કળશ ૬

વિશ્રામ ૫

 

ઉપજાતિવૃત્ત

બોલ્યા વળી સુંદર શામરંગી, સુણો સહૂ સંત તથા સુસંગી;

જન્મદિ જે ઉત્સવ કાંઈ આવે, તે કૃષ્ણના દાસ કરે કરાવે. ૧

કહ્યું હવે નિર્ણય આજ એનો, રહે નહીં સંશય કાંઈ તેનો;

સચ્છાસ્ત્રમાં વૈષ્ણવનો સુધર્મ, છે તેહનો સૌ સુણજો સુમર્મ. ૨

ચૈત્ર શુદી જે નવમી ગણાય, હરિજયંતી જન સર્વ ગાય;

તેનું વળી છે હરિનૌમિ નામ, તેનો કહું નિર્ણય એહ ઠામ. ૩

જેને સદા આશ્રય છે અમારો, તેને જ આ નિર્ણય રૂચનારો;

રાત્રી ઘટીકા દશ જાય જ્યારે, નૌમી શશીવાસર પુષ્ય ત્યારે. ૪

જો એટલા જોગ બધાય હોય, તે કીજિયે અષ્ટમિ વેધ તોય;

જો તેહમાં ન્યૂન કશું જણાય, તો અષ્ટમી વેધ તજો સદાય. ૫

જો કુષ્ણ નૌમી દિન બેય આવે, તો પૂર્વ વારે વ્રત તે સુહાવે;

નૌમી તિથીનો ક્ષયકાળ ભાળી, લીજે સદા અષ્ટમિ વેધવાળી. ૬

તે તો વિના અષ્ટમિ વેધ એવી, તિથી તજીને ઉદયાત1 લેવી;

મધ્યાહ્ન કાળે પણ ચિત્ત દીજે, શ્રીરામજન્મોત્સવ તેહ કીજે. ૭

વૈશાખ શુક્લા2 ઉદયાત લેવી, પ્રતિપદા3 કૂર્મજયંતિ એવી;

તેથી પછી જે તિથિ ત્રીજ નામ, તે દીન જન્મ્યા પ્રભુ પર્શુરામ. ૮

ઉગ્યાથિ મધ્યાહ્ન વિષે સુહાવે, ત્યારે તિથી તે વ્રતની કહાવે;

ચતુર્દશી તે પછિ જેહ આવે, નૃસિંહની જન્મતિથી કહાવે. ૯

ચતુર્દશીનો ક્ષય હોય ર્યારે, ત્રયોદશીવેધ ગણો ન ત્યારે;

જે જેઠ માસે તિથિ પૂર્ણમાસી, છે સ્નાનયાત્રોત્સવ કેરિ ખાસી. ૧૦

જો હોય જેષ્ઠા ઉદયાત કાળે, તે વાર તો ઉત્સવનો નિહાળે;

આષાઢ શુક્લે તિથિ બીજ ત્રીજે, જો પુષ્ય ભાનૂ ઉદયાત લીજે. ૧૧

તે વાસરે છે રથ કેરિ જાત્ર, સુણો તમે સૌ સતસંગિમાત્ર;

વદી અષાઢી પડવે સુબીજે, વૃષાખ્ય4 રાશી બળ ચંદ્ર લીજે. ૧૨

ત્યારે હિંડોળે હરિને ધરીજે, ઉતારવા શ્રાવણ કૃષ્ણ5 ત્રીજે;

જો ચંદ્રમા મક્કર કુંભ કેરો, બલિષ્ઠ રાશી વૃષને6 ઘણેરો. ૧૩

શુદી ચતુર્થી તિથિ શ્રાવણી છે, જયંતિ વારાહ તણી ગણી છે;

મધ્યાહ્ન વ્યાપે તિથિ લેવિ તેહ, બે હોય તો લે તિથિ બીજિ જેહ. ૧૪

જન્માષ્ટમી શ્રાવણ કૃષ્ણ પક્ષે, તેનો કહૂં ભેદ તમો સમક્ષે;

જો અષ્ટમી રોહિણિ વાર બૂધ, અર્ધી નિશાયે તિથિ તેહ શુદ્ધ. ૧૫

તે ચારનો જો કદિ યોગ લાધે, તો સપ્તમી વેધ તણો ન બાધે;

જો ચારમાં ન્યૂન7 કશૂં જણાય, તો સપ્તમી વેધ તજો સદાય. ૧૬

પૂર્વે દિને યોગ બધા કહ્યા તે, બીજે દિને અષ્ટમિ અર્ધ રાતે;

ત્યારે સમર્થે ઉપવાસ બેય, અશક્ત બીજે દિન તે કરેય. ૧૭

ન હોય જો મેં કહિ રીત તેવી, તો અષ્ટમી તે ઉદયાત લેવી;

શ્રીકૃષ્ણજન્માષ્ટમિનો વિચારી, નિશ્ચે કહ્યો નિર્ણય પુણ્યકારી. ૧૮

શાલિનીવૃત્ત

પ્રાતઃકાળે તે તિથીમાં પ્રમાણો, રામાનંદસ્વામિનો જન્મ જાણો;

તે તો કાંઈ ભૂલિ જાવું ન ભાઈ, છૈયે સર્વે તેમના સંપ્રદાયી. ૧૯

ઉપજાતિવૃત્ત

તિથી કહું અર્જુન જન્મ જેહ, છે ભાદ્રવાની શુદિ બીજ તેહ;

જો ઉત્તરા ફાલ્ગુનિ બીજ સાથે, મધ્યાહ્નકાળે રવિ હોય માથે. ૨૦

જાણો તિથી ઉત્તમ હોય એવી, ન ઉત્તરા તો ઉદયાત લેવી;

જે એ જ માસે શુદિ ચોથ જાણો, ગણેશની જન્મતિથી પ્રમાણો. ૨૧

મધ્યાહ્ન ટાણે તિથિ તેહ લેવી, માનો સુ આજ્ઞા મુજ કેરિ એવી;

જે ભાદ્રવાની શુદિ અષ્ટમી છે, રાધાજિની જન્મતિથી કહી છે. ૨૨

તે સપ્તમી વેધ જણાય એવી, જો અષ્ટમીનો ક્ષય8 તો જ લેવી;

તિથી શુદી દ્વાદશિ ભાદ્રમાસી, જન્મ્યા પ્રભૂ વામન સૂખરાશી. ૨૩

મધ્યાહ્ન વ્યાપી શુભ સાંભળેલી, તે ઉત્તમ જો શ્રવણે મળેલી;

આસો શુદી જે દશમી ગણાય, સંયુક્ત લેવી શ્રવણે સદાય. ૨૪

નક્ષત્ર જો તે તિથિમાં ન હોય, સંધ્યા સમાની તિથિ લેવિ તોય;

રાસોત્સવી આશ્વિન પૂર્ણમાસી, સંધ્યા સમાની તિથિ તેહ ખાસી. ૨૫

સૂર્યોદય દ્રવ્ય ત્રયોદશી તો, જો હોય તેનો ક્ષય દ્વાદશી તો;

ચતુર્દશી આશ્વિન કેરિ કાળી, તે લીજિયે સંગવ9 કાળવાળી. ૨૬

પૂજા કરી જે હનુમાન કેરી, પીડા ટળે તે થકિ તો ઘણેરી;

પ્રાતઃ પછી સંગવ કાળ સોય, મધ્યાહ્ન કેડે અપરાહ્ન હોય. ૨૭

સાયં સમો તેહ પછી પ્રમાણો, તે પાંચ ભાગે દિન એક જાણો;

સાયં સમે એ જ અમાસ આવે, દીપોત્સવી તેહ દિને સુહાવે. ૨૮

સાયં સમે જો પડવે ગણાય, તો અન્નકૂટોત્સવ તેદિ થાય;

ચતુર્દશી કાળિ દિવાળિ જેહ, ને અન્નકૂટોત્સવ ત્રણ્ય તેહ. ૨૯

જોડે જ આવે જન સર્વ જાણો, એકે દિનો અંતર તો ન આણો;

ગોપાષ્ટમી કાર્તિક શુક્લ પક્ષે, તે લેવિ સૂર્યોદયની સમક્ષે. ૩૦

એકાદશી કાર્તિક શુક્લ જાણો, પ્રબોધિની નામ ભલું પ્રમાણો;

તેનો કહું નિર્ણય આજ સારો, તે સાંભળી અંતરમાં ઉતારો. ૩૧

વૈતાલીયવૃત્ત

સુણજો સતસંગિયો સહુ, વ્રત એકાદશિ સર્વનું કહું;

દશમી તિથિ વેધ જે દિને, વ્રત તેનું કરવું ન તે દિને. ૩૨

દશમી તિથિ વેધ જાણિયે, ઘડિ પંચાવન જ્યાં પ્રમાણિયે;

દશમી પળ એક જો ઘટે, દશમીનો પછિ વેધ તો મટે. ૩૩

દિન બે તિથિ તેહ થાય છે, વ્રત બીજે દિન તો કરાય છે;

દશમી ક્ષય જે દિને દિસે, વ્રત કીજે તિથિ દ્વાદશી વિષે. ૩૪

કદિ દ્વાદશી બે દિને થશે, વ્રત આદ્યા10 તિથિ દ્વાદશી વિષે;

કરવું મુજના કહ્યા થકી, નરનારી સહુ જાણજો નકી. ૩૫

તિથિ જેહ પ્રબોધિની કહી, દિન મધ્યે વૃષજન્મ11 છે સહી;

તિથિ કાર્તિકી પૂર્ણિમા છતાં, પ્રગટ્યાં ભક્તિ દિનાસ્ત તે થતાં. ૩૬

તિથિ જેહ વસંતપંચમી, મુજને તો ઉદયાત તે ગમી;

વદિ ચૌદશ માઘની ગમે, શિવરાત્રી નિશિ અર્ધને સમે. ૩૭

વદિ ફાલ્ગુનની પ્રતીપદા, ફુલડોળોત્સવ જાણિયે તદા;

ઉગતાં રવિ હોય ઉત્તરા, કરિયે તો ફુલડોળ સૌ ખરા. ૩૮

વળિ એ જ સમે સુણો સહુ, નરનારાયણ જન્મ છે કહું;

શુભ ઉત્સવ આદરીજિયે, પ્રભુને તેથિ પ્રસન્ન કીજિયે. ૩૯

તૃતિયા ઉદયાત દીનની, શુદિ ચૈત્રી સુજયંતિ મીનની;12

સહુ ઉત્સવ એ રિતે કરો, મુજ દાસો સુણિને દિલે ધરો. ૪૦

પુષ્પિતાગ્રાવૃત્ત

નિજજન હિતકાજ રાજરાજે, સુણતાં ભક્ત વિરક્તનો સમાજે;

નિજમત વ્રત ઉત્સવો બતાવ્યા, સુણિ સહુના મનમાં ભલા જ ભાવ્યા. ૪૧

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે ષષ્ટકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિવ્રતોત્સવ-નિરૂપણનામા પંચમો વિશ્રામઃ ॥૫॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે