કળશ ૬

વિશ્રામ ૨૨

પૂર્વછાયો

ચારુ ચરિત્ર કર્યાં ઘણાં, ભુજનગરમાં ભગવાન;

પછી પધાર્યા ત્યાં થકી, દેવા દાસોને દર્શનદાન. ૧

ચોપાઈ

ગયા માનકુવે મહારાજ, ત્યાંથી તેરે ગયા જન કાજ;

સજીવન જળના કુંડમાંય, નાહ્ય શ્રી પુરુષોત્તમ ત્યાંય. ૨

જમ્યા જૈને સદાબાને ઘેર, મનમાં ધરી તે પર મહેર;

ગયા ત્યાં થકી બળધિયે ગામ, ઉતર્યા ગંગદાસને ધામ. ૩

ગજોડે ગયા શ્રીઅવિનાશ, વસ્યા ધનજી સુતારને વાસ;

ગયા માંડવી બંદર માવ, ત્યાંના ભક્તોનો ભાળીને ભાવ. ૪

લક્ષ્મીભટ પાસે કથા વંચાવી, સુણી કૃષ્ણલીલા મુદ લાવી;

કહે શ્રીજી રામાનુજભાષ્ય, તેનો સંતોયે કરવો અભ્યાસ. ૫

પૂર્વછાયો

વળિ વચન વરણી કહે, સુણી અભયસિંહ અવનીશ;

આખ્યાન ખૈયા ખત્રિનું, કથા તેની હવે હું કહીશ. ૬

ચોપાઈ

ખૈયો ખત્રિ હતો માંડવીમાં, ઘણો પ્રખ્યાત તે પૃથવીમાં;

વળિ તે હતો વેદાંતિ એવો, ઉપદેશક આચાર્ય જેવો. ૭

ભલા વેદાંત ગ્રંથ ભણેલો, પ્રેમે શિષ્ય ઘણાએ પુજેલો;

ઘણા શાસ્ત્રીયોને શિષ્ય કીધા, કૈક ભાટીયા વશ કરિ લીધા. ૮

ગામડાઓમાં ફરવાને જાય, વધ્યો તેથિ તેનો સંપ્રદાય;

રામકૃષ્ણાદિ હરિ અવતાર, તેનું ખંડન તે કરનાર. ૯

દેવમૂર્તિને તે નવ માને, નવ માને તે તીરથ સ્નાને;

સર્વ સ્થાવર જંગમ જેહ, એક બ્રહ્મ કહે બધું એહ. ૧૦

અર્થ ગીતાના પણ ઉલટાવે, એક બ્રહ્મ એથી સમજાવે;

ગીતા સાક્ષાત હરિનાં વચન, સુણે ભક્ત ભલા અરજુન. ૧૧

જન્મ કર્મ કહ્યાં દિવ્ય મારાં, ન કહ્યું તેને દિવ્ય છે તારાં;

કહ્યું જે દિવ્ય ધામ છે મારું, ન કહ્યું દિવ્ય ધામ છે તારું. ૧૨

એક સર્વજ્ઞ અલ્પજ્ઞ1 એક, એવાં વાક્ય છે એનાં અનેક;

બ્રહ્મને તે કહે અવિકારી, ચડિ માયાનિ તેને ખુમારી. ૧૩

બ્રહ્મે બ્રહ્મ તે વાદ વદે છે, બ્રહ્મે બ્રહ્મ લડીને મરે છે;

એવી અણમળતી વાત ગાય, તોય ભોળા જનો ભરમાય. ૧૪

ખૈયા ખત્રીને ગર્વ અપાર, મને કોઈ નથી જીતનાર;

તેને કોઈ જને કહ્યું એમ, અભિમાન ધરે છે તું કેમ? ૧૫

કર્યો હોય વેદાંત અભ્યાસ, જા તું સ્વામિનારાયણ પાસ;

તેને જીતે ત્યારે તો તું સાચો, નહિ તો તું વેદાંતી છે કાચો. ૧૬

એવું સાંભળિને ગર્વ આવ્યો, સંદેશો શ્રીહરીને કહાવ્યો;

તમો પાસે હું આવીશ આજ, જ્ઞાનનો વાદ વદવાને કાજ. ૧૭

તમે ભોળા જનોને ભમાવો, ઉલટું સુલટું સમજાવો;

પણ જીતો મને તમે જ્યારે, માનું ઈશ્વર તમને હું ત્યારે. ૧૮

એવું સાંભળીને કહે માવો, કહો ખૈયાજીને ભલે આવો;

બ્રહ્માનંદને કહે ભગવાન, તમે બેસો અમારે જ સ્થાન. ૧૯

તમ આગળ હું બેસું છેઠો, જેમ શિષ્ય કોઈ હોય બેઠો;

પુછે પ્રશ્ન તે આવિને જ્યારે, તમે એટલું બોલજો ત્યારે. ૨૦

એવા પ્રશ્નના ઉત્તર જેહ, કરશે આ નાના સાધુ તેહ;

તેનાથી જે ઉત્તર નહિ થાય, સમજાવીશ હું તે બધાય. ૨૧

સુણી બોલ્યા બ્રહ્માનંદ સ્વામી, એમ કેમ કરું બહુનામી?

બેસું આપને આસને હુંય, તેથી પાપમાં હું તો પડુંય. ૨૨

કહે કૃષ્ણ જે આજ્ઞા અમારી, જાણો તે હિતકારિ તમારી;

તોડે આજ્ઞા તેથી થાય પાપ, એમ જાણજો નિશ્ચય આપ. ૨૩

માટે મારિ ગાદી પર બેસો, બીજા સંશયમાં નવ પેસો;

હસી બોલ્યા બ્રહ્માનંદ વાણી, અહો સાંભળો સારંગપાણી. ૨૪

આજ હું પરમેશ્વર થૈશ, લાવ બે ઘડીનો ભલો લૈશ;

એમ કહી ગાદિ ઉપર બેઠા, બેઠા આગળ શ્રીહરિ હેઠા. ૨૫

ખૈયો એ અવસર માંહી આવ્યો, સાથે શિષ્ય ઘણા નિજ લાવ્યો;

બ્રહ્માનંદે કર્યું સનમાન, બેઠો તે થઈને સાવધાન. ૨૬

બ્રહ્માનંદને પૂછવા લાગ્યો, જાણે વેદાંતિ આચાર્ય જાગ્યો;

કહો વેદાંત માનો કે નહીં, વ્યાસસૂત્ર શું જાણો છો સહી? ૨૭

બ્રહ્માનંદ કહે પ્રશ્ન એવાં, નાના સાધુને પૂછવા જેવાં;

માટે આ સાધુ ઉત્તર દેશે, અમે દેશું જો બાકી રહેશે. ૨૮

કહે શ્રીહરિ ઉત્તર દૈએ, અમે વેદાંત માનીએ છૈયે;

રામાનુજના ભાષ્ય સહિત, વ્યાસસૂત્રને માનિયે નિત્ય. ૨૯

ખૈયે પ્રશ્ન પુછ્યા ઘણા ઘણા, આપ્યા ઉત્તર ત્યાં તેહ તણા;

શતપ્રશ્ની ને સહસ્રપ્રશ્ની,2 ખૈયો તેહનો તો હતો અસની.3 ૩૦

પણ દૈવી હતો જીવ એ તો, થાય ઉત્તર તે ધારી લેતો;

આડું બોલીને વાદ ન કરતો, થયી ઉત્તર એમ ઉચ્ચરતો. ૩૧

વસંતતિલકાવૃત્ત (મિથ્યાવાદી વિષે)

મિથ્યા વિવાદિ જન જેહ વિવાદ તાણે,

આડું જ બોલી જીતવા ઊર આશ આણે;

જો સાંભળે સરસ ઉત્તર સાનુકૂળ,

જીભે તથાપિ ન કરે કદીએ કબૂલ. ૩૨

   જો ભૂલથી દિવસ ને રજની કહે છે,

   તો તેહ સત્ય કરવા બહુ વાદ લે છે;

   સાક્ષાત સૂર્ય નિરખી શશિ તે ઠરાવે,

   જૂઠો પડે તદપિ લાજ નહીં જ આવે. ૩૩

બોલે મુખે મહત પંડિતને હું જીત્યો,

મેં તેનું કાંઈ જ કબૂલ કર્યું નહીં તો;

મેં તેહના સુણિ સુઉત્તર ના જ પાડી,

એવી રિતે જ હું જિત્યો સઉની અગાડી. ૩૪

   મિથ્યાવિવાદિ મનમાં અભિમાન રાખે,

   બંધાય તોય નિજની નહિ ભૂલ ભાખે;

   શોધે સદૈવ નિજ માન રહ્યાનિ કુંચી,

   ભોંઈ પડ્યો પણ કહે મુજ ટાંગ ઉંચી. ૩૫

જે દૈવિ જીવ નિજ સંશય ટાળવાને,

પુછે સુપ્રશ્ન સમજી શુભ ચાલવાને;

તે તો વિવાદ ન કરે જ વકીલ તુલ્ય,

જો સત્ય વાત સમજાય કરે કબૂલ. ૩૬

   પૂછે અજાણ જન તો સુણિ જાણ થાય,

   જાણી વિવાદ કરનાર નહીં જિતાય;

   જાગે ઉંઘેલ જન તેહ જગાડવાથી,

   જાગ્યો ઉંઘે જરુર જાગ્રત થાય શાથી? ૩૭

શું સત્ય છે જગત માંહિ અસત્ય શું છે,

તે જાણવા સ્વમન તત્પર જો રહ્યું છે;

મિથ્યા વિવાદ ન વદે નહિ પક્ષ તાણે,

તે સત્ય શોધક ભલો સહુ કો4 વખાણે. ૩૮

   છે આ મનુષ્ય તણું જીવન મૂલ્યવાન,

   જે જાય એક પળ લક્ષ વસૂ5 સમાન;

   એવો વિચાર ઉરમાં જન જેહ લાવે,

   મિથ્યા વિવાદ કરિ કાળ નહીં ગુમાવે. ૩૯

ચોપાઈ

ખૈયો દૈવી ખરેખરો એવો, મિથ્યાવાદ વદે નહિ તેવો;

સાચો ઉત્તર જે સમજાય, તે તો જીવ વિષે ઠસિ જાય. ૪૦

વાગ્યાં શ્રીહરિનાં વાક્યબાણ, ભેદ્યું અંતર ને ભેદ્યા પ્રાણ;

મુનિ બ્રહ્મ બોલ્યા વચમાંઈ, ખૈયો તે સમજ્યો નહિ કાંઈ. ૪૧

ખૈયો બોલ્યો કે આ તો મિથ્યા છે, સહજાનંદ તો સ્વયં આ છે;

એમ કહિ પ્રભુને લાગ્યો પાય, એવામાં એક અચરજ થાય. ૪૨

પુછ્યું શ્રીહરિયે સાક્ષાત, તમે કોણ છો તે કહો વાત?

બોલ્યો ખૈયો હું સત્ય કહું છું, સચ્ચિદાનંદ બ્રહ્મ તે હું છું. ૪૩

કહે શ્રીજી તે તો નહિ તમે, સચ્ચિદાનંદ બ્રહ્મ તો અમે;

કહે ખૈયો તમે હશો એ જ, ત્યારે મુજને દેખાડો તે તેજ. ૪૪

એવામાં પ્રભુપદથી પ્રકાશ, પ્રગટી પ્રસર્યો ત્યારે પાસ;

ખૈયાને તે તો તીવ્ર જણાયો, તેથી તેણે દેખી ન ખમાયો. ૪૫

કહે ખૈયો દિલે દયા લાવો, મહારાજ આ તેજ શમાવો;

ત્યારે બોલ્યા શ્રીત્રિભુવનરાય, અમોથી નહિ તેજ સમાય. ૪૬

તમે ને તમારા શિષ્યવૃંદ, ઉચ્ચરો રામ કૃષ્ણ ગોવિંદ;

તાળી પાડીને ધુન્ય કરાશે, ત્યારે તેજ તે સઘળું સમાશે. ૪૭

સૌએ ધુન્ય કરી પછિ જ્યારે, તેજ શ્રીહરિમાં શમ્યું ત્યારે;

પછી શ્રીજી તે ગાદીએ બેઠા, બેઠા બ્રહ્મમુની તહાં હેઠા. ૪૮

ખૈયે જાણ્યા જગત કરતાર, કર્યું વંદન ત્યાં બહુ વાર;

પ્રેમે નેત્રમાં આવીયાં પાણી, બોલ્યો ગદગદ કંઠથી વાણી. ૪૯

સચ્ચિદાનંદ આપ સ્વતંત્ર, હું આત્મા તથા પરતંત્ર;

તમે સૌને કરમ ફળદાતા, અમે કર્મને વશ અથડાતા. ૫૦

નટ પૂતળાં જેમ નચાવે, જેમ પોતાનિ ઇચ્છામાં આવે;

તેમ જીવ ને ઈશ્વર જે છે, તમારા જ ભમાવ્યા ભમે છે. ૫૧

તમે સૌના નિયંતા છો સ્વામી, અક્ષરાતીત અક્ષરધામી;

ધર્મ થાપવા ભૂમિ મોઝાર, આપે લીધો મનુષ્ય અવતાર. ૫૨

કરુણા મુજ ઊપર કરી, આંહીં આપ પધારિયા હરી;

મને આપિયું આપનું જ્ઞાન, કાપ્યા સંશય કરુણાનિધાન. ૫૩

હવે હું થયો શિષ્ય તમારો, હેતે હાથ ગ્રહો હરિ મારો;

મારું કલ્યાણ જે રીતે થાય, મને એ જ બતાવો ઉપાય. ૫૪

સુણી બોલિયા શ્રીહરિ એમ, તમે કલ્યાણ પામશો કેમ?

તમે જીવ ઘણાને ભમાવ્યા, રખડે તેવે રસ્તે ચડાવ્યા. ૫૫

ઉપજાતિવૃત (ભમેલો ઠેકાણે ન આવે તે વિષે)

ઢોંગી ગુરૂ જે જનને ભમાવે, તેમાંથિ પાછો નહિ ઠામ આવે;

ફેંક્યો કમાને શર6 જેહ હોય, કમાન વાળે ન વળે જ તોય. ૫૬

આ જીવનો છે જ સ્વભાવ એવો, નીચો દિસે મારગ એ જ લેવો;

નેવે7 સદા મોભનું8 નીર જાશે, ન નેવનું નીર ઉંચે ચડાશે. ૫૭

માયા તણા જીવ પ્રસંગિ જે છે, તેને સદા જ્ઞાન ઉંધું ગમે છે;

કુજ્ઞાનની વાત ધરે જ કાને, સુજ્ઞાનનો બોધ કદી ન માને. ૫૮

જો શ્વાનજાતી કદિ ખીર ખાય, તો ઊલટી થૈ નિકળી જ જાય;

શ્રીકૃષ્ણલીલામૃત જે ગણાય, ટકે નહીં આસુર પેટમાંય. ૫૯

છે જીવજાતી મૃત્તિકા9 સમાન, પ્રવાહિથી તે પલળે નિદાન;

જે વારુણીથી10 પલળી જ જાય, તે શુદ્ધ કીધા થકિ કેમ થાય. ૬૦

છે સત્યનો દુર્ગમ11 પંથ ભાઈ, અસત્યનો પંથ ગમે સદાઈ;

જો વામમાર્ગે સહજે ચલાય, નિષ્કામ નિઃસ્વાદ નહીં પળાય. ૬૧

જેણે પટોળા પર ભાત પાડી, તેનાથિ તે નૈ ઉખડે ઉખાડી;

તમે ચડાવ્યા જનને કુરંગ,12 તમોથિ તે શુદ્ધ થશે ન અંગ. ૬૨

તથાપિ જૈને કરજો પ્રયાસ, જેને હશે મોક્ષ જવાનિ આશ;

દૈવી હશે તેહ તમારિ વાત, ભલી રિતે સાંભળશે જ ભ્રાત. ૬૩

ચોપાઈ

જેવો જાણ્યો છે મુજ મહિમાય, તેવો શિષ્યોનિ પાસ સદાય;

કહેજો મુજ ભક્ત પ્રમાણ, તેથિ થાશે તમારું કલ્યાણ. ૬૪

ભાવે ભજન મારું સદા કરજો, ધર્મ ઉદ્ધવિ મતનો જ ધરજો;

એમ કહિ તેને નિયમ ધરાવ્યાં, આપિ કંઠી ને તિલક કરાવ્યાં. ૬૫

તેના શિષ્ય હતા દૈવિ જેહ, થયા શ્રીજીના આશ્રિત એહ;

ખૈયો ચાલ્યો પોતાને આગાર,13 ઘણા શિષ્ય ઉભા હતા દ્વાર. ૬૬

કહેતા હતા તે એહ સ્થાન, ખૈયો છે દૃઢ મેરુ સમાન;

શત સ્વામિનારાયણ આવે, તોય ખૈયાને તે શું ડગાવે? ૬૭

ખૈયે સાંભળ્યા શબ્દ તે એવા, ત્યારે લાગ્યો તે ઉત્તર દેવા;

ભાઈ મેરુ અડગ તે તો ડગિયો, બ્રહ્મજ્ઞાનના ફંદથિ ફગિયો. ૬૮

થયો સ્વામિનો શિષ્ય હું ખરો, તમે તમને ગમે તેમ કરો;

સમ ખાઈ કહું સાચી વાત, સ્વામી છે પરબ્રહ્મ સાક્ષાત. ૬૯

એ છે કોટિ ભુવન કરતાર, સકળેશ્વર સર્વઆધાર;

નકી કલ્યાણની હોય આશ, તમે થાઓ એના સઉ દાસ. ૭૦

એવી સાંભળીને એની વાણી, દૈવી જીવોએ દિલમાંહિ આણી;

સતસંગી થયા તે તો સારા, ન થયા જન જેહ નઠારા. ૭૧

તે તો નિંદા કરે એવું ભાખી, વશ કીધો એને ભુતી14 નાંખી;

માટે વાત ન માનવી એની, બધી બુદ્ધિ ફરી ગઈ તેની. ૭૨

ખૈયો કેવો થયો ભલો ભક્ત, જેવો અક્ષરધામનો મુક્ત;

કર્યો પ્રેમ પ્રભુપદે કેવો, મુખે ભાગે મહામુનિ જેવો. ૭૩

જીત્યો શ્રીહરિયે ખૈયો વંકો,15 તેથી દેશમાં વાગિયો ડંકો;

એનું આખ્યાન સુણશે કે ગાશે, તેને શ્રીહરિમાં સ્નેહ થાશે. ૭૪

પુષ્પિતાગ્રાવૃત્ત

વિધ વિધ વ્રત તીર્થમાં કરાય, ફળ શુભ જેટલું તે થકી પમાય;

હરિ હરિજનનાં ચરિત્ર જે છે, ફળ સુણનાર વિશેષ તેથિ લે છે. ૭૫

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે ષષ્ઠકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

ખૈયાખતરીઆખ્યાન-કથનનામા દ્વાવિંશતિતમો વિશ્રામઃ ॥૨૨॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે