કળશ ૬

વિશ્રામ ૭

પૂર્વછાયો

કહે અચિંત્યાનંદજી, સુણી અભયસિંહ અવનીશ;

બાસઠ્યા તણી સાલમાં, રહ્યા દુર્ગપુરે જગદીશ. ૧

ઓરડામાં વાસુદેવની, પ્રભુ કરી પ્રતિષ્ઠા જેહ;

તે તો કથા તમને કહી, ધરી નિશ્ચળ મનમાં નેહ. ૨

આવ્યો ઉત્સવ હરિનૌમીનો, પક્ષ શુક્લમાં ચૈત્ર મોઝાર;

તે ઉત્સવ પણ ત્યાં કર્યો, મળ્યા લોક હજારો હજાર. ૩

આવ્યા તહાં ચરોતર થકી, સદગુરુ અનંતાનંદ;

કર જોડી તેણે કહ્યું, સુણો શ્રીહરિ આનંદકંદ. ૪

દેશ ચરોતરમાં હવે, સારો ઘણો વધ્યો સતસંગ;

દર્શન કરવા આપનાં, ઘણા જન ધરે છે ઉમંગ. ૫

કૃપાનિધી કરીને કૃપા, આપ પધારો ત્યાં એક વાર;

ભાવથી તમને ભેટવા, અતિ આતુર છે નરનાર. ૬

એવું સુણી હરિ બોલિયા, અમે આવશું ત્યાં તો જરૂર;

વચન સુણી વાલા તણું, અનંતાનંદ હરખ્યા ઉર. ૭

ચોપાઈ

ચરોતરમાં જવા સાક્ષાત, કહી ભૂપ અભયને તે વાત;

કર જોડી કહે ત્યારે રાય, કેમ તમ વિયોગે રહેવાય? ૮

તમારું કર્યાં વિણ દરશન, કેમ જમિયે અમે પ્રભુ અન્ન?

બોલ્યા શ્રીહરિ ધીરજ ધરજો, વાસુદેવનાં દર્શન કરજો. ૯

વાસુદેવની મૂરતી દ્વારે, સુખ આપીશ સર્વ પ્રકારે;

ઘણા જીવ મુમુક્ષુને કાજ, લૈને જૈશ હું સંતસમાજ. ૧૦

સુણી ભૂપ બોલ્યા તેહ ટાણે, કરો આપની ઇચ્છા પ્રમાણે;

પછી કીધી જવાની તૈયારી, લીધા સાધુ પાળા બ્રહ્મચારી. ૧૧

સખા ખાચર સોમલો સૂરો, જેનો પ્રેમ ન કાંઈ અધૂરો;

સાથે લૈને ચાલ્યા ઘનશામ, કારિયાણિયે કીધો મુકામ. ૧૨

ગામ ખરડ ગયા ગિરધારી, કૃતકૃત્ય કર્યાં નરનારી;

ગામોગામ કરીને નિવાસ, કર્યો આપ પ્રતાપ પ્રકાશ. ૧૩

ગયા ધોલેરે ધર્મકુમાર, પુંજાભાઈ તણે દરબાર;

અજૂબા ફુલજીબાયે જોઈ, કરાવી વિપ્ર પાસે રસોઈ. ૧૪

ભાવ ભાળી જમ્યા ભગવાન, દીધાં દૈવીને દર્શન દાન;

રહ્યા શ્રીહરિ ત્યાં એક રાત, પછી ઉઠીને ચાલ્યા પ્રભાત. ૧૫

આવ્યા સાભ્રમતીને કિનારે, ઉતર્યા શિકોતર તણે આરે;

ઉલંઘીને ખંભાતનું બારું, કાશિદાસને ભેટવા સારુ. ૧૬

બોચાસણમાં ગયા બળવંત, હરખ્યા કાશિદાસ અત્યંત;

કાશિદાસે સેવા સજી સારી, છબિ અંતરમાં લીધી ધારી. ૧૭

તેની માયે પુછ્યું પ્રભુ પાસે, કહોજી મારું કલ્યાણ થાશે?

સુણિ બોલ્યા સદા સુખદાઈ, તમારું થાય તે શી નવાઈ? ૧૮

સગા સંબંધી જે છે તમારા, જશે તે પણ ધામમાં મારા;

તમો હાથના રોટલા ખાશે, નકી તેનુંયે કલ્યાણ થાશે. ૧૯

કાલિદાસે વિચારિયું મન, કરું મારા સગાને પાવન;

જાઉં લૈ પ્રભુને તેને ઘેર, કરે દર્શન સૌ રુડી પેર. ૨૦

વેલમાં બેસાર્યા ઘનશામ, પછી લૈ ગયા દાવોલ ગામ;

સગાને કરાવ્યાં દરશન, વળી ત્યાંથી ગયા ગામ અન્ય. ૨૧

ફરતા કેટલેક દહાડે, ઘનશામ ગયા સીંજીવાડે;

સાયંકાળે જઈ ગામ પાસ, કર્યો ગામને ગોંદરે1 વાસ. ૨૨

પાંચ અસ્વાર લૈ ઘનશામ, રાયધણજી ને ભટ મયારામ;

ગયા જગરૂપ બારોટ ઘેર, નામ પૂછતા ઉત્તમ પેર. ૨૩

જોઈ બોલિયા જગરૂપભાઈ, કહો ક્યાંના છે આ ઠકરાઈ?

રાયધણજી બોલ્યા રૂડી રીતે, કહું તે તમે સાંભળો પ્રીત. ૨૪

ઉપજાતિવૃત્ત

જેને શ્રુતી2 બ્રહ્મપુરી કહે છે, નિવાસિ સૌ નિર્ભય જ્યાં રહે છે;

સમૃદ્ધિ જ્યાં સર્વ પ્રકાર નાના,3 તમે પુછ્યું તે ઠકરાઈ ત્યાંના. ૨૫

નથી જહાં કોઈ તણો જ ત્રાસ, અખંડ છે જ્યાં સુખનો જ વાસ;

જ્યાંના નિવાસી નથિ છેક છાના, તમે પુછ્યું તે ઠકરાઈ ત્યાંના. ૨૬

ચિંતામણીના બહુ ચોક જ્યાં છે, સુકલ્પવૃક્ષો અગણીત ત્યાં છે;

મરે ન જન્મે ન નિવાસિ જ્યાંના, તમે પુછયું તે ઠકરાઈ ત્યાંના. ૨૭

જ્યાં કાળશત્રૂ કદિયે ન ફાવે, જ્યાં રોગ કે શોક કશું ન આવે;

અખૂટ જ્યાં છે ધનના ખજાના, તમે પુછ્યું તે ઠકરાઈ ત્યાંના. ૨૮

જહાં વસે શેઠ ધનાઢ્ય કેવા, ન જાણવા ઇંદ્ર કુબેર એવા;

છે કૈંક તો વાસિ સદા તહાંના, તમે પુછ્યું તે ઠકારાઈ ત્યાંના. ૨૯

જહાંનિ હુંડી સરવત્ર ચાલે, ક્યાંઈથિ પાછી કદિયે ન વાળે;

જ્યાં ઉપરી છે જગતો બધાના, તમે પુછ્યું તે ઠકરાઈ ત્યાંના. ૩૦

જ્યાં કાળ માયા ન કરે પ્રવેશ, જ્યાં દુઃખ દારિદ્ર દિસે ન લેશ;

દિસે જહાં સાગર તો દયાના, તમે પુછ્યું તે ઠકરાઈ ત્યાંના. ૩૧

જ્યાં ક્લેશ કંકાસ તણો ન વાસ, દિસે ન કોઈ કદિયે ઉદાસ;

ત્યાં જાય તે મુક્ત સહુ થવાના, તમે પુછ્યું તે ઠકરાઈ ત્યાંના. ૩૨

ચોપાઈ

રાયધણજી કહે જગરૂપ, આ છે અક્ષરધામના ભૂપ;

એનું સ્વામિનારાયણ નામ, દયા લાવિ આવ્યા તવ ધામ. ૩૩

અનંતાનંદ સ્વામિયે તમને, કરી વાત ધરાવ્યા નિયમને;

જેહ પ્રગટ પ્રભુ ઓળખાવ્યા, એ જ આ પ્રભુ તમ ઘેર આવ્યા. ૩૪

એવું સુણતાં હરખ થયો જેવો, કવિથી ન વરણવાય તેવો;

દંડવત કરિને લાગ્યા પાય, નેણે પ્રેમનાં જળ વહ્યાં જાય. ૩૫

અહો નાથ અહો પ્રાણનાથ! ભલે આવ્યા સખા લઈ સાથ;

એમ બોલે કાલા ઘેલા થાય, ઉઠી લાગે વારેવારે પાય. ૩૬

માથે હાથ મુક્યા મહારાજે, આપી આશિષ કલ્યાણ કાજે;

ઢાળી ઢોલિયો દીધો બિછાવી, બેઠા તે પર શ્રીહરિ આવી. ૩૭

બાપુભાઈ પટેલ તે વાત, જાણી આવિયા થૈ રળિયાત;

પ્રભુને કર્યો દંડ પ્રણામ, બીજા ભક્ત આવ્યા એહ ઠામ. ૩૮

અતિ સ્નેહથી દર્શન કીધાં, નિજ ભાગ્ય ભલાં ગણિ લીધાં;

નારી બારોટની સજુબાઈ, સારી કરવા રસોઇમાં ડાઈ. ૩૯

હતો જે કોઈ ક્ષત્રિસમાજ, કર્યું ભોજન તેહને કાજ;

મયારામ ભટે રાંધ્યું જેહ, જમ્યા શ્રીજગજીવન તેહ. ૪૦

હતા પાદરમાં કાશિદાસ, તેને તેડાવ્યા પોતાની પાસ;

જથા જોગ્ય સહુને જમાડ્યા, અતિ આનંદ અંગે પમાડ્યા. ૪૧

જમીને પ્રભુ ઢોલિયે બેઠા, પુરવાસી આવી બેઠા હેઠા;

ધર્મ જ્ઞાન વૈરાગ્યની વાત, કરી શ્રીહરિયે સાક્ષાત. ૪૨

જગરૂપની પરસાળ4 માંય, ઢાળ્યો ઢોલિયી પોઢવા ત્યાંય;

તેની ઊપર મશરુ તળાઈ,5 સારો ઓછાડ પણ સુખદાઈ. ૪૩

કર્યું ઓશિકું પૂર્વ દિશાય, પોઢ્યા તે પર શ્રીહરિરાય;

જગરૂપ બાપુભાઈ બેય, પ્રભુની પદસેવા કરેય. ૪૪

શ્રીજી પૂછે રુડા સમાચાર, પુછે શ્રીજીને તેહ તે ઠાર;

એમ કરતાં પરસ્પર વાત, ડોઢ પોર6 વીતી ગઈ રાત. ૪૫

બોલ્યા શામ બન્ને પ્રતિ ત્યારે, અમે ચાલશું કાલ સવારે;

બાપુભાઈ કહે ધીરા થાજો, મારે ઘેર જમ્યા પછી જાજો. ૪૬

ઘણિ તાણ કરી કહ્યું જ્યારે, તથા અસ્તુ કહ્યું પ્રભુ ત્યારે;

સુણિ એવું રુદે રાજિ થૈને, સૂતા સૌ સઉને સ્થળ જૈને. ૪૭

પછી ઊઠિયા કૃષ્ણ પ્રભાતે, કરિ નિત્યક્રિયા ભલી ભાતે;

બાપુભાઇયે રસોઈ કરાવી, જમ્યા શામ સાથે સહુ આવી. ૪૮

રુડી રીતે રહ્યા તહાં રાત, વીતી રાત ને પ્રગટ્યું પ્રભાત;

પછી ઘોડે મંડાવ્યાં પલાણ, થયા તૈયાર શામ સુજાણ. ૪૯

કહે જગરૂપને જગનાથ, કોઈ ભોમિયો મોકલો સાથ;

જગરૂપ કહે જગદીશ, આપની સાથે હું જ આવીશ. ૫૦

કાકો લખમણ બારોટ નામે, માગી તેની ઘોડી જવા કામે;

ઘોડી લૈને ચાલ્યા જગરૂપ, જ્યારે ચાલ્યા તે ભૂપના ભૂપ. ૫૧

જગરૂપ તણી વૃદ્ધ માયે, જાણ્યું મુજ સુતને લઈ જાયે;

લાગી કકળાટ કરવાને જ્યારે, રાયધણજી તેને કહે ત્યારે. ૫૨

પ્રભુખોળે7 છે પુત્ર તમારો, તેની ચિત્તથી ચિંતા વિસારો;

ઘણી એ રીતે ધીરજ દીધી, પછી વાટ બાળંટાનિ લીધી. ૫૩

પ્રભુ અશ્વે થયા અસવાર, સાથે સ્વાર હતા ત્રણ ચાર;

કાશીદાસની વેલ તે વાંસે, ચાલે સંતમંડળ તેહ પાસે. ૫૪

બાળંટે થઈને મગરોળ, ગયા સર્વે તે કરતાં કલ્લોલ;

ગામ દેવાની પૂર્વ દિશાયે, કુવો દેખીને ઊતર્યા ત્યાંયે. ૫૫

દંતધાવન8 આદિક કીધું, સર્વ નિત્યકરમ કરી લીધું;

બેઠા વેલમાં વિશ્વવિહારી, વસો પુરમાં જવાનું વિચારી. ૫૬

ગયા ત્યાંથી ગાઉ એક જ્યારે, ભટ્ટ પાછળ રહી ગયા ત્યારે;

પડ્યા ઘોડી ઉપર થકી ભટ્ટ, જાણ્યું અંતરજામિયે ઝટ. ૫૭

વેલ પોતાનિ ઉભી રખાવી, રાયધણજીની ઘોડી મંગાવી;

પોતે તે પર અસ્વાર થૈને, ભટ્ટજીની દશા જોઈ જૈને. પ૮

ભટ્ટ ભૂમિ ઉપર હતા ફરતા, ઘોડી ઝાલવાનો શ્રમ કરતા;

ઘોડી તો દૂર નાસતી જાય, ભટ્ટને મુખ શ્વાસ ન માય. ૫૯

ઘનશામે તે ઘોડીને ઝાલી, આવ્યા ત્યાં તો મયારામ ચાલી;

પડેલો ભોંએ ભટ્ટનો ખડિયો,9 જતાં તે જગદીશને જડિયો. ૬૦

નાથે ખડિયી ઉપાડિયો જ્યારે, થયાં ખડખડ વાસણ ત્યારે;

નાખી દીધો તે ખડિયો રિસાઈ, કહ્યું ઘોડીનો વાંક શો ભાઈ? ૬૧

વિપ્ર વાસણ રાખે ઘણાંય, તેથી ખડખડ ભડભડ થાય;

ઘોડું ભડકીને ભાગે જરૂર, કરે અસ્વારને ચકચૂર.10 ૬૨

ભટ્ટની ઘોડિયે ભગવાન, થયા અસ્વાર થૈ સાવધાન;

ભટ્ટ ખડિયો પોતા તણો લૈને, બીજી ઘોડી ઉપર બેઠા જૈને. ૬૩

ભાભારામની ભાગોળે આવ્યા, જનના મનમાં પ્રભુ ભાવ્યા;

નાખી ઘોડીને કૃષ્ણ કુંડાળે, આંટા સો ફેરવી એહ કાળે. ૬૪

એવી લીલા શ્રીજી તણી જેહ, ધરે ધ્યાનમાં મુનિજન તેહ;

આપે દાસને આનંદ ભારી, એવા શ્રીહરિ વિશ્વવિહારી. ૬૫

પુષ્પિતાગ્રાવૃત્ત

પ્રગટ હરિ તણાં ચરિત્ર જેહ, શુક સનકાદિક નિત્ય ગાય તેહ;

અધમ પતિત પાપિને ન ભાવે, સુણિ સુણિ કોટિ કુતર્ક ચિત્ત લાવે. ૬૬

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે ષષ્ઠકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિચારુતર-પ્રાંતવિચરણનામા સપ્તમો વિશ્રામઃ ॥૭॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે