કળશ ૭

વિશ્રામ ૧૩

પૂર્વછાયો

સારંગપુરમાં શ્રીહરિ, હતા જે સમે દીનદયાળ;

વસ્તો ખાચર ત્યાં આવિયા, કારિયાણી થકી તે કાળ. ૧

ચોપાઈ

કરી વિનય તેણે કહી વાત, સુણો શ્યામસુંદર સાક્ષાત;

મારી પત્નિ નામે શીત જેહ, માંચા ભક્તની ભાણેજ તેહ. ૨

કાંઈ કારણથી બીજી નારી, વાત પરણવાની મેં ઉચ્ચારી;

માંચા ખાચરે જાણ્યું તે જ્યારે, મને મારવા આવ્યા છે ત્યારે. ૩

માટે આવ્યો હું આપની પાસ, મારી રક્ષા કરો અવિનાશ;

કારિયાણીયે કૃષ્ણ પધારો, તો જ ઉગરશે જીવ મારો. ૪

અમ સાથે મહાપ્રભુ આવો, માંચા ખાચરને સમઝાવો;

એવા શબ્દ જ્યારે સંભળાવ્યા, કારિયાણિએ કૃષ્ણ સિધાવ્યા. ૫

માંચો ખાચર દર્શને આવ્યા, બહુ હેતે પ્રભુએ બોલાવ્યા;

કહે કૃષ્ણ સુણો મુજ બોધ, કેમ રાખો છો આવડો ક્રોધ. ૬

અમે કચ્છમાં તમને તેડાવ્યા, ત્યારે સાધુ થવા તમે આવ્યા;

થયા સાધુ તજી જગફંદ, નામ ધાર્યું અચિંત્યાનંદ. ૭

મારી આજ્ઞાથી આવિયા આંહીં, ધોળાં વસ્ત્ર ધરી તન માંહી;

આજ્ઞા માની રાજી કર્યા અમને, હું તો સાધુ જ જાણું છું તમને. ૮

કારિયાણી નહીં તવ ગામ, માંચો ખાચર નહીં તવ નામ;

તમે છો અચિંત્યાનંદ સ્વામી, નિરલોભી અક્રોધી અકામી. ૯

માંચો ભક્ત કહે મહારાજ, મને એક જ ચિંતા છે આજ;

શીતબાઇનો સુત માણસુર, કેવું પામશે કષ્ટનું પુર. ૧૦

કોણ તેઓની સંભાળ લેશે, કોણ કષ્ટમાં ધીરજ દેશે?

સુણી બોલિયા ધર્મનો લાલ, અમે લેશું તેઓની સંભાળ. ૧૧

સાધુને શો સગાનો મમત્વ, જેણે જાણીયું આતમતત્ત્વ;

શિર આજ્ઞા અમારી જો ધરો, ભગવાં ધરી ભૂમિમાં ફરો. ૧૨

જાઓ મંડળ લૈ પરગામ, ઉપદેશ કરો ઠામ ઠામ;

ક્રોધરૂપ આ તો તીખી માયા, તે થકી તમે કેમ ઠગાયા. ૧૩

વેણ વાલાયે એવાં ઉચ્ચાર્યાં, માંચા ભક્તે તે મનમાં વિચાર્યાં;

પ્રભુને પદે મૂકિયું શીર, નેહે નેણમાં આવિયાં નીર. ૧૪

બોલ્યા વદનથી ગદગદ વાણી, ભૂલ્યો ભૂલ્યો હું સારંગપાણી;

દિનબંધુ દયા દિલે લાવો, તીખ માયા તો મુજને તજાવો. ૧૫

નારાચવૃત્ત: કમળપ્રબંધ

સુણો દિલે દયા ધરી રીઝાવું સત્ય ઉચ્ચરી,

તમે અધર્મના અરી વિવેકવંત છો હરી;

નમું નમું ફરી ફરી તિખ અજા1 કરો પરી,2

કરું છું માગણી ખરી સુરીત વિનતિ કરી. ૧૬

कमळप्रबंध

Image

ચોપાઈ

એવી વિનતિ સુણી મહારાજે, વસ્ત્ર ભગવાં મગાવ્યાં તે કાજે;

તેને કાઠિનો વેષ તજાવ્યો, ભગવો અંગે ભેખ ધરાવ્યો. ૧૭

સંતમંડળ આપીને ત્યાંય, મોકલ્યા દેશ કાનમમાંય;

પછી પાર્ષદ સંતની સાથ, ગયા દુર્ગપુરે દીનનાથ. ૧૮

ત્યાં તો વસંતપંચમી આવી, મોકલી કંકોતરીયો લખાવી;

સતસંગી ને સાધુ તેડાવ્યા, સર્વ પંચમી ઉપર આવ્યા. ૧૯

ભરાણો તહાં સમૈયો ભારે, દીધું સુખ બહુ ધર્મદુલારે;

ભાત ભાત રચાવીને રંગ, રમ્યા શ્રીહરિ નિજ જન સંગ. ૨૦

વળી શ્રીજી મુખે સાક્ષાત, કરી જ્ઞાન વૈરાગ્યની વાત;

સુણી રાજી રુદે સહુ થયા, સતસંગી સ્વદેશમાં ગયા. ૨૧

રહ્યા ગઢપુરમાં ગિરધારી, સુખ દેવાને જનસુખકારી;

નિજજન સંગ કરતા વિનોદ, જેથી ઉપજે પરમ પ્રમોદ. ૨૨

હરિજન પણ કોઈ ઉપાય, કરે જેમ પ્રભુ રાજી થાય;

ક્યારે શાસ્ત્રના વાદવિવાદ, કરે તો તજીને પ્રમાદ.3 ૨૩

કોઈ વેદાંતનો પક્ષ ધારે, કોઈ જૈનનો વાદ સ્વિકારે;

ધરે કોઈ ઉપાસના પક્ષ, વાદ લે કોઈ યોગનો લક્ષ. ૨૪

કરે સામસામા વાદ કેવા, એમાં કોઈ હઠે નહિ એવા;

સુણનાર સુણી ગ્રહે સાર, સત્યાસત્યનો ઉપજે વિચાર. ૨૫

વિપ્ર વઢવાણ કેરા નિવાસી, હતા બે હાસ્યરસના અભ્યાસી;

દેવકૃષ્ણ ને બેચરભાઈ, ઉપાધ્યાયની અટક સુહાઈ. ૨૬

દેશી નાના4 પ્રકારની લાવે, સભા સહિત હરિને હસાવે;

હાસ્યરસ માંહિ પણ ઉંડો મર્મ, જેથી સમજાય ધર્મ અધર્મ. ૨૭

એક અવસરે એણે વિચાર્યું, કરિએ એક નાટક સારું;

કેવા કળિજુગના ભેખધારી, નામે વૈરાગી પણ ઘરબારી. ૨૮

દેશી કાઢિયે એહની આજ, જોઈ રાજી થશે મહારાજ;

કેવા સંત ને કેવા અસંત, જોનારા સમજે મતિમંત. ૨૯

ભાળી નાટકનો ભલો ભાગ, કરે એવા ગુરુ તણો ત્યાગ;

જેમ ચોરને જોઇયે જ્યારે, સાહુકાર ભલો ભાસે ત્યારે. ૩૦

જ્યારે બગલાનું કર્મ જણાય, ત્યારે હંસનો મહિમા મનાય;

તેમ દેખે અસંતનું રૂપ, ત્યારે સમજાય સંતસ્વરૂપ. ૩૧

કરી એવો વિચાર વિશેષ, ધર્યો બાવાબાવી તણો વેષ;

મેલાં લુગડાં ને ટોપી માથે, તંબુરો મંજિરાં ધર્યાં હાથે. ૩૨

ગોપીચંદન ટીલું કપાળે, ભેંશ ભડકે જો દૂરથી ભાળે;

બેય કાને મુદ્રા લટકાવી, કોટે માળાઓ ઝાઝી ધરાવી. ૩૩

મોટા પારાનો બેરખો લીધો, મોરપીંછનો શણગાર કીધો;

બીજે રામકીનું5 રૂપ લીધું, તેણે ટીલું કપાળમાં કીધું. ૩૪

ધોળું વસ્ત્ર ધરી લીધું અંગે, કેડ્યે છોકરું તેડ્યું ઉમંગે;

ખભા ઉપર ઘોડિયું ધાર્યું, તેમાં બાળક નાનું સુવાર્યું. ૩૫

ત્રીજું બાળક પેટમાં ચોટ્યું, દીસે રામકીનું પેટ મોટું;

તંબુરો ને મંજીરાં બજાવી, કર્તાં ભજન તે બાવો ને બાવી. ૩૬

સભા આગળ આવવા લાગ્યાં, સતસંગી કહે જાઓ ભાગ્યાં;

ક્યાંથી આવ્યું આ કળિનું સ્વરૂપ, બોલશો મા અરે રહો ચૂપ. ૩૭

બેસી જૈ દરવાજાની પાસ, સાધુને પડશે ઉપવાસ;

નારી સાધુ સમીપ જો જાય, સાધુ તે દિન અન્ન ન ખાય. ૩૮

બાવો ક્રોધથી વચન પ્રકાશે, આયા નારી વિના સાધુ કાંસે?6

સાધુ આકાશસેં ક્યું ગિરા હે, કહાં પાતાલસેં નિકરા હે? ૩૯

કેસેં નારીસેં જાયગે દૂર, સબ ઠોર7 હે નારી હજૂર;

યહ પૃથ્વી હે નારીકી જાતી, નહીં સાધુસેં સો તજી જાતી. ૪૦

માળા કંઠી રુ8 ચોટી જનોઈ, સબ નારીકી જાતી હે સોઈ;

હાથ પાવકી અંગુરી9 નારી, સાધુસેં સો રહે નહીં ન્યારી. ૪૧

મહાપુરુષકે દર્શન કરને, ચલીકે હમ આયે હે ચરને;

હમકું તુમ મત અટકાઓ, મહાપુરુષકું જાય સુનાઓ. ૪૨

એવી રીતે કરી હઠીલાઈ, જ્યારે આવ્યાં સભા પાસે ધાઈ;

ત્યારે સંત ગયા સહુ ઉઠી, પછી બાવો બોલ્યો બહુ રુઠી. ૪૩

કહે રામકીને દેખો માઈ, કલિજુગકા પાખંડ જાઈ;

મહારાજે તો ઓળખી લીધા, જાણ્યું વેષ વેરાગિના કીધા. ૪૪

બાવો કહે હમ તીરથવાસી, હમ દેખે કેદાર રુ કાશી;

સાધુકું દેવે પુષ્કળ પેસા, મહાપુરુષ મિલા નહીં એસા. ૪૫

સુન્યા સ્વામિનારાયણ નામ, ચલી આયે હે ગઢપુર ગામ;

પૈસા પુષ્કળ દો હમહીકું, કપડાં કરનાં રામકીકું. ૪૬

હમ જેસા મિલે સંત જાકું, બડભાગી જાનો આજ તાકું;

એકરૂપ હરિ અરુ સંત, એસે ભાખત હે ભગવંત. ૪૭

સંતકું ગાંજા ભાંગ દિલાઓ, દૂધ સક્કર ખૂબ પિલાઓ;

મેરી રામકી આશીષ દેગી, જબ ભોજન અચ્છા જિમેગી. ૪૮

સુણી બોલ્યા સખા પ્રતિ શ્યામ, આવા સંત મળે કિયે ઠામ;

જુઓ કેવા રુડા છે વૈરાગી, માયા સંસારની બધી ત્યાગી. ૪૯

કેવા વિશ્વ થકી છે વિરક્ત,10 નથી એકે વિષયમાં આસક્ત;

હોય ઘરમાં જો નાણું વધારે, આવા સંતને આપિયે ત્યારે. ૫૦

ગાંજા ભાંગ્ય આપે વળી જેહ, પામે સ્વર્ગ વિષે પણ તેહ;

ત્યારે બાવાએ વાણી ઉચ્ચારી, ગાંજા ભાંગ્યકી બાત હૈ ન્યારી. ૫૧

સુની હે ભક્તમાલકી સાખી, ભલી હે બડા સંતને ભાખી;

સુનો અબ તુમકું સુનાઉં, સબ સંતનકું સમઝાઉં. ૫૨

સાખી

સંત ચલે બૈકુંઠમેં, બૈઠ વિમાનકે માંહી;

વહાં જાય પીછા ફિરા, વાં ભાંગ તમાકું નાંહી. ૫૩

ચોપાઈ

બોલી બાવી સો બાવા હે એસા, ઈનકું કોઈ દેતા હે પેસા;

ગાંજા ભાંગમેં સબહી ઉડાવે, મેરેકું નહિ કપડાં કરાવે. ૫૪

સુણી બાવાને બહુ ચડી રીસ, મારી લાત તે બાવીને શીશ;

ત્યારે શ્રીહરિએ કહ્યું તેને, અરે શા માટે મારો છો એને? ૫૫

ત્યારે બાવો બોલ્યો આંખ્ય ફેરી, હે સો રામકી તેરી કે મેરી;

જન સર્વ હસી પડ્યા ઢળી, હાસ્યરસની તો ત્યાં હદ વળી. ૫૬

આપ્યો હરિએ પ્રસાદિનો હાર, આપ્યાં વસ્ત્ર થઈને ઉદાર;

પ્રભુને પ્રણમી વારે વારે, ગયા વિપ્ર પોતાને ઉતારે. ૫૭

મોટાપંથી11 કાઠી હતા જેહ, સમઝ્યા મનમાં મર્મ તેહ;

એવા સંતનો આશ્રય છોડી, સાચા સંત વિષે પ્રીત જોડી. ૫૮

સમજ્યા તે થયા સતસંગી, પામ્યા ભગવતભક્તિ અભંગી;

કહે વર્ણિ સુણો વસુધેશ, પામ્યા એમ જનો ઉપદેશ. ૫૯

સ્નેહે સાંભળે આ આખ્યાન, પામે સંત અસંતનું જ્ઞાન;

કરે એવા અસંતનો ત્યાગ, સેવે સદ્‌ગુરુને બડભાગ. ૬૦

પુષ્પિતાગ્રાવૃત્ત

હરિજન મન સૂર્પ12 જેવું જેહ, તજી તુષ13 સાર ગ્રહે સદૈવ તેહ;

ખળ જન મન ચાળણી પ્રમાણ, તજી તજી સાર અસાર લે અજાણ. ૬૧

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

દુર્ગપુરે શ્રીહરિસમીપે-વિપ્રઅસંતવેશધારણનામ ત્રયોદશો વિશ્રામઃ ॥૧૩॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે