કળશ ૭

વિશ્રામ ૧૦

પૂર્વછાયો

શોભે વિશાળ સભા ભરી, ઘોડાસર સમીપ ઘનશ્યામ;

ભૂધર આગળ ભેટ ધરવા, આવ્યા જનો એહ ઠામ. ૧

ચોપાઈ

દાદા ખાચરે દિલમાં વિચારી, પ્રેમે પૂજ્યા પ્રથમ ગિરિધારી;

પગ ધોઈ પાદોદક1 પીધું, જળ તે સહુને પણ દીધું. ૨

ભાલે કેશરની આડ્ય કરી, વચ્ચે કંકુનો ચાંદલો ધરી;

ચડાવ્યા વળી અક્ષત એમાં, મોંઘા મોતી હતાં ઘણાં તેમાં. ૩

એક એવે સમે માળી આવ્યો, ફુલમાળા ભરી છાબ2 લાવ્યો;

દાદા ખાચરે તે છાબ લીધી, માળીને તેમની મોર દીધી. ૪

પુષ્પમાળા મનોહર જોઈ, વાહ વાહ કહે સહુ કોઈ;

તાજાં પુષ્પે કરેલી તૈયાર, એમાં કારીગરીનો ન પાર. ૫

દાદા ખાચરે લૈ કરમાંય, કરી વિનતિ પ્રભૂ તણી ત્યાંય;

વાલા ભાળીને ભાવ અમારો, પુષ્પમાળા ગળા માંહિ ધારો. ૬

સ્રગ્ધરા: પુષ્પમાળાબંધ

વાલા માળા ગળામાં વિધવિધની ધરી સારિ સારી કરી છે,

શ્રીજી તાજી સજી છે સુમનમય મહા ભારિ કારીગરી છે;

જ્ઞાની ધ્યાની મુનીયો ઉર પર નિરખે ચાહિ ચાહી રહીને,

દેખી દેખી સુખી થૈ સુર નર હરખે પાહિ પાહી કહીને. ૭

ચોપાઈ

સારા શબ્દ એવા સંભળાવી, પુષ્પમાળા પ્રભુને પેરાવી;

તોડા કનકના પગમાં ધરાવ્યા, મોંઘે મોતીડે વાલો વધાવ્યા. ૮

पुष्पमालाप्रबंध

Image

જેણે અર્પિયા વેઢ અકેક, તેનાં નામ ગણાવું પ્રત્યેક;

જીવો ખાચર સોમલો સૂરો, કાળો નાજો મુળુભક્ત પૂરો. ૯

માતરો બીજા હમીરભાઈ, અમુલા તથા અમરબાઈ;

વસ્તા ખાચરે ઉતરી આપી, જેનું મૂલ શકાય ન માપી. ૧૦

લાડુબાઇયે કંદોરો દીધો, તે તો કૃષ્ણે કેડ્યે ધરી લીધો;

રાજબાઈ તથા બાઈ મોટી, તેણે અર્પિ કડાં તણ જોટી. ૧૧

પછી કાઠી સરવ પંચ મળી, ભારે રેટો કર્યો ભેટ વળી;

મીણબાઇયે આપ્યો ગળુબંધ,3 સુભગાયે4 મુક્યું શેલું કંધ.5 ૧૨

આપ્યાં કુંડળ બે કાશિદાસે, શશિ સૂર્ય સમાન પ્રકાશે;

અમદાવાદના સંઘે ત્યારે, વસ્ત્ર અર્પ્યાં ભલાં ભારે ભારે. ૧૩

કિનખાબ તણો સુરવાળ, તેવો જામ જેની લાંબી ચાળ;

કિનખાબનાં થાન6 ને થાન,7 કર્યાં અર્પણ બહુ મૂલવાન. ૧૪

દાજીભાઈ જે મછિયાવવાળા, આપી તેણે તો મોહનમાળા;

વળી વાસી વડોદરા કેરા, તેણે અર્પિયા ઘાટ8 ઘણેરા. ૧૫

સોનારૂપા તણા મોટા થાળ, પ્યાલા ને જળપાત્ર વિશાળ;

હતા કચ્છી અને ઝાલાવાડી, મુકી તેણે તો મ્હોરો અગાડી. ૧૬

રાયધણજીયે રુપાની છડી, ભલી ભેટ કરી તેહ ઘડી;

પુજાભાઈ મેંથાણના ઝાલા, તેણે આપી રુડી બોરમાળા.9 ૧૭

ઘોડો રોઝો તે જાતે કેસરિયો, ભેટ અલૈયા ખાચરે ધરિયો;

પછી સૂરતના સતસંગી, આવ્યા ધરવાને ભેટ ઉમંગી. ૧૮

ભાલચંદ ભલા ભક્તરાજ, તેણે આપ્યો પૂજા તણો સાજ;

રુપાનું જળપાત્ર ત્રભાણું, જરિયાનનું આસન જાણું. ૧૯

ભાઈચંદભાઈ શેઠ સુજાણ, એણે આપ્યું જડીત્ર પલાણ;10

ઘોડાને કાજે ભીખારીદાસે, આપી દુગદુગી11 તે ભલી ભાસે. ૨૦

આપ્યાં તાવિત ગોવિંદભાઇયે, આપી સૂર્યમુખી લક્ષ્મીબાઇયે;

દાદાભાઇયે આપી કલંગી, શોભે ઘોડાને શીશ સુરંગી. ૨૧

મોતીશાયે દીધો હય કાજ, કિનખાબનો શોભિત સાજ;

ડુમચી12 કૃષ્ણદાસે રુપાની, બીજી જીભાઇયે તો સોનાની. ૨૨

આપ્યું ચોકડું તો અંબારામે, આપ્યો મોવડ13 નારણ નામે;

અશ્વચરણે ઝાંઝર ઝમઝમે, એવાં આપિયાં પુરુષોત્તમે. ૨૩

આપ્યું જાદવજિયે માદળિયું, હેમનું તે હરિકંઠે ભળીયું;

ગંગાદાસે તો મોતીની માળા, ધરી શ્યામને કંઠે વિશાળા. ૨૪

લક્ષ્મીચંદ ને લલુભાઈ, આપી પોંચિયો બે હરખાઈ;

તોરો સોનાનો સૂરજરામે, આપ્યો તે લીધો સુંદરશ્યામે. ૨૫

રુપચંદે તો ઉતરી એક, આપી વાલાને સહિત વિવેક;

ભવાનીદાસ ને તાપીદાસ, આપ્યા હેમના ગુચ્છ હુલાસે. ૨૬

આપી પીતામરે જવમાળા,14 જવ તેના અતીશે રુપાળા;

ઘેલાભાઇયે સુઘડ15 ઘડાવ્યો, હતો કંદોરો તે પહેરાવ્યો. ૨૭

અરદેશરે સત્સંગી સાથે, મહારાજને બાંધવા માથે;

મોકલ્યું હતું મંદિલ ભારે, કર્યું અર્પણ તે તે વારે. ૨૮

મુકી ચાખડી પ્રભુપદ પાસે, રુપાની તે નરોત્તમદાસે;

નરસીભાઇયે અતિ સારી, અબદાગિરિ16 આપિ વિચારી. ૨૯

એક ચામર ચારુ સ્વરૂપ, આપ્યું ઓધવજીયે અનુપ;

મોરારજીયે બહુ હેમમ્હોર, ભાઈ જગૂયે ભભકાળી કોર.17 ૩૦

જેનું વળી નૌતમરામ નામ, તેણે ધર્યો મુગટ તેહ ઠામ;

ભક્તો ભેટ ધરી રહ્યા જ્યારે, બોલ્યા અલૈયો ખાચર ત્યારે. ૩૧

હવે ઘોડે બેસો ઘનશ્યામ, પુરુષોત્તમ પૂરણકામ;

સુણી બોલ્યા ઘોડાસરરાય, આવે ઘોડે તે કેમ બેસાય. ૩૨

જાણે ખેલવી જે ઘોડાં ભારી, કરે તે આ ઘોડે અસવારી;

ત્યારે બોલ્યા અલૈયો તે ઠામ, મહા સમરથ છે ઘનશ્યામ. ૩૩

એ છે સકળ કળામાં સુજાણ, નથિ એકે કળામાં અજાણ;

કરે મનુષ્યચરિત્ર તે જ્યારે, નથી જાણતો હું કહે ત્યારે. ૩૪

કોઈ અવસરે બ્રહ્માંડ તોળે, કોઈ અવસરે વાહન ખોળે;

ક્યારે નિજજનની વારે ધાય, ક્યારે પોતે જ માગે સહાય. ૩૫

એવી લીલા કરે છે અપાર, જોઈ મોહ પામે નરનાર;

રાજા સમજ્યો સુણી ઉંડો અર્થ, માગી મારી સહાયતા વ્યર્થ. ૩૬

એ છે સમરથ શ્રીમહારાજ, સોંપ્યું મુજને કૃપા કરી કાજ;

મારો કરવા સુફલ અવતાર, મારે ઘેર પધાર્યા મુરાર. ૩૭

પછી અશ્વનો શણગાર જેહ, હતો તે ધર્યો અશ્વને એહ;

શ્રીજી પણ સજીને શણગાર, થયા અશ્વ ઉપર અસવાર. ૩૮

ત્યારે કુબેરસિંહ ચોપદાર, બોલ્યા ઉચ્ચ સ્વરે જયકાર;

જય ધર્મધુરંધર ધીર, જય ધર્મતનુજ નરવીર. ૩૯

જય જય મહારાજાધિરાજ, નિઘા18 કરો નિઘા કરો આજ;

ચોપદારનો એવો ઉચ્ચાર, સુણી કરુણા કરી કરતાર. ૪૦

કૃપાદૃષ્ટિએ સૌ સામું જોયું, કોટિ જન્મનું પાતક ધોયું;

હય ખેલવ્યો મેદાનમાંઈ, તેમાં કસર રાખી નહીં કાંઈ. ૪૧

ત્રાસે19 હરણ ભરે જેમ ફાળ,20 ઘોડો એમ કુદે એહ કાળ;

વાળે આમથી તેમ જીવન, જોઈ અચરજ પામિયા જન. ૪૨

મુખે અશ્વને શ્વાસ ન માય, દેખી કૃષ્ણને આવી દયાય;

ઘોડો ઝાડ તળે ઉભો રાખ્યો, ભલો ભલો વખાણીને ભાખ્યો. ૪૩

આવ્યા ત્યાં શેઠ નાગરદાસ, જેનો સુરત શહેરમાં વાસ;

છત્ર લાવ્યા રુડું છબિદાર, કહ્યું કૃષ્ણ કરો અંગિકાર. ૪૪

ભગુજીને કહે ભગવાન, છત્ર લ્યો કરમાં ગુણવાન;

સુણી આજ્ઞા ભગુજીયે લીધું, કરિ વિક્તિ21 વિકાસિત22 કીધું. ૪૫

ધાર્યું છત્ર મહાપ્રભુ માથે, તેનો દંડ ઝાલ્યો નિજ હાથે;

મેઘાડંબરની છબિ છાજે, જોતાં સુરપતિનું છત્ર લાજે. ૪૬

શોભે છત્ર તણી છબિ સારી, લીધી ધ્યાનીયે ધ્યાનમાં ધારી;

જેમ અશ્વ પશૂમાં ગણાય, હરિને લીધે ધ્યાને ધરાય. ૪૭

વૃક્ષથી થયા પુષ્પના હાર, પ્રભુને લીધે મહિમા અપાર;

તેમ છત્ર જુવે જન કેવું, સુખ સર્વ તણા ધન જેવું. ૪૮

એક સંતે બિજાને સુણાવ્યું, અહો ક્યાં થકિ આ છત્ર આવ્યું;

એનો કોણ કારીગર હશે, વસુધામાં23 કે સ્વર્ગમાં વસે. ૪૯

કહો સંત કેવું છત્ર એહ, ત્યારે બોલ્યા મુની સુણી તેહ;

એનો મહિમા કહ્યો નવ જાય, છત્ર સમરતાં સૌ સુખ થાય. ૫૦

દ્રુતવિલંબિતવૃત્ત: છત્રપ્રબંધ

સમરતાં સુખ સર્વ સદા કરે, છબિ સુછત્રની તાપ ત્રણ હરે;

સુરતના શુભ શિલ્પિજને કર્યું, સરસ છત્ર શિરે હરિએ ધર્યું. ૫૧

छत्रप्रबंध

Image

ચોપાઈ

પછી શ્રીહરિએ સાન કીધી, સૌને સજ્જ થવા રજા દીધી;

દીધા ત્યાં મોટી નોબતે ડંકા, અસવાર થયા વીરવંકા.24 ૫૨

છૂટે બંદુકો વાજિત્ર વાજે, તેથી અવની ને આકાશ ગાજે;

કરે ઉચ્છવિયા ઉછરંગે, મોટો ઉત્સવ તાલ મૃદંગે. ૫૩

કોય રથમાં કે પાલખી માંય, બેઠા મોટા મોટા સંત ત્યાંય;

બેઠા શ્રીહરિની આજ્ઞાયે, ઘોડાસરપતિ પાલખી માંયે. ૫૪

બેઠા રથમાં રાજાના પ્રધાન, કરે બંદીજનો ગુણગાન;

શોભે રાજા તે સેના સહિતે, કવિ કોઈ કહે કેવી રીતે. ૫૫

જાણે શત્રુને જીતવા કાજ, યુદ્ધ ચાલ્યા યુધિષ્ઠિરરાજ;

સાથે શ્રીહરિ શોભે છે કેવા, યુધિષ્ઠિર સાથે શ્રીકૃષ્ણ જેવા. ૫૬

બહુ ઘોડાં ઘુમે આસપાસ, રજ ઉડી છવાયો આકાશ;

જાણે પ્રભુપદે થૈને પાવન, ચાલી ભૂમિકા બ્રહ્મસદન. ૫૭

સેના ભીલ તણી શોભે કેવી, સેના સુગ્રીવની હોય જેવી;

લીધાં કામઠાં ને તીર કરમાં, ભલા ભાથા બાંધ્યા છે કમરમાં. ૫૮

પુષ્પિતાગ્રાવૃત્ત

હરિજન પથમાં જતા જણાય, પણ મનવૃત્તિ રહે પ્રભુજિમાંય;

ફરિ હરિ મુખ કૃષ્ણ કેરું દેખે, નિજ મનમાં નિજ ધન્ય ભાગ્ય લેખે. ૫૯

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવણીન્દ્ર અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિઘોડાસર-પુરાદ્વિચરણનામ દશમો વિશ્રામઃ ॥૧૦॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે