કળશ ૭

॥ શ્રીહરિલીલામૃતમ્ ॥

કળશ ૭

 

દુર્ગપુરાખ્યસપ્તમકલશપ્રારંભઃ

 

વિશ્રામ ૧

 

શાર્દૂલવિક્રીડિતવૃત્ત

જેણે જેતલપત્તને મખ1 કર્યો લાચાર લોલંગરો,

કીધો જજ્ઞ ડભાણમાં વળિ ભલો વૌઠે સમૈયો કર્યો;

જૈને ધર્મપુરે સ્વધર્મ ચલવ્યો વૃત્તાલયે આવિને,

કિધા ઉત્સવ શ્રેષ્ઠ તેહ હરિને વંદું દિલે લાવિને. ૧

પૂર્વછાયો

વિચરવા ગુજરાતમાં, ધરી ઇચ્છા શ્રીધર્મકુમાર;

પાર્ષદ વર્ણિ સંતને, સાથે લેવા કર્યા તૈયાર. ૨

ચોપાઈ

પુછ્યું અભય નરેશને હરિ, વાત ઉત્તમ કુંવરને કરી;

જાણિ બાઇયોનો પ્રેમ અઘાત,2 તેઓને તો પૂછી નહિ વાત. ૩

ચાલવાનો સમય થયો જ્યારે, નાગમાલો મહાભક્ત ત્યારે;

લાવ્યા માણકી સજિ શણગાર, અવિનાશી થયા અસવાર. ૪

બહુ ભાવિક બાઈયો જેહ, તેણે જાણિયું તત્ક્ષણ તેહ;

ગુજરાત ચાલ્યા ગિરિધારી, આવી દર્શને સૌ મળી નારી. ૫

જયા ને લલિતા રાજબાઈ, સોમબાઈ તથા સુરબાઈ;

પાંચુબાઈ અને બાઈ નાન, અમુલાબાઈ પ્રેમનિધાન.3

મીણબાઈ તથા ખીમબાઈ, એહ આદિક સૌ આવી ધાઈ;

પ્રણમી પ્રભુપદ મન ધારી, અતિ ગદગદ વાણી ઉચ્ચારી. ૭

પ્રભુ દૂર દેશાવર જાશો, ત્યાંના ભક્ત તણે વશ થાશો;

જશે ત્યાં સુખે દિવસ તમારા, જશે શી રિતે દિવસ અમારા. ૮

એમ સૌને પ્રેમાતુર જાણી, વૃષવંશી4 વદ્યા મુખે વાણી;

તમે ધીરજ અંતરે ધારો, નથી તમથી હું દૂર જનારો. ૯

વાસુદેવની મૂર્તિ છે જેહ, જાણો હું જ પ્રત્યક્ષ છું તે;

મૂર્તિ દ્વારાયે હું સુખ દૈશ, તમે અર્પણ કરશો તે લૈશ. ૧૦

માટે આપો રજા રાજી થૈને, વેલા આવશું ગુજરાત જૈને;

એવાં વાલાનાં વેણ વિચારી, બોલી બાઈયો ધીરજ ધારી. ૧૧

શાર્દૂલવિક્રીડિતવૃત્ત

જો જાશો ન પ્રયાણમાં જ કહિયે તો શુક્ન સારો નહીં,

જો જાઓ કહિયે જણાય જનમાં તો સ્નેહ ઓછો સહી;

આજ્ઞા કેમ કરાય જે અહિં રહો મૌને ઉદાસીપણું,

જાશે જીવ કહ્યે કદાપિ ન ગયો માટે કહો તે ભણું.5 ૧૨

ચોપાઈ

એવી સાંભળી સ્નેહની વાણી, કહે કૃષ્ણ કૃપા અતિ આણી;

ગુજરાતમાં છે ઘણું કાજ, નહિ ચાલે ગયા વિના આજ. ૧૩

સારો જોગ જણાશે ત્યાં અમને, ત્યારે ત્યાં હું તેડાવીશ તમને;

એમ ધામિકે6 ધીરજ દીધી, પછી ચાલવા તૈયારી કીધી. ૧૪

દાદા ખાચર આદી અપાર, સાથે લીધા કાઠી અસવાર;

ગયા શ્રીહરિ ઉત્સાહ આણી, ઝીંઝાવદર થૈ કારિયાણી. ૧૫

બરવાળે ગયા બહુનામી, ત્યાંથી ધંધુકે અક્ષરધામી;

અમદાવાદમાં અવિનાશ, થોડા દિવસ વસ્યા નવેવાસ. ૧૬

ગયા જેતલપુર જગદીશ, પછી માતર ગામ મુનીશ;

સોની ગિરધરને ઘેર રહ્યા, રધવાણજ ત્યાં થકી ગયા. ૧૭

પછી જૈને ડભાણ સુપેર, રહ્યા રઘુનાથદાસને ઘેર;

પછી પજ ગયા પરમેશ, ભાળી ભક્તનો ભાવ જનેશ. ૧૮

બચ્ચાભાઈની ખડકીને માળે, કર્યો ઉતારો દીનદયાળે;

બચ્ચાભાઈ ને ભાઈજીભાઈ, લલ્લુભાઈ નમ્યા હરખાઈ. ૧૯

કાનદાસ ને ઝવેરદાસ, બાઈ અવલ આવ્યાં પ્રભુ પાસ;

એહ આદિકે સેવિયા હરી, થોડા દિવસ રહ્યા પ્રભુ ઠરી. ૨૦

ધન્ય ધન્ય તે માણસ જાયાં,7 જેનાં ગ્રંથમાં નામ લખાયાં;

જગની સ્થિતી જ્યાં સુધી થાશે, ત્યાં સુધી તેનાં નામ વંચાશે. ૨૧

પીજથી પ્રભુજી પરવરિયા,8 નડિયાદમાં નાથ વિચરીયા;

ગંગારામ ને મોહનરામ, તેની બનો રહે તે ઠામ. ૨૨

ગંગા રેવા ને ઉતરકુંવરી, ઉતર્યા તેને ઘેર શ્રીહરી;

સારી યુક્તિ થકી કર્યો થાળ, જોઈ ભાવ જમ્યા જનપાળ. ૨૩

કહે શ્રીહરિ આવી રસોઈ, વિના નાગર નવ કરે કોઈ;

વાલે એમ રસોઈ વખાણી, વળી ભાવ ભલો લીધો જાણી. ૨૪

રહે ત્યાં ગંગાદાસ પટેલ, સતસંગી તે સારા થયેલ;

નાતે કડિયા જે કેવળ નામ, એહ આદિકે સેવિયા શામ. ૨૫

એવે અવસરે સાહેબ ચાર, કોઈ આવેલા ગામ મોઝાર;

હતા ગાયકવાડના મિત્ર, જેની બુદ્ધિ તો પરમ વિચિત્ર. ૨૬

તેને જૈ કોઇયે વાત કહી, સહજાનંદસ્વામી છે અહીં;

માન દૈને તેડાવિયા મળવા, હરિવદનની9 વાત સાંભળવા. ૨૭

ત્યારે કોટમાં10 કૃષ્ણ પધાર્યા, સારા સાહેબે શબ્દ ઉચ્ચાર્યા;

ટોપી ઉતારી કીધી સલામ, આપ્યું આસન સરસ તે ઠામ. ૨૮

બેસીને કરવા લાગ્યા વાત, થાય સાહેબ સુણી રળિયાત;11

વળી સાહેબે પુછ્યું વિશેષ, તમે જોયા કિયા કિયા દેશ? ૨૯

કરી શ્રીહરિયે તેહ ઠામ, ભરતખંડની વાત તમામ;

વાત ચાલી વિલાયત12 કેરી, કહી તે પણ કૃષ્ણે ઘણેરી. ૩૦

સુણી સાહેબે શ્રીજી વખાણ્યા, મહાપુરુષ પેગાંબર જાણ્યા;

પુષ્પના ગુરજી ને પુષ્પહાર, લાવી પૂજ્યા પ્રભુ ધરી પ્યાર. ૩૧

પછી આવિયા કુષ્ણ ઉતારે, બીજો દિવસ થયો પછી જ્યારે;

નારાયણદેવનું દેરું જ્યાંય, ગયા શ્રીહરિ દર્શને ત્યાંય. ૩૨

કરી દર્શન ચાલ્યા તે કાળ, ડુમરાલને રસ્તે દયાળ;

ત્યાંની ભાગોળમાં સુણ ભ્રાત, વડ પંચોતરો છે પ્રખ્યાત. ૩૩

પેખી ઓટો રુડો તેની પાસ, બેઠા તે પર શ્રીઅવિનાશ;

આવ્યા દર્શને ત્યાં જનવૃંદ, જ્ઞાનવાત સુણાવી ગોવિંદ. ૩૪

ઘણા જનને થયું એવું જ્ઞાન, આ છે નિશ્ચે પ્રગટ ભગવાન;

સર્વથા13 જેના સંશય ગયા, તે તો શ્રીજીના આશ્રિત થયા. ૩૫

વાલો ત્યાંથી આવ્યા વરતાલ, પરબ્રહ્મ પ્રણત જનપાળ;

જઈ સુતાર વાસણ ઘેર, પ્રભુજી ઉતર્યા શુભ પેર. ૩૬

પૂર્વછાયો

બે દિન વસી વરતાલમાં, ઉમરેઠ ગયા અવિનાશ;

જ્યાં શિવજી જાગનાથ છે, વાલે ત્યાં જઈ કીધો નિવાસ. ૩૭

ચોપાઈ

વિપ્ર મંડળે જાણી તે વાત, આવ્યા છે શ્રીહરિ સાક્ષાત;

ત્યારે નાથને આવ્યા નિરખવા, કેવું ઐશ્વર્ય છે તે પરખવા. ૩૮

પ્રભુને પાયે કીધા પ્રણામ, પાસે બેસીને બોલ્યા તે ઠામ;

મોટા શંકરસ્વામી કહાવ્યા, તેણે પાડાને વેદ બોલાવ્યા. ૩૯

એવું આપ કરો કામ જ્યારે, અમે માનિયે ઈશ્વર ત્યારે;

કહે કૃષ્ણ જે મૂર્ખ જણાય, પાડા જેવા પશુ જ ગણાય. ૪૦

દ્વિજ હોય નિરક્ષર જેહ, લાવી બેસારો આગળ તેહ;

ઉચ્ચરાવું તેને મુખે વેદ, એવો ભાખ્યો ભુધરજીયે ભેદ. ૪૧

હરિશંકર દ્વિજ હતો તહીં, એકે અક્ષર જાણતો નહીં;

તેને આગળ બેસાર્યો આણી, કહ્યું બોલાવો વેદની વાણી. ૪૨

પછી કૃષ્ણે આજ્ઞા કરી એને, વેદ બોલ્ય એવું કહ્યું તેને;

વહે ગંગપ્રવાહ તે જેમ, વેદ બોલવા લાગ્યો તે તેમ. ૪૩

સૌયે શ્રીહરિને તેહ સ્થાન, જાણ્યા શંકરસ્વામી સમાન;

કેટલાએકે નિશ્ચય કીધો, આ તો કૃષ્ણ જ અવતાર લીધો. ૪૪

તેથી શ્રીજીના શિષ્ય તે થયા, બીજા પ્રભુપદ પ્રણમીને ગયા;

વાત ચાલી તે ગામ મોઝાર, આવે દર્શને લોક અપાર. ૪૫

બહુ જન બોલિયા શબ્દ આવો, અમને પ્રભુ નિયમ ધરાવો;

મગાવ્યો ઘડો નીરનો નાથે, છાંટ્યું નીર તે સર્વને માથે. ૪૬

કહ્યું છાંટો આનો ઉડે જેને, જાણી નિયમ ધરાવિયા તેને;

ખેડાવાળ દ્વિજે ઘેર ઘેર, પ્રભુ જમવાને તેડ્યા સુપેર. ૪૭

ગુણગ્રાહી જાણી એહ ગામ, સાત દિવસ વસ્યા ઘનશામ;

ભલું ત્યાં છે જે ભટનું તળાવ, જતા નાવા મનોહર માવ. ૪૮

તે તળાવને પૂર્વ કિનારે, નિત્ય નાતા પ્રભુ બહુ પ્યારે;

જન રંજન14 કરિ જનપાળ, પછી વીચરિયા વરતાલ. ૪૯

ગામ ચાંગે ગયા ગિરધારી, ત્યાંથી મોરજે દેવ મુરારી;

ગઢવી તહાં ગોકળદાસ, પાંચ દિવસ વસ્યા તેને વાસ. ૫૦

તહાં બારોટ અમથો આવ્યા, દાસ જેકણને સાથે લાવ્યા;

મળી સૌયે સારી સજી સેવા, ભાસે ભક્ત ભલા ધ્રુવ જેવા. ૫૧

ગઢવીયે પૂજ્યા રુડી રીતે, ધર્યા પાંચસે રુપૈયા પ્રીતે;

હતું અફીણનું બંધાણ એને, તે તો તરત તજાવીયું તેને. ૫૨

શામે સૌને શિખામણ આપી, આવું બંધાણ ન કરો કદાપિ;

બહુ ખોટું અફીણ બંધાણ, પડે સંકટમાં કદી પ્રાણ. ૫૩

ઉપજાતિવૃત્ત (અફીણના બંધાણ વિષે)

બંધાણ જો થાય અફીણ કેરું, તેને મહાકષ્ટ પડે ઘણેરું;

જો કોઈ કાળે નવ હોય પાસે, તો પ્રાણ તેના પળ માંહિ જાશે. ૫૪

અફીણિયાનો ઇતબાર15 જાય, સાચું વદે સંશય તોય થાય;

જો વસ્તુ બીજો જન ચોરિ જાવે, અફીણિયાનો શિર વેમ આવે. ૫૫

અફીણ મોઢું કડવું કરે છે, શરીરનું શોણિત16 શોષિ લે છે;

નાણાં તણું તો નુકસાન થાય, મુર્ખા વિના કોણ અફીણ ખાય. ૫૬

જો બ્રહ્મહત્યા પુરવે કરેલી, સ્ત્રી બાળહત્યા અથવા થયેલી;

તે પાપ જ્યારે પ્રગટીત થાય, અફીણ બંધાણ જને કરાય. ૫૭

બંધાણીને સાકર દીધી હોય, તે વેચીને ખાય અફીણ તોય;

બીજા નહીં સ્વાદ વધૂ વખાણે, અફીણમાં ઉત્તમ સ્વાદ જાણે. ૫૮

મેવા મિઠાઈ પ્રભુએ કર્યા છે, મનુષ્ય માટે મહિમાં17 ધર્યા છે;

તે મૂકિને જે જન ઝેર ખાય, તો બુદ્ધિ કેવી ગણતાં ગણાય. ૫૯

અફીણથી ખૂબ થતા ખુવાર,18 જણાય લોકો જગમાં અપાર;

ખાંતેથી બીજા જન તોય ખાય, તે પાવકે19 જેમ પતંગ20 ધાય. ૬૦

પરોપકારે શિવ ઝેર પીધું, તથાપિ કંઠે નિજ ધારિ લીધું;

અફીણિયાનું દુઃખડું વિચાર્યું, શું પેટમાં તેથિ નહીં ઉતાર્યું. ૬૧

પુષ્પિતાગ્રાવૃત્ત

હરિ નિજજન શીશ હેત આણી, કહી ઉપદેશ તણી વિશેષ વાણી;

સુણી જન મનમાંહિ લીધિ ધારી, ગણિ હિતકારી વિવેકથી વિચારી. ૬૨

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિચરોતર-પ્રાંત વિચરણનામ પ્રથમો વિશ્રામઃ ॥૧॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે