વિશ્રામ ૨૧
પૂર્વછાયો
કરિયાણા માંહી કરી, પ્રભુ લીલા અનેક પ્રકાર;
પછી ખંભાળે થઈ ગયા, ગામ વાંકિયે વિશ્વાધાર. ૧
રાત રહ્યા રુડી રીતથી, મોકા ખાચરનો દરબાર;
પ્રાતઃસમે ઉઠિ પરવર્યા, ગયા શ્રીહરિ શેડુભાર. ૨
દયાળુ દેવળિયે થઈ, રહ્યા આંકડિયે જઈ રાત;
કુંકાવાવ્ય વડિયે થઈ, ગયા ગાલોલ પ્રભુ પ્રખ્યાત. ૩
જેતપુરે જઈને પછી, ગયા ધોરાજી ધર્મકુમાર;
જમનાંવડ ભાડેર થઈ, અગત્રાઇયે અખિલાધાર. ૪
કાલવાણીયે જઈ કર્યો, જનમાષ્ટમી ઉત્સવ જેહ;
સારો સમૈયો ત્યાં થયો, સંત સર્વ વખાણે તેહ. ૫
મંડળ મુનિ પાંચ પાંચનાં, કરિ મોકલ્યાં ફરવા કાજ;
પીપલાણે થાનિયાણે થઈ, રહ્યા ગણોદ જઈ મહારાજ. ૬
જાળિયે જગજીવન ગયા, ગયા ભાયાવદર ભગવાન;
વડાળે થૈ હરમાણે ગયા, ગયા માટલિયે ગુણવાન. ૭
પ્રીત સહિત પધારિયા, મનમોહન મોડા ગામ;
છે તહાં કરમદિયો ઘુનો,1 નાથ નાહ્યા તેહ ઠામ. ૮
શાર્દૂલવિક્રીડિતવૃત્ત
નાહ્યા શ્રીહરિ જે સમે સુહૃદમાં મત્સો2 મળ્યાં ધાઈને,
આવે ચુંબક પાસ જેમ ઉછળી ખીલા જ ખેંચાઈને;
તે સૌને થઈ ત્યાં સમાધિ જળમાં થંભી ઠર્યાં તેહથી,
એવાં ચારુ ચરિત્રકારિ હરિને વંદું સદા સ્નેહથી. ૯
ચોપાઈ
ગામ અલૈયે શામ સિધાવ્યા, શેખપાટ થૈ ભાદરે આવ્યા;
વસે ત્યાં વશરામ સુતાર, ઉતર્યા તેને ઘેર મુરાર. ૧૦
મૂળજી વિપ્રે કીધી રસોઈ, ભગવાન જમ્યા ભાવ જોઈ;
એક છે રુડું બંધિયા ગામ, તહાં પ્રથમ ગયા હતા શામ. ૧૧
તહાં સુંદરજી સૂત્રધાર, ભુજનગર તણા રહેનાર;
હરિઆજ્ઞા થકી સાધુ થયા, પાછા આજ્ઞા થકી ઘેર ગયા. ૧૨
તેને ત્યાગ તણું કાંઈ માન, આવ્યું તે જાણ્યું શ્રીભગવાન;
તેને દેખાડવાને જ કાજે, એક લીલા કરી મહારાજે. ૧૩
કાઠિયાવાડ ને ઝાલાવાડે, લખ્યા પત્ર ત્યાં એક દહાડે;
કોઈ શેઠ કોઈ સરદાર, કોઈ રાજ્ય તણા કરનાર. ૧૪
સતસંગમાં દૃઢમતિ જેને, મહારાજે લખાવિયું તેને;
અમ પર પ્રીતિ હોય તમારે, તો આ તમને મળે પત્ર જ્યારે. ૧૫
ત્યાંથી તરત જેતલપુર જાવું, પળમાત્ર ન ઘેર રોકાવું;
રહે જેતલપુર રામદાસ, જજો પાંશરા3 તેહની પાસ. ૧૬
ભગવાં ધરી ત્યાં સાધુ થાવું, ત્યાંથી ચાલીને કાશીયે જાવું;
વળી જેતલપુર મોઝાર, હતા ગોવિંદ સ્વામી તે ઠાર. ૧૭
તેને પત્ર લખ્યો પરમેશ, નાનાભાઈ છે ગુર્જરદેશ;
વસે છે કરજીસણ ગામ, તેને તેડાવજો તેહ ઠામ. ૧૮
તેના હથ્થું4 જગન કરી તમે, અવાશે તો ત્યાં આવશું અમે;
એવા પત્ર લખી મોકલાવ્યા, પછી ગામ પિંપળિયે સિધાવ્યા. ૧૯
ત્યાંથી રણ ઉતર્યા અવિનાશ, કર્યો વાંઢિયામાં જઈ વાસ;
તહાં દેવજિ ભક્તને ઘેર, પ્રભુજી ઉતર્યા રુડી પેર. ૨૦
ગયા લાકડીયે ધર્મલાલ, ત્યાંથી આધોઈ દીનદયાળ;
લાધાજી તણા દરબારમાંય, જૈને જીવન ઊતર્યા ત્યાંય. ૨૧
માળા ફેરવતા હતા માવ, પૂછ્યું લાધાજિયે ધરી ભાવ;
અમે કરિયે તમારું ભજન, તમે કેને ભજો છો જીવન? ૨૨
સુણી બોલ્યા શ્રીજી સાક્ષાત, લાધાભાઈ સુણો એહ વાત;
મારા ભક્ત મને ભજે જેમ, ભજું હું પણ ભક્તને તેમ. ૨૩
મારા ભક્ત મને ન વિસારે, નવ ભૂલું હું ભક્તને ક્યારે;
લાધોભાઈ તો વિસ્મિત થયા, દીઠી શ્રીજીની અદભુત દયા. ૨૪
ચાલ્યા આધોઈથી અવિનાશ, વસ્યા જૈને ભચ્ચાઉમાં વાસ;
ફરતાં ફરતાં બહુ સ્થાન, ભૂજનગર ગયા ભગવાન. ૨૫
કરી ત્યાં લીલા અમિત પ્રકાર, નવ આવે ઉચ્ચારતાં પાર;
પ્રભુ પત્ર લખ્યા હતા જેહ, ગયા જેતલપુર જન તેહ. ૨૬
રામદાસજી આગળ જૈને, ભગવાં ધરિયાં સાધુ થૈને;
મોટા થોભા અને મુછો જેહ, નાંખી તરત મુંડાવીને તેહ. ૨૭
કોઈનાં હતા બાળક છોટાં, કોઈનાં વરાવા5 જોગ મોટાં;
કોઈ મોલ ચણાવતા હતા, ત્યાંથી ચાલી ગયા અણછતા.6 ૨૮
પડ્યા મુક્યા લેણા દેણા દામ, પડ્યાં મુક્યાં જરૂરનાં કામ;
કોઈને ઘેર મેમાન હતા, તેને મળવા થયા નહિ છતા. ૨૯
કોઈ એ જ વરસ પરણેલા, કોઈ પરણવા જોગ થયેલા;
હય7 રથ પર બેસવાવાળા, તે તો ચાલિ ગયા પગપાળા. ૩૦
સુવા સારા પલંગ તળાઈ, ભૂમિ ઉપર સૂતા તે ભાઈ;
ઓઢતા શાલ દૂશાલા અંગે, ઓઢી ચાદર ભગવે રંગે. ૩૧
માથે મંડિલ8 બાંધતા જેહ, ધર્યાં ટોપી ને રૂમાલ તેહ;
જમતા જેહ થાળ સોનાને, તેણે પાત્ર લીધાં જમવાને. ૩૨
પીતા હેમના પ્યાલાયે પાણી, તેણે તુંબડામાં શોભા જાણી;
ભાવતાં જમતા જે ભોજન, જમ્યા તે જળમિશ્રિત અન્ન. ૩૩
તેનો ત્યાગ વૈરાગ્ય તે ટાણે, શુકજી સરખાય વખાણે;
શુકજી ન હતા રાજ્યધારી, પરણ્યા ન હતા પોતે નારી. ૩૪
ન છતાં તજવું તે સહેલ, હોય તે તજવું મુશકેલ;
હોય દારિદ્ર કે ક્રોધ થાય, ત્યારે તો ઘરબાર તજાય. ૩૫
ભર્થરીને મળી ભૂંડિ નારી, ત્યારે ત્યાગિ થયા ભેખ ધારી;
આજ જેવિ રીતે યાગિ થાય, તેમ તો કોઇયે ન કરાય. ૩૬
કળિજુગમાં તજે ઘર આપ, તે તો પ્રગટ પ્રભુનો પ્રતાપ;
સાધુ થૈને તે સૌ સરદાર, થયા કાશિયે જાવા તૈયાર. ૩૭
રામદાસજીને સ્વપ્નમાંય, કૃપાનાથે કહ્યું જઈ ત્યાંય;
કાશિયે ન જાવા દેશો કેને,9 સાથે લૈ આંહીં આવજો એને. ૩૮
પછી તે સહુને રાખિ પાસ, ભુજનગર ગયા રામદાસ;
કર્યા શ્રીજીને સૌયે પ્રણામ, સાધુ સૌને મળ્યા ઘનશામ. ૩૯
ધર્મપુત્રે કહ્યું ધન્ય ધન્ય, તમે સૌ મારા ભક્ત અનન્ય;
ધન નારીનું બંધન કેવું, વજ્રપાશનું બંધન જેવું. ૪૦
તે તો તરત તમે તોડ્યું એમ, તોડે હાથી કમળનાળ જેમ;
સુણી એવું બોલ્યા સહુ સાથી, અમે છૂટ્યા તમારી કૃપાથી. ૪૧
હતા ત્યાં જ સુંદરજી સુતાર, એ તો અચરજ પામ્યા અપાર;
અહો એહનો ધન્ય વૈરાગ્ય, કર્યો રાજ્ય તણો જેણે ત્યાગ. ૪૨
એવી રીતે અંતરમાં વિચારી, મેલ્યું માન તો મનથી ઉતારી;
થોડા દિવસ ગયા એમ જ્યારે, બોલ્યા સંત પ્રત્યે પ્રભુ ત્યારે. ૪૩
સાધુ થૈ નવા આવ્યા છો જેહ, જાઓ ઘેર તજી ભેખ તેહ;
બોલ્યા સંત તે દિલગીર થૈને, દુઃખ દ્યો ન હવે સુખ દૈને. ૪૪
મહા બંધનમાંથિ છોડાવ્યા, દુઃખસાગરમાંથી બચાવ્યા;
તેમાં નાંખવા ઇચ્છો છો ફરી, ન ઘટે તમને એવું હરી. ૪૫
રાખો નિજ પદપદ્મનિ પાસ, ન કરો નાથ અમને નિરાશ;
ત્યારે બોલિયા ધર્મદુલારો, તમે મારું વચન ઉર ધારો. ૪૬
તમ હસ્તક તો હજિ કામ, કરવાં છે ઘણાં ઘણે ઠામ;
તમે જૈને ગૃહસ્થ થવાશે, તો જ તે કામ પૂરણ થાશે. ૪૭
તમે આજ્ઞા ધરો ઉર મારી, મનના મત મેલો વિસારી;
પ્રભુયે કહીને એવિ પેર, કેટલાયને મોકલ્યા ઘેર. ૪૮
કેટલાએકને પરમેશે, સદા રાખિયા સાધુના વેશે;
એવા ત્યાગ વૈરાગ્યની વાત, થઈ વિશ્વ વિષે વિખ્યાત. ૪૯
ઉપજાતિવૃત્ત (સંસારત્યાગ દુષ્કર વિષે)
આકાશમાર્ગે વિચરી શકાય, કદાપિ પાતાળ વિષે જવાય;
સંસાર સાચા મનથી જાય, તે કામ તો દુષ્કર10 છે સદાય. ૫૦
પાસે જઈ પર્વતને ઉપાડે, કે સિંહને પુચ્છ ગ્રહી પછાડે;
દશેંદ્રિયોને વશ જે કરાય, તે કામ તો દુષ્કર છે સદાય. ૫૧
જિતે જઈને રણ માંહિ શૂર, કરે રિપૂનું11 દળ સર્વ ચૂર;
તથાપિ કામાદિકને જીતાય, તે કામ તો દુષ્કર છે સદાય. ૫૨
ઘણા દ્વિજોને જુગતે જમાડે, સંતોષ પ્રાણી સહુને પમાડે;
તથાપિ સંસાર વિરક્ત થાય, તે કામ તો દુષ્કર છે સદાય. ૫૩
યજ્ઞો કરે ને બહુ દાન દેય, પૃથ્વી વિષે તીર્થ બધાં ફરેય;
તથાપિ તૃષ્ણા મનથી મુકાય, તે કામ તો દુષ્કર છે સદાય. ૫૪
પંચાગ્નિ તાપે બહુ જાપ જાપે, પોતા તણા પ્રાણ પરાર્થ આપે;
તથાપિ જે નૈષ્ઠિકતા ધરાય, તે કામ તો દુષ્કર છે સદાય. ૫૫
જો વેદ કે શાસ્ત્ર ભણે વિશેષ, જ્ઞાની થઈ જ્ઞાન કથે હમેશ;
તથાપિ પાંચ વિષયો જિતાય, તે કામ તો દુષ્કર છે સદાય. ૫૬
સભા જિતે વાદ વિવાદકારી, ભૂમધ્ય વિદ્વાન ગણાય ભારી;
ત્યાગી તણે શુદ્ધ પથે ચલાય, તે કામ તો દુષ્કર છે સદાય. ૫૭
પુષ્પિતાગ્રાવૃત્ત
તન મન વિષયાદિને જિતાય, પ્રગટ પ્રભૂનિ કૃપાથિ તેહ થાય;
ધરિ નિજ ઉર માંહિ એ વિચાર, પ્રગટ પ્રભુપદ વંદુ વારવાર. ૫૮
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે ષષ્ઠકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિભજનગરે કંકદેશીય-શ્રીમંતસાધુકરણનામૈકવિંશતિતમો વિશ્રામઃ ॥૨૧॥