વિશ્રામ ૨૪
પૂર્વછાયો
શ્રીગિરિધર બહુ ગામમાં, જઈ આવ્યા દુરગપુર ધામ;
આવી વસંતની પંચમી, આવ્યા હરિજન સંત તે ઠામ. ૧
ચોપાઈ
થયો ત્યારે સમૈયો તે સારો, આવ્યા હરિજન લોક હજારો;
રૂડી રીતથી રંગ રચાવ્યો, મણ ઝાઝા ગુલાલ મંગાવ્યો. ૨
કર્યો ઉત્સવ ઉત્તમ બેશ,1 ગયા સત્સંગી સર્વ સ્વદેશ;
વળી સત્સંગની વૃદ્ધિ કરવા, સંતમંડળ મોકલ્યાં ફરવા. ૩
એવામાં રાજકોટના રાયે, સ્નેહે શ્રીજીને તેડાવ્યા ત્યાંયે;
તેડવા મોકલ્યા અસવાર, લખી પત્રમાં વિનતી અપાર. ૪
સાથે લૈ થોડો સંતસમાજ, રાજકોટ ચાલ્યા મહારાજ;
વાટે હરિજનનાં ગામ આવે, સૌને આનંદ ત્યાં ઉપજાવે. ૫
રાજકોટ ગયા એવી રીતે, ત્યારે પુરપતી પુરણ પ્રીતે;
રાજા સુરોજી સામૈયે આવ્યા, વાજાં વિવિધ પ્રકારનાં લાવ્યા. ૬
લાવ્યા અસવારી સંગે અનૂપ, ભલા શ્રી રાજકોટના ભૂપ;
લાગ્યા પ્રેમે પ્રભુજીને પાય, કરી દર્શન હરખ્યા તે રાય. ૭
ગાજતે વાજતે તેહ વાર, પ્રભુ પધાર્યા પૂર મોઝાર;
હાલ જ્યાં છતરી છે રૂપાળી, તહાં ઉતરિયા વનમાળી. ૮
તંબુ રાખેલા ઉભા કરાવી, પ્રભુ ઊતર્યા તે મધ્યે આવી;
રાયે તે દિન આપી રસોઈ, જમ્યા શ્રીહરિ ને સંત સોઈ. ૯
હરિભક્ત રહ્યા સહુ પાસ, કરે સેવા સહુ હરિદાસ;
પછી બોરડીનો જેહ વૃક્ષ, ત્યાં પધાર્યા પ્રભુજી પ્રત્યક્ષ. ૧૦
ભેટ ભક્ત બદ્રીફળ2 ધર્યાં, હેતે હરિયે અંગિકાર કર્યાં;
હતાં તે ફળ ઉત્તમ સ્વાદી, જમીને સૌને આપી પ્રસાદી. ૧૧
લાવી ઉત્તમ સર્વ સામાન, બાંધ્યો હેતે હિંડોળો તે સ્થાન;
બાંધનારા છે પ્રેમી અપાર, કહું નામ તેનાં નીરધાર. ૧૨
પુરા પ્રેમ વિષે ભરપુર, અતિ ઉમંગ છે જેને ઉર;
ભટ માહેશ્વર મહાદેવ, રણછોડ કરે હરિસેવ. ૧૩
વ્યાસ ઇંદરજી અતિ ભાવે, હાસ્યરસે હરિને હસાવે;
જાણે હાસ્ય તણી વાતો ઝાઝી, કરે શ્રીહરિને બહુ રાજી. ૧૪
દેવકૃષ્ણ છે તેહના ભાઈ, જેને શ્રીહરિ સાથે સગાઈ;
શેઠ કરસનજી નિષ્કામ, ભક્ત કરશન ઠક્કર નામ. ૧૫
મિસ્ત્રી માંડણ વાલો ને ઉકો, હરિભક્તિ માંહિ જેહ પક્કો:
મિસ્ત્રી માવજી પાંચો ગોવિંદ, દેવરાજ જેરામ સ્વછંદ. ૧૬
એહ આદિ સહ હરિજન, ભલા ભાવે ઝુલાવે જીવન;
આપે દાસને દર્શનદાન, ભલી રીતથી શ્રીભગવાન. ૧૭
પ્રભુ પધાર્યા જાણી તે વાર, આસપાસ તણા દરબાર;
આવ્યા તે સહુ દર્શન કાજ, નેહે નિરખિયા મહારાજ. ૧૮
પાડાસણ ખાંભા ને વડાળી, લોધિકા અને ક્રાંકશિયાળી;
મેંગણી ને વાગોદડ કૈયે, માખાવડ આદિક ગામ લૈયે. ૧૯
ત્યાંના રાજાઓને બહુ સ્નેહ, આવ્યા દર્શન કરવાને તેહ;
તેને પ્રૌઢ પ્રતાપ જણાવ્યો, નિજ રૂપનો નિશ્ચે કરાવ્યો. ૨૦
થોડા દિવસ તહાં રહી નાથ, ચાલ્યા ગઢપુર સંતની સાથ;
આવી ત્યાં સારો સમૈયો ભર્યો, ફૂલડોળનો ઉત્સવ કર્યો. ૨૧
મુક્તાનંદ આદિક મુનિજન, આવ્યા ત્યાં કરવા દરશન;
સતસંગીયે આવ્યા અપાર, નેણે નિર્ખવા ધર્મકુમાર. ૨૨
ગયો ઉત્સવનો દિન જ્યારે, ગયા સૌ નિજ નિજ ઘર ત્યારે;
જીવો ખાચર સારંગપુરના, ભલા ભક્ત હરિની હજુરના. ૨૩
કહ્યું તેણે કરીને પ્રણામ, મારે ગામ ચાલો ઘનશામ;
સાથે લ્યો સહુ સંતસમાજ, મારો પુરો મનોરથ આજ. ૨૪
ભાખે એવું સુણિ ભગવાન, તમે જૈને કરાવો સામાન;
કાલે આવશું સંત સહિત, તમે ચિંતા ન રાખશો ચિત્ત. ૨૫
કર્યા એમ કહીને વિદાય, પ્રભુ ચાલ્યા બિજે દિન ત્યાંય;
જતાં ગામ આવ્યું ધિકવાળી, વાડીમાં ઉતર્યા વનમાળી. ૨૬
હતા સોમલો ખાચર સાથે, તેણે ધાબળી પાથરી હાથે;
બેઠા તે પર શ્રીમહારાજ, બેઠો આગળ સંતસમાજ. ૨૭
પ્રભુયે પુછ્યું માળીને ત્યાંય, શું શું પાકે છે આ વાડીમાંય?
કહે માળી પાકે ઘણાં શાક, પણ સર્વથી સરસ વૃંતાક. ૨૮
મીઠાં આંહિનાં વૃંતાક જેવાં, બીજે કાંઈ થતાં નથી તેવાં;
સુણી ધાર્યું દિલે મહારાજે, જમાડું શાક સંતોને આજે. ૨૯
મણ વૃંતાક માળીની પાસે, માગ્યાં એ અવસર અવિનાશે;
કહે માળી રુપૈયો લહીશ, તે હું પોચાડવા ત્યાં આવીશ. ૩૦
કૃષ્ણે વાત કરી તે કબૂલ, તને આપિશ એટલું મૂલ;
મણ વૃંતાક તે માળી લાવ્યો, તેનો ગાંસડો એક બંધાવ્યો. ૩૧
હતો મૂરખ માળી તે કેવો, કોઈને નવ ઓળખે એવો;
માગ્યો તેણે ત્યાં રુપૈયો એહ, કોઈ પાસે હતો નહીં તેહ. ૩૨
કરી કૃષ્ણે જવાની તૈયારી, કરી ઘોડી ઉપર અસવારી;
મૂર્ખ માગી લાગ્યો અકળાવા, મૂલ લૈશ ત્યારે દૈશ જાવા. ૩૩
કહે સંતો હરિને તે ટાણે, શીદ શાક લીધું વિના નાણે?
કહે કૃષ્ણ ફિકરમાં ન પડિયે, નાણું ચાલ્યું આવે છે આ ઘડિયે. ૩૪
કહે વર્ણિ સુણો વસુધેશ, સત્યસંકલ્પ શ્રીપરમેશ;
જેનો સંકલ્પમાત્ર જો થાય, કોટિ બ્રહ્માંડ ઉપજે ને જાય. ૩૫
જળસ્થાને કરે સ્થળ પળમાં, મેરુને તો ડુબાડી દે જળમાં;
તેના સંકલ્પથી શું ન થાય? પણ મૂરખને ન મનાય. ૩૬
ભક્ત બોટાદના જણ બેય, મૂળચંદ કેશવજી તેય;
ઉઘરાણી તે ગામડે કરતા, હરિઇચ્છાયે ત્યાં આવ્યા ફરતા. ૩૭
જાણ્યું છે આંહિ શ્રીમહારાજ, કોડે આવિયા દર્શન કાજ;
પ્રભુપદ પાંચ રુપૈયા ધરી, પગે લાગ્યા દંડવત કરી. ૩૮
પામ્યા અચરજ સૌ મનમાંય, કૃષ્ણમાયા કળી ન શકાય;
આપ્યો રૂપૈયો માળીને જ્યારે, તેણે ગાંસડી શિર લીધી ત્યારે. ૩૯
ગયા સારંગપુર સુખધામ, સામું આવ્યું સામૈયું તે ઠામ;
પુરમાં પધરાવિયા હરી, સેવા સર્વ પ્રકારથી કરી. ૪૦
માળીયે શાકનો ઢગ કીધો, જીવે ખાચરે રૂપૈયો દીધો;
પ્રભુનો તે તો પાછો અપાવ્યો, તેહ શાકનો પાક કરાવ્યો. ૪૧
સંતને પીરશું ભગવંતે, કર્યાં ભાવતા ભોજન સંતે;
રહ્યા ત્યાં હરિ એક બે રાત, પછી ચાલવા માંડ્યું પ્રભાત. ૪૨
મુક્તાનંદજીને મહારાજ, કહે હું કહું તે કરો કાજ;
જાઓ મંડળ લૈ તમે ફરવા, હરિભક્તોને આનંદ કરવા. ૪૩
ઝાલાવાડ્યમાં દૈ ઉપદેશ, ફરજો પછિ દંઢાવદેશ;
તમે ત્યાંથિ જજો ચરોતરમાં, ફરો ગામડાંમાં ને નગરમાં. ૪૪
મુનિ છો તમે તો મુજ અંગ, આપે ઈશ્વરમૂર્તિ અભંગ;
મને પૂજે છે હરિજન જેમ, તમને પણ પૂજશે તેમ. ૪૫
મારા દર્શનથી સુખ જેવું, તમ દર્શનથી થશે તેવું;
માટે દ્યો સહુને જઈ સુખ, મટે મારા વિજોગનું દુઃખ. ૪૬
પૂર્વછાયો
ઉદ્ધવજી વ્રજમાં ગયા, જેમ આજ્ઞા ધરીને શીશ;
તેમ તમે ઝાલાવાડ થઈ, જજો દંઢાવ ચરોતર દીશ. ૪૭
ચોપાઈ
મુક્તાનંદ કહે મહારાજ, આપ જે કહો તે કરું કાજ;
કરો આજ્ઞા જેને તમે કાંઈ, ધન્ય ભાગ્ય તેનાં જગમાંઈ. ૪૮
હું તો ઇચ્છું છું એમ હંમેશ, કાંઈ આજ્ઞા કરે પરમેશ;
અતિ હર્ખે કરું કામ તેહ, જાણું જન્મ સુફળ થયો એહ. ૪૯
સંતમંડળ લૈ મુજ સાથ, ઝાલાવાડમાં જૈશ હું નાથ;
એવાં વિનયનાં વચન ઉચ્ચારી, પદ પ્રણમીને કીધી તૈયારી. ૫૦
ત્યારે સંત તે લાગ્યા સિધાવા, વિચર્યા વાલો તેને વળાવા;
જીવો ખાચર પણ હતા સાથ, ગયા ગામને પાદર નાથ. ૫૧
કહે છે જન જ્યાં હોળિધાર, સર્વ ઊભા રહ્યા એહ ઠાર;
મુક્તાનંદ ઉપર એહ ટાણે, સ્નેહ બહુ કર્યો શામ સુજાણે. ૫૨
પોતે પાંચ પ્રદક્ષિણા કરી, પછી ઘોડેથિ ઊતર્યા હરી;
દંડવત કરવા લાગ્યા જ્યારે, મુક્તાનંદે ઝાલી રાખ્યા ત્યારે. ૫૩
કહે તે સમે ધર્મકુમાર, દંડવત કરવા દ્યોને ચાર;
તમે સંત મહાંત છો કેવા, નથિ બ્રહ્માંડમાં તમ જેવા. ૫૪
મારો સંકલ્પ થાય છે જેમ, તમે સમજીને વરતો છો તેમ;
મારે અર્થે સંકષ્ટ સહો છો, દામ વામથી દૂર રહો છો. ૫૫
સહો છો ખળનો ઉપહાસ, સહો છો જન દુષ્ટનો ત્રાસ;
મારે અર્થે તજ્યું તમે માન, તજ્યાં સારાં સારાં ખાનપાન. ૫૬
તમે ત્યાગિ તપસ્વી છો ભારે, માટે વંદનયોગ્ય છો મારે;
મુનિ બોલિયા સ્નેહસંયુક્ત, સેવે તમને તો અક્ષરમુક્ત. ૫૭
રહે આજ્ઞામાં તે દિનરાત્ર, એની આગળ હું કોણમાત્ર?
દયાસાગર છો તમે દેવા, માની લ્યો છો ઘણી અલ્પ સેવા. ૫૮
એવાં વચન અનેક ઉચ્ચારી, પ્રભુની છબિ અંતર ધારી;
જોઈ મુક્ત મુનીનો સમાજ, મળ્યા સર્વને શ્રીમહારાજ. ૫૯
પ્રેમે પ્રણમીને પ્રભુપદદ્વંદ,3 મુનિ ચાલિયા શ્રીમુક્તાનંદ;
પછી કૃષ્ણને તેડવા કાજ, સતસંગીનો આવ્યો સમાજ. ૬૦
કારિયાણી ને કુંડળ કેરા, ભક્ત આવ્યા મળીને ઘણેરા;
કરિ વિનતિ કરીને પ્રણામ, ચાલો નાથ અમારે જ ગામ. ૬૧
સુણી શબ્દ અંતરમાં ઉતાર્યા, કારિયાણીયે કૃષ્ણ પધાર્યા;
સખા સહિત રહ્યા તહાં રાત, ગયા કુંડળ ઊઠિ પ્રભાત. ૬૨
વસ્યા કાંઈ દિવસ તહાં વાસ, સ્નેહે સેવા સજે સહુ દાસ;
પટગર અમરો ને મામૈયો, હરિ પૂજીને હરખિત થૈયો. ૬૩
રુડાં ભક્ત વળી રાઈબાઈ, તેની સેવા તો સરસ ગણાઈ;
નદી ત્યાં છે ઉતાવળિ નામ, તેમાં નાવા ગયા ઘનશામ. ૬૪
ગામથી તો પુરવ દિશ ભાગ, બરવાળે જવાનો છે માગ;
વીશ હસ્ત ઉત્તર દિશે ત્યાંય, હૃદ4 નીરનો છે નદીમાંય. ૬૫
સખા સહિત સજી અસવારી, તેમાં નાવા પધાર્યા મુરારી;
વસ્ત્ર નાવાનું ધારીને અંગે, પ્રભુ નાવા પેઠા જન સંગે. ૬૬
ઉપજાતિવૃત્ત
પેઠા નદીમાં જળ શુદ્ધ ભાળી, બોલે જનો કીર્તન પાડિ તાળી;
સંતો હતા શ્રીહરિની હજૂર, કાઠી ગયા કાંઈક ત્યાંથિ દૂર. ૬૭
જુવાન કાઠી જળમધ્ય જૈને, કુદ્યા તર્યા ખૂબ પ્રમત્ત5 થૈને;
પછીથી કોરાં ધરિ વસ્ત્ર અંગે, આવ્યા પ્રભુ આગળ સૌ ઉમંગે. ૬૮
પગે પ્રભુને અડવાનું ધાર્યું, ત્યાં વેણ એવું હરિયે ઉચાર્યું;
અશુદ્ધ કાયા કરિ છે જરૂર, માટે રહો સૌ અમથી જ દૂર. ૬૯
નાયા તમે ત્યાં નહિ શુદ્ધ નીર, ત્યાં તો હતું તે સઘળું રુધીર;
માટે કરો સ્નાન સહૂ ફરીને, વાણી વદું તે મનમાં ધરીને. ૭૦
પ્રભુની સ્મૃતિ વિના કર્યું તે વ્યર્થ તે વિષે
જેઓ પ્રભૂ કેરિ સ્મૃતી વિસારી, ગંગા વિષે સ્નાન કરે પધારી;
તે સ્નાન તો શોણિત તુલ્ય જાણો, અશુદ્ધ એનું શરિર પ્રમાણો. ૭૧
પૂજા કરે ને મન હોય બીજે, પૂજા કરી તેહ નહીં કહીજે;
કરે જનો જે જપ હોમ દાન, સ્મૃતી વિના તે ન કર્યા સમાન. ૭૨
સ્મૃતી પ્રભૂની કરિને સદાય, સુકર્મ કીધે સુફલીત થાય;
સ્મૃતી વિના તો તપ કે વ્રતાદી, વદે બધું વ્યર્થ સુશાસ્ત્રવાદી. ૭૩
રટે સદા પોપટ રામ રામ, તેથી ન પામે ઝટ મોક્ષધામ;
સ્મૃતી વિના કીર્તન નિત્ય ગાય, વેશ્યા ન વૈકુંઠ વિષે વસાય. ૭૪
એવું સુણીને મન ધારિ લીધું, તે કાઠિયોયે ફરિ સ્નાન કીધું;
પગે પ્રભુને પછિ આવિ લાગી, પ્રસન્નતા લીધિ મુખેથિ માગી. ૭૫
ચોપાઈ
પછિ રૂડિ રિતે સુખરાશી, આવ્યા ઊતારે શ્રીઅવિનાશી;
કથા વારતા ત્યાં નિત્ય થાય, સૌને આનંદ ઉર ન સમાય. ૭૬
વૃષ્ટિ બ્રહ્મ આનંદની વરસે, સભા દિવ્ય અલૌકિક દરસે;
એક બે દિન ત્યાં હરિ રહ્યા, પછિ ગિરિધર ગઢપુર ગયા. ૭૭
હરિનૌમી ઉપર તેહ ઠાર, આવ્યા સતસંગિ સંત અપાર;
અતિ આનંદ ઉત્સવ કીધો, લાવ સૌયે અલૌકિક લીધો. ૭૮
સૌને સાથે લઈ હરિ ક્યારે, પુરુષોત્તમ ઘાટે પધારે;
જળકેળી કરે સખા સંગે, મુનિ કીર્તન ગાય ઉમંગે. ૭૯
માવો માણકિયે અસવાર, થૈને આવે તે પૂર મોઝાર;
વાજાં વિવિધ પ્રકારનાં વાજે, દરબારમાં આવિ બિરાજે. ૮૦
સભા શ્રીહરિ આગળ થાય, જોતાં દૈવીને દિવ્ય દેખાય;
જન હોય હજારો જે ત્યાંય, સૌનિ દૃષ્ટિ તો શ્રીહરિમાંય. ૮૧
જાણે સૌને થઈ શું સમાધિ, અલ્પમાત્ર દિસે ન ઉપાધિ;
મહાજોગિયોની સ્થિતિ જેવી, નરનારિયોની દીસે એવી. ૮૨
દશ વર્ષનાં બાળક હોય, દિસે મૂર્તિ વિષે લીન તોય;
દૃષ્ટિ એકાગ્ર પ્રભુપદ ધારે, કોઈ આંખનું મટકું ન મારે. ૮૩
એ તો અદ્ભુત વાત જણાય, જોતાં સમજુને નિશ્ચય થાય;
માને મૂરખ તો ઇંદ્રજાળ, નવ જાણે જે આ જગપાળ. ૮૪
પૂર્વ પાપ આવી આડાં થાય, તેને શ્રીહરિ નવ ઓળખાય;
જેનાં સંચિત શુભ હોય કાંઈ, તે તો માને તરત મનમાંઈ. ૮૫
સમૈયો નિરખી શુભ પર, ગયા હરિજન સૌ નિજ ઘેર;
ઝિંઝાવદર જેહનું ગામ, જેનું અલૈયો ખાચર નામ. ૮૬
એણે અરજ કરી એહ વારે, પ્રભુ ગામ પધારો અમારે;
એવું ઇચ્છે છે ગામના વાશી, ક્યારે આવે અહીં અવિનાશી. ૮૭
દીનબંધુનાં દર્શન કરિયે, ભવસાગર પાર ઉતરિયે;
એમ ઝંખે છે સર્વ સદાય, માટે કૃષ્ણ કરીને કૃપાય. ૮૮
સાથે લ્યો સહુ પાર્ષદ સંત, ભલી રીતે આવો ભગવંત;
સુણિ બોલિયા સુંદરશામ, કાલે આવશું આપને ગામ. ૮૯
સુણિ વાલાનાં એવાં વચન, અલૈયો પામ્યા આનંદ મન;
અહો કૃષ્ણ કૃપાળુ છે કેવા, જાય જનઘેર દર્શન દેવા. ૯૦
પુષ્પિતાગ્રાવૃત્ત
અગણિત અજ ઇંદ્ર ઈશ જેવા, દરશન લાભ ચહે અલભ્ય લેવા;
નરતનુ ધરિ તેહ ધર્મલાલ, દરશન દે જનઘેર જૈ દયાળ. ૯૧
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે ષષ્ઠકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
દુર્ગપુરે શ્રીહરિનૌમિ-ઉત્સવકરણનામા ચતુર્વિશતિતમો વિશ્રામઃ ॥૨૪॥