કળશ ૭

વિશ્રામ ૧૧

પૂર્વછાયો

સ્વારી સહિત સીધાવિયા, ઘોડાસર થકી ઘનશ્યામ;

ત્યાં રસ્તામાં આવિયું, ગુણવંતું કુણાગામ. ૧

ચોપાઈ

વસ્તો ભક્ત તહાં વસે વાસ, તે તો તરત આવ્યા પ્રભુ પાસ;

પરણામ કરી પૂરી પ્રીતે, તેણે સેવા સજી સારી રીતે. ૨

પછી દેવ પધાર્યા ડભાણ, સામા આવિયા સંત સુજાણ;

મુક્તાનંદ અને બ્રહ્માનંદ, આવ્યા લૈ નિજ શિષ્યનાં વૃંદ. ૩

પ્રભુને હાર તોરા ચડાવી, વળી મસ્તક ચરણે નમાવી;

ઉતાર્યા ગામમાં શુભ પેર, રઘુનાથ પટેલને ઘેર. ૪

મોટી ઉતરવા જોગ મેડી, તેમાં શ્રીહરિને ગયા તેડી;

જેવા જનને ઘટે વળી જેવા, આપ્યા ઉતારા સર્વને એવા. ૫

ઘણા તંબુ તાણ્યા ગામ બાર, એમાં ઉતર્યાં બહુ નરનાર;

સારી સૌની કરી બરદાશ,1 આપ્યાં અન્ન ઉદક2 અને ઘાસ. ૬

પછી સાંઝે સભા સજી સારી, મોટા મેદાનમાં સુખકારી;

બ્રહ્માનંદને શ્રી મહારાજે, પુછ્યું સામાનનું યજ્ઞ કાજે. ૭

કહો કેટલો ક્યાં થકી લાવ્યા, પૈસા દેવા કર્યા કે ચુકાવ્યા?

સુણી બોલ્યા બ્રહ્માનંદ સ્વામી, આપ જાણો છો અંતરજામી. ૮

અણિયાળીવાળા પુજો શેઠ, શ્રમ તેણે કર્યો સારી પેઠ;

લેવા ઘી ગોળ ઘૌં દાળ ભાત, શેઠ પોતે ગયાતા ખંભાત. ૯

હરિભક્તનાં ગાડાં પચાસ, પૂરેપૂરાં હતાં તેની પાસ;

ગયા જ્યારે ખંભાત મોઝાર, મળ્યો ત્યાં તો કોઈ સાહુકાર. ૧૦

તેણે પુછ્યું આ કેનાં ગાડાં છે, કહ્યું સ્વામિનારાયણનાં છે;

આવ્યા યજ્ઞનો સામાન લેવા, સુણી શબ્દ કહ્યા તેણે કેવા. ૧૧

શેઠ ચાલો અમારી વખારે, સારો આપશું માલ અત્યારે;

ગામ બાર વખાર છે મોટી, ચાલો તમને નહીં કરું ખોટી. ૧૨

કહી એમ તેડી ગયો તેહ, કહ્યું માગી લ્યો જોઇયે જેહ;

ઘૃત અન્નાદિ જે માગી લીધાં, તેણે તરત ગાડાં ભરી દીધાં. ૧૩

પુજા શેઠે કહ્યું લ્યોજી નાણાં, અમે માણસ છૈયે અજાણ્યાં;

સુણી એવું બોલ્યો સાહુકાર, તમે એ શું કરો છો ઉચ્ચાર. ૧૪

તમે સ્વામિનારાયણના છો, માટે જગત વિષે જાણિતા છો;

નાણું લૈયે કે દૈયે ન રાતે, આવજો આપવાને પ્રભાતે. ૧૫

ધોળે દાડે જ પરખીને લેશું, તેની પાવતી પણ લખી દેશું;

વાળુ ટાણું વીતી જાય છેક, માટે રોકાશું નહીં પળ એક. ૧૬

પછી બંધ કરીને વખાર, નિજ ઘેર ગયા સાહુકાર;

પુજાશેઠે તે ગાડાં જોડાવ્યાં, મોટા મેદાન માંહી છોડાવ્યાં. ૧૭

વીતી રાત રવી ઉગ્યો જ્યારે, નાણું આપવાને ગયા ત્યારે;

ત્યાં તો તે નવ દીઠી વખાર, દીઠું મેદાન તો તેહ ઠાર. ૧૮

સાહુકારનો પત્તો ન લાગ્યો, નાણું લેનાર કોઈ ન જાગ્યો;

ગાડાં જોડાવી આવ્યા ડભાણ, હસ્યા સાંભળી શ્યામ સુજાણ. ૧૯

મર્મ સમજ્યો તે સર્વ સમાજ, સાહુકાર શ્રીજીમહારાજ;

હતી કંકોતરી લખી જ્યારે, વિપ્ર કાશી સુધીનાને ત્યારે. ૨૦

તેડાવ્યા હતા મોકલી પત્ર, આવી પહોંચ્યા તેઓ પણ તત્ર;

ચાર વેદના પાઠી પવિત્ર, જાણે યજ્ઞ કરાવી વિચિત્ર. ૨૧

ગામથી દિશા પશ્ચિમ માંય, કર્યો મંડપ ને કુંડ ત્યાંય;

ગામથી પૂર્વમાં છે તળાવ, દેખી ઉત્તર તટનો દેખાવ. ૨૨

પાકશાળા કરાવી તે ઠાર, જમે પ્રતિદિન વિપ્ર અપાર;

અતિરુદ્રનો આદર કીધો, સામગાન તણો મત લીધો. ૨૩

બ્રહ્માનંદને કહે ઘનશ્યામ, ભટ આવ્યા નથી મયારામ;

અમદાવાદના વાસી ખરા, જે છે નાગર ડુંગરપરા. ૨૪

બાપુભાઈ ભલું જેનું નામ, તેને સોંપો હિસાબનું કામ;

થાય ઉપજ ને ખર્ચ જેહ, નાણું સર્વ તપાસશે તેહ. ૨૫

બ્રહ્માનંદે વચન ઉર ધર્યું, પ્રભુએ કહ્યું તેમ તે કર્યું;

જમે પંગત વિપ્રની જ્યાંય, મોટો મંચ કરાવિયો ત્યાંય. ૨૬

એહ ઉપર્ય કૃષ્ણ બિરાજી, દેતા દર્શન થૈ દિલ રાજી;

દશ અવતારનું છત્ર ધરે, વસ્ત્ર ભૂષણ ધારણ કરે. ૨૭

પોતે પ્રૌઢ પ્રતાપ જણાવે, નિજરૂપનો નિશ્ચે કરાવે;

થાય સંતની પંગતી જ્યાંય, પિરસે પ્રભુજી જઈ ત્યાંય. ૨૮

ઘણા દિવસ જમ્યા દ્વિજ સંત, તોય સીધાનો આવે ન અંત;

વરતાલના જોબન પગી, દૈવયોગે તેની મતિ ડગી. ૨૯

હરિરૂપમાં સંશય થયો, તેથી પારખું લેવાને ગયો;

ઘોડાં કાઠિયોનાં ભારે ભારે, ચોરી લેવા કર્યું ચિત્ત ત્યારે. ૩૦

રાત માંહિ થયો શશિ અસ્ત, ઉંઘ્યા જે સમે લોક સમસ્ત;

ઘોડું ચોરવાને ગયા જ્યાં જ્યાં, દીઠા શ્રીહરિ પ્રત્યક્ષ ત્યાં ત્યાં. ૩૧

ઘોડું એક ચોરાયું ન જ્યારે, થયો નિશ્ચે સ્વરૂપનો ત્યારે;

પછી પ્રગટ્યો રવિનો પ્રકાશ, પગી પોતે ગયા પ્રભુ પાસ. ૩૨

વારે વારે કરિને પ્રણામ, કહ્યું ગદ્‌ગદ કંઠે તે ઠામ;

મુક્તાનંદે મને સાક્ષાત, કહી સત્સંગની ઘણી વાત. ૩૩

તેથી હું આપનો દાસ થયો, કાંઈ સંશય તો રહી ગયો;

ઘોડાં ચોરી લેવાને હું જાતે, અહીં આવ્યો હતો કાલ રાતે. ૩૪

પણ જ્યાં જ્યાં જઈ ઘોડે ભાળ્યું, ત્યાં ત્યાં રૂપ તમારું નિહાળ્યું;

થયો નિશ્ચય તેથી તમારો, અપરાધ ક્ષમા કરો મારો. ૩૫

તમે ભક્તવત્સલ ભગવાન, દીનબંધુ દયાના નિધાન;

હું તો કુળહીન કુટીલ કુપાત્ર, પ્રભુ મારી મતિ કોણમાત્ર. ૩૬

આવી તીર્થમાં પાપ આદર્યું, તે તો કામ ન કરવાનું કર્યું;

દીનબંધુ દયા કરો આપ, મટે તો તે મારું મહાપાપ. ૩૭

ધર્મનંદને ધીરજ દીધી, તેના પાપ તણી ક્ષમા કીધી;

પ્રભુએ પછે નિયમ ધરાવ્યાં, ચોરી આદિ કુકર્મ તજાવ્યાં. ૩૮

હતું વિક્રમનું વર્ષ જ્યારે, અષ્ટાદશ શત છાસઠ ત્યારે;

પોષિ પૂનમનો દિન આવ્યો, તે તો પૂર્ણાહુતીનો ઠરાવ્યો. ૩૯

કર્યો હોમ વેદોક્ત તે કાળે, ઘણું ઘી હોમિયું પરનાળે;

દ્વિજને ઘણી દક્ષિણા દીધી, યજ્ઞ કેરી સમાપતિ કીધી. ૪૦

હરિભક્તોયે ત્યાં ભેટ ધરી, ઘોડાસરમાં જેણે નોતી કરી;

પૂજા શેઠે બાજુબંધ દીધા, ભાવ ભાળીને ભુધરે લીધા. ૪૧

લીલા કીધી ડભાણમાં જેહ, કૈકે ઘેર બેઠાં દીઠી તેહ;

કચ્છથી આવતાં ભગવાને, દીધાં આધોઈમાં વરદાને. ૪૨

બેય બાઇયોએ તેહ ઠામ, લીલા યજ્ઞની જોઈ તમામ;

એક અવસરે કરણીબાઈ, નિજ મેડા ઉપર ગઈ ધાઈ. ૪૩

ત્યાં તો સુંદર એક પલંગે, પ્રભુ પોઢેલા દીઠા ઉમંગે;

ત્યારે પુછ્યું કરીને પ્રણામ, ક્યાંથી આવ્યા તમે ઘનશ્યામ? ૪૪

રાયધણજી નથી કેમ સાથે? સુણી ઉત્તર આપિયો નાથ;

અમે આવ્યા ડભાણથી આજે, રાયધણજી રહ્યા ક્યાંઈ કાજે. ૪૫

કરાવ્યા પછી બાઈએ થાળ, જમ્યા જીવન જનપ્રતિપાળ;

એમ વાસર બે વસ્યા વાસ, પછી ઉચ્ચર્યા શ્રીઅવિનાશ. ૪૬

રાયધણજી હજી નવ આવ્યા, માટે જાશું કહીને સિધાવ્યા;

પછી દિવસ ઘણા ગયા જ્યારે, રાયધણજી આવ્યા ઘેર ત્યારે. ૪૭

કર્ણિબાયે કહ્યું તેહ સ્થાન, આંહિ આવિ ગયા ભગવાન;

તમે પાછળ ક્યાં રહી ગયા, સુણતાં એવું વિસ્મિત થયા. ૪૮

પછી પુછિ લિધો દિન વાર, વળી બોલિયા તે સરદાર;

તે દિને તો ડભાણમાં હતા, અમે દર્શન નિત્ય કરતા. ૪૯

પણ હરિએ બીજું રુપ ધરી, દીધું દર્શન કરુણા કરી;

વળી વર્ણિ કહે હે રાય, કહું સાંભળો બીજી કથાય. ૫૦

હરિભક્ત જે ભીખારિદાસ, જેનો સૂરત માંહિ નિવાસ;

તેની પુત્રી સત્સંગી સુજાણ, તે તો આવી શકી ન ડભાણ. ૫૧

લીલા જોવા આતુર સહી, દીઠી લીલા બધી ઘેર રહી;

વસોવાસી દાદા દવે નામ, આવ્યા હતા તે ડભાણ ગામ. ૫૨

પુત્રી જમના ને ઈશ્વર પુત્ર, હતાં તે પણ સંગાથે તત્ર;

હતો પૂર્ણાહુતી સમો જ્યારે, ચાલ્યા દર્શને સૌ જન ત્યારે. ૫૩

ભીડ માણસની થઈ ભારે, બાઈ જમના ન જૈ શકી ત્યારે;

કહ્યું તાતે રહો આ ઉતારે, આવજો ત્યાં મટે ભીડ જ્યારે. ૫૪

બાઈ જમના તે ઉતારે રહ્યાં, પણ ત્યાં તેને દર્શન થયાં;

દવે આવ્યા તે ઉતારે ફરી, જમનાયે બધી વાત કરી. ૫૫

તહાં શોભા બની હતી જેવી, કહી સર્વ જથારથ તેવી;

વળી સોરઠનો સંઘ મળી, ચાલ્યો સોરઠથી તે નીકળી. ૫૬

ભટ મુખ્ય તેમાં મયારામ, પાંચ ગાઉ મુક્યું નિજ ગામ;

ભક્ત પર્વતભાઈ તે સંગે, વિચર્યા હતા અંગ ઉમંગે. ૫૭

બીજા બહુ ભગવાનના દાસ, ચાલ્યા દર્શન કરવાની આશ;

વનમાં મળ્યા શ્રી વૃષનંદ, જન વૃંદે દીઠા જગવંદ. ૫૮

કર્યા પ્રેમથી સૌયે પ્રણામ, પુછ્યું ક્યાંથી આવ્યા ઘનશ્યામ;

કહે કૃષ્ણ ડભાણથી આવ્યા, યજ્ઞ પૂર્ણ કરીને સિધાવ્યા. ૫૯

માણાવદરમાં હવે જાશું, ઘોડું દોડાવી આગળ થાશું;

એમ ઉચ્ચરી ઘોડી દોડાવી, સંઘ પાછો વળ્યો હર્ષ લાવી. ૬૦

ગામમાં જઈ કીધો તપાસ, ક્યાંઈ દીઠા નહીં અવિનાશ;

ત્યારે જાણ્યું જે બીજે સ્વરૂપે, દીધું દર્શન વૃષકુળભૂપે. ૬૧

એવી રીતે અનેક ઠેકાણે, દીધાં દર્શન એ જ પ્રમાણે;

યજ્ઞ પૂરો કરી પરમેશ, સંઘ મોકલ્યા નિજ નિજ દેશ. ૬૨

લીલા અલ્પ કરી મેં ઉચ્ચાર, બીજા ગ્રંથોમાં છે વિસતાર;

લીલા ગાય શીખે કે સાંભળશે, તેને પ્રગટ મહાપ્રભુ મળશે. ૬૩

પુષ્પિતાગ્રાવૃત્ત

પ્રગટ પ્રભુ તણાં રુડાં ચરિત્ર, શ્રુતિ3 સુણતાં જન થાય છે પવિત્ર;

મનનિ પુનિતતાઈ4 થાય જેને, પ્રગટ પ્રભુજી મળે જરૂર તેને. ૬૪

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિડભાણ-યજ્ઞકરણનામ એકાદશો વિશ્રામઃ ॥૧૧॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે