કળશ ૬

વિશ્રામ ૨૦

પૂર્વછાયો

ભૂપ સુણો અભેસિંહજી, પછી આવિ ચોસઠની સાલ;

રથજાત્રા રુડી રીતથી, કરિ ગઢપુરમાં વૃષલાલ. ૧

ચોપાઈ

દૈવિ જીવને ઉપદેશ કરવા, ગઢપુરથી ગયા પ્રભુ ફરવા;

ગયા રામપરે તેહ ટાણે, પછી ત્યાંથી ગયા કરિયાણે. ૨

દેહા ખાચરને દરબાર, ઉતર્યા જઈ વિશ્વ આધાર;

તેણે ભાવ ભલો ઉર ધારી, સેવ્યા સ્નેહ સહિત સુખકારી. ૩

સતસંગી તે ગામના જાણો, જેનું નામ કાળો મકવાણો;

તેણે આવીને અરજ ઉચારી, મારે ઘેર પધારો મુરારી. ૪

ભક્તવત્સલ છો ભગવાન, આપો સર્વને દર્શનદાન;

એવિ વિનતિ સુણી એહ ઠામ, તેને ઘેર ગયા ઘનશામ. ૫

તન મન હરખી તેહ ટાણે, કરી પૂજા કાળે મકવાણે;

બીજા સત્સંગિયોનો સમાજ, આવી બેઠો ત્યાં દર્શન કાજ. ૬

જીવો ધાધલ પણ હતો ત્યાંય, તેણે ઇચ્છા કરી ઉરમાંય;

કળા કાંઈ કરીને દેખાડું, મહારાજને હરખ પમાડું. ૭

ભક્ત વાંસળી સારી બજાવે, એવી કોઈ બીજાને ન ફાવે;

મહારાજને શીશ નમાવી, તેણે વાંસળી સરસ બજાવી. ૮

જેમ ડોલે મણિધર વ્યાળ,1 તેમ ડોલવા લાગ્યા દયાળ;

નવ રાખી બજાવતાં ખામી, બોલ્યા રીઝીને અંતરજામી. ૯

ધન્ય ધન્ય તમે ગુણવાન, આપું માગો તેવું વરદાન;

જીવો ધાધલ બોલિયા વાણી, સુણો શ્રીહરિ સારંગપાણી. ૧૦

રાજી જો થયા છો મહારાજ, એક ઇચ્છા છે તે પુરો આજ;

કૃષ્ણ અવતારમાં તમે નાથ, વનમાં ધરી વાંસળી હાથ. ૧૧

રુડી રીતે વજાડીતી જેવી, લીલા અમને દેખાડોજી એવી;

એ જ માગું છું હું વરદાન, બીજી ઇચ્છા નથી ભગવાન. ૧૨

એમ કહી એક વાંસળી તાજી, કરી ભેટ રુદે થઈ રાજી;

કરુણા કરી કરુણાનિધાન, દીધું માગ્યું એવું વરદાન. ૧૩

સંધ્યાકાળ સમો થયો જ્યારે, કરી આરતી ને ધુન્ય ત્યારે;

જીવો ધાધલ બોલિયા વાણી, સુણો શ્રીહરિ સારંગપાણી. ૧૪

ગામ બહાર વાંસાવડી ધાર, નદી જ્યાં રહે છે કાળુભાર;

તહાં આપ પધારો અત્યારે, એવી ઇચ્છા છે ઉરમાં અમારે. ૧૫

તહાં વાંસળી આપ વજાડો, લીલા ગોકુળ કેરી દેખાડો;

સુણી બોલિયા નવઘનદેહ,2 ઝીણો ઝીણો આ વરસે છે મેહ. ૧૬

માટે શી રીતે સૌયે જવાશે? અંગે ધારેલાં વસ્ત્ર ભીંજાશે;

જીવોભક્ત કહે તે પ્રસંગે, અમે ધાબળા ઓઢશું અંગે. ૧૭

સારો ધાબળો લાવી દેખાડ્યો, મહારાજને અંગે ઓઢાડ્યો;

સહુ ધાબળા ઓઢીને ત્યારે, વિચર્યા વાંસાવડ કેરિ ધારે. ૧૮

તહાં મેઘ તો ઊતરિ ગયો, ચંદ્ર પૂનમનો ઉદય થયો;

ઘણી વાર કરી જ્ઞાનવાત, દોઢ પોર ઉપર ગઈ રાત. ૧૯

ધાબળો ઓઢી શોભે છે કેવા, ગોપમંડળમાં કૃષ્ણ જેવા;

ભક્ત વાંસળી આગળ ધરી, કરી વિનતિ બજાવો શ્રીહરિ. ૨૦

પગે આંટી ભરાવીને શામ, આપે ઉભા રહ્યા એહ ઠામ;

ત્રિભંગી છબિ તે સમે કીધી, પછી વાંસળિ હાથમાં લીધી. ૨૧

સખામંડળિ તો ઉભિ ફરતી, અતિ અંતરે આનંદ ધરતી;

પુરમાં પ્રભુ નિદ્રાને પ્રેરી, ઉંઘે જઈ જન સૌ લિધા ઘેરી. ૨૨

પછી વાંસળી વાલે બજાવી, તેમાં ઢાળા અલૌકિક લાવી;

તે વિષે લઇ અદ્‌ભુત તાન, સામવેદ તણું કર્યું ગાન. ૨૩

ગાયાં બૃહદરથંતર3 સામ, ગાયું મહાવૈશ્વાનર4 નામ;

અતિ ઉત્તમ રાગ આલાપ્યો, તેનો ત્રિભુવનમાં સ્વર વ્યાપ્યો. ૨૪

તેથી ધૂર્જટિનું5 છુટ્યું ધ્યાન, આવ્યા દેવો ચડીને વિમાન;

રહ્યાં થંભિ નદી તણાં નીર, રહ્યો થંભિ વહેતો સમીર.6 ૨૫

ડોલ્યા દિગ્ગજ7 ને દિગપાળ, વસુધાધર8 ડોલિયો વ્યાળ;

થંભ્યાં તારામંડળ તણાં વંદ, થંભ્યો આકાશમાં જોવા ચંદ. ૨૬

ભરવાડ તણા વાડામાંથી, સુણિ નાદ ગાયો દોડી ત્યાંથી;

આવી શ્રીહરિને વિંટી વળી, પશુ પક્ષીનિ સુધ બુધ ટળી. ૨૭

એમ વીતિયો કાળ અપાર, જન જાણે વિતી ઘડિ ચાર;

સખા સર્વને થૈ ત્યાં સમાધી, મટિ માયાનિ સર્વ ઉપાધી. ૨૮

સૌયે દીઠું સમાધિમાં વીર,9 જાણ્યું છૈયે કાલિંદીને તીર;

વંસી વાય વાલો વૃંદાવનમાં, વચ્ચે ઊભા રહી ગોપજનમાં. ૨૯

પછિ જાગિને જોયું અનૂપ, દીઠું પ્રત્યક્ષ એ જ સ્વરૂપ;

દેવતાઓએ પુષ્પે વધાવ્યા, પછિ શ્રીહરિ ઊતારે આવ્યા. ૩૦

આપ આપને જૈને ભવન, સુખથી કર્યું સૌયે શયન;

બીજે દિન તેનાં કીર્તન ચાર, કર્યાં બ્રહ્મમુનીયે તૈયાર. ૩૧

વાંસળી વજાડી બળવીર, સખી આજ કાલંદીને તીર;

કાળુભાર નદીને કિનારે, કરિ એવિ લીલા કરતારે. ૩૨

વળી તે મકવાણાને ઘેર, કર્યું બીજું ચરિત્ર સુપેર;

સંભળાવું હવે તેહ ગાઈ, સુણો ભૂ૫ અભેસિંહ ભાઈ. ૩૩

એક દિન મકવાણાને ધામ, વિચર્યા હતા સુંદરશામ;

પૂર્વદ્વારનો ઓરડો જેહ, દીઠો બંધ નિરંતર તેહ. ૩૪

પ્રભુજીયે પુછ્યું આમાં શું છે? કેમ એ ઘર બંધ રહ્યું છે?

કાળો ભક્ત બોલ્યા તતખેવ, પ્રભુ એમાં છે પૂર્વજ દેવ. ૩૫

પીતરાઇ અમારા છે જેહ, તેમાં અવગતિયા થાય તેહ;

ફળાં10 કાષ્ઠનાં તેનાં બનાવી, મુકિ જાય છે આ ઠામ આવી. ૩૬

નડે છે કોઈને તેહ જ્યારે, આંહિ આવિને ધૂણે છે ત્યારે;

ભૂવા ધૂણે ને ડાકલાં વાગે, વંશવૃદ્ધિ તેની પાસે માંગે. ૩૭

બાધા11 રાખીને દર્શને આવે, ઘીનો દીવો ને શ્રીફળ લાવે;

ઘણા લોકો તો એવું કહે છે, દેવ હાજરાહજુર એ છે. ૩૮

માન્યાથી મંદવાડ મટાડે, કરે નિંદા તો પીડા પમાડે;

અમને ગમતું નથિ એહ, કેમ જાય જુનો ચાલ તેહ. ૩૯

આપ આંહિ બિરાજો છો જ્યારે, નથી ધૂણતા જન આવિ ત્યારે;

તમે જાઓ જ્યારે અન્ય સ્થાન, બહુ ત્યારે કરે છે તોફાન. ૪૦

પ્રભુયે પછી ઘર ઉઘડાવ્યું, ત્યાં તો તે સર્વ જોવામાં આવ્યું;

ફળાં જોયાં મોટા અને નાનાં, એકને હતાં નેણ રુપાનાં. ૪૧

પૂછ્યું કૃષ્ણ કહો કોણ આ છે? કહ્યું પૂર્વજ એ તો વડા છે;

ફળાં સર્વ તે ભેળાં કરાવી, એક ગાંસડિ એની બંધાવી. ૪૨

કહે કૃષ્ણ નાવા જશું નીરે, ત્યારે લાવજો ત્યાં નદિ તીરે;

એવી વાત કરે છે મુરારી, આવ્યાં ત્યાં કાળા ભક્તની નારી. ૪૩

જેનું વીજલ બાઈ છે નામ, તેહ બોલ્યાં કરીને પ્રણામ;

તમ અર્થે અહો પ્રભુ પ્યારા, ડોડા શેક્યા મકાઈના સારા. ૪૪

દાણા કાઢી ચડાવ્યો મસાલો, જગજીવન જમવાને ચાલો;

સુણી બેય તે નીકળ્યા બહાર, કર્યું બંધ તે ઘર તણું દ્વાર. ૪૫

પૂર્વછાયો

ઓસરીમાં ઢાળ્યો હતો, જહાં સુંદર એક પલંગ;

તેના ઉપર બેઠા પ્રભુ, જોતાં ઉપજે હરખ અભંગ. ૪૬

ચોપાઈ

હેઠા બેઠા કાળો મકવાણો, પ્રભુના ભક્ત પરમ પ્રમાણો;

બાઈ વીજલ લાવ્યાં મકાઈ, અરપ્યા હરિને હરખાઈ. ૪૭

જમ્યા જીવન ઈશ અનાદી, કાળા ભક્તને આપિ પ્રસાદી;

દેહો ખાચર એ સમે આવ્યા, તેને આપી પ્રસાદિ રિઝાવ્યા. ૪૮

કર્યો વરણીયે થાળ તૈયાર, જમ્યા જીવન જગત આધાર;

પછી પોઢી રહ્યા થોડી વાર, ઉઠી જ્ઞાનકથા કરી સાર. ૪૯

જ્યારે દિવસ રહ્યો ઘડી ચાર, કર્યો નાવા જવા નિરધાર;

કાળા ભક્ત પ્રત્યે કહે માવો, ફળાં ગાંસડી લૈને સિધાવો. ૫૦

નદીને તટ જૈ રહો તમે, પછવાડેથી આવશું અમે;

એવું સાંભળી તત્પર થયા, નદીયે ગાંસડી લઈ ગયા. ૫૧

રુડિ જ્યાં છે વાંસાવડી ધાર, ધરી ત્યાં છે નદીનિ મોઝાર;

પંચપિરથી ઉત્તરમાંય, કાળુભાર નદી વહે જ્યાંય. ૫૨

વોંકળો જ્યાં રાવતિયો મળે છે, ત્યાં થકી પૂર્વમાં ધરો તે છે;

લાંબો કદમ પંચાવન સૂધી, ફળાં ત્યાં નાંખવા કરિ બુદ્ધિ. ૫૩

જઈ ગાંસડી ત્યાં જ ઉતારી, ગયા પાછળથી ગિરધારી;

હામો ભરવાડ ને દેહાભાઈ, ગયા ધર્મતનુજ સંગે ધાઈ. ૧૪

પછી છોડાવી ગાંસડી શામે, વળી વચન કહ્યું સુખધામે;

કાળાભક્ત ધરી મુજ ધ્યાન, કરો આ તીર્થમાં તમે સ્નાન. ૫૫

ફળાં સર્વને સ્નાન કરાવો, પછિ મુજ પદને સ્પરશાવો;

મકવાણે વચન મન ધારી, ફળાં લઈ જઈ ડૂબકી મારી. ૫૬

જોયા પૂર્વજ પ્રત્યક્ષ જળમાં, પાણી પાણી પોકારતા પળમાં;

મોટો પૂર્વજ જે રુક્મનેણ,12 ઉચર્યો એ સમે એવું વેણ. ૫૭

પ્રભુ પ્રગટ બિરાજે છે આંહિ, માટે ધિરજ ધરી મન માંહિ;

હવે આપણી સદગતિ થાશે, ઘણા કાળનાં સંકટ જાશે. ૫૮

કાળો મકવાણો ઝબકીને જાગ્યા, પ્રભૂને આવી પૂછવા લાગ્યા;

ફળાં પાણી વિષે ધર્યાં આણી, તોય કેમ બોલ્યાં પાણી પાણી? ૫૯

એ તો અચરજ વાત અઘાત, સમજાવો અને સાક્ષાત;

એવું સાંભળી કૃષ્ણ કહે છે, ચોકી જળમાં વરુણની13 રહે છે. ૬૦

ભૂત-પ્રેતનાં જેનાં શરીર, તેને પીવા દેતા નથિ નીર;

તેને તરશ તો જળ બેડાં બાર, કરે પાણી પાણીનો પોકાર. ૬૧

હવે એ ફળાંને આંહીં લાવો, મારા ચર્ણનો સ્પર્શ કરાવો;

એવાં વેણ કરીને ઉચ્ચાર, થયા નાવાને નાથ તૈયાર. ૬૨

બીજા બે જણને લઈ સંગ, નાયા જૈ નદિમાં શામરંગ;

કાળોભક્ત ફળાં લઈ આવ્યા, જેને પદ પ્રભુના પરસાવ્યા. ૬૩

સ્પર્શ થાતાં તજ્યો પ્રેતદેહ, થયાં કોઈ ચતુર્ભુજ તેહ;

આવ્યાં તેડવા તેને વિમાન, તેમાં બેશી ગયા સુખસ્થાન. ૬૪

કોઈ વૈકુંઠવાટે સિધાવ્યા, કોઈ ગોલોકમાં જતા ફાવ્યા;

હતા જે સુખભોગના આશી, થયા સ્વર્ગના તે તો નિવાસી. ૬૫

ભક્તિ કરવાની ઇચ્છા અપાર, ધર્યા તેણે મનુષ્ય અવતાર;

ત્રણ ભક્ત હતા હરિ સાથે, દિવ્ય દૃષ્ટિ દિધી તેને નાથે. ૬૬

તેથી તે સર્વ તેમણે ભાળ્યું, જે રીતે હરિયે કષ્ટ ટાળ્યું;

ત્યાંનું નામ પડ્યું તેહ માટ, કહે છે પૂરવજ કેરો ઘાટ. ૬૭

કાળુભાર તણો મહીમાય, કહ્યો શ્રીમુખથી હરિરાય;

કાલિંદી14 થકી કોટિક ગણું, કહ્યું માહાત્મ્ય તે તીરથ તણું. ૬૮

પુષ્પિતાગ્રાવૃત્ત

અમરસરિતથી15 વિશેષ આ છે, તિરથ સમસ્ત વશી અહીં રહ્યાં છે;

જનતન ધરિ જે અહીં નહાશે, ગતઅઘ16 થૈ મુજ ધામ માંહિ જાશે. ૬૯

કદિ જન કરશે સુશ્રાદ્ધ આંહીં, સુગતિ થવા નિજ પૂર્વજોનિ ચાહી;

તરપણ પણ આંહિ જો કરાશે, સદગતિ સંતત17 પૂર્વજોનિ થાશે. ૭૦

જપ તપ વ્રત દાન આંહિ થાય, ફળ શુભ લક્ષગણું પુરું પમાય;

પ્રિય મુજ અતિ શ્રેષ્ઠ તીર્થ આ છે, પરમ પવિત્ર ભલી જ ભૂમિકા છે. ૭૧

નિજજન હિત વાંસળી બજાવી, પુરવજ દાસ તણા દિધા મુકાવી;

કૃત પુનિત ચરિત્ર ભક્ત સારુ, ભગવત તેહ કરો ભલું અમારું. ૭૨

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે ષષ્ઠકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિકરિયાણાગ્રામેવંસીવાદ-નાદિલીલાનિરૂપણનામા વિંશતિતમો વિશ્રામઃ ॥૨૦॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે