કળશ ૬

વિશ્રામ ૧૭

પૂર્વછાયો

ભૂપ સુણો અભેસિંહજી, કહે વર્ણિ અચિંત્યાનંદ;

અતિ લલિત1 લીલા કરી, જુનાગઢ વિષે જગવંદ. ૧

ચોપાઈ

હરિનૌમી તણી વીતી રાત, દશમી દિન પ્રગટ્યું પ્રભાત;

કરી નિત્ય ક્રિયા મુનિનાથે, સભા સારી સજી સંત સાથે. ૨

ભલો આજ જહાં છે ભંડાર, હતો પીપળો એક એ ઠાર;

સભા ત્યાં સજી સુંદર શામ, બેઠા હરિજન સંત તમામ. ૩

સંતે કીર્તન ગાયાં તે ઠામે, ઘણી વાતો કરી ઘનશામે;

દીધો એવો ભલો ઉપદેશ, ન રહે સુણિ સંશય લેશ. ૪

એવે અવસરે હામદખાને, સુણિ કીર્તિ પ્રભૂ તણિ કાને;

ઝીણાભાઈને તરત તેડાવ્યા, દરબારમાં તે તો સિધાવ્યા. ૫

ઘડિયાળી રુડા દેવરામ, તેડાવ્યા તેને પણ તેહ ઠામ;

ભાખ્યું તેની પાસે શુદ્ધ ભાવે, આંહિ સ્વામિનારાયણ આવે. ૬

એવી વિનતિ જઈને ઉચારો, કરે પાવન દરબાર મારો;

મારે દર્શનની ઘણી આશ, તમે જાઓ કહો સ્વામી પાસ. ૭

પછિ બેયે પ્રભુ પાસે આવી, બધી વાત કહી સંભળાવી;

ભૂપતી ઘણો રાખે છે ભાવ, માટે તમને તેડાવ્યા છે માવ. ૮

એવાં સાંભળિ વિનય વચન, જવા ઊઠિયા પ્રાણજીવન;

મુક્તાનંદ બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદાદિક નિષ્કામી. ૯

સાથે લીધા મોટા મોટા સંત, બહુ સ્વાર પાળા બળવંત;

કાઠી ખાચર સોમલો સૂરો, પ્રેમભક્તિમાં જે બહુ પૂરો. ૧૦

ઝિણાભાઈ આદિક હરિજન, જેણે અરપ્યાં છે તન મન ધન;

એવા એવા જનો લઈ સાથ, ચાલ્યા દરબારમાં મુનિનાથ. ૧૧

અશ્વ ઉપર શ્રીજી બિરાજે, વાજાં વિવિધ પ્રકારનાં વાજે;

ભૂપભવને ગયા ભગવાન, સામાં આવિયા હામદખાન. ૧૨

કચેરીમાં પ્રીતે પધરાવ્યા, કારભારિયો પણ સઉ આવ્યા;

પૂજી અર્ચિને કીધા પ્રણામ, સારો પોશાક આપ્યો એ ઠામ. ૧૩

ભલે આવ્યા કહ્યું મહારાજ, મને કીધો કૃતારથ આજ;

શામે આપીયો આશિરવાદ, પૂરી થઈ તેના મનની મુરાદ.2 ૧૪

કેટલાએક નાગરી ત્યાંય, રાખતા દ્વેષ અંતર માંય;

તેઓને ઉર ઊપજિ ઝાળ,3 જાણે શું કરિયે એહ કાળ. ૧૫

આપ્યું ભૂપે એને મોટું માન, કેમ કરિયે એનું અપમાન;

કર્યો સૌએ વિચાર તે ત્યાંહી, એક નરસિંહ પંડ્યો છે આંહીં. ૧૬

શાસ્ત્ર અભ્યાસમાં છે અધૂરો, પણ વાચાળ છે વિપ્ર પૂરો;

તેની સાથે જો ચર્ચા કરાય, સ્વામી હારે ને અપમાન થાય. ૧૭

શ્રીજી કરતા હતા જ્ઞાનવાત, દ્વેષી બોલિયા ભૂપ સંઘાત;

પંડ્યો નરસિંહ છે વિપ્ર એક, ભણ્યો છે તે તો શાસ્ત્ર અનેક. ૧૮

ઘણા દિનથી તે ધારે છે આવું, સ્વામી સાથે હું ચર્ચા ચલાવું;

રજા દ્યો તો તેડાવિયે રાય, થાય ચર્ચા તો આનંદ થાય. ૧૯

સુણી બોલિયા હામદખાન, પંડ્યો આવે ભલે એહ સ્થાન;

પછી દ્વેષિયે તેને તેડાવ્યો, એ તો ઉતાવળો ચાલી આવ્યો. ૨૦

જોતાં દીસે કેવું તેનું તેજ, જાણે દારિદ્ર4 પ્રત્યક્ષ એ જ;

પાઘડી માંહિ પંચાંગ કેવું, દીસે છાપરાના મોભ જેવું. ૨૧

કપાળે ભભુતી કરી કેવી, કંટેવાળો કર્યો હોય એવી;

નાક તો જાણે દેડકું ધરિયું, તે તો તાજિ તમાકુયે ભરિયું. ૨૨

લીંટ તો લુગડે લુતો જાય, તેના ડાઘ ઘણા જ દેખાય;

ખૂબ મુખમાં તમાકુ તે ખાય, મુખ તે થકી તેનું ગંધાય. ૨૩

હાથ ટૂંકડા5 ને લાંબા કાન, આંખ્યો ઉંડી તે ખાડા સમાન;

દાંત બે તો દેખાય બહાર, ભાગ્યા ખોખરા થાય ઉચ્ચાર. ૨૪

આવી બોલ્યો અહો અન્નદાતા, સદા જીવો રહી સુખશાતા;

ગઊ6 બ્રાહ્મણના પ્રતિપાળ, મારા જેવાની રાખો સંભાળ. ૨૫

એનો દેખીને એવો આકાર, ભૂપે ચિત્તમાં કીધો વિચાર;

ક્યાંથી દારિદ્ર આ ચાલી આવ્યું? એને દરબારમાં કોણ લાવ્યું? ૨૬

એની આકૃતિ મૂર્ખમાં ઠરશે, એ તે શાસ્ત્રની ચર્ચા શી કરશે?

ભૂપે આપ્યું ન આદરમાન, તોય આવી બેઠો તેહ સ્થાન. ૨૭

શ્રીજીયે કહ્યું ભૂપને ત્યારે, અમે તો હવે જાશું ઉતારે;

સાધુઓ થોડીવાર રહેશે, પુછશે તેને ઉત્તર દેશે. ૨૮

એમ કહિને ઉતારે તે ગયા, નિત્યાનંદ આદિક મુનિ રહ્યા;

સતસંગના દ્વેષિયો જેહ, બોલ્યા ભૂપની આગળ તેહ. ૨૯

પંડ્યો નરસિંહ પંડિત જેવો, સો સો ગાઉ વિષે નથી એવો;

તેની સાથે જો ચર્ચા કરાય, નિત્યાનંદજી તો વખણાય. ૩૦

કહે નરપતિ ચર્ચા ચલાવો, ક્યાંથી અવસર આવશે આવો?

કેટલાએકે ધારિયું ત્યારે, પંડ્યો પ્રશ્ન તો પુછશે ભારે. ૩૧

ન્યાયનો કે વેદાંતનો લક્ષ,7 લૈને કરશે તે તો પૂર્વપક્ષ;

કહે પંડ્યો હું પુછિશ વાત, ભાખે ઉત્તર એનો જે ભ્રાત. ૩૨

કોઈ શાસ્ત્રી સુણ્યો નથી એવો, અતિ કઠણ છે ઉત્તર દેવો;

એક પ્રશ્ન પુછું છું હું એમ, પ્રભુપદને નમે સહુ કેમ? ૩૩

હાથ મુખને કે માથાને જોઈ, નમું કેમ કહે નહિ કોઈ?

ખરો ઉત્તર એનો ઉચ્ચારે, નિત્યાનંદ ખરા કહું ત્યારે. ૩૪

નિત્યાનંદ બોલ્યા મુનિરાય, વંદે પદ8 સરવાંગ વંદાય;

માટે મહિપતિને કહે દાસ, રહું આપના કદમની પાસ. ૩૫

રહું કોઈ કહે નહિ માથે, રહું કોઈ કહે નહિ હાથે;

નમે ચરણારવિંદને જેહ, ખરો દાસનો ધર્મ છે તેહ. ૩૬

કહે પંડ્યો એ તો વાળ્યો ગોટો, આપ્યો ઉત્તર તે બધો ખોટો;

સભા જીત્યો છું હું દેશ દેશ, કહ્યું તે મેં તો માન્યું ન લેશ. ૩૭

વસીને મેં તો કાશીમાં વાસ, કર્યો છે ઘણા શાસ્ત્ર અભ્યાસ;

મારા પ્રશ્નનો ઉત્તર જાણે, એવો કોઈ નથી એહ ટાણે. ૩૮

કહે સ્વામી મને સુજ્યો જેવો, આપ્યો મેં એનો ઉત્તર એવો;

બીજો ઉત્તર આપ બતાવો, સભાસદ સઉને સમજાવો. ૩૯

કહે પંડ્યો જો શીખવું તમને, પછિ કોણ પુછે આવી અમને;

ખરો અર્થ ગુરૂની કૃપાથી, એક હું જ શિખ્યો શિખ્યાથી. ૪૦

બોલ્યા નાગરો દિલ દયા લાવો, સાચો અર્થ પંડ્યાજી સુણાવો;

બોલ્યા પંડ્યો મુંછે ધરી હાથ, સાચો અર્થ સુણો સઉ સાથ. ૪૧

પ્રભુના પગમાં નથી માયા, બીજા અંગમાં માયાની છાયા;

માટે પદને પવિત્ર પ્રમાણી, વંદુ પદને વદે સઉ વાણી. ૪૨

ભાગ્યું ખોખરું પંડ્યે બોલાય, તેથી સમજી શક્યા નહિ રાય;

મુનિને પુછ્યું મસ્તક નામી, કહો શી ચરચા થઈ સ્વામી? ૪૩

કહે સ્વામિ સુણો નરપાળ, પંડ્યો એમ કહે છે આ કાળ;

ખોદાનાં તો કદમ છે જ પાક,9 બીજું છે આખું અંગ નાપાક. ૪૪

કહે ભૂપ એ તો ભૂલ મોટી, પંડ્યે જે કહિ તે વાત ખોટી;

ખોદા તો પૂરેપુરા છે પાક, કોણ એને કહે જ નાપાક? ૪૫

એવું સાંભળી નરસિંહ પંડ્યો, બીજું પ્રશ્ન તે પૂછવા મંડ્યો;

સ્વામીને કહો છો ભગવાન, કેમ માને તે સૌ મતિમાન. ૪૬

સ્વામી જો એક ગ્રંથ બનાવે, પછિ કાશિયે તે મોકલાવે;

કરે માન્ય તે સૌ વિદ્વાન, ત્યારે સ્વામિ ખરા ભગવાન. ૪૭

સુણી સંતને પુછ્યું રાજાયે, કહો શું કહ્યું તેહ પંડ્યાયે?

નિત્યાનંદ કહે સુણો રાય, એ તો એમ કહે છે પંડ્યાય. ૪૮

ખરો સૂર્ય તો કહેવાય ક્યારે, તેને દુનિયાં બધી માને ત્યારે;

નહીં તો નહીં સૂરજ તેહ, એમ બોલે છે પંડ્યાજી એહ. ૪૯

એવું સાંભળી બોલ્યા નવાબ, એ તો પંડ્યાનો જુઠો જવાબ;

બધી દુનિયા કહે નહીં તોય, જે છે સૂર્ય તે સૂરજ હોય. ૫૦

સુણિ પંડ્યો પડ્યો બહુ ભોંઠો, તેથી મોઢું ચડાવિને ઉઠ્યો;

પંડ્યાજી તો પોતે ઘેર ગયા, દ્વેષીયો પણ દાઝીને રહ્યા. ૫૧

મુનિને દીધું રાજાયે માન, ગયા તે પણ જ્યાં ભગવાન;

શ્રીજીયે બધી સાંભળી વાત, ત્યારે તેહ થયા રળીયાત.10 ૫૨

હતા કંઠમાં પુષ્પના હાર, નિત્યાનંદને આપ્યા તે વાર;

નિત્યાનંદ જીત્યા સભા જેહ, પ્રભુ પ્રગટ પ્રતાપથી તેહ. ૫૩

પુષ્પિતાગ્રાવૃત્ત

મુનિવર વિદવાન નંદ નિત્યા, જિરણગઢે કરતાં વિવાદ જીત્યા;

પણ લવ ન ધરે અમર્ષ11 આપ, મન સમજે સઉ શ્રીજિનો પ્રતાપ. ૫૪

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે ષષ્ઠકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીજીર્ણદુર્ગેનિત્યાનંદ-મુનિકૃતવાદિપરાજયનામા સપ્તદશો વિશ્રામઃ ॥૧૭॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે