કળશ ૬

વિશ્રામ ૨

પૂર્વછાયો

હરિજનો ગામોગામના, તેની પૂરણ કરવા આશ;

ધર્મસુતે ઇચ્છા ધરી, કરવા જવાને પ્રવાસ. ૧

ચોપાઈ

પ્રભુ કરવા પ્રવાસનું ધારી, જ્યારે કરવાને માંડિ તૈયારી;

થયા અભય ઉદાસી તે વાર, તથા ઉત્તમ1 નામ કુમાર. ૨

સોમાદેવી સુરપ્રભા રાણી, તેની આંખોમાં આવિયાં પાણી;

સુમાબાઈ ભૂપાળની2 ભગની,3 જેને લાગી પ્રભુપદે લગની. ૩

લલિતા જયા રાજકુમારી, જેને વાલાં છે વિશ્વવિહારી;

પાંચુબાઈ તથા નાનબાઈ, ચારે પુત્રિયો ભૂપની ડાઈ. ૪

થયાં અંતરે એ સૌ ઉદાસ, પાણી4 જોડી બોલ્યાં પ્રભુ પાસ;

પ્રભુ આજ સુધી સુખ દૈને, જવા બેઠા છો તૈયાર થૈને. ૫

પણ તમ વિના શામ સુજાણ, અમે રાખશું શી રીતે પ્રાણ?

એનો અમને ઉપાય બતાવો, સુખેથી પછી શામ સિધાવો. ૬

સુણી બોલિયા શ્રીપરમેશ, તમે સાંભળો અભય નરેશ;

તમો સર્વેના પ્રેમથી હુંય, વશ થૈને બંધાયેલો છુંય. ૭

સદા વાસ તમારે વસીશ, બિજે તો મિજમાન5 રહીશ;

જેમ જન કોઈ પરગામ જાય, નિજ ઘેર આવી સ્થિર થાય. ૮

તેમ હું વિચારું પરગામ, પણ જાણિશ આ મુજ ધામ;

મારું ગઢડું ને હું ગઢડાનો, તે તો કદિયે નથી મટવાનો. ૯

સદા સંત સમાજ સહિત, ગઢડામાં રહીશ ખચીત;6

ધર્મ થાપવા ધરણી મોઝાર, આજ લીધો છે મેં અવતાર. ૧૦

ગામોગામ કરીને પ્રવાસ, કરવો છે અધર્મનો નાશ;

કહ્યું છે મેં હરિજન પાસ, તહાં આવીને પૂરિશ આશ. ૧૧

માટે આવીશ જૈને વહેલો, મનમાંથી ફિકર તમે મેલો;

બોલ્યા અભય અભયપરિવાર, પ્રભુ સાંભળો પ્રાણઆધાર. ૧૨

અમે દૃઢ વ્રત ધાર્યું છે આવું, વિના દર્શન અન્ન ન ખાવું;

માટે તમથી કદી ન જવાય, જતાં અન્ન અમે ન ખવાય. ૧૩

કહે ભૂપ હેતે જોડી હાથ, અહો નાથ અહો પ્રાણનાથ!

મને મેલીને ક્યાંઈ ન જાશો, મુજથી ક્ષણ દૂર ન થાશો. ૧૪

કહેતાં એમ મૂર્છિત થયા, દીનબંધુને ઉપજી દયા;

ભૂપને કર ઝાલી ઉઠાડ્યા, નિજ છાતીની સાથે લગાડ્યા. ૧૫

કહે કૃષ્ણ હું તો નહીં જાઊં, તમથી નહીં વેગળો થાઊં;

એવું સાંભળી ધીરજ ધારી, મેલી વિરહની પીડા વિસારી. ૧૬

પછી શ્રીહરિ સ્થિરતા કરી, રહ્યા દુર્ગપુરિ માંહિ ઠરી;

દૈવી જીવને ઉપદેશ કરવા, સંતમંડળ મોકલ્યાં ફરવા. ૧૭

જ્યારે વસંતપંચમી આવી, કર્યો ઉત્સવ સૌને તેડાવી;

પરગામના ભક્તોની પાસ, એમ બોલ્યા હતા અવિનાશ. ૧૮

તમારે ગામ હું વિચરીશ, આશા પૂર્ણ તમારી કરીશ;

પાળવાને પોતાનું વચન, મહારાજે વિચારિયું મન. ૧૯

ધાર્યું નિશ્ચે એવું મન માંહી, મારી મૂર્તિ થાપું એક આંહીં;

વાસુદેવ તે નામ ધરાવું, એમાં સર્વની આસ્તા7 કરાવું. ૨૦

પરગામ વિચરિયે જો અમે, તેનાં દર્શન કરી કહ્યું જમે;

એવો ચિત્તમાં કીધો વિચાર, સત્યસંકલ્પ સર્વ આધાર. ૨૧

એક દિવસ પ્રભાતને ટાણે, કર્યું સંધ્યાદિ શામ સુજાણે;

બેઠા સિંહાસને અવિનાશ, ભલા અક્ષરભવનની8 પાસ. ૨૨

આવ્યા સાધુ પાળા બ્રહ્મચારી, હરિજનની સભા થઈ સારી;

ત્યાં તો આવ્યા અભય નરપાળ, પ્રભુને નમી બેઠા તે કાળ. ૨૩

કરિયાણા વિષે વસે જેહ, દેહો ખાચર આવિયા એહ;

કરે શ્રીહરિ ધર્મની વાત, સુણી થાય તે સહુ રળિયાત. ૨૪

હરિ ઇચ્છા થકી એહ ટાણે, બીજી વાત બની તે ઠેકાણે;

પરદેશી સલાટ તે આવ્યો, શામ મૂર્તિ શિલાની બે લાવ્યો. ૨૫

એક મૂર્તિ ચતુર્ભુજ મોટી, બીજી શેષશાયી તણી છોટી;

બોલ્યો તે જોડી હાથ બેય, વેચવાની આ મૂર્તિયો છેય. ૨૬

હમણાં આંહીં મૂકી જઈશ, પછી આવીને મૂલ કહીશ;

કરું ગંગા વિષે જઈ સ્નાન, વેલો આવીશ હે ભગવાન! ૨૭

મૂર્તિ મૂકીને ચાલ્યો સલાટ, કોણ જાણે ગયો કઈ વાટ;

ગયો પાછળ ખોળવા પાળો, પણ તેને તો ક્યાંઈ ન ભાળ્યો. ૨૮

ફરી આવ્યો નહીં એહ ઠામ, પામ્યા અચરજ ભક્ત તમામ;

બેય મૂર્તિ મનોહર ભાળી, બોલ્યા સૌ જન છે તો રૂપાળી. ૨૯

પછી હેતે જોડી બેઉ હાથ, નૃપ ઉનડ9 કહે હે નાથ!

આ તે મૂર્તિ મુકી કોણ ગયું? અમને અતિ અચરજ થયું. ૩૦

સુણી શામ હસ્યા મંદ મંદ, પછી બોલ્યા સકળ સુખકંદ;

મોટી મૂર્તિ છે આ તો અમારી, વાસુદેવ એવું નામ ધારી. ૩૧

જોઈને પ્રેમ તમારો આજ, નિત્ય દર્શન કરવાને કાજ;

મુક્ત અક્ષરધામના આવી, મૂર્તિ મુકી ગયા ત્યાંથી લાવી. ૩૨

અમારૂં તેણે દર્શન કીધું, ઉનમત્તગંગા જળ પીધું;

મહિમા જાણીને કર્યું સ્નાન, પછી પોતે ગયા સ્વસ્થાન. ૩૩

એવી સાંભળી શ્રીમુખ વાત, જાણ્યું ઐશ્વર્ય હરિનું અઘાત;10

કહે અભય નરેશને શ્રીજી, હવે વાત સુણો એક બીજી. ૩૪

ઉત્તરાભિમુખે એક સારો, ઓરડો આંહિ છે જે તમારો;

તેમાં મૂર્તિ આ થાપિયે એક, એથી અર્થ11 તો સરશે અનેક. ૩૫

સુણી નૃપ કહે મહારાજ, કરો જેમ ગમે તેમ કાજ;

પછી મુહુરત શુભ જોવરાવા, રામચંદ્ર જોશીને બોલાવ્યા. ૩૬

પૂર્વછાયો

પૂછ્યો પ્રભૂજિયે જોશિને, મૂર્તિ સ્થાપવાનો દિન શુદ્ધ;

બોલ્યા વળિ બહુનામી તે, તમે સાંભળો વિપ્ર પ્રબુદ્ધ.12 ૩૭

ચોપાઈ

ફુલડોળનો ઉત્સવ થાશે, ત્યારે સારો સમૈયો ભરાશે;

માટે એવામાં મુહુરત આવે, ત્યારે તો ભક્ત સર્વને ભાવે. ૩૮

જોશિયે ત્યાં મુહૂર્ત તપાસ્યું, પછી સર્વ સભામાં પ્રકાશ્યું;

હતી વિક્રમી બાસઠિ સાલ, વદી ફાગણી ત્રીજ તે કાળ. ૩૯

વાર શુક્ર તણી દિન સારો, ધર્મપુત્ર તે મહુરત ધારો;

એવી સાંભળી જોશીની વાત, રુદે સર્વે થયા રળિયાત. ૪૦

કૃષ્ણ કંકોતરીયો લખાવી, દેશોદેશ વિષે મોકલાવી;

વિપ્ર બેચર લક્ષમીરામ, દવેજી હરજીવન નામ. ૪૧

દવે ડોસો ને લાલજી ગોર, કંકોતરિયા ગયા ચારે કોર;

સતસંગી સહુને તેડાવ્યા, વળી સંત સમસ્ત ત્યાં આવ્યા. ૪૨

તેડાવ્યા વિપ્ર વેદીયા ઘણા, જેની વિદ્યા વિષે નહિ મણા;

જોઈ ગ્રંથ પ્રતિષ્ઠામયૂખ, ભૂપના ઓરડા સનમૂખ. ૪૩

પ્રેમજી ખીમજી સૂત્રધાર, રૂડા મંડપના રચનાર;

દિશા ચારે વિષે ચાર દ્વાર, માથે ધ્વજા પતાકાની હાર. ૪૪

આસોપાલવ તોરણ છાજે, રુડા રંભાના13 થંભ બિરાજે;

અધિવાસન14 કારણ ધારી, મધ્યે વેદી રચી બહુ સારી. ૪૫

હોમ કરવા પ્રતિષ્ઠાને અંગે, પદ્મકુંડ કરાવ્યો ઉમંગે;

ભલો વેદીથી ઉત્તર ભાગે, કુંડ જોતાં દિલે પ્રિય લાગે. ૪૬

વદ બીજ અને ગુરુવારે, નિત્યકર્મ કરીને સવારે;

પ્રતિષ્ઠામખ આદર કીધો, સામવેદ તણો મત લીધો. ૪૭

ભટ્ટ શીયાણીના શિવરામ, કરે તે તો આચાર્યનું કામ;

રામચંદ્ર જોશી થયા બ્રહ્મા, સભાસદ તો દીનાનાથ ગમ્યા. ૪૮

ભટ્ટ બેચર સતસંગી સત્ય, ગુણી તે તો થયા ગાણપત્ય;15

વિપ્ર રગનાથ ને જીવરામ, લાલજી તથા લક્ષમીરામ. ૪૯

હરજીવન ને જાગેશ્વર, દુર્ગપુરમાં તે દ્વિજના ઘર;

રોઇસાળાના લક્ષમીરામ, ઘણા વાલા તેને ઘનશામ. ૫૦

કહું પીઠવડી તણા હવે, જીવો જોશી ને મોનજી દવે;

વીરપરના રાઘવજી નામ, ભેંસજાળના તો અંબારામ. ૫૧

ગામ બોટાદ માંહિ રહેતા, જોશી નરસિંહ નરસિંહ મહેતા;

મોનો જોશી તથા મોનો પંડ્યો, ત્રવાડી જેઠો ભક્તિમાં મંડ્યો. ૫૨

એહ આદિક વિપ્ર અપાર, થયા ઋત્વિજ યજ્ઞ મોઝાર;

સૌનાં વરુણ કરી ભગવાન, દીધાં વસ્ત્ર આભૂષણ દાન. ૫૩

સ્વસ્તિવાચન વિપ્રોયે કીધું, અક્ષરાધીશે સાંભળી લીધું;

પછી કીધી કુશાંડિની રીત,16 ગ્રહયજ્ઞ કર્યો ધરી પ્રીત. ૫૪

તેહ યજ્ઞના દેવ પ્રધાન, તેને દીધાં આહુતિનાં દાન;

પછી હોમિયાં પૃથક સમિધ,17 હવે તેની સુણો કહું વિધ. ૫૫

સૂર્યને આકડાનાં સમિધ, સોમને ખાખરાનાં પ્રસિદ્ધ;

ક્ષિતિપુત્રને18 તો ગમે ખેર,19 બુધને તો અંઘેડો20 એ પેર. ૫૬

ગુરુને ભલો પીપળો ભાવે, ઉમરો શુક્રને તો સુહાવે;

શનિને ખીજડાનાં સમિધ, રાહુને દુરવા દીધે સિદ્ધ. ૫૭

કેતુને કુશ21 હોમવો તેહ, કહુ ફળ ગ્રહને ગમે જેહ;

દ્રાક્ષ શેલડી અને સોપારી, નારંગી ને લીંબુ સુખકારી. ૫૮

બીજોરું ને કમળફળ22 જાણો, ટોપરું ને અનાર પ્રમાણો;

એમ હોમ્યાં હુતદ્રવ્ય ઘણાં, ઘૃત હોમ્યામાં રાખી ન મણા. ૫૯

પુષ્પિતાગ્રાવૃત્ત

શ્રુતિમત23 મન માંહિ ધારિ લીધો, ગ્રહમખ એમ કૃપાનિધાન કીધો;

વરણન કરતાં ન પાર આવે, કદિ શત કલ્પ સુધી સુશેષ ગાવે. ૬૦

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે ષષ્ટકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

દુર્ગપુરે શ્રીવાસુદેવનારાયણપ્રતિષ્ઠાંગગ્રહયજ્ઞકરણનામા દ્વિતીયો વિશ્રામઃ ॥૨॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે