કળશ ૬

વિશ્રામ ૬

ઉપજાતિવૃત્ત

શ્રીજી કહે સાંભળજો સમસ્ત, મેં સ્થાપિ છે આ મુરતી સ્વહસ્ત;

સર્વે થકી આદિ સુમૂર્તિ જાણો, મેં સ્થાપિ માટે મહિમા પ્રમાણો. ૧

આ સંપ્રદાના શુભ આદિદેવ, સર્વોપરી છે જન સર્વ સેવ્ય;

એનું થશે મંદિર આંહિ મોટું, માહાત્મ્ય તેનું નહિ કાંઈ છોટું. ૨

પૂજા કરી સૌ ઉર પ્રેમ આણી, વદો સ્તુતીની વળિ શુદ્ધ વાણી;

મારી જ પૂજા કરિ માનિ લૈશ, જે ઇચ્છશો તે ફળ હું જ દૈશ. ૩

એવું સુણી સૌ સતસંગિ સંત, પૂજ્યા પ્રભુને થઈ પ્રેમવંત;

સ્તુતી કરી ત્યાં સહુ તર્તખેવ, અહો દયાળુ પ્રભુ વાસુદેવ. ૪

ચામરવૃત્ત

વાસુદેવ1 દેવદેવ વિશ્વના નિવાસ છો,

શંભુ શેષ ઇંદ્ર ચંદ્ર સર્વને ઉપાસ્ય છો;

જે પરેશ2 અક્ષરેશ એ જ આપ છો તમે,

આદિદેવ જાણિ વાસુદેવ વંદિયે અમે. ૫

   જ્ઞાનદાન દ્યો દયાનિધાન આણિને દયા,

   આશ્રિતો અનન્ય એક આપના અમે થયા;

   મૂર્તિ આપની જ અંતરે ઉતારવી ગમે,

   આદિદેવ જાણિ વાસુદેવ વંદિયે અમે. ૬

મુક્તનાથ મુક્તસાથ પૃથ્વિમાં પધારિયા,

ટેક ધારિને અનેક જીવને ઉધારિયા;

જે ભજે ન આપને અનંત દુઃખ તે ખમે,

આદિ દેવ જાણિ વાસુદેવ વંદિયે અમે. ૭

   હે કૃપાળુ ધર્મપાળ ભક્તિબાળ ભૂધરા,3

   આપના સુસંગથી કુસંગિ કૈક સૂધર્યા;

   જે નમે ન કોઈને તમારિ પાસ તે નમે,

   આદિદેવ જાણિ વાસુદેવ વંદિયે અમે. ૮

આપને પ્રસન્ન કાજ યજ્ઞ યાગ આદરે,

આપને પ્રસન્ન કાજ ધ્યાન ધારણા કરે;

આપને પ્રસન્ન કાજ જોગિ દેહને દમે,

આદિદેવ જાણિ વાસુદેવ વંદિયે અમે. ૯

   હે પ્રભો ભલે અમારિ પાસ આપ આવિયા,

   અંગમાં ઉમંગ તો અભંગ ઊપજાવિયા;

   ભૃંગ4 થૈ અમારું ચિત્ત પાદપદ્મમાં ભમે,

   આદિદેવ જાણિ વાસુદેવ વંદિયે અમે. ૧૦

નિત્ય આપની છબી અહો અમે નિહાળિયે,

તેથિ પાપ ને તથા ઉતાપ5 સર્વ ટાળિયે;

કોણ ભાગ્યશાળિ છે અમારિ તુલ્ય આ સમે,

આદિદેવ જાણિ વાસુદેવ વંદિયે અમે. ૧૧

   હાથ જોડિ નાથ એટલું જ માગિયે અહો,

   દુર્ગપત્તને દયા કરી હરી સદા રહો;

   મૂર્તિ આપની અમારિ આંખ્યમાં રહી રમે,

   આદિદેવ જાણિ વાસુદેવ વંદિયે અમે. ૧૨

ઉપજાતિવૃત્ત

સ્તુતી કરી સૌ મળિ એમ જ્યારે, સુણ્યો સહૂયે ભણકાર ત્યારે;

અહીં થકી ક્યાંઈ નહીં જઈશ, સદૈવ હું દુર્ગપુરે રહીશ. ૧૩

સુણી સહુ પૂરણ હર્ષ પામ્યા, ઉઠી સભા જૈ જન તો વિરામ્યા;

બિજે દિને સંઘ ગયા સ્વદેશ, લીલા હરીની ઉચરે હમેશ. ૧૪

રાજા કહે હે મુનિ બ્રહ્મચારી, કથા તમે આજ સુણાવિ સારી;

પુછું હવે ઉત્તર એહ આપો, કૃપા કરી સંશય સર્વે કાપો. ૧૫

તમે કહી જે પ્રતિમા પ્રભૂની, તે આજ ક્યાં છે છબિ સૌથિ જૂની?

બોલ્યા સુણી તત્ક્ષણ વર્ણિરાય, સુણો કહું તેનિ બિજી કથાય. ૧૬

વૈતાલીયવૃત્ત

શુભ દુર્ગપુરી વિષે વળી, વરસો કાંઈ ગયાં જ નીકળી;

શુભ મંદિર ગોપિનાથનું, રચિયું શ્રેષ્ઠ ઘણાક હાથનું. ૧૭

રચિયા ત્રણ ખંડ તેહમાં, પ્રતિમાઓ પધરાવિ જેહમાં;

વચલે પ્રભુ ગોપિનાથ છે, સતિ રાધા પણ તેનિ સાથ છે. ૧૮

પછિ પશ્ચિમ ખંડને વિષે, વૃષભક્તી તણિ મૂર્તિયો દિસે;

વૃષની જમણી ભુજા ભણી, છબિ આદીશ્વરની6 લસે7 ઘણી. ૧૯

વળિ જે દિશિ પૂર્વખંડ છે, શુભ તેમાં છબિ મારતંડ8 છે;

સુણ હે નૃપ તેં પુછ્યું સહી, છબિ ક્યાં છે શુભ તે કથા કહી. ૨૦

મુરતી સહુ મોર9 જાહરે, હતિ થાપી ઘર માંહિ તાહરે;

મખકુંડ કર્યો હતો તહાં, હરિહસ્તે ઘૃત હોમિયું જહાં. ૨૧

મહિમા મન માંહિ ધારિને, નૃપતી ઉત્તમ તે વિચારિને;

મખકુંડ અખંડ રાખિયો, મહિમા શ્રેષ્ઠ મુનીંદ્ર ભાખિયો. ૨૨

ઉપજાતિવૃત્ત

કહે ભુમાનંદ કૃપા કરીને, વિવેકિ સારા જન વાઘજીને;

સુણો કથા સ્નેહ સહીત સારી, પછી થયું તેહ કહું વિચારી. ૨૩

વૈતાલીયવૃત્ત

નૃપ ઉત્તમ પુત્ર જે થયા, શુભ નામે અમરીષ સૌ કહ્યા;

કર્યું રક્ષણ યજ્ઞકુંડનું, કરવા ધ્યાન સદા અખંડનું. ૨૪

વૃષવંશિ વિહારિલાલજી, પદ આચાર્ય લિધું વિશાળજી;

મહિમા મખકુંડનો ધરી, તહિં રાખ્યો દૃઢ કુંડ તે કરી. ૨૫

જન દર્શન સર્વ જૈ કરે, ધરણીનો મહિમા દિલે ધરે;

કૃતિ જાણિ વિહારિલાલની, સ્તુતિ બોલે જન ધર્મપાળની. ૨૬

નહિ મંદિર જે નવું કરે, નહિ જે ગ્રંથ નવીન આદરે;

નહિ કારજ શ્રેષ્ઠ જો કર્યું, પદ આચાર્ય ધર્યું નહીં ધર્યું. ૨૭

પુષ્પિતાગ્રાવૃત્ત

સુણિ બટુમુખથી10 કથાપ્રસંગ, પુલકિત પુષ્ટ થયું નરેશ અંગ;

પ્રણમિ ચરણકંજ11 વાર વારે, મુખ થકી ધન્ય સુધન્ય તે ઉચારે. ૨૮

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે ષષ્ઠકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીવાસુદેવનારાયણ-મૂર્તિમહિમાનિરૂપણનામા ષષ્ઠો વિશ્રામઃ ॥૬॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે