કરું છું સહન;
તમે તોય એવું ઉચ્ચરો, સતસંગી થૈયે કૃપા કરો. ૨૬
તમે જ્યાં ફરી ત્યાં સાથે ફરિયે, હવે એથી કૃપા કેવી કરિયે?
સુણી બોલ્યા બ્રહ્માનંદ સ્વામી, અહો ઈશ્વર અક્ષરધામી. ૨૭
કૃપા બહુ કીધી અશરણશરણ, પણ માયાનું છે આવરણ;
નથી એ થકિ સમજાતું અમને, જાણિયે ન જથારથ તમને. ૨૮
એવું સાંભળીને શ્રીરંગે, ઉપવસ્ત્ર જે ઓઢ્યુંતું અંગે;
તજી દૂર બોલ્યા મનહરણ, જુઓ છે હવે કાંઈ આવરણ. ૨૯
ઉંડો મર્મ એમાં હતો જેહ, બ્રહ્માનંદે જાણી લીધો તેહ;
કરતા વાત પરોક્ષ સદાય, આજ સ્પષ્ટ કહ્યો મહિમાય. ૩૦
એમાં અંતર કાંઈ ન રાખ્યો, ભેદ સર્વે જથારથ ભાખ્યો;
મને એમ શ્રીજીયે જણાવ્યું, બ્રહ્માનંદને અંતરે આવ્યું. ૩૧
ત્યારે હેતે બોલ્યા જોડિ હાથ, અતિ આજે કૃપા કરિ નાથ;
આજ ભેદ જથારથ ભાખ્યો, પડદો રંચમાત્ર ન રાખ્યો. ૩૨
તમે અક્ષરધામના ધામી, સરવોપરિ સર્વના સ્વામી;
સર્વ અવતારના અવતારી, સૌથી સમરથ છો સુખકારી. ૩૩3
એમ બોલિયા બ્રહ્મમુનીજી, એવા માંહિ બની વાત બીજી;
જેતપુરમાં રહે એક જોશી, સતસંગી સુપાત્ર સંતોષી. ૩૪
એણે સાંભળી વાત જે આજ, આવ્યા મેવાસે શ્રીમહારાજ;
જોશી દર્શન કરવાને આવ્યા, પુત્ર બેને સાથે તેડી લાવ્યા. ૩૫
નામ એકનું તો શિવરામ, બીજો પુત્ર ગોવર્ધન નામ;
પ્રણમી પ્રભુપદ અનુરાગ્યા, પુત્ર બે પ્રભુને પ્રિય લાગ્યા. ૩૬
ત્યારે પુછ્યું જોશી સામું જોઈ, આને દીધી છે નહિ કે જનોઈ?
જોશીજી બોલ્યા જોડીને હાથ, નથી દીધી જનોઈ હે નાથ! ૩૭
કહે કૃષ્ણ જો તમને ગમે, આને દૈયે જનોઈ તો અમે;
સુણિ બોલ્યા તે સુતના પિતાજી, પ્રભુ રાજી તમે તો હું રાજી. ૩૮
મારું સર્વસ્વ તમને મેં દીધું, તન મન ધન અર્પણ કીધું;
પ્રભુ બેય છે પુત્ર તમારા, કહેવા માત્ર માનું છું મારા. ૩૯
માવે મુહુરત ત્યાં જોવરાવ્યું, ફાગણે શુક્લ પક્ષમાં આવ્યું;
ગયા ત્યાંથિ પ્રભુ રુડિ પેર, દુધિવદર ને ઝાંઝમેર. ૪૦
જેતપુર ગયા અવસર જોઈ, બાળ બેયને દીધિ જનોઈ;
વિપ્ર જ્ઞાતિને નોતરાં દીધાં, ભલાં ભોજન તૈયાર કીધાં. ૪૧
કેટલાક હતા દ્વિજ દ્વેષી, હતા કૈંક સ્વભાવે કલેશી;
સર્વે વિપ્રોને તેણે ભમાવ્યા, તેથી બ્રાહ્મણો જમવા ન આવ્યા. ૪૨
ત્યારે શ્રીજીયે સંઘ જમાડ્યો, અનાર્થીને આનંદ પમાડ્યો;
બિજે દિન દ્વિજ સૌને બોલાવ્યા, પુછ્યું કેમ ન જમવાને આવ્યા? ૪૩
બોલ્યો બ્રાહ્મણ એક વિચારી, જેષ્ઠપુત્ર4 છે શ્રાદ્ધાધિકારી;
તેને તાતે જનોઈ દેવાય, બિજાથી ક્રિયા તે ન કરાય. ૪૪
બીજો કોઈ જનોઈ દે એને, કરે શ્રાદ્ધ પહોંચે તે તેને;
તેના તાતને નહિ પોંચશેય, વિધિ શાસ્ત્ર વિરુદ્ધ થશેય. ૪૫
એવો બાધ5 ગણ્યો નહિ તમે, એથી જમવા ન આવિયા અમે;
તાતનું શ્રાદ્ધ કરશે જે એહ, શ્રાદ્ધ તમને પહોંચશે તેહ. ૪૬
કહે શ્રીજી પહોંચશે મને, તે તો પહોંચશે પિત્રિ6 સરવને;
માટે અમને પહોંચશે શ્રાદ્ધ, તેનો કાંઈ ન જાણવો બાધ. ૪૭
એવું જાણિ જમો સહુ તમે, હજી આજ જમાડીયે અમે;
વિપ્રે માની ન વાત તપાસી, કરી ધોરાજી જૈને ચોરાશી. ૪૮
જેતપરથી ચાલ્યા ઘનશામ, ગયા સાંકળિયે સુખધામ;
ગયા ધોરાજી ધર્મકુમાર, સામા સત્સંગી આવ્યા અપાર. ૪૯
હઠીભાઈ તથા અજુભાઈ, ભક્ત ભોજોજી આવિયા ધાઈ;
બકાભાઈ જે ક્ષત્રિ ખિમાણી, જેની ભક્તિ ભલી વખણાણી. ૫૦
બાજીબા મેરામણજીએ આવ્યા, સાથે સ્નેહિ સગા જન લાવ્યા;
વિપ્ર માવજી પુત્ર રાઘવજી, વાલજી તથા વિપ્ર કેશવજી. ૫૧
વાજે વાજિંત્ર ડંકા નિશાન, કર્યું શ્રીહરિનું સનમાન;
લાલવડ એક છે પુર પાસ, આવી ઊતર્યા ત્યાં અવિનાશ. ૫૨
મોટું ત્યાં દિઠું સારું મેદાન, સૌને ઊતરવા જોગ્ય સ્થાન;
માટે ત્યાં રહેવાનું જ કીધું, હરિભક્તોયે ભોજન દીધું. ૫૩
સૌની સારિ કરી બરદાસ, કોઈ વાતે ન રાખિ કચાશ;
ફુલડોળ ઉપર સંઘ આવ્યા, ભેટ સામગરી ભલી લાવ્યા. ૫૪
ફુલડોળ દિવસ બહુ રંગે, રમ્યા શ્રીહરિ સંતોને સંગે;
અતિ ઊડે અબીર ગુલાલ, પીચકારિ છોડે વૃષલાલ. ૫૫
વાજાં વિવિધ પ્રકારનાં વાજે, દેખી દેવનાં દુંદુભિ લાજે;
કર્યો ઉત્સવ શુભ એવી રીતે, લીલા સંતે ધરી લીધી ચિત્તે. ૫૬
પછી સંત સહિત કર્યું સ્નાન, ભાવે થાળ જમ્યા ભગવાન;
વડ હેઠે સભા સજી સારી, યથાયોગ્ય બેઠાં નરનારી. ૫૭
હતા સૂરતના જન આવ્યા, જરિયાનનો પોશાક લાવ્યા;
વસ્ત્ર પૂજા કરી પહેરાવ્યાં, ભાળી ભક્તજનો મન ભાવ્યાં. ૫૮
માવને શિર મુગટ ધરાવ્યો હતો સુરતના સંઘે કરાવ્યો;
પેલવેલો એવો શણગાર, ધર્યો તે દિન ધર્મકુમાર. ૫૯
અતિ શોભ્યો સમૈયો તે સારો, મળ્યા હરિજન સંત હજારો. ૬૦
પુષ્પિતાગ્રાવૃત્ત
અતિ સુખ હરિ નિત્ય એમ આપે, નિજજનનાં પ્રભુ પાપ તાપ કાપે;
દિન નિશ દિલમાં રહે ખુમારી, પરમ પવિત્ર ચરિત્ર ચિત્ત ધારી. ૬૧
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે ષષ્ઠકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિધોરાજીપુરે-પુષ્પદોલોત્સવકરણનામા પંચદશો વિશ્રામઃ ॥૧૫॥