વિશ્રામ ૮
પૂર્વછાયો
વસો ભણી પ્રભુ વિચર્યા, દેવા ગામથી દીનદયાળ;
સામા આવ્યા સતસંગિયો, સમાચાર સુણી તતકાળ. ૧
ચોપાઈ
સામા આવિયા ત્યાં વાલાભાઈ, તેની પત્નિ તે અવલબાઈ;
તુલસીભાઈ પણ ત્યાં વિચરિયા, જેણે અંતરમાં હરિ ધરિયા. ૨
દવે દાદા આદિક સતસંગી, આવ્યા દર્શન કાજ ઉમંગી;
આવ્યા કાનજી ઠક્કર લુવાણા, સત્સંગમાં જે વખણાણા. ૩
લાવ્યા માટલી બરફીની ભરી, ધર્મનંદન આગળ ધરી;
જમ્યા શ્રીજગજીવન તેહ, આપી સૌને પ્રસાદી તો એહ. ૪
હતા બારોટ જે જગરૂપ, કહે તેહને વૃષકુળભૂપ;
જાઓ ઘેર હવે તમે ભ્રાત, કરે છે ચિંતા તમારી માત. ૫
ઘણું કરતાં હશે કલપાંત, તમે જૈ પમાડો મન શાંત;
હેત માતાનું હોય અપાર, રાખે પુત્ર ઉપર બહુ પ્યાર. ૬
ઉપજાતિવૃત્ત (માતાના પ્રેમ વિષે)
માતા તણો પ્રેમ અપૂર્વ હોય, તે તુલ્ય સ્નેહી નહિ અન્ય કોય;
સંસારમાં અન્ય ઘણી સગાઈ, માતાનિ તુલ્યે નહિ કોઈ ભાઈ. ૭
જે આપનું સત્વ શરીર કેરું, તે પુત્રને પાય અહી ઘણેરું;
એવી રિતે પોષણકારિ કોય, માતાનિ તુલ્યે જગમાં ન હોય. ૮
જુઓ તપાસી પશું પક્ષિમાંય, માતા તણો સ્નેહ ઘણો જણાય;
પોતે સહે સંકટ કોઈ કાળે, તથાપિ સ્નેહે સુતને જ પાળે. ૯
ભાઈ તથા મિત્ર કળત્ર પુત્ર, જે જે સગાં સ્નેહિ જણાય અત્ર;
તે સર્વ છે સ્વારથની સગાઈ, નિઃસ્વાર્થ માતાનિ સગાઈ ભાઈ. ૧૦
કરે તિરસ્કાર કુપુત્ર માનો, માનો ખરો સ્નેહ નહીં જવાનો;
જો પુત્ર ગાંડો નબળો નઠારો, તથાપિ માને મન હોય પ્યારો. ૧૧
ચકોરને છે પ્રિય ચંદ્ર જેવો, ભુજંગને1 તો મણિ હોય એવો;
દૃષ્ટાંત મિત્રાદિક એહ દેય, માતાનિ પ્રીતી ખરિ એવિ છેય. ૧૨
માતાનિ પ્રીતી પ્રભુયે રચેલી, બિજાનિ તો કર્ત્રિમ2 છે કરેલી;
પ્રત્યક્ષ ને ચિત્રિત હોય જેવું, માનું તથા અન્યનું હેત એવું. ૧૩
પ્રવાસથી પૂરુષ ઘેર આવે, માતા તથા પત્નિ પ્રહર્ષ3 લાવે;
માતા કહે પુત્ર ભલે જ આવ્યા, પત્નિ પુછે શુંય કમાઈ લાવ્યા? ૧૪
ચોપાઈ
સ્નેહસાગર માતા તમારી, વાટ જોતાં હશે દૃષ્ટિ ધારી;
માટે જૈ તેને સુખ સંપડાવો,4 મારી આજ્ઞા આ માથે ચડાવો. ૧૫
એવી આજ્ઞા કરી મુનિભૂપ, તેથી ઘેર ગયા જગરૂપ;
કાશિદાસને પણ કહ્યું ત્યારે, તમે ઘેર સિધાવો તમારે. ૧૬
કર જોડિ કહે કાશિદાસ, તમે સાંભળો શ્રીઅવિનાશ;
મારા સંબંધી માતરમાં છે, માટે તમને તેડી જવા ત્યાં છે. ૧૭
સુણી શ્રીહરિ તૈયાર થયા, મનમોહન માતર ગયા;
એક બાવાને ઈરષા વાધી, તેણે કરવાને માંડી ઉપાધી. ૧૮
ત્યાંના બારોટ બહુ હતા સારા, તેણે ચોરામાં હરિને ઉતાર્યા;
બહુ બાવાને તેણે ડરાવ્યો, તેથી ઉપાધિ કરવા ન ફાવ્યો. ૧૯
કાશીદાસના સંબંધી ઘેર, જમી આવ્યા પ્રભુ રુડી પેર;
ત્યાંથી ફરતા બિજાં ઘણાં ગામ, ગયા ઉત્તરસંડે તે શામ. ૨૦
ત્યાં તો નરહરદાસ પટેલ, મહિમા પ્રભુનો સમજેલ;
તેણે ઉતાર્યા પોતાને ઘેર, સ્નેહે સેવા સજી શુભ પેર. ૨૧
ત્યાંથી પીજ ગયા પરમેશ, દેવા દૈવીને શુભ ઉપદેશ;
બચ્ચાભાઈની ખડકી છે જ્યાંય, ઉતર્યા ત્રિભુવનપતિ ત્યાંય. ૨૨
ભાઈજીભાઈ ઝવેરદાસ, કાનદાસ આવ્યા પ્રભુ પાસ;
મળી સૌયે સજી સારી સેવા, લાભ અચળ અલૌકિક લેવા. ૨૩
વાત ચાલી ડભાણે ઘણી જ, મહાપુરુષ પધાર્યા છે પીજ;
તેમાં ભારે ચમત્કાર ભાસે, કીધે દર્શન પાપ પ્રનાશે. ૨૪
વિષ્ણુદાસના રઘુનાથદાસ, તેનો ગામ ડભાણમાં વાસ;
પુત્રી પાવન અવલબાઈ, ભલાં દૈવી તે ભગની ને ભાઈ. ૨૫
કરી તાતને વિનતિ ઘણી જ, આપો આજ્ઞા અમે જૈયે પીજ;
મહાપુરુષને આપણે ઘેર, તેડી લાવિયે ઉત્તમ પેર. ૨૬
વિષ્ણુદાસે કહ્યું ભલે જાઓ, પદ પરશિને પાવન થાઓ;
પછી પીજ ગયાં બેન-ભાઈ, કર્યાં દરશન અતિ સુખદાઈ. ૨૭
ઘણી વિનતિ સુણાવી સુજાણ, પ્રભુ લૈ ગયાં ગામ ડભાણ;
ઉતર્યા વિષ્ણુદાસ નિવાસ, શામે સૌની પુરી કરી આશ. ૨૮
એક ગોવિંદભાઈ પટેલ, જેના મનમાં નહીં લેશ મેલ;
નામે રાયજી તે જણ બેય, એક વિપ્ર પ્રભુરામ છેય. ૨૯
વિપ્ર કુબેરજી મયારામ, વળિ નાગજી ગોવિંદરામ;
પ્રભુરામના સુત જગન્નાથ, એહ આદિક સત્સંગી સાથ. ૩૦
સર્વ શ્રીહરિની સેવા કરે, ઉપદેશ સુણી ઉર ધરે;
પછી ત્યાંથી ગયા જગતાત, ગામ ટુંડેલ થૈ પીપળાત. ૩૧
બામણોલી ગયા બહુનામી, નિજજન હિત અંતરજામી;
તહાં ભક્ત તખો પગી નામ, તેને વાલા ઘણા ઘનશામ. ૩૨
મુક્તાનંદ તણે ઉપદેશે, તેને જ્ઞાન મળેલું વિશેષ;
સુણ્યા તેણે સારા સમાચાર, અંહિ આવે છે ધર્મકુમાર. ૩૩
સામા જૈને કર્યું સનમાન, ભાવે ભેટિયા શ્રીભગવાન;
રુડી રાયણ છે એક જ્યાંય, ઢાળ્યો ઢોલિયો લાવીને ત્યાંય. ૩૪
બિરાજ્યા ઢોલિયે મહારાજ, બેઠો આગળ સંતસમાજ;
કુવો ત્યાંથી ઈશાનમાં ભાળી, તહાં નાવા ચાલ્યા વનમાળી. ૩૫
દંતધાવન આદિક કીધું, નિત્યકર્મ તહાં કરી લીધું;
હરિમજ્જનનું5 નીર રાખ્યું, તખાભક્તે કુવા માંહિ નાંખ્યું. ૩૬
સર્વે લોકની બુદ્ધિ સુધરવા, કુવો તેહ પ્રસાદીનો કરવા;
એક જાજમ પાથરી હતી, બેઠા ત્યાં પછી સંતના પતિ. ૩૭
મુક્તાનંદ આદિક સહુ સંત, બેઠા નિર્ખવા શ્રીભગવંત;
ધર્મ ભક્તિ ધરી દિવ્ય દેહ, હતાં શ્રીજીની સેવામાં તેહ. ૩૮
તખાભક્તે કહ્યું જમવાનું, પણ શ્રીહરિયે નહિ માન્યું;
જતાં વરતાલ વિલંબ થાય, માટે જમવા નહીં રહેવાય. ૩૯
એવાં વચન બોલ્યા હરિ જ્યારે, મુકિ કેરિયો લાવિને ત્યારે;
સંતને હરિયે વેંચી દીધી, સંતે જાણી પ્રસાદી તે લીધી. ૪૦
જમ્યા કેરિયો શ્રીજી ને સંત, હરખ્યા તખોભક્ત અત્યંત;
બ્રહ્મા ઇંદ્ર મહેશ ગણેશ, આવ્યાં ગાંધર્વ શારદા શેષ. ૪૧
પ્રભુ દર્શનની કરી આશ, બેઠા સર્વ તે રાયણ પાસ;
વાત વરતાલ માંહિ વિસ્તરી, બામણોલી પધાર્યા છે હરી. ૪૨
પડ્યાં મેલી બીજાં બધાં કાજ, સામો ચાલિયો સર્વ સમાજ;
પ્રેમી ભક્ત મહુડિયા પરાના, પગી જાલમ ચાલિયા ત્યાંના. ૪૩
જન સામો મળ્યો નર કોઈ, તેને પુછ્યું તેના સામું જોઈ;
ભાઈ સ્વામિનારાયણ ક્યાં છે? તેની સાથે બીજા કોણ ત્યાં છે? ૪૪
ઉપજાતિવૃત્ત
બોલ્યો સુણીને નર તેહ ઠામ, છે બામણોલી શુભ ગામ નામ;
કૂવો તહાં રાયણથી ઇશાને, છે સ્વામિનારાયણ તે સ્થાને. ૪૫
આવ્યા સુરો દર્શન કેરિ આશ, બેઠા મળી રાયણ વૃક્ષ પાસ;
સંતો તથા ભક્ત ગૃહસ્થ જે છે, શ્રીસ્વામિનારાયણ પાસ તે છે. ૪૬
સભા વિલોકી6 સુર રાજિ થાય, ઉત્સાહ એનો વરણ્યો ન જાય;
ગાંધર્વ સર્વ ગુણ ઉચ્ચરે છે, શ્રીસ્વામિનારાયણ પાસ તે છે. ૪૭
જે મુખ્ય તો મુક્ત મુની ગણાય, વૈરાગ્ય જેનો વધતો જણાય;
વાર્તા કથા શ્રીહરિની કરે છે, શ્રીસ્વામિનારાયણ પાસ તે છે. ૪૮
મહેશ સાથે સુત છે ગણેશ, સુરોનિ સાથે વળિ છે સુરેશ;7
શેષાદિ સર્વે સુજશો કહે છે, શ્રીસ્વામિનારાયણ પાસ તે છે. ૪૯
મુકુંદ જે નૈષ્ઠિક વર્ણિરાજ, પૂજા તણો તે લઈ સર્વ સાજ;
ઉભા ઉભા અર્ચન આચરે છે, શ્રીસ્વામિનારાયણ પાસ તે છે. ૫૦
તહાં વળી નારદ શારદાદિ, કવિત્વકારી કવિ વાલ્મિકાદિ;
ચરિત્રના ગ્રંથ રુડા રચે છે, શ્રીસ્વામિનારાયણ પાસ તે છે. ૫૧
શ્રીધર્મ ભક્તી ધરિ દિવ્ય દેહ, સદા સજી શ્રીહરિમાં સનેહ;
સેવા ભૂલી સજ્જ થઈ સજે છે, શ્રીસ્વામિનારાયણ પાસ તે છે. ૫૨
પ્રત્યેક બ્રહ્માંડ તણા અધીશ, બ્રહ્મા ભવાનીપતિ8 લક્ષમીશ;9
સમીપના દાસ થવા ચાહે છે, શ્રીસ્વામિનારાયણ પાસ તે છે. ૫૩
ચોપાઈ
સુણિને સહુ હરખિત થયા, બામણોલિયે તે સહુ ગયા;
કુવા પાસે દીઠા અવિનાશ, દીઠા દેવ સૌ રાયણ પાસ. ૫૪
કર્યા પ્રેમે જઈને પ્રણામ, દીધી આશીષ સુંદર શામ;
પછી સજ્જ થઈ હરિરાય, થયા વરતાલ પંથ વિદાય. ૫૫
દેવો સૌ ગયા દર્શન કરી, મહુડીયે પરે આવ્યા હરી;
પગી જાલમજી તણે ઘેર, પધાર્યા પ્રભુજી રુડી પેર. ૫૬
વરતાલ આવ્યા વનમાળી, પામ્યા આનંદ સૌ જન ભાળી;
તહાં વાસણ સૂતાર ઘેર, ઉતર્યા ધરિને ઉર મહેર. ૫૭
ધર્મશાળા વડેઉની જ્યાંય, સહુ ઉતર્યા અસ્વાર ત્યાંય;
રહ્યા દશ દિન દેવ મુરારી, સેવા સત્સંગિયે સજી સારી. ૫૮
તહાં પ્રૌઢ પ્રતાપ જણાવ્યો, તેથી જશ ઠામઠામ ફેલાવ્યો;
કહે ભૂપ અહો બ્રહ્મચારી, એ તો વાત કહો વિસ્તારી. ૫૯
કેવી રીતે જણાવ્યો પ્રતાપ, વરતાલમાં શ્રીહરિ આપ;
હરિ જશ રસ કરવાને પાન, અતિ આતુર છે મુજ કાન. ૬૦
પુષ્પિતાગ્રાવૃત્ત
હરિ જશ રસની ન ચાહ જેને, અસુર અધર્મિ કહે જ શાસ્ત્ર તેને;
વળિ જડ જન એ જ આત્મઘાતી, ધિક ધિક જન્મ ધર્યો મનુષ્યજાતી. ૬૧
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે ષષ્ઠકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
વૃત્તાલયે શ્રીહરિઆગમનનામા અષ્ટમો વિશ્રામઃ ॥૮॥