કળશ ૬

વિશ્રામ ૧૬

પૂર્વછાયો

આવેલા ઉત્સવ ઉપરે, જૂનાગઢના ઘણા હરિજન;

કર જોડી પ્રભુને કહ્યું, જૂનગઢ ચાલો જીવન. ૧

ચોપાઈ

હરિનવમીનો ઉત્સવ જેહ, કરો ત્યાં કરુણાનિધિ તેહ;

ઘણા દિનની છે ઇચ્છા અમારી, પૂરો આશા પ્રભૂ ત્યાં પધારી. ૨

દીનનાથે દિલે દયા આણી, કહિ આનંદાનંદને વાણી;

વિચરો જુનેગઢ જ્ઞાનવાન, સમૈયાનો કરાવો સામાન. ૩

થોડા દિવસ પછી રુડી રીત, અમે આવશું સંતો સહિત;

સુણી સ્વામિ આનંદ ત્યાં ગયા, ધર્મપુત્ર ધોરાજીમાં રહ્યા. ૪

થોડા દિવસ પછી સુખકારી, જુનેગઢ જવા કીધી તૈયારી;

સાથે લીધા કાઠી અસવાર, સંત સત્સંગિનો નહિ પાર. ૫

જૂનેગઢ ગયા શ્રીજગદીશ, જે છે અક્ષર કેરા અધીશ;1

પુરથી દિશા ઉત્તર માંય, સોનરખ સરિતા વહે જ્યાંય. ૬

તેને તટ છે આમલિયોનું વૃંદ, જઈ ઉતર્યા ત્યાં જગવંદ;

હરિભક્ત જુનાગઢવાસી, તેણે જાણ્યું આવ્યા અવિનાશી. ૭

ભક્ત નાગર રામજીભાઈ, ઝીણાભાઈ હૈયે હરખાઈ;

ગયા બે મળી પૂરણ પ્રીતે, રાજદ્વાર વિષે રુડી રીતે. ૮

હતા હામદખાન નવાબ, જેના ઉત્તમ છે ઇલકાબ;2

તેને જૈ સમાચાર સુણાવ્યા, આંહિ સ્વામિનારાયણ આવ્યા. ૯

રાજી થૈને રજા આપો તમે, પુરમાં પધરાવિયે અમે;

ત્યારે બોલ્યા મંગળજી દિવાન, થાય એમાં તો કાંઈ તોફાન. ૧૦

ઘણા કાઠી છે સાથે આવેલ, કરે રાજને કાંઈ ખલેલ;3

સુણિ ખાન બોલ્યા તતક્ષણ, કોણ છે તે સ્વામિનારાયણ? ૧૧

બોલ્યા રામજી ત્યાં ધરી ધીર, મોટા એ છે અમારા ફકીર;

સુણિ ઉચ્ચર્યા પુરપતિ આપે, કરું રાજ્ય ફકીર પ્રતાપે. ૧૨

અમારા પુરમાં ભલે આવે, એને કોઈ નહીં અટકાવે;

ભક્ત ચાલ્યા કરીને સલામ, મળ્યા ત્યાં સતસંગી તમામ. ૧૩

દાદોભાઈ તથા ગગોભાઈ, આવ્યા ઉમેદસિંહજી ધાઈ;

આવ્યા ભક્ત નવલસિંહ નામ, મેતા માણકલાલ તે ઠામ. ૧૪

કાનજીભાઈ ભીમજીભાઈ, અંબારામ આવ્યા હરખાઈ;

રૂપશંકર પ્રેમી પ્રમાણ, જટાશંકર ભક્ત સુજાણ. ૧૫

શિવશંકર હરિગુણ ગાય, મોટા ભક્ત છે માધવરાય;

હરિભક્ત છે હીમતરામ, ભક્ત રંગીલદાસજી નામ. ૧૬

વૃંદાવનદાસ ભૂખણદાસ, દુર્ગાદાસ ને દયાળદાસ;

શેઠ ચાંપશી અને ભીમજી, શેઠ મંગળજીને વીરજી. ૧૭

ઘડીયાળી ભલા દેવરામ, નારાયણજી બિજા ભાઈ નામ;

ભક્ત ભાટિયા ગોકળદાસ, દામોદર આવ્યા દર્શન આશ. ૧૮

લખમણ તથા હીરો લુહાર, રામજી મૂળજી સોત4 ચાર;

ધનો પાંચમો ને છઠો ભગો, માનસિંહ બારોટ અડગો.5 ૧૯

એહ આદિ ઘણાં નર રામા,6 આવ્યાં સામૈયું લૈ હરિ સામા;

વાજાં વાજે ત્યાં વિવિધ પ્રકાર, સૌને અંગ ઉમંગ અપાર. ૨૦

પ્રેમે કૃષ્ણને કીધા પ્રણામ, આપે આશિષ સુંદર શામ;

વાલે વસ્ત્ર ધર્યાં જરિયાની, ધર્યાં ભૂષણ કરુણાનિધાની. ૨૧

કરી માણકી પર અસવારી, સખા સંગે શોભે સુખકારી;

વર્ણિ ચમર કરે તેની વાર, છડિદાર બોલે જેજેકાર. ૨૨

થાય બંદુક કેરા ભડાકા, કોઈ જાણે કે મેઘ કડાકા;

ધીમે ધીમે ચાલે અસવારી, નિરખે પુરનાં નરનારી. ૨૩

વાજે ભુંગળ તાલ મૃદંગ, ગાય કીર્તન મુનિજન સંગ;

દરવાજે મજેવડી કેરે, હરિ પેઠા તે જન સહુ હેરે.7 ૨૪

દૈવી જીવ દેખી હરખાય, દીલ દુષ્ટનાં તો બળિ જાય;

અસવારિ સહિત અવિનાશ, આવ્યા ભૂપના દરબાર પાસ. ૨૫

એક ભાવિક ભક્ત ત્યાં આવ્યો, ભેટ કરવાને કાકડી લાવ્યો;

હેતે આપી તે હરિ કેરે હાથે, માંડી આરોગવા કૃપાનાથે. ૨૬

જરુખે હતા હામદખાન, તેણે કેવા ભાળ્યા ભગવાન;

અસવારી સારી સજી જાતા, સર્વ દેખતાં કાકડી ખાતા. ૨૭

હતી ભૂપમાં બુદ્ધિ અપાર, તેણે ચિત્તમાં કીધો વિચાર;

જનને હોય જન કેરી શર્મ, એવો છે આખિ દુનિયાનો ધર્મ. ૨૮

પશુ આદિ જોઈ જુદી જાતી, નથી માણસને લાજ થાતી;

અલમસ્ત દિસે આ તો કોઈ, નથી લાજતા જનને જોઈ. ૨૯

હતો ભૂપની પાસે ફકીર, વદ્યો તે વળી વાણી ગંભીર;

મારા દિલમાં તો એમ દિસે છે, અતિ મોટા પેગાંબર એ છે. ૩૦

કરી વાત પરસ્પર આમ, કરી શામને સ્નેહે સલામ;

ઝીણાભાઈ તણે દરબાર, જઈ ઊતર્યા ધર્મકુમાર. ૩૧

પૂર્વછાયો

દિવાનખાને દયાનિધિ, પોતે ઉતર્યા શ્રીપરમેશ;

પાર્ષદ હરિજન સંતને, બિજા આપ્યા ઉતારા બેશ.8 ૩૨

ચોપાઈ

સૌને આપિયાં આદરમાન, પ્રીતે આપ્યાં ભલાં ખાનપાન;

પાંચીબા હતાં નાગર નાતે, તેણે થાળ કર્યો ભલી ભાતે. ૩૩

ભાળી ભાવ જમ્યા ભગવાન, પછી આરોગ્યા સોપારી પાન;

હરિનૌમી દિવસ આવ્યો જ્યારે, થયો સારો સમૈયો તે વારે. ૩૪

દેશ દેશના હરિજન આવ્યા, કરિ ઉત્સવ હરિને રિઝાવ્યા;

કહે વર્ણિ અભેસિંહ રાય, આજ દેરી છે જે સ્થળમાંય. ૩૫

આસોપાલવનું ઝાડ હતું, અતિ સુંદર તેહ શોભતું;

સભા ત્યાં સજી સુંદર શામે, જોતાં જનમન આનંદ પામે. ૩૬

મળી મોટા મોટા સતસંગી, આવ્યા પૂજવા હરિને ઉમંગી;

ઝીણાભાઈ તથા દાદોભાઈ, અંબાશંકર નાગર માંઈ. ૩૭

પીપલાણાના નરસી મહેતા, અગત્રાઈમાં પર્વત રહેતા;

માણાવદરમાં મયારામ, માંગરોળે ગોવર્ધન નામ. ૩૮

એહ આદિક સોરઠ માંય, મોટા મોટા જે ભક્ત ગણાય;

મળીને પ્રભુની પૂજા કરી, છબી અંતરમાં લીધી ધરી. ૩૯

ચારુ ચંદન પુષ્પ ચડાવ્યાં, ભારે ભૂષણ વસ્ત્ર ધરાવ્યાં;

ધૂપ દીપ ને નૈવેદ્ય ધરી, અતિ આનંદે આરતી કરી. ૪૦

કરી સ્તવન ને કીધા પ્રણામ, માંગી ભક્તિ ભલી આઠે જામ;9

એવામાં જુનાગઢના નિવાસી, આવ્યા ગાંધર્વ10 ગાન વિલાસી. ૪૧

કર્યું સપ્ત સ્વરે શુભ ગાન, રીઝ્યા તે સુણી શ્રીભગવાન;

ભેદ ગાનના જાણે અનેક, એવો એ મંડળી મધ્ય એક. ૪૨

જાણ્યો તેહને મુમુક્ષુ સારો, બોલ્યા તે પ્રત્યે ધર્મદુલારો;

તમે સંસાર માંહિ રહ્યા છો, તોય દૃઢ નિષકામી થયા છો. ૪૩

પણ ઈશ્વરનું નથી જ્ઞાન, માટે તે સર્વ વ્યર્થ સમાન;

જાણો જીવ વિના વપુ11 જેવું, પ્રભુજ્ઞાન વિના વ્રત એવું. ૪૪

ઉપજાતિવૃત્ત (પ્રભુના જ્ઞાન વિના મોક્ષ ન થાય તે વિષે)

જથાર્થ જાણે હરિને ન જેહ, કરે ઘણેરાં વ્રત દાન તેહ;

તથાપિ તેનૂં ફળ અલ્પ થાય, પ્રભૂ વિના મોક્ષ નહીં પમાય. ૪૫

વૃક્ષો ઉભાં જે વનમાં રહે છે, તે તાપ વૃષ્ટિ સઘળું સહે છે;

તપસ્વિ તુલ્ય તપ તે જણાય, પ્રભૂ વિના મોક્ષ નહીં પમાય. ૪૬

જો સ્નાનથી મોક્ષ મળે નિદાન, સદા કરે છે જળજંતુ સ્નાન;

તથાપિ તેનાં નહિ પાપ જાય, પ્રભૂ વિના મોક્ષ નહીં પમાય. ૪૭

જો મોક્ષ પામે વનવાસ લીધે, કે નિત્ય પત્રો ફળ ભક્ષ કીધે;

વનેચરો12 તો ફળ પત્ર ખાય, પ્રભૂ વિના મોક્ષ નહીં પમાય. ૪૮

પઢે જુઓ પોપટ રામનામ, જાણે ન જે કોણ હશે જ રામ;

તેનાથિ સંસાર નહીં કરાય, પ્રભૂ વિના મોક્ષ નહીં પમાય. ૪૯

નિષ્કામિ તો સૌ બળદો રહે છે, પરાર્થ13 તે સંકટ તો સહે છે;

તેનાથિ વૈકુંઠ નહીં વસાય, પ્રભૂ વિના મોક્ષ નહીં પમાય. ૫૦

વડો તણાં વૃક્ષ જટા વધારે, વાગોળ ઊંધે શિર માસ બારે;

બહૂ ધરે ધ્યાન બગો14 બધાય, પ્રભૂ વિના મોક્ષ નહીં પમાય. ૫૧

નોળીક્રિયા15 કુંજર16 તો કરે છે, નિર્માનિ થૈ ધૂળ શિરે ધરે છે;

જાણ્યા વિના વ્યર્થ બધા ઉપાય, પ્રભૂ વિના મોક્ષ નહીં પમાય. ૫૨

ચોપાઈ

જ્યારે ઈશ્વરનું જ્ઞાન થાય, થાય સુફળ તો સર્વ ઉપાય;

જળ સીંચે ને બીજ ન હોય, કાંઈ ફળ તેથી પામે ન કોય. ૫૩

શામે એમ કહી દૃષ્ટિ સાંધી, થઈ ગાંધર્વને ત્યાં સમાધી;

જોયું જૈ તેણે અક્ષરધામ, દીઠા ત્યાં એ જ સુંદરશામ. ૫૪

પછી જાગ્યો સમાધિથી જ્યારે, પાયે લાગ્યો પ્રભુજીને ત્યારે;

અહો અક્ષરધામ અધીશ, જાણ્યા મેં તમને જગદીશ. ૫૫

કૃપાદૃષ્ટિ કૃપાનાથ ધારો, મુજને કરી સાધુ તમારો;

મારું માયાનું બંધન કાપો, ભક્તિ આપની ઉત્તમ આપો. ૫૬

શામે કીધો પછી સાધુ એને, દીધું નામ દેવાનંદ તેને;

જડ મૂળથી વાસના ટાળે, એવું કોણ કરે કળિકાળે. ૫૭

એ તો શ્રીપ્રભુની પ્રભુતાઈ, પણ જડમતિ જાણે ન ભાઈ;

એવા કીધા હજારો હજાર, તોય મૂર્ખ ન માને લગાર. ૫૮

શામે કૈને કરાવી સમાધી, આપી જ્ઞાન તજાવિ ઉપાધી;

શક્તિ વાવરિ આ અવતારે, એવી તો નથિ વાવરિ ક્યારે. ૫૯

પુષ્પિતાગ્રાવૃત્ત

નરતનું ધરિ ધર્મરક્ષ કાજ, અધિક પ્રતાપ જણાવિયો જ આજ;

જગપતિ બહુ જન્મ અન્ય લીધા, નથિ નથિ આજ સમાન કાજ કીધાં. ૬૦

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે ષષ્ઠકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિજીર્ણદુર્ગે-શ્રીહરિનવમીઉત્સવકરણનામા ષોડશો વિશ્રામઃ ॥૧૬॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે