કળશ ૬

વિશ્રામ ૨૩

પૂર્વછાયો

માંડવી બંદરમાં રહી, ખૈયા ખત્રીને કરી નિજદાસ;

શ્રીહરિ સૌ સંતને કહે, જઈ રહો શ્રીપુરની પાસ. ૧

ચોપાઈ

તમે જઈને શ્રીનગર સમક્ષ, જ્યાં છે આમલીનાં ઘણાં વૃક્ષ;

રહો તે સ્થળમાં કરી વાસ, સતશાસ્ત્રનો કરજો અભ્યાસ. ૨

જન દૈવીને ઉપદેશ દેજો, સદા આનંદ માંહિ રહેજો;

ભિક્ષા માગવા પુરમાંહી જાજો, નદીતીરે ગોળા વાળી ખાજો. ૩

કોઈ દે માન કે અપમાન, સદા ગણજો તે બેય સમાન;

ભિક્ષા માગવા જાઓ જે ઠાર, કાઢી મુકે કરી તિરસ્કાર. ૪

તોય ત્યાં ભિક્ષા માગવા જાવું, તિરસ્કારથી નહિ શરમાવું;

શિર કાંકરા કે નાખે ધૂળ, તે તો જાણજો પુષ્પની તુલ્ય. ૫

કરે ટુંકારા ગાળ ઉચારે, તેથી રસ ન કરશો લગારે;

ચિત્તમાં સૌનું હિત ચહાજો, તમે નમ્ર ને નિર્માની થાજો. ૬

એક દરવાજે પેસતાં વારે, બીજે ત્રીજેથી પેસવું ત્યારે;

નિરમાનીપણું અતિ જેહ, જાણો સંતનું ભૂષણ તેહ. ૭

સદાકાળ રહી સાવધાન, ધરજો મારી મૂર્તિનું ધ્યાન;

કરજો સદા બ્રહ્મકલ્લોલ, મુખે બોલશો નહિ બીજો બોલ. ૮

વળી સદગુરુ ગોવિંદ સ્વામી, રહ્યા જેતલપુરમાં વિરામી;

મારી આજ્ઞાથી યજ્ઞ તે કરશે, ઘણા વિપ્રો વરુણીમાં વરશે. ૯

કરજીસણના નાનાભાઈ, યજમાન થશે તેહ માંઈ;

તેડાવે તો તમે તહીં જાજો, કામકાજમાં સામેલ થાજો. ૧૦

કર્યા એમ કહીને વિદાય, ગયો શ્રીપુર તે સમુદાય;

રહ્યા આમલીયો માંહિ જઈ, કરે ભજન સદા સ્વસ્થ થઈ. ૧૧

એવે અવસરે જેતલપુરમાં, અતિ આનંદ લાવિને ઉરમાં;

કયો ગોવિંદ સ્વામીએ જજ્ઞ, યજનાર1 નાનાભાઈ સુજ્ઞ. ૧૨

ત્યારે શ્રીપુરથી સર્વ સંત, તેણે તેડાવિયા મતિમંત;

તેથી ત્યાં સર્વ સંત તે ગયા, યજ્ઞકામમાં સામેલ થયા. ૧૩

દેશદેશથી હરિજન આવ્યા, ઘણી સામગ્રી યજ્ઞની લાવ્યા;

થયું આજ્ઞાથી યજ્ઞનું કામ, કચ્છમાંથી ન આવિયા શામ. ૧૪

વસંતતિલકાવૃત્ત

   આજ્ઞાથિ જેનિ અતિ અદ્‌ભુત કામ થાય,

   ઉત્પત્તિ ને સ્થિતિ તથા પ્રલયે જણાય;

   બ્રહ્મા રમેશ2 ગિરિજેશ3 કરે જ કામ,

   આજ્ઞા થકી જગતકામ નભે તમામ. ૧૫

ચોપાઈ

થયો આજ્ઞા થકી યજ્ઞ એમ, થાય ઉત્પત્તિ સ્થિતિ લય જેમ;

થયો જગતમાં જયજયકાર, થયાં આશ્રિત બહુ નરનાર. ૧૬

પછી કચ્છથિ શામ સંચરિયા, પ્રભુ હાલારમાં પરવરિયા;

જામનગર ગયા જગદીશ, અતિ હરખિયો ત્યાંનો અધીશ.4 ૧૭

તેણે સારું કર્યું સનમાન, ભાવે આપિયું ભોજન પાન;

બહુ વેદાંતિયોને બોલાવ્યા, સભામાં શ્રીહરિને તેડાવ્યા. ૧૮

તેમાં શ્રીજીયે ચર્ચા ચલાવી, સત્યતા નિજમતની ઠરાવી;

પછી ચાલ્યા પ્રભુ સંત જોડે, ગામ અલૈયે થૈ ગયા મોડે. ૧૯

વણથળિયે કાલાવડે ગયા, ટોડા ગામે ગયા કરી દયા;

ગયા કંડોરડે કૃપાનાથ, ઝાંઝમેર ગયા જનસાથ. ૨૦

ઉપલેટે ને જાળિયે થૈને, રહ્યા રાત ગણોદમાં જૈને;

ગયા માણાવદર મહારાજ, ત્યાંથી પંચાળે સહિત સમાજ. ૨૧

ઝીણાભાઈને દરબારમાંય, મેડી ઉપર ઉતર્યા ત્યાંય;

અદીબાઈ તથા ગગાભાઈ, તેણે સેવ્યા મહા સુખદાઈ. ૨૨

તેઓનો ઘણો નેહ નીહાળી, માસ બે રહ્યા ત્યાં વનમાળી;

દિવ્ય લીલા કરી ચમત્કારી, પામ્યાં અચરજ બહુ નરનારી. ૨૩

વળી માનુષી પણ લીલા કરી, મંદવાડ તણું મિષ5 ધરી;

શામ સાજા થયા વળિ જ્યારે, ઝીણાભાઈ પ્રત્યે કહ્યું ત્યારે. ૨૪

નોતરો આખું ગામ તમારું, દેવું ભોજન સારામાં સારું;

કાં તો બરફી ને પેંડા મંગાવો, કાં તો લાડુ જલેબી કરાવો. ૨૫

ઝીણાભાઈ બોલ્યા જોડી હાથ, પુછો ગામના લોકને નાથ;

જેવા ભોજનથી રીઝે એહ, પકવાન પડાવિયે તેહ. ૨૬

મુખ્ય લોકોને પૂછિયું માવે, કહો ભોજન તમને શું ભાવે?

અમારે છે જમાડવું ગામ, ભાવે તમને કહો તે આ ઠામ. ૨૭

લાડુ લાખણશાઇ6 કરાવું, કો તો સારી જલેબી પડાવું;

કો તો બાસુંદી કો તો શ્રીખંડ, કો તો પિરશીયે ખાજાં અખંડ. ૨૮

સુણી લોક બોલ્યા મુખે આવું, લાડવા જલેબીમાં શું ખાવું?

એ તો ભોજનમાં ન ગણાય, પૂરું પેટ ભરી ન ખવાય. ૨૯

લાગે શ્રીખંડ બાસુંદી કેવી, ઘેંશ7 ખાટી અને ગળી જેવી;

હોય ત્રેવડ જમાડવાની, કરાવો રસોઈ મનમાની. ૩૦

ચોખા ગોળ ને ઘી પીરસાય, ત્યારે તો ડંકો દેશમાં થાય;

પછી શ્રીહરિયે તેવી રીતે, આખું ગામ જમાડિયું પ્રીતે. ૩૧

સુણો ભૂપ અભેસિંહ ભ્રાત, રાંક તો કુશકે8 રળિયાત;

ખાખરા તણિ ખીસ્કોલી જેહ, સારી સાકર શું જાણે તેહ. ૩૨

ઉપજાતિવૃત્ત (અપરિક્ષક વિષે)

જેની નહીં કીંમત હોય જેને, તે વસ્તુ તો તુચ્છ જણાય તેને;

તુવેરનો જે નહિ સ્વાદ જાણે, તે કોદરા9 કે કળથી10 વખાણે. ૩૩

અભ્યાસ જેને નિત્ય હોય જેવો, તેને સદા સ્વાદ ગમે જ તેવો;

જેને સદા ખીચડિ ખૂબ ભાવે, બિરંજ ખાતાં જ બકારિ આવે. ૩૪

જેઓ વસે છે જન ભાલ દેશે, મેવા તણો સ્વાદ શું જાણિ લેશે;

જે સ્વાદ તો રાયણનો ન જાણે, પાકી લિંબોળી જ ચુસી વખાણે. ૩૫

જે પાઘડી પેઠણની11 ન પ્રીછે, ખાદી તણો ખેસ વિશેષ ઇચ્છે;

ભોળા ભલા ગામડિયા બિચારા, ઘી ગોળ ચોખા જમિ રીઝનારા. ૩૬

તેઓ વિષે ઉત્તમ ગુણ એ છે, ભક્તી ભલી તે પ્રભુની કરે છે;

સ્વરૂપની નિશ્ચળ ગાંઠ વાળે, છૂટે નહીં તે પછિ કોઈ કાળે. ૩૭

ખેડૂ ખરા પ્રેમિ સુભક્ત પૂરા, વેપારિયો એહ થકી અધૂરા;

વિપ્રો વિષે ઉત્તમ ભક્ત અર્ધ, કોઈ ભલા ચારણ ભાટ વૃદ્ધ. ૩૮

ચોપાઈ

પંચાળામાં રહી પરમેશે, લીલા કીધી વિચિત્ર વિશેષે;

પછી ત્યાંથી ગયા પીપલાણે, જૂનેગઢ ગયા તે સહુ જાણે. ૩૯

પુર પાસે અવેડાની વાવ્ય, તહાં ઉતર્યા મનોહર માવ;

રામજીભાઈ નાગર નાતે, આવ્યા સામૈયું લૈ બલિ ભાતે. ૪૦

વાજતે ગાજતે પધરાવ્યા, ભાળી સૌ જનને મન ભાવ્યા;

ભીમજીભાઈ નાગર ઘેર, ઉતર્યા પ્રભુજી શુભ પેર. ૪૧

જુનાગઢના મળી હરિજન, પૂજ્યા પ્રભુપદ પરમ પાવન;

ત્યાંના વાસી નાગર હરિરામ, કર્યા સંન્યાસી તેને તે ઠામ. ૪૨

બીજા નાગર રામજીભાઈ, કહ્યું તેણે અહી સુખદાઈ;

મને પણ પ્રભુ આપો સંન્યાસ, ભાગો જન્મમરણ ભવત્રાસ. ૪૩

સુણી બોલ્યા શ્રીજી શુભ પેર, મારી આજ્ઞા થકી રહો ઘેર;

નવ લેવો તમારે સંન્યાસ, સદા સંસારથી છો ઉદાસ. ૪૪

સેવા સંતની કરજો સુજાણ, તેથી થાશે તમારું કલ્યાણ;

સુણી આજ્ઞા હરી તણી એવી, રહ્યા ઘરમાં રીતિ ત્યાગી જેવી. ૪૫

જળ ઉપર કમળ રહે જેમ, રહ્યા સંસારમાં પણ તેમ;

એક સમય શ્રીજીમહારાજ, કાળવા નદિયે નાવા કાજ. ૪૬

જૈને શ્વેત શિલા પર બેશી, નાહ્યા નિરખતાં દેશી વિદેશી;

શોભા એ અવસર બની કેવી, ક્ષીરસાગરને તટ જેવી. ૪૭

શેષનાગે શું કુંડળી વાળી, બેઠા તે પર શ્રીવનમાળી;

તેના ઉપર ઘન જેમ વરસે, સ્નાન કરતાં શ્રીજી એવા દરસે. ૪૮

યોગધારણા તે નદી તીરે, સંતને શીખવી નરવીરે;

દેખાડ્યો બહુ ચમતકાર, જને જાણ્યો પ્રતાપ અપાર. ૪૯

ભીમજીભાઈને ઘેર આવી, જમ્યા થાળ પ્રભૂ રુચિ લાવી;

કેટલાક દિવસ તહાં ઠરિયા, જુનાગઢથી પછી પરવરિયા. ૫૦

થાણાગાલોલ ગામમાં ગયા, માવા પટેલને ઘેર રહ્યા;

રુડી પત્નિ તેની રૈયાંબાઈ, તેણે સેવ્યા સ્નેહે સુખદાઈ. ૫૧

ત્યાંથી સંચરિયા ઘનશામ, ગયા ગિરધર ડેરડી ગામ;

વાળા વાઘા મેરામનો જેહ, ઉત્તરાદો છે ઓરડો તેહ. ૫૨

તેમાં ઉતર્યા ત્રિભુવનનાથ, હતા સંત ને પાર્ષદ સાથ;

શેઠ રૂપશી પટેલ હીરો, એક આંબો અને એક વીરો. ૫૩

સેવા સૌયે મળી સજી સારી, ગયા કોટડે કુંજવિહારી;

વાંકિયે મોકા ખાચર ઘેર, ઉતર્યા પ્રભુ જૈ રુડી પેર. ૫૪

ગયા ખંભાળે સુંદરશામ, રહ્યા ઓઘડ ખાચર ધામ;

તેનો માણશિયો સુત સારો, તેણે સેવિયા ધર્મદુલારો. ૫૫

કરિયાણે ગયા કૃપાનાથ, ત્યાંથી વાવડિયે સંત સાથ;

ભલા ભક્ત તહાં નાનબાઈ, સ્નેહે સેવ્યા તેણે સુખદાઈ. ૫૬

એમ વિચરી ઘણે ઘણે ઠામ, ગયા ગોવિંદ ગઢડે ગામ;

મહારાજ કરી ઘણી મહેર, દેતાં દર્શન જૈ ઘેર ઘેર. ૫૭

દયા આજ દેખાડી દયાળ, એવી કીધી નથી કોઈ કાળ;

નિજ જનને લડાવિયાં લાડ, માનિ શકિયે નહીં પૂરો પાડ. ૫૮

પુષ્પિતાગ્રાવૃત્ત

નરતનુ ધરિ ધર્મભક્તિલાલે, કરિ કરુણા કળિકાળમાં કૃપાળે;

અવર સમયમાં કદાપિ એવી, નથિ નિરખી નથિ સાંભળી જ તેવી. ૫૯

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે ષષ્ઠકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિકચ્છહાલારસૌરાષ્ટ્રદેશવિચરણનામા ત્રયોવિંશો વિશ્રામઃ ॥૨૩॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે