કળશ ૭

વિશ્રામ ૧૨

પૂર્વછાયો

જજ્ઞ કર્યો જે ડભાણમાં, જમ્યા દ્વિજ હજારો હજાર;

સર્વત્ર વાત પ્રસિદ્ધ થૈ, થયો જગમાં જયજયકાર. ૧

ચોપાઈ

વરતાલના બાપુ પટેલ, બીજા રણછોડદાસ આવેલ;

નારાયણગર બાવો ઉદાર, તથા વાસણ નામે સુતાર. ૨

પગી જોબન ને તખો વળી, મહારાજ પાસે ગયા મળી;

હેતે વિનતિ કરી જોડી હાથ, વરતાલ ચાલો મુનિનાથ. ૩

માવજી કહે મારગે થાઓ, અમે ત્યાં આવશું તમે જાઓ;

પછી ચાલિયા વરતાલવાસી, ચાલ્યા પાછળથી અવિનાશી. ૪

જતાં વાટમાં જોબનભાઈ, ઘણા ઘાટ ઘડે મન માંઈ;

મારી મેડીની બારિયે શ્યામ, બેઠા દેખું જઈ મુજ ગામ. ૫

તો હું અત્યંત આનંદ પામી, જાણું એહને અંતરજામી;

પછી જ્યાં નિજ શેરીમાં પેઠા, દીઠા શ્રીહરિ બારિએ બેઠા. ૬

રોમ હર્ષ થયો આખે અંગે, આવ્યાં પ્રેમનાં આંસુ ઉમંગે;

પ્રેમે પ્રભુપદ કીધા પ્રણામ, કહ્યું જય જય શ્રીઘનશ્યામ. ૭

વાલાજી કરો છો ભલી વીધ, નિજજનના મનોરથ સિદ્ધ;

જેવું મેં ચિત્ત ચિંતવન કીધું, તેવું દર્શન મુજને દીધું. ૮

કહે વર્ણિ સુણો રુડા રાય, કહું કૃષ્ણચરિત્ર કથાય;

ભાવ વરતાલવાસીનો ભાળી, થોડા દિવસ વસ્યા વનમાળી. ૯

નારાયણગરજી નિજ વાસ, કરે કાઠીયોની બરદાશ;

ઘાસ ચંદીને ભોજન દેતા, હરિ પાસેય હાજર રેતા. ૧૦

આસપાસના ગામ મોઝાર, મુક્તાનંદે કરીને સંચાર;

કરાવેલો હતો સતસંગ, આવ્યા તે જનો ધારી ઉમંગ. ૧૧

સૌયે સ્વામીને વિનતી કરી, આવે ગામ અમારે શ્રીહરિ;

એવી છે ઘણી ઇચ્છા અમારી, કહો પૂર્ણ કરે ગિરધારી. ૧૨

સ્વામીએ કહી શ્રીજીને વાત, સુણી શ્રીજી થયા રળિયાત;

સંતમંડળને લઈ સાથ, થયા તૈયાર સંતનો નાથ. ૧૩

બામણોલી ગયા બહુનામી, તખાને ઘેર અંતરજામી;

ગયા ત્યાંથી મહૂડિયે પરે, ત્યાંથી કણઝરીયે પરવરે. ૧૪

ઉમરેઠ ગયા અવિનાશી, બહુ રાજી થયા ત્યાંના વાસી;

નંદુભાઈ તથા રુપરામ, નરભેરામે સેવિયા શ્યામ. ૧૫

પ્રભુ ત્યાંથી ગયા પણસોર, કર્યો બે ઘડી વાસ બપોરે;

નાથ ત્યાંથી ગયા નડીયાદ, રહ્યા ત્યાં પણ દિવસ એકાદ. ૧૬

ગયા પીપલગ પરમેશ, નરસંડામાં કીધો પ્રવેશ;

જળ થૈને વલાસણ ગયા, ત્યાંથી મેળાવ્યમાં જઈ રહ્યા. ૧૭

રહ્યા ઉંટવાળે સ્થિર થઈ, પગી જોઇતાને ઘેર જઈ;

તેની પુત્રી જે ઉમેદબાઈ, તેણે સેવિયા જનસુખદાઈ. ૧૮

ગયા ત્યાંથી બુધેજ મોઝાર, ખોડાભાઈ તણે દરબાર;

ગયા ગોરાડમાં સંત લઈ, જમ્યા કાંધાજીને ઘેર જઈ. ૧૯

બોરુ થૈને ગયા કમિયાળે, ગયા પછમ ગામ તે કાળે;

ખસતે થઈ સુંદરિયાણે, ગયા શ્રીહરિ સૌ જન જાણે. ૨૦

હીમરાજ શાયે ધરી હેત, સેવ્યા શ્રીજી ને સંત સમેત;

ગયા સારંગપુર સુખકાર, જીવા ખાચરને દરબાર. ૨૧

પ્રભુપદ કરવાને પ્રણામ, આવ્યું ઉલટીને આખું ગામ;

સૌની પ્રભુપદમાં પ્રીત જોઈ, કહે કવિ કલ્પના કરી કોઈ. ૨૨

દોહરો: હેતૂત્પ્રેક્ષા

સ્નેહી બહુ સારંગપુર, પ્રભુપદ પ્રીતિ અભંગ;

શું તેથી નિજપદ ધર્યું, શ્રીહરિએ સારંગ. ૨૩

ચોપાઈ

કાઠી ગઢપુર કેરા નિવાસી, હતા તેને કહે અવિનાશી;

હવે જાઓ દુરગપુર તમે, થોડા દિવસમાં આવશું અમે. ૨૪

એમ કહીને કીધા વિદાય, રહ્યા શ્રીહરિ પોતે તો ત્યાંય;

એક અવસરે પાછલી રાતે, પ્રભુ પોઢ્યા હતા ભલી ભાતે. ૨૫

પશેગામનો જેહી નિવાસી, આવ્યો રાવળ ગાનઅભ્યાસી;

વૈજો નામ જેનું સહુ જાણે, ગાનતાનમાં તેને વખાણે. ૨૬

કાંશિયાં ને રવાજ1 બજાવી, પ્રભાતી ગાયો રાગ લડાવી;

સુણતાં એના સ્વરનો શોર, લાજે કોકિલ પોપટ મોર. ૨૭

જેમ નાદે ડોલે અહિરાજ,2 તેમ ડોલે બજાવી રવાજ;

સુણી જાગિયા શ્રીમહારાજ, રીઝ્યા રાગથી ગરીબનિવાજ. ૨૮

પુછ્યું પ્રભુએ બોલાવીને પાસ, કહો શી ઉર રાખો છો આશ;

ત્યારે તે જન લાગ્યો ઉચ્ચરવા, બીજે ગાઇયે તે પેટ ભરવા. ૨૯

પણ જે ગાઇયે આપ પાસ, એ તો કલ્યાણની ધરી આશ;

સુણી બોલિયા શ્યામ સુજાણ, નિશ્ચે થાશે તમારું કલ્યાણ. ૩૦

મગાવ્યો ત્યાં પછી મહારાજે, સજેલો અશ્વ સોનેરી સાજે;

આપ્યો રાવળને એહ કાળ, વળી વાઘો તથા સુરવાળ. ૩૧

આપ્યું મંદિલ પણ જરિયાની, આપી ચાખડિ જડિત રુપાની;

જન સર્વ બોલ્યા એહ ઠામ, ઘણું આપ્યું તમે ઘનશ્યામ. ૩૨

બ્રહ્મચારી કહે હે ભૂપાળ, એહ જામો તથા સુરવાળ;

બીજો પણ તે સામાન સુહાતો, ભગા દોશિયે લીધો વેચાતો. ૩૩

મુક્યો બોટાદે મંદિર માંય, સૌને દર્શન કરવાને ત્યાંય;

આજ ચાખડિયો એહ ભાસે, કુંજવિહારીદાસજી પાસે. ૩૪

ભક્તિપ્રિયદાસના શિષ્ય તેહ, સારા ગુણવાન શાસ્ત્રી છે એહ;

દુર્ગપુરમાં ગોપિનાથ પાસ, ઘણાં વર્ષ કર્યો જેણે વાસ. ૩૫

હવે સાંભળ હે રુડા રાય, કહું સારંગપુરની કથાય;

ડભાણે થયું યજ્ઞનું કામ, ત્યાં ન જૈ શક્યા ભટ મયારામ. ૩૬

ત્યારે તે યજ્ઞનો કારભાર, બાપુભાઈને સોંપ્યો તે વાર;

તેણે ઉપજ ખરચ સંભાળ્યું, તેમાં કાંઈ કર્યું મન કાળું. ૩૭

ધન છાનું પોતે કાંઈ રાખ્યું, પ્રભુ પાસે જઈ એમ ભાખ્યું;

રૂપૈયા ખુટ્યા જોડ હજાર, મારા ઘરના દીધા મેં આ વાર. ૩૮

માટે તે રૂપૈયા મને આપો, કૃપાનાથ મારું કર્જ કાપો;

હરિએ દીધી ધીરજ ઉરમાં, કહ્યું આવજો સારંગપુરમાં. ૩૯

તહાં આવશે ભટ મયારામ, દેશે ચૂકવી આપના દામ;

આવ્યા સારંગપુર પ્રભુ જ્યારે, આવ્યા નાણું તે લેવાને ત્યારે. ૪૦

એવામાં આવ્યા ભટ મયારામ, પ્રભુએ કહ્યું દ્યો એના દામ;

સુરો ખાચર બોલિયા એમ, નાણું યજ્ઞ વિષે ખૂટે કેમ. ૪૧

નિત્ય આવતી ભેટ અપાર, તેનો ક્યાં લખિયો છે સુમાર;3

ત્યારે બોલિયા ભટ મયારામ, કર્યું એણે કપટનું કામ. ૪૨

કહે ખર્ચ ઉપજ એહ ઠામ, આપું ચૂકવિ તો એના દામ;

કહે હરિ ગુરુનું દ્રવ્ય ખાશે, તો તે કેમ સુખી કદી થાશે. ૪૩

માટે સર્વ તજી તકરાર, આપો નાણું એનું એહ ઠાર;

કહે ભટ્ટ સુણો ઘનશ્યામ, કાલે આપશું એહના દામ. ૪૪

સુરા ખાચરે મનમાં વિચાર્યું, બાપુએ ધન લેવાનું ધાર્યું;

એણે કપટ કર્યું અતિ એવું, માટે એને એનું ફળ દેવું. ૪૫

પછી બેસીને સંતસભામાં, કરે પ્રશ્ન ઉત્તર સામસામા;

સુરા ખાચરે સુણતાં શ્રીકૃષ્ણ, બાપુભાઈને પૂછિયું પ્રશ્ન. ૪૬

દ્રોણાચારજ ભીષ્મપિતાય, બેમાં શ્રેષ્ઠ તે કોણ ગણાય?

બાપુભાઇએ ઉત્તર આપ્યો, દ્રોણાચારજને શ્રેષ્ઠ સ્થાપ્યો. ૪૭

સુરા ખાચરે ભીષ્મપિતાને, અતિ શ્રેષ્ઠ કહ્યા એહ સ્થાને;

બાપુભાઈ બોલ્યા કરી રીસ, ક્ષત્રિ તો સર્વ વિપ્રના શિષ્ય. ૪૮

વિપ્ર તો જ્ઞાન વૈરાગ્યવાન, ક્ષત્રિને રાજ્યનું અભિમાન;

સુરોભક્ત કહે મન ધરિયે, આજ બેયનું પારખું કરીયે. ૪૯

તમે વિપ્ર હું ક્ષત્રિ છું ભાઈ, રહ્યો માયામાં કોણ બંધાઈ?

રાજ ત્યાગી સાધુ થાઉં હુંય, ઘર ત્યાગી સંન્યાસી થા તુંય. ૫૦

કહે બાપુ મારાથી થવાય, પણ રાજ્ય તમે ન તજાય;

સુરોભક્ત કહે આજ ટાણે, પળવું હવે બોલ્યા પ્રમાણે. ૫૧

હમણાં જ સાધુ થવું મારે, તમે સંન્યાસી થાઓ અત્યારે;

કહે બાપુ જો કહે મહારાજ, તો હું થાઉં સંન્યાસિ જ આજ. ૫૨

એવું સાંભળીને કહે માવો, નિજ પત્નિ તણી રજા લાવો;

પછી પત્નિ તણી રજા લાવ્યા, શ્રીજીએ સંન્યાસીને બોલાવ્યા. ૫૩

જેનું નામ દેવાનંદ સ્વામી, કહે તેહને અંતરજામી;

બાપુભાઈને આપો સંન્યાસ, એના અંતરની પુરો આશ. ૫૪

પછી શાસ્ત્ર તણો જે આચાર, કર્યો સંન્યાસિયે તે વાર;

ચોટલી ને જનોઈ તજવી, ભગવાં તન વસ્ત્ર ધરાવી. ૫૫

હાથે દંડ કમંડળ દીધું, જતિકૃત્ય જથારથ કીધું;

પરજ્ઞાતિના વિપ્રને ઘેર, જઈ ભિક્ષા જમ્યા રુડી પેર. ૫૬

આવી બેઠા સભા માંહિ જ્યારે, સુરો ખાચર બોલિયા ત્યારે;

ભણું બાપુ તો ધન્ય ગણાય, એણે કીધું તે અમથી ન થાય. ૫૭

એવું સાંભળીને બાપુભાઈ, પોતે સમજ્યા જે કીધી ઠગાઈ;

ત્યારે પોકે પોકે રોવા માંડ્યું, પત્નિએ પણ રુદન ન છાંડ્યું. ૫૮

રોતાં રોતાં તે બોલ્યો સંન્યાસી, મારું દિલ થયું એમ ઉદાસી;

દસક્રોઈ4 તણાં ભાત દાળ, હવે દેખિશ હું કિયે કાળ. ૫૯

ધર્મનંદને ધીરજ દીધી, વળી આજ્ઞા એવી રીતે કીધી;

રહો જેતલપુર ધામ મારે, પત્નિ રાંધે ને જમવું તમારે. ૬૦

પછી બે જણ ત્યાં થકી ગયાં, જઈ જેતલપુર માંહિ રહ્યાં;

બ્રહ્મચારી કહે સુણ ભૂપ, પ્રભુ જે કરે તે સુખરૂપ. ૬૧

વૈદ્ય ઓસાડ કડવાં પાય, પણ તેથી મહારોગ જાય;

દાસને દીસે બંધનકારી, તો તે તરત તજાવે મુરારી. ૬૨

પુષ્પિતાગ્રાવૃત્ત

નિજજન હિત શ્રીહરિ કરે છે, કરિ સુઉપાય કુવાસના હરે છે;

ધન સુત પતનીનું ધ્યાન આવે, નિજજનને પ્રભુ તર્ત તે સજાવે. ૧

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

સારંગપુરે બાપુભાઈ-સંન્યાસગ્રહણનામ દ્વાદશો વિશ્રામઃ ॥૧૨॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે