કળશ ૬

વિશ્રામ ૧૯

પૂર્વછાયો

જીરણગઢથી જગપતી, થયા ચાલવાને તૈયાર;

જગ્યા મેતા નરસિંહની છે, આવ્યા પ્રભૂ એ ઠાર. ૧

ચોપાઈ

આવ્યું હરિજનવૃંદ વળાવા, તેને અંતરે સુખ ઉપજાવા;

જ્યાં છે આમલિયો તણું વૃંદ, ઉતર્યા તહાં આનંદકંદ. ૨

વાતો કરતાં થઈ ઘણી વાર, ત્યાં તો દિવસ ચડ્યો ઘડી બાર;1

ઉચર્યા હરિજન એવું જોઈ, પ્રભુ આંહિ કરાવો રસોઈ. ૩

કરે ભોજન સૌ સંત સાથ, પછી પંથે પધારજો નાથ;

ભક્તિપુત્રને તે વાત ભાવી, ત્યારે ખીચડી કરવા મંડાવી. ૪

પાસે જગ્યા મેતાજીનિ જાણી, પધાર્યા જોવા સારંગપાણી;

જોયો જૈ મેતા નરસીનો ઓટો, વચ્ચે છે તુળસીક્યારો મોટો. ૫

મેતા નરસિનું આસન ભાળી, બેઠા તે પર શ્રીવનમાળી;

બોલ્યો બાવો બેસો તમે હેઠા, કેમ મેતાને આસને બેઠા? ૬

કહે કૃષ્ણ બાવા સુણી લૈયે, અમે મેતાજીના ગુરુ છૈયે;

સુણી બાવો ગયો તે દબાઈ, બોલ બોલી શક્યો નહિ કાંઈ. ૭

કૃષ્ણે તેને સમાધિ કરાવી, તેમાં એવી લીલા દેખડાવી;

સ્તુતિ સ્વામિનારાયણ કેરી, કરે નરસિંહ મેતો ઘણેરી. ૮

રાધા લક્ષ્મિ આદિ ઘણી શક્તિ, કરે ભાવથી શ્રીજીની ભક્તિ;

એવું જોઈ જાગ્યો બાવો જ્યારે, થયો શ્રીજી તણો શિષ્ય ત્યારે. ૯

સંતો પાસે ગયા ભગવંત, પોતે પીરશી જમીડિયા સંત;

જમી ત્યાં થકી આગળ ગયા, બિસારત બાગમાં રાત રહ્યા. ૧૦

બરફી ભરી માટલીમાંય, પાંચીબાઇએ મોકલી ત્યાંય;

જમ્યા શ્રીહરિ બરફી તે સ્વાદી, આપી સર્વને શિષ્ટ પ્રસાદી. ૧૧

જૈને વળતે દિવસ વણથળિયે, સોને દર્શન દીધાં શામળિયે;

રહ્યા કલ્યાણભાઈને ઘેર, સૂર્યકુંડે નાહ્યા શુભ પેર. ૧૨

મેઘપર ત્યાંથી માવ સિધાવ્યા, નાથ ત્યાં થકી નાવડે આવ્યા;

મહાદેવ ઓઝે મન ધારી, સેવા શ્રીહરિની કરી સારી. ૧૩

પ્રભુ ત્યાંથી ગયા પીપલાણે, ત્યાંના ભક્તોને તો સહુ જાણે;

આખા ગામ ને ટીકર તણો, જહાં મારગ એકઠો ગણો. ૧૪

ત્રણ નદિયો મળે છે તે ઠામ, કહું છું સુણો તેહનાં નામ;

સાબળી નદી ને ક્ષારવતી, નામ ત્રીજીનું તો મધુમતી. ૧૫

તેહ સંગમમાં ઘણી વાર, જઈ નાહ્યા છે ધર્મકુમાર;

આખે ગામ જઈ અવિનાશ, પછિ ત્યાંથી ગયા મૂળિયાસ. ૧૬

હતો ત્યાં હરિજન હદો મેર, ઘનશામ ગયા તેને ઘેર;

મઢડે ગયા શ્રીમહારાજ, જેઠા મેરનું ત્યાં કર્યું કાજ. ૧૭

પ્રભુ ત્યાંથી ગયા અગત્રાઈ, ભેટ્યા ભીમ ને પરવતભાઈ;

આંબો ભક્ત ભજે ભગવાન, દીધાં તેહને દર્શનદાન. ૧૮

નદી ત્યાં છે બડોદરી નામ, કર્યું સ્નાન તહાં ઘનશામ;

આંબો ધોળિયો છે વળિ જ્યાંય, પ્રભુજીયે સભા સજિ ત્યાંય. ૧૯

કાલવાણિયે કૃષ્ણ સિધાવ્યા, માવો ત્યાં થકી માળિયે આવ્યા;

મૂળજી નેણશી બે લુવાણા, ત્યાંના ભક્ત ભલા વખણાણા. ૨૦

મળિ તેહને જનપ્રતિપાળ, ગયા લાઠોદરે ધર્મલાલ;

માંગરોળ થઈ ગયા લોજ, રહ્યા પંચાળે જૈ પંચ રોજ.2 ૨૧

ગામથી પશ્ચિમે અહો રાવ,3 ખોખરા નામનું છે તળાવ;

નાવા નિત્ય હરી તહાં જાતા, જગ્યા જોઈને રંજન થાતા. ૨૨

એક સમય શિલા પર શામ, બેઠા વપન4 કરાવા તે ઠામ;

એવી આજ્ઞા કરી હતી મારે, પૂછ્યા વગર ન જન કોઈ આવે. ૨૩

સૂરો ખાચર તો તેહ વારે, થયા દર્શને આતુર ભારે;

એથી આજ્ઞા તો વીસરી ગઈ, આવ્યા દર્શને સત્વર5 થઈ. ૨૪

હતા ભક્ત નવલસિંહ નામ, તેની પ્રત્યે બોલ્યા ઘનશામ;

સૂરાભક્તને જૈ કહો એમ, આજ્ઞા તોડીને આવો છો કેમ? ૨૫

એમ કહીને એને અટકાવો, મારી આજ્ઞા તો પૂરી પળાવો;

સુણતાં ભક્ત તેહ સિધાવ્યા, સૂરાભક્તને જૈ અટકાવ્યા. ૨૬

ત્યારે રોવા માંડ્યું તજી ધીર, નેણથી વરસ્યાં બહુ નીર;

રાગ તાણી રુદન બહુ કીધું, દયાવંત થયા દયાસિંધુ. ૨૭

ભક્તવત્સલ છે ભગવાન, પ્રેમથી થયા આતુરવાન;

સુરાભક્તનું સંકટ જાણી, પડ્યાં નાથના નેહથિ પાણી. ૨૮

સુરાભક્તને પાસે બોલાવ્યા, દૈને દર્શન દિલ હરખાવ્યા;

વળિ બોલિયા વૃષકુળ ઇંદુ, પડ્યાં આ સ્થળે આંસુનાં બિંદુ. ૨૯

માટે બિંદુ સરોવર નામ, ઠરશે સરનું એહ ઠામ;

આંસુ લક્ષ્મીપતિ તણાં જેમ, સિદ્ધપુરમાં પડ્યાં હતાં તેમ. ૩૦

બિંદુસર થયું છે તે ઠેકાણે, તે તો આ જગના જન જાણે;

મારિ આંખનાં આંસુ આ ઠાર, પડ્યાં તેથી છે મહિમા અપાર. ૩૧

શ્રાદ્ધ જે કોઈ આ સ્થળે કરશે, તેના પૂર્વજ સર્વે ઉદ્ધરશે;

સ્નાન દાન કરે જપ જાપ, તેનું પુણ્ય તો થાશે અમાપ. ૩૨

એહ આદિક મહિમા અપાર, બોલ્યા શ્રીમુખે ધર્મકુમાર;

વળિ ભક્તિતનુજ ભગવાન, ઘણીવાર કર્યું એમાં સ્નાન. ૩૩

સાબળી નદીમાં ઘણે ઠામ, જઈ નાહ્યા છે શ્રીઘનશામ;

ધરો મગરિયો છે ગાઉ એક, તહાં નાહ્યા છે વાર અનેક. ૩૪

ગામથી વળિ પૂર્વ દિશાયે, ખારીવાવ્ય પ્રસિદ્ધ છે ત્યાંયે;

તેમાં સ્વામિ રામાનંદ સાથ, ઘણી વાર નાહ્યા મુનિનાથ. ૩૫

ધન્ય ધન્ય તે પંચાળુ ગામ, મોટાં તીર્થ ઠર્યાં તેહ ઠામ;

એમ પંચાળુ પાવન કરી, પછી ત્યાંથી સિધાવિયા હરિ. ૩૬

સુતરેજ ગયા ભગવાન, તહાં વાવ્ય વિષે કર્યું સ્નાન;

દાદુ ઠક્કર અને જેરામ, સ્નેહે સેવ્યા તેણે ઘનશામ. ૩૭

બાલા ગામે ગયા બહુનામી, નદી ઓઝતમાં નાહ્યા સ્વામી;

માણાવદર થૈને મુરારી, ગયા વેળવે ગામ વિચારી. ૩૮

ભક્ત ત્યાં વસે દાસો કુંભાર, મળ્યા તેહને ધર્મકુમાર;

ગયા ત્યાં થકી તમારે ગામ, ગુણવંતુ ગણોદ છે નામ. ૩૯

નદી ભાદરતટ ફુલબાગ, ઉતર્યા હરિ ત્યાં જોઈ લાગ;

હતા પૂર્વજ ત્યાં જે તમારા, સતસંગિ હતા સઉ સારા. ૪૦

તેણે સેવા સજી ભલિ ભાત, ભાળિ ભાવ રહ્યા પ્રભુ રાત;

જાળિયે ગયા જગજીવન, કર્યું વેણુ નદીમાં મજ્જન. ૪૧

ગયા ભાયાવદર ભગવાન, દીધું દાસોને દર્શનદાન;

ભલા ભક્ત તહાં જુણોભાઈ, મયાશંકર પણ ગામમાંઈ. ૪૨

ભલા ભક્ત ભવાનીશંકર, જાણો નાત તો તેની નાગર;

સમયે શ્રીહરિની સજી સેવા, મોટો લાભ અલૌકિક લેવા. ૪૩

હેતે થાળ કર્યો હરિરામે, કર્યું ભોજન સુંદર શામે;

જમિને સંત પાર્ષદ સાથ, ખાખીને જાળિયે ગયા નાથ. ૪૪

ભાવે સેવિયા રાવળ ભક્તે, કર્યું ભોજન હરિયે વિરક્તે;

ઉપલેટે ગયા જન કાજે, જોઈ મોજ નદી મહારાજે. ૪૫

ભાળ્યો ત્યાં થકી પૂરવ ભાગ, દીઠો ત્યાં દરબારનો બાગ;

સોમનાથ સદાશિવ ત્યાં છે, વડ ત્યાં થકી ઉત્તરમાં છે. ૪૬

ઉતર્યા જઈ ત્યાં અવિનાશી, આવ્યા દર્શને ગામ નિવાસી;

પ્રેમી ભક્ત નારણજી પટેલ, નથુ બારૈયો સાથે આવેલ. ૪૭

રૂપ ડોશી તથા મલુ ડોશી, આવ્યા વિપ્ર નારાયણ જોશી;

તપ્યો સૂરજનો અતિ તાપ, તેનું થાય ન કોઈથી માપ. ૪૮

ત્યારે કુંડી કુવા પાસે જોઈ, કૂપ નીરે હરિજને ધોઈ;

પ્રભુને તે વિષે પધરાવ્યા, કાઢી કૂપજળે નવરાવ્યા. ૪૯

જળના ઘડા એક હજાર, વાલા ઉપર રેડ્યા તે વાર;

પછી વસ્ત્ર ધરી વૃષલાલ, ગયા બાગમાં જમવાને થાળ. ૫૦

હતું ઝાડ કદંબનું જ્યાંય, પાક કીધેલો જોશીયે ત્યાંય;

ભાળી ભાવ જમ્યા ભગવંત, જમ્યા પાર્ષદ ને જમ્યા સંત. ૫૧

દીનબંધુ તે ગયા ભાડેર, વિચર્યા ભોજા ભક્તને ઘેર;

ધોરાજી ગયા ધર્મકુમાર, ગયા ત્યાંથી ફણેણી મોઝાર. ૫૨

હતા સોની સારા સતસંગી, કરી માવની સેવા ઉમંગી;

ગયા ગુંદાળે સુંદર શામ, ગયા ત્યાં થકી ગાલોલ ગામ. ૫૩

માવો ભક્ત લખો રાજગર, કર્યાં પાવન તેહનાં ઘર;

તોરી ગામ ગયા તતખેવ, ત્યાંથી દેરડીયે ગયા દેવ. ૫૪

ભક્ત ત્યાં ભલા રૂપશીભાઈ, સ્નેહે સેવ્યા તેણે સુખદાઈ;

ઘૂઘરાળે ગયા ઘનશામ, લધુ સુતાર ભક્ત તે ઠામ. ૫૫

ગયા કોટડે ત્યાંથી કૃપાળ, પીઠો વાળો તહાંનો ભૂપાળ;

તેના પાંચ પવિત્ર કુમાર, રાખે પ્રભુપદમાં બહુ પ્યાર. ૫૬

સુરો માતરો રાણિંગ જાણો, હાથિયો ને ગોલણ પણ શાણો;

સૌયે શ્રીહરિની કરિ સેવા, અતિ ભાવિક ભક્ત તે એવા. ૫૭

ત્યાંથી વાંકિયે શામ સિધાવ્યા, મોકા ખાચરને મન ભાવ્યા;

તેના ઓઘડ ખાચર ભાઈ, રહે તે ગામ ખંભાળા માંઈ. ૫૮

તે તો પ્રભુને કરીને પ્રણામ, ત્યાંથી તેડી ગયા નિજ ગામ;

ત્યાંથી કૃષ્ણ ગયા કરિયાણે, હતા દેહો ખાચર તે ઠેકાણે. ૫૯

પાંચ પુત્ર તેના ભલા જાણો, ઓઢો ઉન્નડ ને ત્રીજો રાણો;

ચોથો લુણો ને પાંચમો ભોજ, રાખે પ્રભુ પર પ્રેમ ઘણો જ. ૬૦

સૌયે સેવા સજી સારી રીતે, જમ્યા શ્રીહરિ સંત સહીતે;

ગયા વાવડીયે વિશ્વરાય, નાનબાઇયે સેવિયા ત્યાંય. ૬૧

એમ સોરઠમાં ઘનશામ, ફરી આવ્યા ઘણાં ઘણાં ગામ;

જૂનેગઢથી ચાલ્યા જગદીશ, વીત્યા વાટમાં વાસર વીશ. ૬૨

કોઈ ગામમાં ભોજન કીધું, ક્યાંઈ તો પય કે જળ પીધું;

ક્યાંઈ તો દીધું દર્શનમાત્ર, કોઈ ગામ વિષે રહ્યા રાત્ર. ૬૩

ચાલ્યા વાવડીથી પ્રભુ પ્યારા, આવ્યું તીર્થ ત્યાં સહસ્રધારા;

ભાળિ રીઝીયા શ્રીભગવાન, કર્યું સંત સહિત ત્યાં સ્નાન. ૬૪

આવી અક્ષય તૃતીયા6 જ્યારે, ગયા ગઢપુરમાં પ્રભુ ત્યારે;

સામા આવ્યા સહુ સતસંગી, વાય વાજાં વિશેષ ઉમંગી. ૬૫

નેણે નિરખિયા નટવર નાથ, અતિ હરખિયો હરિજનસાથ;

પ્રેમે પુલકિત થાય શરીર, આવ્યાં નેણમાં નેહનાં નીર. ૬૬

આવે આંધળાને જેમ આંખ, ફરી પક્ષી પામે જેમ પાંખ;

ગયાં પ્રાણ આવે ફરી જેમ, હૈયે હરિજન હરખિયાં તેમ. ૬૭

એહ સમયનો આનંદ રાય, શેષનાગે વરણવ્યો ન જાય;

પેઠા ગઢપુરમાં પરમેશ, ત્યારે પુરજન હરખ્યા વિશેષ. ૬૮

દાદા ખાચરને દરબાર, આવી ઉતર્યા વિશ્વઆધાર;

જેમ કોઈ કરીને પ્રવાસ, પાછો આવે પોતાને નિવાસ. ૬૯

ત્યારે હરખ હૈયામાં થાય, એમ હરખા હૈયે હરિરાય;

વાલું અક્ષરધામથી આજ, ગઢપુરને ગણે મહારાજ. ૭૦

પછી અક્ષય તૃતીયા કેરો, કર્યો ઉત્સવ સરસ ઘણેરો;

નરસિંહ ચતુર્દશી આવી, કર્યો ઉત્સવ જનમન ભાવી. ૭૧

ભીમએકાદશી દિન ભાળી, એના ઉત્સવની હદ વાળી;

સાલ ત્રેસઠની ગઈ સારી, એની લીલા સંક્ષેપે ઉચ્ચારી. ૭૨

પુષ્પિતાગ્રાવૃત્ત

પ્રતિદિન તણું જો ચરિત્ર ધારી, વરણન કોઈ કરે કવિ વિચારી;

બહુ જુગ વદતાં જ વીતિ જાય, પણ પ્રભુનું ન ચરિત્ર પૂર્ણ થાય. ૭૩

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે ષષ્ઠકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિ સૌરાષ્ટ્રદેશ-વિચરણનામા એકોનવિંશો વિશ્રામઃ ॥૧૯॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે