વિશ્રામ ૪
શિખરિણીવૃત્ત
કહે શ્રીજી સ્વામી સકળ સતસંગી શ્રુતિ ધરો,
પ્રભૂની સેવા તો સમય અનુસારે શુભ કરો;
ઋતૂ ટાણું જેવું સકળ ઉપચારો સુકરિયે,
ઘરાણાં ને વસ્ત્રો ઋતુઋતુ તણાં ભિન્ન ધરિયે. ૧
પ્રભૂની મૂર્તિ તે પ્રગટ પ્રભુ સાક્ષાત ગણિયે,
ન મર્યાદા તૂટે પ્રભુસમિપ એવા જ બણિયે;
જુદાઈ જે જાણે પ્રભુમુરતિમાં ને પ્રભુ વિષે,
મહા પાપી તે તો દુરમતિ અતી દાનવ દિસે. ૨
નકી વાસો લેશે કલપ1 શત કોટી નરક જૈ,
મુંઝાશે ને રોશે કુમતિ અતિ કષ્ટ ગરક થૈ;
તમે સૌ તે માટે પ્રભુમુરતિમાં પ્રીતિ ધરજો,
ભલા ભાવે ભાઈ ખટ રસ તણા થાળ કરજો. ૩
રસોઈમાં ક્યારે નિજ મુખ થકી થુંક ન પડે,
રસોઈને જોઈ મન અશનના2 ઘાટ ન ઘડે;
સ્વહસ્તો બે જોડી વિનતિ કરિને થાળ ધરવો,
જમે છે શ્રીસ્વામી સ્વમન શુભ સંકલ્પ કરવો. ૪
પ્રભૂને પોઢાડે વિનતિ કરિને સેવક સદા,
જગાડે તે જ્યારે વિનતિ મુખથી ઉચ્ચરિ મુદા;
ધિમે ધીમે દ્વારો હરિજન ઉઘાડે હરિ તણાં,
શિખી રાખે ગાવા સમય સમયોનાં પદ ઘણાં. ૫
પ્રિતે પાંચે ટાણે છબિ નિરખતાં આરતિ કરે,
ત્રિ આંટા અંઘ્રીને જુગલ ગણિ નાભી મન ધરે;
પછી આંટે એકે વદન હરિ કેરું નિરખતાં,
બિજા સાતે આંટે નખશિખ નિહાળે હરખતાં. ૬
વૈતાલીયવૃત્ત
વરણી પ્રભુ પાસ જે રહે, વિષયોનો બહુ યોગ તે લહે;
મન જો વિષયે તણાય છે, મરિને તે જમપૂર જાય છે. ૭
હરિમંદિરના મહાંતને, વળિ ભંડારિ થયેલ સંતને;
વિષયાદિક જોગ થાય છે, ચિત્તમાં ચેતિ રહ્યે બચાય છે. ૮
ઉગરે વળિ એ જ રીતથી, જન કોઠારિ ખરો ખચીતથી;3
નહિ તો અતિ પાપમાં પડે, અઘ4 તે કલ્પ ઘણા સુધી નડે. ૯
ઉપજાતિવૃત્ત (કોઠારીના ગુણ વિષે)
જો વસ્તુનો લેશ બગાડ થાય, કે વાવરેલું કદિ વ્યર્થ જાય;
કોઠારિના તો પ્રજળે જ પ્રાણ, કોઠારિ તે તો કહિયે સુજાણ. ૧૦
ધણી ઘણું ખર્ચ કરે કદાપિ, કોઠારિ સંકોચ કરે તથાપી;
પૈસો ગણે કાંચનને પ્રમાણ, કોઠારિ તે તો કહિયે સુજાણ. ૧૧
વિશ્વાસને યોગ્ય ઘણો જણાય, તેને જ કોઠારિપણું અપાય;
થવા ન દે જે દમડીનિ હાણ,5 કોઠારિ તે તો કહિયે સુજાણ. ૧૨
ઘણા જનો વસ્તુ અનેક માંગે, ના પાડતાં તો દિલ દુઃખ લાગે;
ગણે ન નિંદા ન ગણે વખાણ, કોઠારિ તે તો કહિયે સુજાણ. ૧૩
સાદું જમે અંચળ જીર્ણ6 ધારે, ન ખાય હાથે લઈ વસ્તુ ક્યારે;
ધર્મે જ ચાલે જેમ રામબાણ,7 કોઠારિ તે તો કહિયે સુજાણ. ૧૪
વૈતાલીયવૃત્ત
કરશે છળ કે કશો દગો, નથિ તે કોઈ તણી દગો સગો;
જમના પુરમાં જ લૈ જશે, અતિશે તેની ફજેતિ તો થશે. ૧૫
અતિ ઉત્તમ વસ્તુ હોય તે, દઈ દેવી પ્રભુ અર્થ તોય તે;
ઘૃત આદિક કોઈ કાળમાં, બગડેલું નવ દેવું થાળમાં. ૧૬
પ્રભુજીનિ પ્રસાદિ લીજિયે, સહુને તેહ વહેંચિ દીજિયે;
કરશે કદિ પક્ષપાત તો, અઘ લાગે બહુ બ્રહ્મઘાત તો. ૧૭
કદિ કાંઈક ચોરિ ખાય છે, અતિ પાપી જન એહ થાય છે;
ધન ધર્મ તણું પ્રમાણવું, ઉપરીયે જિવ તુલ્ય જાણવું. ૧૮
દમડી8 નહિ વ્યર્થ વાવરે, પરમાર્થે પ્રભુ માલ સંઘરે;
પણ પાપ થકી દિલે ડરે, પ્રભુ અર્થે પણ પાપ ના કરે. ૧૯
પર થાપણ તો ન રાખવી, નહિ કોઈનિ જમાનિ9 દાખવી;
ઋણ દેવશિરે ન કીજિયે, નહિ વ્યાજે સુરદ્રવ્ય10 દીજિયે. ૨૦
સુરમાલ અયોગ્ય ખાય છે, મરિને તે જન ભૂત થાય છે;
નરસિંહમુની કહી હતી, પ્રભુએ તેહ કથા કરી છતી. ૨૧
ઉપજાતિવૃત્ત
કહે કૃપાનાથ પ્રભુ પ્રમાણ, અહો નૃસિંહાખ્યમુની સુજાણ;
જોયેલું વૃન્દાવન માંહિ જેહ, તમે કહો વાત સમગ્ર તેહ. ૨૨
બોલ્યા સુણી વાત નૃસિંહ સંત, સુણો સભાના જન બુદ્ધિમંત;
જ્યાં હું જગન્નાથપુરી ગયો તો, દીક્ષા લઈ દેવળમાં રહ્યો તો. ૨૩
સેવા જગન્નાથ તણી સજૂં હું, ને શુદ્ધભાવે પ્રભુને ભજું છું;
વેરાગિ જે ત્યાં થકિ એક ચાલ્યો, દ્વારામતી તીર્થ વિષે મહાલ્યો. ૨૪
ત્યાંથી ગયો તે સરધાર ગામ, જોયા તહાં શ્રીહરિ મેઘશામ;
આવ્યો જગન્નાથ સમીપ એહ, મને મળ્યો મંદિર માંહિ તેહ. ૨૫
તેણે કહ્યું જે સરધાર જ્યાં છે, શ્રીસ્વામિનારાયણ દેવ ત્યાં છે;
કર્યાં જઈ દર્શન એહ ઠાર, પ્રતાપ તેનો નિરખ્યો અપાર. ૨૬
તીર્થે જતાં રાત્રિ જહાં વિરામ્યો, ત્યાં સ્વામિનારાયણ દર્શ પામ્યો;
તે કાકતાળીય11 બન્યો બનાવ, કર્યો નહોતો મનમાં ઠરાવ. ૨૭
છે સ્વામિનારાયણ દેવ કેવા, તે એ જ છે ઈશ્વર એહ જેવા;
આકાશ આકાશ સમાન ભાઈ, સિંધુ સમી સિંધુ તણી વડાઈ. ૨૮
એવી કહી જ્યાં મુજ પાસ વાત, ત્યાં તેહના આનનથી12 અઘાત;
કોટી રવી તુલ્ય થયો પ્રકાશ, જોયો જગન્નાથ તણે નિવાસ. ૨૯
ત્યાં તો કર્યો મેં મનમાં વિચાર, તે નામમાં શક્તિ દિસે અપાર;
જે નામ લીધે પ્રગટ્યો પ્રકાશ, જઈ કરું દર્શન તેનિ પાસ. ૩૦
પછી જગન્નાથ થકી સિધાવ્યો, કાશી કરી તીર્થ પ્રયાગ આવ્યો;
ત્યાંથી અયોધ્યાપુરમાં ગયો હું, પછીથિ વૃંદાવનમાં રહ્યો હું. ૩૧
વસ્યો તહાં હું વડ હેઠ વાસો, દીઠો તહાં એક ભલો તમાસો;
જતી રહી જામનિ13 અર્ધ જ્યારે, આવ્યા અજાણ્યા જણ ચાર ત્યારે. ૩૨
વાસીદું14 વાળી અવની સુધારી,15 તે તો ગયા તે કરિ ભૂમિ સારી;
વેરાગિ આવ્યા વળિ અન્ય ચાર, છાંટી ગયા તે જળ તેહ ઠાર. ૩૩
વેરાગિ બીજા વળિ ચાર આવ્યા, તે ઢોલિયા જાજમ ગાદિ લાવ્યા;
તેણે કર્યું રૂડિ રિતે બિછાનું, જાણે રચ્યું રૂડું કચેરિખાનું. ૩૪
મેં જાણિયું તીરથ આ કહાવે, માટે અહીં કોઈ મહાંત આવે;
ત્યાં તો મળી મંડળ શ્રેષ્ઠ આવ્યું, સાથે મશાલો છડિદાર લાવ્યું. ૩૫
મેના વિષે કોઈ હતા મહાંત, કોઈ હતા પાલખિ માંહિ સંત;
કોઈ બિરાજ્યા પછિ તો પલંગે, બેઠા બિજા ગાદિ વિષે ઉમંગે. ૩૬
ઘણાંક તો જાજમ માંહિ બેઠા, કોઈ રસોઈ કરવા જ પેઠા;
કોઈ કરે પૂજન નિત્યપાઠ, જોગીંદ્ર જેવો જ જણાય ઠાઠ. ૩૭
રથોદ્ધતાવૃત્ત
જ્યાં પછીથિ જમવા સમો થયો, એક સાધુ તહિં તેડવા ગયો;
સર્વ સંત તણિ પંગતિ થઈ, પાંચ સાત પિરસે લઈ લઈ. ૩૮
એક આવિ મુજને કહે તેમ, સાધુરામ જમવા ઉઠો સમે;
તે સુણી હું જમવા તહાં ગયો, ભક્ષ ભોજ્ય નિરખી ખુશી થયો. ૩૯
લાડુ ઘેબર જલેબિ દૈથરાં, શાક પાક ભજિયાં ભલાં કર્યાં;
સર્વ વસ્તુ પિરસાઈ જ્યાં રહે, એક સાધુ મુજ કાનમાં કહે. ૪૦
તે દયાળુ દિલનો હતો સહી, તેથિ વાત મુજને ખરી કહી;
એક વાત કરવા ચિતે ચહું, તથિ ત્રાસ ઉપજે ન તો કહું. ૪૧
મેં કહ્યું હું દિલમાં નહીં ડરું, સાધુ તેહ સુણિ બોલિયો ખરું;
સાધુરામ જમશો નહીં તમે, ભૂતજાતિ સઘળાં છિયે અમે. ૪૨
પાત્ર માંહિ પકવાન જેહ છે, હાડ માંસ રુધિરાદિ તેહ છે;
તે સુણી વચન મેં કહ્યું તહાં, સંતરૂપ સઘળા દિસે ઇહાં. ૪૩
ભૂત કેમ સહુ સંત તે થયા, તે કહોજિ કરિને તમે દયા;
સાધુ એમ સુણતાં જ બોલિયો, સત્ય ભેદ સઘળોય ખોલિયો. ૪૪
ઉપજાતિવૃત્ત
સુણો કહું તે શુચિ સાધુરામ, અમે હતા એક પવિત્ર ધામ;
તેમાં હતા શ્રેષ્ઠ મહાંત કોઈ, ભંડારિ થૈ કોઈ કરે રસોઈ. ૪૫
કોઠારિ કોઠાર તપાશિ રાખે, તથાપિ ચોરી લઈ ચીજ ચાખે;
સીધૂં સમર્પે જન દેવતાર્થે, અમે કર્યો તે ઉપયોગ સ્વાર્થે. ૪૬
જાણ્યા અમે સેવક મિત્ર જેને, ખાધું અમે ને ખવરાવ્યું તેને;
નિષ્પક્ષપાતે નહિ ધર્મ ધાર્યો, સાધૂ તણો ધર્મ સદા વિસાર્યો. ૪૭
ન દેવતાની મરજાદ રાખી, જાણ્યા નહીં અંતરજામિ સાખી;16
દેવાલયે કાંઈ કર્યાં કુકર્મ, પાળ્યો પળાવ્યો નહિ શુદ્ધ ધર્મ. ૪૮
પૂજારિ થૈને બહુ પાપ કીધાં, ખાવા પદાર્થો બહુ ચોરિ લીધાં;
કુદૃષ્ટિયે કામનિયો17 નિહાળી, તે પાપ તો કેમ શકાય ટાળી. ૪૯
સાધૂ થઈને તજિ સાધુતાઈ, અમે થયા તે થકિ ભૂત ભાઈ;
અભક્ષ્યનું ભક્ષણ તો મળે છે, બહૂ બહૂ અંતર તો બળે છે. ૫૦
ઇચ્છું દયાથી હિત હું તમારું, ખાશો નહીં ભોજન આ અમારું;
એવું સુણી લાડુ જલેબિ જેહ, ખાધાં નહીં મેં તિલમાત્ર તેહ. ૫૧
લૈ એક વસ્ત્રે ધરિ ગાંઠ વાળી, ભૂતો ગયાં મેં તહિં રાત ગાળી;
જોયું પ્રભાતે પછિ જાગિ જ્યારે, અસ્થી તથા માંસ દિઠાં જ ત્યારે. ૫૨
હતાં વળી ગર્ધભનાં જ લીંડાં, તથા હતાં કુર્કટજાતિ18 ઇંડાં;
તે તો પછી મેં દુર નાંખિ દીધું, વસ્ત્રો પખાળ્યાં19 વળિ સ્નાન કીધું. ૫૩
ત્યાંથી પછી હું કરતો પ્રવાસ, આવી રહ્યો શ્રીહરિકૃષ્ણ પાસ;
જોતાં જ તેને જગદીશ જાણ્યા, પ્રત્યક્ષ સર્વોપરિ તે પ્રમાણ્યા. ૫૪
દીધી મને ભાગવતી સુદીક્ષા, તથા સુણાવી શુભ ધર્મશિક્ષા;
નૃસિંહઆનંદ સુનામ આપ્યું, કૃપાનિધાને સહુ કષ્ટ કાપ્યું. ૫૫
શ્રીજી કહે સૌ સુણજો વિચારી, મહાંત કોઠારિ તથા પુજારી;
કોઈ પ્રકારે કપટી જણાશો, જરૂર તો તે મરિ ભૂત થાશ. ૫૬
સુણો ગૃહસ્થી સહુ બાઈ ભાઈ, જે મુજ હસ્ત મુરતી થપાઈ;
પ્રત્યક્ષ તે મૂજ સ્વરૂપ જાણી, પૂજો સદા અંતર પ્રેમ આણી. ૫૭
જે ઉદ્યમે દ્રવ્ય કમાઈ લેજો, દેવાર્થ વિશાંશ દશાંશ દેજો;
ન દેવ નાણું કરજેથિ લેવું, ન પાપ મોટું સુરઋણ જેવું. ૫૮
દૃષ્ટાંત ગોવર્ધનની ફઈનું, દીધું પ્રભૂયે નરકે ગઈનું;
જો દેવતાનું ઋણ ના વળાય, તો ભાઈ અંતે ગતિ એવિ થાય. ૫૯
તે દેવનાં વાહન વસ્ત્ર કાંઈ, ન પાત્ર લેવાં વ્યવહાર માંઈ;
નિષ્કામભાવે સજવી20 જ સેવા, અંતે થવા અક્ષરમુક્ત જેવા. ૬૦
પુષ્પિતાગ્રાવૃત્ત
નિજજન પ્રતિ ઝાઝિ એવિ વાત, કરિ હરિયે કરુણા કરી અઘાત;
સુણ નૃપ લવમાત્ર મેં કહી છે, પણ બહુ શેષ21 વિશેષ તો રહી છે. ૬૧
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે ષષ્ઠકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
નૃસિંહાનંદ-આખ્યાનકથનનામા ચતુર્થો વિશ્રામઃ ॥૪॥