કળશ ૬

વિશ્રામ ૯

પૂર્વછાયો

વર્ણિ કહે વરતાલમાં, ભક્તિનંદન શ્રીભગવાન;

દિવ્ય સ્વરૂપે કૈંકને, દીધું પોતાનું દર્શનદાન. ૧

ચોપાઈ

ગામોગામ તે વિસ્તરી વાત, પ્રભુ પ્રગટ થયા સાક્ષાત;

ધરી આવ્યા મનુષ્ય આકાર, વરતાલમાં વિશ્વઆધાર. ૨

ખોડોભાઈ તથા હઠીભાઈ, ગામ બુધેજના ઠકરાઈ;

તેણે સાંભળ્યો પ્રૌઢ પ્રતાપ, ધરી દર્શનની રુચિ આપ. ૩

થયું સ્વપ્નમાં દર્શન રાતે, કહી વાત મળી તે પ્રભાતે;

દીઠા બે જણ એક જ રીતે, કહ્યું તે પરસ્પર પ્રીતે. ૪

વરતાલે વડેઉ છે માતા, તેની જગ્યામાં જનસુખદાતા;

ઉત્તરાભિમુખે અવિનાશી, દિઠા પાટ ઉપર સુખરાશી. ૫

હતું પુસ્તક પાસે પડેલું, કાળા કાંબળા ઉપર ધરેલું;

પછી બેયે કર્યો નિરધાર, વરતાલ જૈયે એક વાર. ૬

સ્વપનામાં દીઠા હરિ જેવા, ત્યાં જો દેખિયે એવા ને એવા;

નકી જાણશું તે જગપાળ, નહિ તો બધું આળપંપાળ.1

વરતાલ આવ્યા એવું ધારી, દીઠા એવે જ રૂપે મુરારી;

ધર્મશાળા વડેઉની2 જ્યાંય, હતા શ્રીસહજાનંદ ત્યાંય. ૮

ઉત્તરાભિમુખે એ જ વેશ, પેખ્યા પાટ ઉપર પરમેશ;

પાસે પુસ્તક દીઠું પડેલું, કાળા કાંબળા ઉપર ધરેલું. ૯

નિશ્ચે જાણ્યા તે સુંદરશામ, કર્યા પ્રેમથી દંડપ્રણામ;

બેના હૈયામાં હરખ ન માય, અતિ આશ્ચર્ય એને જણાય. ૧૦

મળ્યા અંગદ આદિને જેહ, મળ્યા ગોપી ગોવાળને તેહ;

કળિકાળમાં તે મળે ક્યાંથી, એમ ફૂલાય છે મનમાંથી. ૧૧

શ્રીજીયે બેયને સતકાર્યા, બોલાવીને સમીપ બેસાર્યા;

જ્ઞાનવાત કરી સમજાવ્યા, સતસંગના નિયમ ધરાવ્યા. ૧૨

માગ્યું બેય જણે વરદાન, આવો બૂધેજ શ્રીભગવાન;

દીનબંધુ દયા દિલ ધારી, આશા એટલી પૂરો અમારી. ૧૩

સુણિ બોલિયા શ્રી ઘનશામ, નકી આવશું બુધેજ ગામ;

ગુજરાતમાં બીજે વિચરતા, આવશું તહાં ફરતાં ફરતાં. ૧૪

સુણી રાજી થયા જન બેય, રહી રાત ગયા ઘેર તેય;

કાશીદાસને કરુણાનિધાન, કહે જાઓ તમે નિજ સ્થાન. ૧૫

ઘણા દિવસ થયા મુક્યું ગામ, માટે જાઓ કરી ઘરકામ;

કાશિદાસ કહે જોડી હાથ, મહારાજ સુણો મુનિનાથ. ૧૬

મારા સંબંધિ છે ચાંગા ગામે, તમને લઈ જૈશ તે ઠામે;

સગા સહુને તમારું જ્ઞાન, દેવાનું ધાર્યું છે ભગવાન. ૧૭

સુણી રાજી થયા ઘનશામ, તેની સાથે ગયા ચાંગા ગામ;

એક વાસર ત્યાં વસી વાસ, કર્યો કૈંકને જ્ઞાનપ્રકાશ. ૧૮

આવ્યા સંજાયે શ્રીઅવિનાશ, રહે ભક્ત ત્યાં ગરીબદાસ;

તેને ઘેર જૈ જમ્યા જીવન, વિપ્ર અંબારામે રાંધ્યું અન્ન. ૧૯

ત્યાંથી આવ્યા પ્રભુ વરતાલ, પરમેશ્વર જગપ્રતિપાળ;

કાશિદાસને ઘેરી વળાવ્યા, શ્રીજી તો ઉમરેઠ સિધાવ્યા. ૨૦

ઉતર્યા રૂપરામને ઘેર, તેણે સેવા સજી સારી પેર;

બિજે દિન રાખ્યા નરભેરામે, રહ્યા ચાર દિવસ એક ઠામે. ૨૧

કહ્યું તે બેયને ઘનશામે, અમે આવ્યા હતા એહ ઠામે;

નાગનાથમાં કીધો ઉતારો, ફળાહાર આપ્યો તમે સારો. ૨૨

બોલ્યા તે બેય કરિને પ્રણામ, રૂપરામ ને નરભેરામ;

એહ અવસરે હે મહારાજ, નોતા જાણ્યા રાજા અધિરાજ. ૨૩

સુણી ભૂપ કહે બ્રહ્મચારી, ઉમરેઠમાં શ્રીગિરિધારી;

કર્યો ઉદ્ધવ મતનો પ્રકાશ, કર્યો વેદવિરુદ્ધનો નાશ. ૨૪

જ્યાં જ્યાં જાય ત્યાં જણવે પ્રતાપ, સતસંગ વધારે અમાપ;

મતવાદીયોના અભિમાન, કરે ભંજન3 શ્રીભગવાન. ૨૫

કૃષ્ણ જન્મ ધર્યો જેહ કામે, એ જ કામ કર્યું ઠામોઠામે;

દિન પ્રત્યેકની કથા કહીયે, લક્ષ4 વર્ષમાં પાર ન લહીયે. ૨૬

માટે સંક્ષેપમાં જાણી લેવું, પ્રતિદિવસ કર્યું કામ એવું;

ઉમરેઠમાં નિજ જય કરી, ગયા ગામ ઘોડાસર હરી. ૨૭

ત્યાંથિ જેતલપુર મછિયાવ, વિચર્યા મનમોહન માવ;

બહુનામી બુધેજ સીધાવ્યા, ખોડાભાઈ ત્યાં તો સામા આવ્યા. ૨૮

હઠિભાઈ આદિક હરિભક્ત, આવ્યા જે હરિચરણ આસક્ત;

સારી રીતે કર્યું સનમાન, પુરમાં પધાર્યા ભગવાન. ૨૯

ખોડાભાઈ તણે દરબાર, ઉતર્યા જઈ વિશ્વ આધાર;

પશ્ચિમાભિમુખે ઓરડા છે, ઓટો લિંબડા આગળ ત્યાં છે. ૩૦

ભલો તે પર ઢોલિયો ભાળી, બેઠા તેના ઉપર વનમાળી;

બેઠા આગળ ભક્ત ને સંત, ખોડાભાઈને કહે ભગવંત. ૩૧

ભલા ભક્ત તમે તો ગણાઓ, ગમે તે એક કીર્તન ગાઓ;

ખોડાભાઈયે રાગ સુણાવ્યો, તેમાં ભાવ ભલો દરસાવ્યો. ૩૨

કેટલેક દાડે બેની કાન, બેઠા મુજ આંગણે ભગવાન;

મર્મ સમજીને બોલિયા શામ, અમે આવ્યા હતા એહ ઠામ. ૩૩

પૂર્વછાયો

ઉત્તરમુખ છે ઓરડા, તહાં લેવા સદાવ્રત કામ;

આવ્યા હતા અમે એમ કહિ, બધિ વાત કરિ ઘનશામ. ૩૪

ચોપાઈ

ખોડોભાઈ બોલ્યા શિર નામી, અહો ઈશ્વર અંતરજામી;

મહા દુસ્તર5 માયા તમારી, અવરાયેલી બુદ્ધિ અમારી. ૩૫

તેથી તમને ન ઓળખ્યા ત્યારે, અતિ ભૂલ થઈ એ તો ભારે;

ક્ષમા કીધો એવો અપરાધ, આપ ગંભીર છોજી અગાધ. ૩૬

ઉપજાતિવૃત્ત (મોટાના અનુગ્રહ વિષે)

અજાણતાં જે અપરાધ થાય, મોટા જનો માફ કરે સદાય;

અજ્ઞાનિ જો બાળ કુવાક્ય ભાખે, માતા પિતા ક્રોધ કદી ન રાખે. ૩૭

રાજા ઝિણા દોષ જુવે પ્રજાના, જનો ગુનેગાર સહુ થવાના;

રાખે જ મોટા જન ગંભિરાઈ, ત્યારે જ સંસાર નભે સદાઈ. ૩૮

ગાળો કઈ ઈશ્વરનેય દે છે, તથાપિ વૃષ્ટી પ્રભુ તો કરે છે;

જુવે જનોના અપરાધ જોય, તો વિશ્વમાં જીવ જિવે ન કોય. ૩૯

ધણી જુવે ચાકર કેરિ ચૂક,6 અપાર ચૂકો જડશે અચૂક;

ઘણી ચુકો માફ ધણી કરે છે, ત્યારે જ તે ચાકર તો નભે છે. ૪૦

સદા કરે જે ઘરકામ નારી, તેની જુવે ચૂક સદા વિચારી;

તો પેખતાં પાર કદી ન આવે, શી રીતે નારી ઘર તે ચલાવે. ૪૧

જો કાષ્ઠ પાણીશિર7 વાટ પાડે,8 તથાપિ તે પાણિ નહીં બુડાડે;

જેનું કરે પોષણ જે ખચીત, તેને નિભાવે જ વડાનિ રીત. ૪૨

જેને વડા આશ્રય માંહિ લેય, તેને કદી તે નહિ ત્યાગ દેય;

જો શંભુયે ઝેર સ્વહસ્ત લીધું, તેને પછીથી નહિ ત્યાગ કીધું. ૪૩

મોટા તણાં તો મન હોય મોટાં, છોટા તણાં તો મન છેક છોટાં;

તળાવ છે તે છલકાઈ જાય, સમુદ્રને ક્ષોભ કદી ન થાય. ૪૪

માતા પિતા કે પ્રતિપાળનાર, એ હોય છે ગંભિર ને ઉદાર;

છોરૂ કછોરૂ જગમાં જણાય, માતા કુમાતા કદિયે ન થાય. ૪૫

અહો પ્રભૂ બાળ અમે તમારાં, માતા પિતા સત્ય તમે અમારાં;

ક્ષમા કરો છો અપરાધ જોઈ, એવા દયાળુ નહિ દેવ કોઈ. ૪૬

ચોપાઈ

સુણિ રાજિ થયા મહારાજ, ગુણસાગર ગરીબનિવાજ;

ખોડાભાઈની ભારજા9 ડાઈ, રુડું નામ જેનું નાનબાઈ. ૪૭

તેણે થાળ પવિત્ર કરાવ્યો, વિપ્ર પાસે પ્રભુને ધરાવ્યો;

જમ્યા કૃષ્ણ જમ્યા સહુ સંત, હરખ્યા ખોડાભાઈ અત્યંત. ૪૮

બીજે દિન હઠીભાઈને ઘેર, જમ્યા સંત હરિ રુડિ પેર;

રાજુબાઈ તેને ઘેર નારી, પ્રેમે પૂજ્યા તેણે ગિરધારી. ૪૯

તેજાભાઈ તેના સુત શાણા, તેણે શ્રીપુરુષોત્તમ જાણ્યા;

અતિ પ્રેમથિ કીધા પ્રણામ, શિર હાથ મુક્યો ઘનશામ. ૫૦

ત્રીજે દિન કલભા તણે ઘેર, જમવા નોતર્યા શુભ પેર;

ઉત્તરાભિમુખે ઓરડા છે, જગજીવન ત્યાં જ જમ્યા છે. ૫૧

કંકુબાઈ તેની ઠકરાણી, તેણે સેવિયા સારંગપાણી;

પછી જીભાઇયે જમવાને, તેડ્યા રાજાધિરાજ રાજાને. ૫૨

પશ્ચિમાભિમુખે ઓરડામાં, જમ્યા શ્રીહરિ તેહ સમામાં;

એક દિન હઠિભાઈને ઘેર, સભા શામે સજી સારી પેર. ૫૩

ત્યારે તે અવસર તેહ ઠામ, હઠીભાઈયે બોલાવ્યું ગામ;

પ્રજા સૌને કહે હઠીભાઈ, આ છે સર્વોપરી સુખદાઈ. ૫૪

રુચે તો તેનો આશ્રય કરી, તેના ધર્મના નિયમ ધરો;

સુણી સૌ જન આશ્રિત થયા, આપ્યા નિયમ હરી કરિ દયા. ૫૫

હઠીભાઈ પ્રત્યે બોલ્યા હરી, વરદાન માગો મુખે કરી;

ભાવ ભાળી થયો છું પ્રસન્ન, માટે માગો જે ચાહના મન. ૫૬

હઠીભાઈ બોલ્યા જોડી હાથ, માગું એટલું હે મુનિનાથ!

નથી તીરથ અમારે ગામ, એક તીર્થ કરો એહ ઠામ. ૫૭

જેથી ઉદ્ધરે જીવ અનેક, એ જ માગું છું વરદાન એક;

એવું સાંભળી બોલ્યા મુરારી, ધન્ય છો તમે પરઉપકારી. ૫૮

નથી માંગિ લેતા ધન ધામ, નવ માગ્યો ગરાસ10 કે ગામ;

થવા જીવ અનેક ઉદ્ધાર, માગ્યું તીરથ એક આ ઠાર. ૫૯

ગામથી દક્ષિણે છે તળાવ, પછી ત્યાં ગયા નટવર નાવ;

ઉષ્ણકાળ હતો એહ ટાણે, લોકો પાણી તો સીંચીને આણે. ૬૦

મોટો વીરડો11 હરિયે ખોદાવ્યો, પૂર્તકર્મ કરીને શોભાવ્યો;

કામે વળગીયા ભક્ત અપાર, થોડા દિવસમાં કીધો તૈયાર. ૬૧

તેમાં નાયા જઈ મુનિનાથ, નાહ્યો સર્વે તે સંતનો સાથ;

પછી બોલ્યા મનોહર માવ, આનું નામ તો હરિતળાવ. ૬૨

ઉપજાતિવૃત્ત

હરિતળાવે જન જેહ નાશે, કલ્યાણ તો તેનું જરૂર થાશે;

આ માનવું તીરથરાજ મોટું, ખરૂં કહું છું નથિ કાંઈ ખોટું. ૬૩

છે કારિયાણીનું તળાવ જેવું, આ તીર્થ જાણી અતિ શ્રેષ્ઠ એવું;

તે મેં કર્યું મારિ પ્રસાદિ કેરું, વાલું મને છે ઘટમાં ઘણેરું. ૬૪

કાશીનિ માશી મથુરાંનિ માય, ભાગીરથીની ભગિની ભણાય;

મહી નદીની વડિ માવડી છે, તે આ હરીનામ તળાવડી છે. ૬૫

તીર્થો બધાંનું શુભ આજ પાત્ર, કેદાર દ્વારામતિ12 કોણમાત્ર?

અવંતિ13 કાંચીપુર14 ને પ્રયાગ, આ એ થકી ઉત્તમ ભૂમિભાગ. ૬૬

એવું સુણી તીર્થમાહાત્મ્ય ત્યાંય, રાજી થયા સૌ જન ચિત્તમાંય;

સુભક્ત પીતાંમર જે લુવાણા, બુધજના વાસિ સુશીલ શાણા. ૬૭

તેણે જમાડ્યા હરિ સર્વ સંત, પૂજ્યા પ્રભૂ પ્રેમ ધરી અનંત;

પવિત્ર કીધું ઘર એમ એનું, સંતોષ પામ્યું મન તેથિ તેનું. ૬૮

પુષ્પિતાગ્રાવૃત્ત

વૃષસુત હરિયે બુધેજ માંય, પરમ વિચિત્ર ચરિત્ર કીધું ત્યાંય;

શ્રવણ જ કરશે સનેહ આણી, પ્રિય પરમેશ્વરને થશે સુપ્રાણી. ૬૯

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે ષષ્ઠકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિબુધેજગ્રામે-હરિતડાગમહિમાકથનનામા નવમો વિશ્રામઃ ॥૯॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે