વિશ્રામ ૨૭
પૂર્વછાયો
લીલા પાંસઠની સાલની, કહું સંક્ષેપથી સુણો રાય;
રથજાત્રા ગઢપુર રહી, કરી બેસતે વરષે ત્યાંય. ૧
ચોપાઈ
દેવપોઢણિનો દિન આવ્યો, ત્યારે ઉત્સવ સરસ કરાવ્યો;
કૃષ્ણજન્માષ્ટમી આવી જ્યારે, થયો સારો સમૈયો તે વારે. ૨
હવે પામી કથાનો પ્રસંગ, કહું એક કથા તણું અંગ;
ગુણવંતુ પાડાસણ ગામ, સરતાનજી ભૂપ તે ઠામ. ૩
વડાળી ગામના મેઘોભાઈ, જેઠીભાઈ ખાંભા ગામ માંઈ;
કહું ગામ છે કાંકશિયાળી, હકાભાઈની ત્યાં સ્થિતિ ભાળી. ૪
દૈવી જીવ સગા સ્નેહી ચારે, નિજ કલ્યાણ કરવાનું ધારે;
ક્યાંઈ સાંભળે સદ્ગુરુ વાસ, કરે ત્યાં જઈ તેની તપાસ. ૫
સ્વરૂપાનંદ સદ્ગુરુ જેહ, પાડાસણમાં પધારિયા તેહ;
સરતાનજીયે સુણિ વાત, કર્યાં દર્શન જઈ સાક્ષાત. ૬
દીઠા અદ્ભુત ત્યાગી વૈરાગી, અહોનિશ પ્રભુપદ અનુરાગી;
તજે નારીને અષ્ટ પ્રકારે, ધન ધૂળ બરાબર ધારે. ૭
અતિ નિઃસ્વાદી ને નિરમાની, ગુણવંત તપસ્વી ને જ્ઞાની;
જાણ્યા શુક સનકાદિ જેવા, અન્ય ક્યાંઈ સુણ્યા નહીં એવા. ૮
પછી વિચારિને મનમાંય, ત્રણે મિત્રને તેડાવ્યા ત્યાંય;
મળિ ચારે ગયા સંત પાસ, સાંભળ્યો શુભ જ્ઞાનવિલાસ. ૯
પછિ પૂછ્યું પગે શિર નામી, ક્યાંથી આવ્યા છો સદ્ગુરુ સ્વામી?
દીસો છો શુક નારદ જેવા, આવ્યા છો આંહિ દર્શન દેવા. ૧૦
અમે જોયું ઘણા તીર્થમાંઈ, તમ જેવા દિઠા નહિ ક્યાંઈ;
સંપ્રદાય ચાર1 બાવન દ્વારા,2 તેમાં કોણ ગુરુ છે તમારા? ૧૧
સુણિને બોલ્યા સ્વરૂપાનંદ, સુણો શુભમતિ સદ્ગુણકંદ;
ભલા સર્વ મુમુક્ષુ છો ભ્રાત, માટે કહું છું જથારથ વાત. ૧૨
જે છે અક્ષરધામના ધામી, બળવંત પ્રભુ બહુનામી;
જે છે સર્વોપરી સુખકારી, સર્વ અવતારના અવતારી. ૧૩
તેણે કળિમળ3 કાપવા કાજ, અવતાર ધર્યો અહીં આજ;
તેનું સ્વામિનારાયણ નામ, એને ભજિયે અમે આઠે જામ. ૧૪
અમે શિષ્ય સાધુ એના છૈયે, દૈવી જીવને ઉપદેશ દૈયે;
સુણી સરતાનજી બોલ્યા ત્યાંય, તે છે સ્વામિનારાયણ ક્યાંય? ૧૫
તેનું ઠામ ઠેકાણું બતાવો, દયાસિંધુ દયા દિલે લાવો;
જેના શિષ્ય જોગી તમ જેવા, હશે સ્વામિનારાયણ કેવા! ૧૬
બોલ્યા સંત તે વાત વખાણું, કહું સ્વામિનું ઠામ ઠેકાણું;
થાય શાસ્ત્ર તણો શોધ જ્યાંય, વસે સ્વામિનારાયણ ત્યાંય. ૧૭
ઉપજાતિવૃત્ત (સ્વામિનારાયણ ક્યાં રહે છે તે વિષે)
જ્યાં શાસ્ત્રનો શોધ સદૈવ થાય, વેદાંતનાં ભાષ્ય ભલાં ભણાય;
સર્વે સુણી સદ્ગુણ સંગ્રહે છે, શ્રીસ્વામિનારાયણ ત્યાં રહે છે. ૧૮
જ્યાં જ્ઞાનનો થાય અખંડ યજ્ઞ, ધ્યાની રહે ધ્યાન વિષે નિમગ્ન;
જ્યાં દોષરૂપી સમિધો દહે છે, શ્રીસ્વામિનારાયણ ત્યાં રહે છે. ૧૯
સમાધિમાં લોક અસંખ્ય જાય, ને ઊપરાઊપર ગંજ થાય;
ગોલોકને તે નિરખી લહે છે, શ્રીસ્વામિનારાયણ ત્યાં રહે છે. ૨૦
સંસારથી નિત્ય ઉદાસી સંત, જ્યાં જ્ઞાનદાતા જનને અનંત;
માનાપમાનો સઘળાં સહે છે, શ્રીસ્વામિનારાયણ ત્યાં રહે છે. ૨૧
જ્યાં કોઈ કાળે વ્યસનો ન થાય, જ્યાં કામ કે ક્રોધ કદી ન જાય;
સદ્ધર્મને સૌ ચિતમાં રહે છે, શ્રીસ્વામિનારાયણ ત્યાં રહે છે. ૨૨
જે પ્રાપ્તિ ઇંદ્રાદિક દેવ ઇચ્છે, જે દુર્લભ પ્રાપ્તિ શિવે ગણી છે;
તે પ્રાપ્તિ લોકો સહેજે લહે છે, શ્રીસ્વામિનારાયણ ત્યાં રહે છે. ૨૩
જે જે દિસે સંશય શૈલ ભારી, તે સર્વને જ્યાં ઝટ તોડનારી;
ઉન્મત્તગંગા શ્રુતિની વહે છે, શ્રીસ્વામિનારાયણ ત્યાં રહે છે. ૨૪
નિર્ભાગિ જે દુર્ગપુરે ન જાય, વસે જહાં નિર્ભય4 નામ રાય;
ગોલોક તુલ્યે કવિયો કહે છે, શ્રીસ્વામિનારાયણ ત્યાં રહે છે. ૨૫
ચોપાઈ
એવું ચાર જણે સુણિ લીધું, સંતને પદે વંદન કીધું;
કરી ત્યાંથી પ્રયાણ સિધાવ્યા, ચારે મિત્ર દુરગપુર આવ્યા. ૨૬
ગંગા ઉન્મત્ત ત્યાં જોઈ કેવી, અવનીશ સુણો કહું એવી;
અતિ ઉત્તમ જળ જોયું એમાં, તત્ત્વ તીરથ સર્વેનું તેમાં. ૨૭
ઇન્દ્રવંશાવૃત્ત
ઉન્મત્તગંગા પય શુદ્ધ પેખિયાં, તેને વિષે તીર્થ સમસ્ત લેખિયાં;
પ્રસિદ્ધ તે પૂર્વમુખે પ્રવાહ છે, અપૂર્વ એનો મહિમા અથાહ છે. ૨૮
ઉન્મત્તતાથી ધ્વનિ ધારતી રહે, જાણે જનોને સ્વરથી સદા કહે;
જો મોક્ષઇચ્છા મનમાં જનો ધરો, તો સ્નાન આવી મુજમાં તમે કરો. ૨૯
સંતો તહાં સ્નાન સુખે સદા કરે, સુવર્ણ કુંભે જળ જોષિતા5 ભરે;
કલ્લોલ પક્ષી તટમાં કરે બહુ, જાણે પ્રભુના જશ ગાય છે સહૂ. ૩૦
તેને તટે દુર્ગપુરી દિઠી ભલી, એના સમી તો પુરિ એ જ એકલી;
છે કાશિ કાંચી6 મથુરા દુવારિકા, કોઈ ન એવી ઝટ મોક્ષકારિકા. ૩૧
દેવાલયોનાં શિખરો દિસે ઘણાં, તે જાણિયે છે શિખરો ગિરી તણાં;
તેને શિરે કાંચન કુંભ દેખિયા, સંપૂર્ણ તે શુદ્ધ શશાંક લેખિયા. ૩૨
શ્રીમંત લોકો સઘળા વસે તહાં, કુસંપ કે ક્લેશ દિસે નહીં જહાં;
વિચિત્ર છે વૈભવ તો વિશેષ ત્યાં, નિવાસ ઇચ્છે સુર ને સુરેશ જ્યાં. ૩૩
વિદ્વાન વિપ્રો અતિશે અગર્વ છે, ક્ષત્રી તહાંના શૂરવીર સર્વ છે;
વેપારિ મોટા બહુ વૈશ્ય ત્યાં રહે, સેવા સદા શુદ્ર ત્રિવર્ણની ચહે. ૩૪
ભલો દિઠો જૈ દરબાર ભૂપનો, સુરેશના સૌધ7 સમ સ્વરૂપનો;
સંપૂર્ણ જ્યાં છે સુખભોગ સંપદા, શ્રીસ્વામિનારાયણ ત્યાં વસે સદા. ૩૫
ચોપાઈ
પ્રભુને નિરખ્યા કરી પ્રીત, દીઠી સર્વ અલૌકિક રીત;
સ્વરૂપાનંદસ્વામી સમાન, દીઠા સંત અસંખ્ય તે સ્થાન. ૩૬
કોઈ શ્રીજી તણું ધરે ધ્યાન, કરે કોઈ તેના ગુણગાન;
કોઈ તો હરિરૂપ નિહાળે, જેમ ચંદ્રને ચકોર ભાળે. ૩૭
સભામાં પ્રશ્ન ઉત્તર થાય, સુણી સંશય સૌના છેદાય;
ઘણા જણને સમાધિ થયેલી, રાખ્યા ઉપરાઉપર મેલી. ૩૮
એવો પેખીને પ્રૌઢ પ્રતાપ, જાણ્યા ઈશ્વર છે આપોઆપ;
કરી વંદન વારમવાર, સતસંગી થયા મિત્ર ચાર. ૩૯
અહો ભૂપ એવાં આખ્યાન, કેટલાંક સુણાવું હું કાન;
પાર ઉચ્ચરતાં નવ આવે, જુગના જુગ જો વહિ જાવે. ૪૦
કથા ચાલતી તે હવે કહું, સુણો ભૂપ ધરી ભાવ બહુ;
ગામ પિપળિયાના સુતાર, હતા આવ્યા સમૈયા મોઝાર. ૪૧
એક વીરો તથા બિજો વેલો, જેણે પ્રભુપદ પ્રેમ ધરેલો;
તેણે વિનતિ કરી તેહ ઠામ, પ્રભુ ચાલો પિંપળીયે ગામ. ૪૨
કહે કૃષ્ણ જજો આજ તમે, કાલે આવશું ત્યાં સહુ અમે;
પછી પાત્ર રસોઈનાં લઈ, ગયા સૂતાર હર્ષિત થઈ. ૪૩
સંત પાર્ષદ લૈ સંતસ્વામી, બીજે દિવસ ગયા બહુનામી;
હરિમંદિર છે જહાં આજ, ઉતર્યા તહાં જૈ મહારાજ. ૪૪
કર્યું ભોજન ત્યાં ભગવંત, જમ્યા ત્યાં સહુ પાર્ષદ સંત;
પછી સાંજ સમો થયો જ્યારે, ગયા ગામથી દક્ષિણે ત્યારે. ૪૫
મઢીના લિંબડા તે છે જ્યાંય, શામ બેઠા સભા સજી ત્યાંય;
પુંજો ખાચર આવિયા પાસ, બેઠા વંદિને પદ અવિનાશ. ૪૬
આવ્યા હળવદના વિપ્ર આઠ, જોયો ચરણમાં ચિહ્નનો ઠાઠ;
તે તો શાસ્ત્ર સામુદ્રિક જાણે, તેથી જાણ્યા પ્રભુ તે જ ટાણે. ૪૭
અવિનાશીના આશ્રિત થયા, પછી ગામ પોતાને તે ગયા;
એક રાત રહી એહ ગામ, ગયા સારંગપુર ઘનશામ. ૪૮
જીવા ખાચરને દરબાર, રહ્યા જૈને જગત કરતાર;
કથા વારતા ત્યાં નિત્ય થાય, સંત હરિજન કીર્તન ગાય. ૪૯
વળી ત્યાં પ્રભુજી પ્રતિદીન, કરે લીલા નવીન નવીન;
ક્યારે ઐશ્વર્ય એવું દેખાડે, દીઠું સાંભળ્યું નહીં કોઈ દહાડે. ૫૦
ક્યારે મનુજચરિત્ર જણાય, દેખી બ્રહ્માદિને મોહ થાય;
દરબારનું જે તે સ્થાન, ભાસે અક્ષરધામ સમાન. ૫૧
પુરુષોત્તમ પ્રગટ બિરાજે, ભાસે અક્ષર સંત સમાજે;
ક્યારે દેવતા દર્શને આવે, પ્રભુને સારાં પુષ્પે વધાવે. ૫૨
પડે પુષ્પ તે તો સહુ પેખે, પણ દેવોને કોઇક દેખે;
ઉડે અબિર ગુલાલ કો8 ટાણે, ક્યાંથી આવ્યો તે કોઈ ન જાણે. ૫૩
ક્યારે કોઈને થાય સમાધી, જાય ધામમાં છોડી ઉપાધી;
જ્યારે જાગે ત્યારે સાક્ષાત, કરે અક્ષરધામની વાત. ૫૪
ક્યારે કોઈના મન તણી વાત, કહે અંતરજામી અઘાત;
કહે કોઈને ધર્મકુમાર, સાધુ થાઓ તજી ઘરબાર. ૫૫
તો તે તરત કરે ઘર ત્યાગ, જોતાં અચરજ લાગે અથાગ;
કાઠિ જે હતા માંસ આહારી, કર્યા વિપ્ર જેવા સદાચારી. ૫૬
એવું ઈશ્વર વગર ન થાય, સમજુએ તરત સમજાય;
વધ્યો સત્સંગ એમ અપાર, જપે નામ પ્રગટ નરનાર. ૫૭
જપે નામ મુસલમાન જાત, શૈવ વૈષ્ણવની તો શિ વાત;
થયા શ્રાવક બહુ સતસંગી, પ્રભુ ભક્તિ કરે નવ અંગી.9 ૫૮
કરીને એમ જયજયકાર, થયા ત્યાંથી જવાને તૈયાર;
સંતમંડળને લઈ સાથ, ગયા કુંડળ શ્રીકૃપાનાથ. ૫૯
પુષ્પિતાગ્રાવૃત્ત
પ્રભુ જગપતિ કુંડળે પધાર્યા, જનમનમાં અતિ હર્ષને વધાર્યા;
બહુ દિન વસિ ત્યાં ચરિત્ર કીધાં, નિજજનને સુખ વાંછિતાર્થ દીધાં. ૬૦
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે ષષ્ઠકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિકુંડળપ્રતિ-વિચરણનામા સપ્તવિંશો વિશ્રામઃ ॥૨૭॥