કળશ ૬

વિશ્રામ ૨૮

ચોપાઈ

મોકા પટગરને દરબાર, ઉતર્યા જઈ અખિલઆધાર;

લીલા કુંડળમાં કરી બહુ, સુણો કાંઈક સંક્ષેપે કહું. ૧

પત્ની પટગરની રાઈબાઈ, તે તો જાણિયે જનકની જાઈ;1

જોતાં તે મહા પ્રેમનિધાન, મટે ગોપીયોનું અભિમાન. ૨

તેણે વિપ્ર વિવેકી તેડાવી, શ્રીજી અર્થે રસોઈ કરાવી;

શાક પાક તથા પકવાન, કરાવ્યાં સુર જમણ સમાન. ૩

લાડુ કરવા માંડ્યા સંત કાજ, ત્યારે બોલિયા શ્રીમહારાજ;

લાડુ નહિ જમે સંત અમારા, તે તો બગડશે સર્વ તમારા. ૪

રસકસ જમતા નથી સંત, એવાં નિયમ ધર્યા છે અત્યંત;

જૈને મધુકરી2 લાવે છે માગી, ગોળા વાળી જમે છે તે ત્યાગી. ૫

કહે બાઈ સુણો મહારાજ, સંત જો ન જમે લાડુ આજ;

મારા ઘરમાં છે જેટલા જન, આજ કોઈ જમે નહિ અન્ન. ૬

એવો આગ્રહ બાઈનો જોઈ, આપી આજ્ઞા કરાવી રસોઈ;

પછી સંતોને પણ કહ્યું એવું, એક પાત્રમાં ભોજન લેવું. ૭

શાક દાળ લાડુ હોય ખીર, તેમાં મેળવવું પછી નીર;

એમ સ્વાદ વગર કરી જમવું, તમારે હોય અમને જો ગમવું. ૮

જમ્યા એવી રીતે સહુ સંત, ભાળી રાજિ થયા ભગવંત;

જમ્યા પ્રથમ તો શ્રીપરમેશ, પકવાન્ન વિચિત્ર વિશેષ. ૯

મોકો પટગર પામ્યા પ્રસાદી, જેહ ઇચ્છે છે અજ ભવ આદી;

બીજી લીલા કહું છું કુંડળની, એ તો છે અવિનાશી અકળની. ૧૦

એક અવસરમાં રાઈબાઈ, કહે શામને હે સુખદાઈ!

તન દુર્બળ દીસે તમારું, માટે માનો પ્રભુ કહ્યું મારું. ૧૧

વસો આંહિ ઘણા દિન વાસ, જમો સારું ભોજન અવિનાશ;

તેથી પુષ્ટ શરીર તો થાશે, બધી નિર્બળતા મટી જાશે. ૧૨

કર્યો આગ્રહ બહુ એહ સ્થાન, ભક્તઆધીન છે ભગવાન;

ઘણા દિવસ વસ્યા તહાં વાસ, ગુરુભાવે રાઈબાઈ પાસ. ૧૩

કઢેલાં દૂધ સાકર નિત્ય, પાય રાઈબાઈ કરિ પ્રીત;

ચોખી તર દૂધ ને દહીં કેરી, પ્રભુજીને જમાડે ઘણેરી. ૧૪

નદી ત્યાં છે ઉતાવળિ નામ, ધરી પીપળિયો તેહ ઠામ;

નદીનો વધ્યો મહિમા અપાર, નિત્ય નાય ત્યાં ધર્મકુમાર. ૧૫

એક દિન સખાજન લઈ સાથ, નાવા નદિયે ગયા મુનિનાથ;

પટગર અમરો મોકો નામ, તથા મામૈયો માતરો રામ. ૧૬

નાજો દેહો ને ખાચર સૂરો, સોમલો અલૈયો બળ પૂરો;

ભક્ત માતરો ધાધલ જેવો, તથા રાઠોડ ધાધલ તેવો. ૧૭

જીવો ખાચર સારંગપુરના, સખા ઇત્યાદિ હરિના હજુરના;

લીધા પાર્ષદ પણ બહુ પાસ, ચડ્યા ઘોડીયે શ્રીઅવિનાશ. ૧૮

ભલા કાઠિયો પણ અસવાર, વાજાં આગળ વાજે અપાર;

તેહ ગામથી પશ્ચિમ પાસે, નદી માંહિ ઉંડો હૃદ ભાસે. ૧૯

ટીંબલાનો ગણાય છે આરો, નાવા લાયક સૌ કહે સારો;

કર્યું સ્નાન તો ત્યાં જઈ નાથે, જળકેળી કરી સખા સાથે. ૨૦

કરી મજ્જન હરખિયા ઉરમાં, પેઠા વાજતે ગાજતે પુરમાં;

મોકા પટગરને દરબાર, ઓશરી છે ઉગમણે દુવાર. ૨૧

સભા ત્યાં સજતા ઘનશામ, સંત સત્સંગી સહિત તમામ;

દીધાં આ અવસર સુખ જેવાં, કોઈ અવતારમાં નહિ એવાં. ૨૨

વળી અન્ય લીલા કહું એક, સુણો રાખી વિશેષ વિવેક;

સખાભાવે ખેલે ઘનશામ, પૂરે ભક્તના હૈયાની હામ.3 ૨૩

અલૈયો ભક્ત અતિ બળવાન, ધરે અંતરમાં અભિમાન;

ધાર્યું તેણે જે હું મુજ અંગે, કરું કુસ્તી શ્રીકૃષ્ણની સંગે. ૨૪

શિર નામી કહ્યું અહો સ્વામી! બલવંત છોજી બહુનામી;

કૃષ્ણ અવતારમાં તમે નાથ, જીત્યા મોટા મોટા મલ્લ સાથ. ૨૫

મુજ કરમાંથિ કાંડું છોડાવો, ત્યારે બળવંત નામ ધરાવો;

એવો સાંભળી એનો ઉચ્ચાર, બોલ્યા ભક્તઇચ્છા પુરનાર. ૨૬

આ લ્યો ઝાલો આ કાંડું અમારું, જોઉં કેવું છે જોર તમારું;

અલૈયે ધરિ ઉર અભિમાન, કાંડું પકડ્યું તે સિંહસમાન. ૨૭

જેમ બાળકના કરમાંથી, છોડાવે તેમ છોડાવ્યું ત્યાંથી;

અલૈયાને શરમ કાંઈ આવી, ધૂળ હાથેળિ માંહિ લગાવી. ૨૮

કાંડું પકડ્યું વળી બીજી વાર, તર્ત છોડાવિયું તે ઠાર;

ત્રીજી વાર કર્યું વળી તેમ, અભિમાની તજે માન કેમ? ૨૯

કાંડું છોડાવીને ફેંક્યો દૂર, પડ્યો તે જેમ આંકનું તૂર;4

ઉઠીને પ્રભુને લાગ્યો પાય, તમે સમરથ ત્રિભુવનરાય. ૩૦

આખી સૃષ્ટિ તમે સ્રજનાર, પ્રભુ શક્તિ તમારી અપાર;

જગમાં તમને કોણ જીતે, વઢતાં5 જો ઘણા દિન વીતે. ૩૧

મારી ઇચ્છા તમે કરિ પૂરી, એમાં અલ્પે રહી ન અધૂરી;

આપ આવ્યા છો અક્ષરમાંથી, સ્પર્શ પદરજનો પણ ક્યાંથી! ૩૨

તેની સાથે લડ્યો કરિ દાવ, મેં તો લીધો અલૌકિક લાવ;

મોટાં માનું છું ભાગ્ય હે નાથ! સખાભાવ થયો તમ સાથ. ૩૩

કહે શ્રીજી તમે ધન્ય ધન્ય, તમે ભક્ત અમારા અનન્ય;

એમ કહીને મુક્યા માથે હાથ, ચાંપ્યાં ચરણકમળ છાતી સાથ. ૩૪

એમ કુંડળમાં કૃપાનાથ, નવિ લીલા કરે સખા સાથ;

નાવા જોગ નદીના જે આરા, નાયા ત્યાં જઈ ધર્મદુલારા. ૩૫

ભલી બીજી લીલા કહું ભાઈ, શ્રોતા વક્તાને છે સુખદાઈ;

મામૈયા તણા દરબાર પાસે, ચોરો માળેલો સુંદર ભાસે. ૩૬

ઉત્તરાભિમુખે એ તો ધારો, એની આગળ લીંબડો સારો;

તેને ફરતો ચુનાબંધ ઓટો, પદસ્પર્શથી મહિમા છે મોટો. ૩૭

શિવલિંગ પડ્યું હતું ત્યાંય, ધાર્યું શ્રીહરિયે મનમાંય;

જેમ રામે સ્થાપ્યા રામનાથ, તેમ થાપું આ શિવ મુજ હાથ. ૩૮

એ જ ઓટા ઉપર જળાધારી,6 કરાવી પ્રભુએ કાંઈ સારી;

શુભ દિવસે તે શિવ પધરાવ્યા, કુંડળેશ્વર નામે ઠરાવ્યા. ૩૯

ગામના લોકને કહ્યું એમ, આના ઉપર રાખજો પ્રેમ;

વળિ કહું એક દિવસની વાત, તમે ભાવ ધરી સુણો ભ્રાત. ૪૦

મામૈયાને લઈ નિજ સાથ, નદિયે ગયા નટવર નાથ;

ગામ રોઝીદનો પથ જ્યાં છે, તેથી પૂર્વે ઉંડો હૃદ ત્યાં છે. ૪૧

ઉંચી ભેખડ છે એહ ઠામ, ચડ્યા તે પર મિત્ર ને શામ;

બેયે નાવાનાં વસ્ત્ર તો ધરિયાં, વાલે ત્યાં મુખવચન ઉચરિયાં. ૪

જાણ્યું ભક્તની પ્રીતિ છે કેવી, આજ એની પરીક્ષા તો લેવી;

કહ્યું આંહીંથી કુદિ પડાય, તેમ તમથી ન થાય કે થાય? ૪૩

કહે મામૈયો હે મતિધીર, અતિ ઉંડું છે આ સ્થળે નીર;

પડે તેના નકી પ્રાણ જાય, માટે મુજથી પડી ન શકાય. ૪૪

કહે શ્રીહરિ હું તો પડીશ, જશે તન તો સ્વધામે જઈશ;

નથી આત્મા કદી મરનારો, એ છે અજર અમર ઠરનારો. ૪૫

મામૈયો કહે હે મહારાજ! એવું કરશો નહિ તમે કાજ;

તમે છો સર્વ વાત સુજાણ, સતસંગિના જીવનપ્રાણ. ૪૬

તમે જળ અમે મીન સમાન, જુદા પડિયે તો જીવનું જ્યાન;

કહ્યું એવી રીતે ઘણી વાર, ચાલી નેણથી નીરની ધાર. ૪૭

એવી લીલા જોવા તતખેવ, આવ્યા આકાશમાં ચડિ દેવ;

દેવતા દિલમાં એમ ધારે, તન તજશે જો કૃષ્ણ અત્યારે. ૪૮

કામ કરવાનું રહેશે અધુરું, હજી કીધું નથી કામ પુરું;

નથી મોટાં મંદિર હજી કીધાં, નથી આચાર્યનાં પદ દીધાં. ૪૯

એવી ચિંતા કરે ચિત્તમાંય, પછી શું થયું તે કહું ત્યાંય;

પડવા ગયા જ્યાં મુનિનાથ, ભીડી મામૈયે બળ કરી બાથ. ૫૦

પડે જોર કરીને જો નાથ, પડે મામૈયો પણ તેહ સાથ;

પ્રભુ અર્થે કર્યાં નિજ પ્રાણ, એવો પ્રેમ દીઠો રામબાણ.7 ૫૧

રીઝ્યા તે જોઈને જગરાય, ત્યારે બોલ્યા વચન સુખદાય;

ધન્ય ધન્ય છે પ્રેમ તમારો, રાખ્યો પકડીને દેહ અમારો. ૫૨

મને પકડી રાખ્યો જેવી રીતે, અંતે તમને હું પકડીશ પ્રીતે;

ધામ અક્ષરમાં લઈ જૈશ, વાસ મારા સમીપમાં દૈશ. ૫૩

આ તો પ્રેમપરીક્ષા મેં કીધી, પુરી પ્રીતિ છે તે જાણી લીધી,

કહે મામૈયો કરિને પ્રણામ, કરશો ન પરીક્ષા જ આમ. ૫૪

એવું દેખી દીલે હર્ષ લાવી, દુંદુભી દેવતાએ બજાવી;

પુષ્પ વૃષ્ટિ કરી તેહ ઠામ, સ્તુતિ કરીને ગયા નિજધામ. ૫૫

મામૈયો ને તથા મહારાજ, કિનારે ગયા મજ્જન કાજ;

કર્યું મજજન જઈને ઉમંગે, કોરાં વસ્ત્ર ધર્યાં પછિ અંગે. ૫૬

ઘણા હરખથી આવિયા ઘેર, પ્રભુ લીલા કરે એવી પેર;

કેટલીક કહું એહ ઠાર, શેષ શારદા પામે ન પાર. ૫૭

પુષ્પિતાગ્રાવૃત્ત

નિજજન સુખદેણ દેહ ધાર્યો, નિજજનમાં દૃઢ મર્મ તે વિચાર્યો;

જનમન તણિ વાંછના જ જેવી, ધરિ હરિયે રમણીય રીતે તેવી. ૫૮

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે ષષ્ઠકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિકુંડળગ્રામે તીર્થે દિવ્યચરિત્રકરણનામા અષ્ટાવિંશતિતમો વિશ્રામઃ ॥૨૮॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે