કળશ ૬

વિશ્રામ ૧૮

પૂર્વછાયો

ભાઈ ઝીણાના ભવનમાં, સતસંગી તથા સઉ સંત;

સભા ભરી બેઠા હતા, બેઠા ત્યાં હતા હરિ બળવંત. ૧

ચોપાઈ

રસોઈ ઝીણાભાઈની હતી, કરી તેમણે આવી વિનતી;

થયો છે પ્રભુ તૈયાર થાળ, આવો જમવાને જનપ્રતિપાળ. ૨

સુણી બોલ્યા શ્રીજી સાક્ષાત, ઝીણાભાઈ સુણો એક વાત;

અંબાશંકર છે ભક્ત ભાઈ, તેની પત્નિ ભલી બાઉબાઈ. ૩

એણે સંકલ્પ કીધો છે આજ, આવે વણનોતરે1 મહારાજ;

કરે મુજ ઘેર ભોજન પાન, તો હું નિશ્ચે જાણું ભગવાન. ૪

એવું ધારિ કરી છે રસોઈ, બાઈ બેઠાં છે તે વાટ જોઈ;

માટે ત્યાં મારે જમવાને જાવું, મારો નિશ્ચય તેને કરાવું. ૫

એમ ઉચ્ચરી અંતરજામી, ઉઠિ ચાલ્યા તેને ઘેર સ્વામી;

ભગુજી મૂળજી બ્રહ્મચારી, ભેગા લૈ ગયા ભવભયહારી. ૬

માવે ભોજન ત્યાં માંગી લીધું, બાઉબાઇયે ભાવથી દીધું;

આપ્યું નાવા પ્રથમ ઉનું નીર, નાયા સુંદર શામ શરીર. ૭

આપ્યું આસન બેસવા કાજ, રુડી રીતે બેઠા મહારાજ;

બાઉબાઇયે પ્રેમ અપારે, કર્યું પૂજન સોળ પ્રકારે. ૮

ચારુ ચંદન પુષ્પ ચડાવ્યાં, વસ્ત્ર ને ઉપવીત ધરાવ્યાં;

ભાત ભાતના ધૂપ ત્યાં ધર્યા, ઘૃતના2 ઘણા દીપક કર્યા. ૯

પ્રભુને પીરસ્યાં પકવાન, ભાળિ ભાવ જમ્યા ભગવાન;

વાળિ બીડિ3 આપ્યો મુખવાસ, સ્નેહે આરોગ્યા શ્રીઅવિનાશ. ૧૦

પછી પાટ ઉપર પધરાવ્યા, હતા ત્યાં ગાદિતકિયા બિછાવ્યા;

આરતી અતિ હેતે ઉતારી, સ્તુતિ ઉત્તમ રીતે ઉચ્ચારી. ૧૧

મારો સંકલ્પ જાણિયો સ્વામી, નિશ્ચે જાણ્યા મેં અંતરજામી;

તમે અક્ષર પર અક્ષરેશ, ન રહ્યો એમાં સંશય લેશ. ૧૨

હું છું દાસી અનન્ય તમારી, કરુણા કરી કરુણાકારી;

ભાળિ ભક્તિ બોલ્યા ભગવાન, બાઈ માગો તમે વરદાન. ૧૩

ભાળિ ભાવ રાજી થયો છુંય, મુખે માગો તે આપીશ હુંય;

બાઉબાઈ બોલ્યાં તેણી વાર, પ્રભુજી મારે પુત્ર છે ચાર. ૧૪

રૂપશંકર શિવશંકર, જટાશંકર ત્રીજા કુંવર;

પુત્ર ચોથા છે માધવરાય, એહ ચારેનું કલ્યાણ થાય. ૧૫

બીજા બે પુત્ર સ્વર્ગે ગયા છે, નથિ જાણતી ક્યાં તે રહ્યા છે;

પામે એ પણ અવિચળ સ્થાન, દેવદેવ4 દ્યો એ વરદાન. ૧૬

સુણિ બોલિયા શ્રીગિરધારી, પેઢિયો એકવીશ તમારી;

એ તો પામશે અવિચળ સ્થાન, આજ આપું છું એ વરદાન. ૧૭

બાઈ આનંદ પામી અપાર, કર્યું વંદન વારમવાર;

અંબાશંકરે પણ એહ ઠામ, પ્રભુને કર્યા દંડપ્રણામ. ૧૮

ગયા ત્યાં થકી ધર્મકુમાર, ઝીણાભાઈ તણે દરબાર;

આજ દેરી છે મંદિર પાસ, સભા ત્યાં કરતા અવિનાશ. ૧૯

આસોપાલવ ને જાંબુ કેરું, હતું ઝાડ શોભિત ઘણેરું;

કરી સંતે પંગત તે સ્થાન, પ્રભુયે પીરસ્યાં પકવાન. ૨૦

સંધ્યાકાળે સભા સજી ત્યાંય, જોઈ જન હરખે મનમાંય;

વાદ વદવા માટે ઉનમાદી,5 આવ્યા મોટા મોટા મતવાદી. ૨૧

કૈકે વેદાંતવાદ વિસ્તાર્યો, કૈકે નાસ્તિકનો મત ધાર્યો;

કૈક તો વામમાર્ગના વાદી, કરે કોઈક મંત્ર તંત્રાદી. ૨૨

શ્યામે સૌનો પરાજય કીધો, ડંકો આપનિ જીતનો દીધો;

કેટલાક હતા અભિમાની, તેણે તો કાંઈ વાત ન માની. ૨૩

પણ દૈવિ હતા જન જેહ, હરિના થયા આશ્રિત એહ;

એવા માંહિ બની બિજી વાત, સુણો ભૂપ અભેસિંહ ભ્રાત. ૨૪

જીવો જોશી આવ્યા જેતપરથી, ઉચર્યા મુખ ગદગદ સ્વરથી;

અહો કૃષ્ણ કૃપાના નિધાન, ભક્તિનંદન શ્રીભગવાન. ૨૫

પીડા વિપ્રો કરે છે અપાર, મુક્યું મુજ ઘરને નાતબાર;

રૂઠ્યો છે વળિ મુજ પર રાય, ગામ માંહિ નહીં રહેવાય. ૨૬

કૃપાનાથ કહો તેમ કરું, કહો તો ભગવો ભેખ ધરું;

કહો તો લડું નાતનિ સાથે, હથિયાર ધરું નિજ હાથે. ૨૭

કહે વર્ણિ સુણો નરનાથ, કેટલોએક વિપ્રોનો સાથ;

રાખે શ્રીહરિ ઉપર દ્વેષ, નડે હરિજનને તે વિશેષ. ૨૮

ઉપજાતિવૃત્ત

વિપ્રો તણું માન વધારવાને, કાયા ધરી છે કરુણાનિધાને;

તેને દ્વિજો શત્રુ સમાન દેખે, અહો જુઓ કૌતુક આ અલેખે! ૨૯

ચોપાઈ

જીવા જોશિની સાંભળી વાણી, બોલ્યા સ્નેહથી સારંગપાણી;

ક્ષમા રાખવિ ભક્તે સદાય, સૌથિ સારો છે એ જ ઉપાય. ૩૦

દ્વેષિ આપણા હોય વિશેષ, તજી તે સ્થળ વસવું વિદેશ;

માટે ત્યાગ કરો તેહ ગામ, તમે જૈને વસો બીજે ઠામ. ૩૧

કહિ એમ શ્રીધર્મકુમારે, સભા સામું જોયું તેહ વારે;

ગામ ગોરવિયાળીના જેહ, હીરા આદિ પટેલિયા તેહ. ૩૨

તેને જોઈ બોલ્યા ઘનશામ, રાખો જોશીને આપને ગામ;

રાખજો સર્વદા બરદાશ,6 એ તો મારા અનન્ય છે દાસ. ૩૩

પછી જોશી કુટુંબ સહીત, રહ્યા ત્યાં જઈને રૂડી રીત;

કથા શ્રીહરિની સંભળાવે, દૈવીને સતસંગ કરાવે. ૩૪

પટેલોયે પીઠવડી7 વસાવી, ત્યારે જોશીયે ત્યાં રહ્યા આવી;

સૌય જોશીની રાખી સંભાળ, જાણી પરમ ધરમ પ્રતિપાળ. ૩૫

હવે શ્રીહરિની કહું વાત, સંધ્યાકાળ વિત્યો થઈ રાત;

સભા ત્યારે વિસર્જન કરી, ઝીણાભાઈ ભુવન ગયા હરી. ૩૬

અદિબાયે તથા ગંગાબાયે, હતો થાળ કરાવિયો ત્યાંયે;

જમ્યા ત્યાં જઈને પ્રભુ થાળ, પોઢ્યા દીવાનખાને દયાળ. ૩૭

થયું વળતા દિવસનું પ્રભાત, હવે તે દિનની કહું વાત;

ઓટો છે હાથિખાનાની પાસ, બેઠા એ સ્થળમાં અવિનાશ. ૩૮

વત્તું કરશન વાળંદે કર્યું, પ્રભુયે પછી સ્નાન આદર્યું;

ગિરનારની જેમલ મેર, જેની વાગતી હાક ચોફેર. ૩૯

આવ્યો દર્શન કરવાને કાજે, આપ્યો હાર એને મહારાજે;

અતિ ઐશ્વર્ય દેખાડ્યું એને, કર્યો આશ્રિત તે થકિ તેને. ૪૦

પછી બોલિયા શ્રીહરિ પંડે, આજ જાશું દામોદર કુંડે;

અમ સાથે તમે જો અવાય, કશિ હરકત અમને ન થાય. ૪૧

સુણિ જેમલ મેર ઉચ્ચરે, તમને કોણ હરકત કરે?

તમે ઈશ્વરમૂર્તિ છો આપ, પ્રૌઢ દિસે તમારો પ્રતાપ. ૪૨

કાળ તમ થકી પામે છે ત્રાસ, કોણ માત્ર બિજા તમ પાસ?

કરો આજ્ઞા તે શીશ ધરીશ, પ્રભુ આપની સાથે આવીશ. ૪૩

પછી સારી સજી અસવારી, ગિરનાર ચાલ્યા ગિરધારી;

લીધો જેમલ મેરને સાથે, નિજદાસ ગણી મુનિનાથે. ૪૪

જૈને નાહ્યા દામોદર કુંડે, નાહ્યા રેવતી કુંડે અખંડે;

દામોદરને નમ્યા જોડી હાથ, પછી નિર્ખિયા જૈ ભવનાથ. ૪૫

સભા ત્યાં સજી શ્રીઘનશામે, તીર્થવાસી ઘણા તેહ ઠામે;

ગિરનાર જતા હતા જેહ, આવિ બેઠા સભા માંહિ તેહ. ૪૬

દેખી પ્રગટ પ્રભુનો પ્રતાપ, થયા આશ્રિત બહુ જન આપ;

પછી પુર ભણી શામ સિધાવ્યા, દામોદર કુંડ મુકીને આવ્યા. ૪૭

ભલી રસ્તાથી ઉત્તર ભણી, ભાળી રાયણ શોભિતી ઘણી;

જહાં ઉભા રહ્યા અવિનાશ, હતો જેમલ મેર તે પાસ. ૪૮

તેને કૃષ્ણે કહ્યું તેહ વાર, જાય સત્સંગિ જે ગિરનાર;

તમે તેહનું રક્ષણ કરજો, ધર્મભાઈપણું8 ઉર ધરજો. ૪૯

કહે જેમલ આજ્ઞા ધરીશ, હરિજનને સહાય કરીશ;

કાળ માયા થકી પરમેશ, મારું રક્ષણ કરજો હમેશ. ૫૦

આવજો તેડવા અંતકાળે, તથાઅસ્તુ કહ્યું ધર્મલાલે;

ઝીણાભાઈ તણે દરબાર, પછી આવિયા વિશ્વઆધાર. ૫૧

રામજીભાઈ નાગર ઘેર, પ્રભુ જૈને જમ્યા રુડી પેર;

ઝીણાભાઈને ત્યાં રહી રાત, ચાલવા માંડ્યું ઉઠી પ્રભાત. ૫૨

ત્યારે સોરઠના હરિજન, ઉદાસી અતિશે થયા મન;

કહ્યું જૈને પ્રભુજિની પાસ, વસો આંહિ મહાપ્રભુ વાસ. ૫૨

હરિગીત છંદ

કરિ વાસ પ્રભુ અમ પાસ ઉરની આશ પરિપૂરણ કરો,

તવ દાસ સકળ ઉદાસ છે અવિનાશ તે અંતર ધરો;

કરિ પ્રીત ચોર્યાં ચિત નવિ નવી નિત્ય વાતો ઉચ્ચરી,

નિજ જીત કરી આ રીતથી ભયભીત કરી ચાલ્યા હરિ. ૫૪

વ્રજદેશ તુલ્ય વિશેષ સોરઠ દેશમાં વસતા તમે,

પરદેશમાં પરમેશ જાશો લેશ નહિ જાણ્યું અમે;

મધુપુર9 સમાન નિદાન ગઢપુર ગામ શામ સિધાવશો,

આ સ્થાન દર્શનદાન દેવા કાન ક્યારે આવશો? ૫૫

જળજંતુ જળ વિણ જેમ તમ વિણ તેમ તરફડિયે અમે,

કરી કેમ રહીયે ક્ષેમ અમને એમ તો શિખવો તમે;

તમ વિણ રહે નહિ પ્રાણ પ્રભુજી પ્રાણના પણ પ્રાણ છો,

શું જાણ કરિયે વાણીયે દિલજાણ સર્વ સુજાણ છો. ૫૬

ઘનશામ નિર્મળ નામ પૂરણકામ સુખના ધામ છો,

ઠરવા તણું છો ઠામ જનવિશ્રામ આઠે જામ છો;

મહારાજ ગરિબનિવાજ સંતસમાજના શિરતાજ છો,

અમ કાજ તનુ ધરિ આજ સદય10 જહાજ નિજજનના જ છો. ૫૭

ચોપાઈ

નિજજનના દયાના જહાજ, રહો આંહિ સદા મહારાજ;

સુણી બોલિયા સુંદર શામ, જશું હમણાં તો ગઢપુર ગામ. ૫૮

મને વાલો છે સોરઠ દેશ, દિવ્યરૂપે રહીશ હમેશ;

એવાં વચન વદીને તે વારે, દીધી ધીરજ ધર્મકુમારે. ૫૯

ત્યારે સોરઠના હરિજન, બોલ્યા વાલાની પાસ વચન;

જુદાં જુદાં અમારા જે ગામ, આવી દર્શન દ્યો ઘનશામ. ૬૦

હરિજનને હરખ ઉપજાવો, સુખે ગઢપુર આપ સિધાવો;

કહે કૃષ્ણ તમારે જ ગામ, દેતાં દર્શન જાશું તે ઠામ. ૬૧

પુષ્પિતાગ્રાવૃત્ત

હરિજન સહુને કર્યા વિદાય, સુપથ જતાં ગુણ કૃષ્ણના જ ગાય;

દરશન થકિ દુઃખ સૌ વિદાર્યું, સુખકૃત તે વિસરે નહીં વિસાર્યું. ૬૨

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે ષષ્ઠકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિજીર્ણદુર્ગે-હરિનવમીઉત્સવકરણનામા અષ્ટાદશો વિશ્રામઃ ॥૧૮॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે