કળશ ૭

વિશ્રામ ૧૪

પૂર્વછાયો

છાસઠ્યોવિક્રમ વર્ષનો, તેની વસંતપંચમી જેહ;

હે નૃપ મેં તમને કહી, કરી દુર્ગપુરે હરિ તેહ. ૧

ચોપાઈ

કર જોડી મયારામ ભટ્ટ, કહે શ્રી હરિકૃષ્ણ નિકટ;

પ્રભુ સોરઠના સતસંગી, એવી ઇચ્છા ધરે છે ઉમંગી. ૨

સખા સંત સહિત વિચરો, ફૂલદોલ જુનેગઢ કરો;

આવી દ્યો સૌને દર્શનદાન, ભક્તવત્સલ છો ભગવાન. ૩

કૃષ્ણે ત્યાં જવાની રુચિ કીધી, રજા ભૂપ અભય તણી લીધી;

લીધા પાર્ષદ ને લીધા સંત, કરીયાણે ગયા ભગવંત. ૪

વાંકિયે ગયા વિશ્વઆધાર, મોકા ખાચરને દરબાર;

કોટડે ગયા કૃષ્ણ કૃપાળ, પીઠો વાળો જહાં પૃથ્વિપાળ. ૫

ગયા દેવળિયે કરી દયા, ત્યાંથી પિપળીયે પ્રભુ ગયા;

તહાં લક્ષ્મણ ઠકર વાસ, ઉતર્યા તેના વાસની પાસ. ૬

આવ્યો દર્શને ભક્તસમાજ, તેઓ પ્રત્યે બોલ્યા મહારાજ;

કાંઈ બીક આંહીં છે કે નહીં, ત્યારે સૌયે એવી વાત કહી. ૭

આંહિયાં એક વાઘ હળ્યો છે, એક ગાયને તે લૈ ગયો છે;

કહે કૃષ્ણ રાતે પેરો ભરજો , અમારું તમે રક્ષણ કરજો . ૮

ભક્ત વિપ્ર મહાદેવ નામ, ત્યારે બેઠો હતો તેહ ઠામ;

તેણે વેણ એવાં સુણ્યાં જ્યારે, મનમાં થયો સંશય ત્યારે. ૯

જેનું રક્ષણ જનથી કરાય, ત્યારે તે પ્રભુ શું કહેવાય?

એ શું આપણું રક્ષણ કરશે, એના શરણથી શું ભવ તરશે? ૧૦

એના મનમાંથી નિશ્ચય ગયો, પછી જ્યારે બિજો દિન થયો;

પ્રભુ ત્યાંથી વિદાય તો થયા, ફરતા તે જુનેગઢ ગયા. ૧૧

સામા સૌ સતસંગીયો આવ્યા, વાજતે ગાજતે પધરાવ્યા;

દાદાભાઈની મેડીયે જૈને, કર્યો ઉતારો ત્યાં રાજી થૈને. ૧૨

ફૂલદોળ ઉપર ઘનશ્યામે, લખી કંકોતરી ઠામોઠામે;

સતસંગી ને સંત તેડાવ્યા, ફૂલદોળ ઉપર સહુ આવ્યા. ૧૩

રુડા વિધવિધ રંગ રચાવી, કર્યો ખેલ હરખ ઉર લાવી;

કરી લીલા અનેક પ્રકારે, સદા ધ્યાનમાં સંત સંભારે. ૧૪

બ્રહ્માદિકને મળે નહિ જેહ, લીધું સોરઠિજન સુખ તેહ;

ગયા હરિજન નિજ નિજ ગામ, રહ્યાં શ્રીહરિ તો તેહ ઠામ. ૧૫

સતસંગી જીરણગઢવાસી, સેવે સ્નેહ સહિત સુખરાશી;

કરે પધરામણી રુડી પેર, જમવાને તેડે ઘેર ઘેર. ૧૬

ભક્ત ભાટિયા ગોકુળદાસ, તેણે તેડ્યા હરિ નિજ વાસ;

સતસંગી નહીં તેની માય, તે તો બોલતી એમ સદાય. ૧૭

સહજાનંદ છે જાદુગારા, જોવામાં જ જાદૂ કરનારા;

એને જોઈ ગાંડાં જન થાય, માટે તે મુખ કેમ જોવાય. ૧૮

જો તે જમવાને આવશે આંહીં, તો હું સંતાઉં ઓરડીમાંહી;

એક વિપ્ર પવિત્ર બોલાવ્યો, પાક ગોકળદાસે કરાવ્યો. ૧૯

આવ્યા જીવન જમવાને જ્યારે, ડોશી ઓરડીમાં પેઠી ત્યારે;

જમ્યા જુક્તિથી જીવનપ્રાણ, પછી ચાલિયા શ્યામ સુજાણ. ૨૦

ગયા જાણ્યું ડોશીયે જે વાર, ત્યારે જોયું ઉઘાડીને બાર;

મુખ ફેરવી જોયું કૃપાળે, ડોશીયે મુખ દીઠું તે કાળે. ૨૧

જોતાંમાં છબી જીવમાં પેઠી, જેમ છાપ પટોળામાં બેઠી;

વિસરે ન છબી તે વિસારી, સાંભરે સદા વગર સંભારી. ૨૨

જ્યાં જ્યાં દૃષ્ટિ કરે ડોશીમાય, છબી કુષ્ણની નજરે દેખાય;

આંખ્યો ચોળી જુવે ચારે પાસે, તોય કૃષ્ણની મૂર્તિ જ ભાસે. ૨૩

ડોશીયે મનમાં માની લીધું, સહજાનંદે કામણ કીધું;

પછી કીધા અનેક ઉપાય, જેથી તે મુરતી ન જણાય. ૨૪

તોય રૂપ તો દૃષ્ટિયે રહ્યું, ત્યારે કોઈ કુસંગીયે કહ્યું;

ખૂબ લસણ ને ડુંગળી ખાઓ, તથા છીંકણી સુંઘતાં થાઓ. ૨૫

તેની ગંધે જ્યારે અકળાશે, દૂર સ્વામિનારાયણ જાશે;

કર્યું ડોશીયે એ રીતે જ્યારે, તેને મૂર્તિ દેખાઈ ન ત્યારે. ૨૬

કહે વર્ણિ વિચારીને લેવું, હરિ ન રહે જહાં દેખે એવું;

જુનાગઢમાં રહી જગદીશે, કરી અદભૂત લીલા અતીશે. ૨૭

પછી ત્યાંથી ચાલ્યા ઘનશ્યામ, ફર્યા સોરઠમાં ઘણાં ગામ;

માણાવદર ને અગત્રાઈ, પીપલાણે ગયા સુખદાઈ. ૨૮

સદા સમાધિમાં સિદ્ધ જેહ, નામે લાડકી સૌ જાણે તેહ;

રુડી તેણે રસોઈ બનાવી, જમ્યા શ્રીહરિ આનંદ લાવી. ૨૯

લાડકીની સુતા રુકમાઈ, તથા ત્યાંના નિવાસી જે ભાઈ;

સહુને લઈને નિજ સાથ, ગયા પંચાળે પ્રાણનો નાથ. ૩૦

ઝીણભાઈ કહે શિર નામી, હરિનવમી કરો આંહિ સ્વામી;

સારો અંહિ સમૈયો ભરાય, મારું પુર પ્રભુ પ્રખ્યાત થાય. ૩૧

ભક્તિપુત્રને તે શબ્દ ભાવ્યા, સતસંગી ને સંત તેડાવ્યા;

સમૈયો ત્યાં કર્યો સારી રીતે, પૂજ્યા સૌએ પ્રભુજીને પ્રીતે. ૩૨

રુકમાઈ ને લાડકીબાઈ, કરે થાળ જમે સુખદાઈ;

પછી ત્યાંથી ચાલ્યા ધર્મલાલો, વળી સોરઠમાં ફર્યા વાલો. ૩૩

ગયા ધોરાજીયે ધર્મનંદ, તહાં દાસને દેવા આનંદ;

ભીમ એકાદશી ભગવાને, કરી સારી રીતે તેહ સ્થાને. ૩૪

જયા ને લલિતા તણો પત્ર, આવ્યો શ્રીહરિ ઉપર તત્ર;

વાંચ્યો શ્રીહરિએ સાક્ષાત, એમાં એવી લખી હતી વાત. ૩૫

ગઢપુરમાંહિ કાંઈ ઉપાધી, વાલા આ અવસર વિષે વાધી;

તેથી ગામ નામ ગોખલાણે, અમે આવ્યાં છૈયે એહ ટાણે. ૩૬

પિતા અભય ને સુરબાઈ માતા, તથા ઉત્તમ ખાચર ભ્રાતા;

સર્વે આવ્યાં છૈયે એહ ઠામ, પ્રેમે વાંચજો સૌના પ્રણામ. ૩૭

પિતા અભયને અંગે આજ, કાંઈ કસર દિસે મહારાજ;

દયાસિંધુ દયા દિલ ધારો, પત્ર વાંચીને અહિ પધારો. ૩૮

નૃપને આપનો છે વિયોગ, હશે એ જ થકી ઉર રોગ;

જ્યારે આપનું દર્શન થાશે, ત્યારે સર્વ પીડા મટી જાશે. ૩૯

ઉપજાતિ (સ્નેહીને ન દેખીને દુઃખ ઊપજવા વિષે)

જો દુઃખ સાધારણ જે જણાય, સ્નેહી મળ્યે સદ્ય જરૂર જાય;

શરીર સંકોચિત કંજ1 કેરું, તે ભાનુને ભાળી ફુલે ઘણેરું. ૪૦

સ્નેહી મળે છે જડનેય જ્યારે, પામે જડે ચંચળતાઈ ત્યારે;

છે લોહને ચુંબક સાથ સ્નેહ, તો તેહ સામું ઉછળે જ એહ. ૪૧

છીપો પ્રિતિ સ્વાતિ2 વિષે ધરે છે, તો ઉછળી તેહનું બુંદ લે છે;

જો મોરલા દુઃખિ દિસે ઉદાસી, ગાજે ઘને તે ઉચ્ચરે હુલાસી. ૪૨

જો વાણિયો લાભ વિશેષ ભાળે, દેખે દ્વિજો મોદક જેહ કાળે;

ક્ષત્રી સમક્ષે રણ જો રચાય, માંદો મટીને હુશિયાર થાય. ૪૩

સુપાત્રને સ્નેહિ મળે સુપાત્ર, કુપાત્રને તેમ મળે કુપાત્ર;

જો ભક્તને શ્રીભગવાન ભેટે, તો કષ્ટ તેનું ટળિ જાય છે. ૪૪

ગપાં સુણ્યાની પડી ટેવ જેને, ગપાં સુણે કષ્ટ મટે જ તેને;

હરિકથા કીર્તન થાય જ્યારે, પીડા વિસારે હરિભક્ત ત્યારે. ૪૫

જુગારીને કોઈ મળે જુગારી, ત્યારે રમે સર્વ પિડા વિસારી;

બંધાણિ બંધાણી મળી જ બેસે, તો દુઃખ ભૂલી સુખ માંહિ પેસે. ૪૬

જો દૈવીને સંત મળે મહાંત, તો દુઃખ ભૂલી દિલ થાય શાંત;

જેવી રિતે અમૃતપાન પીધે, રહે ન વ્યાધિ કશી કોય વિધે. ૪૭

ચોપાઈ

માટે હે પ્રભુ આપ પધારો, ભૂપ અભયને હરખ વધારો;

પત્ર વાંચીને એહ પ્રમાણે, ગિરધારી ચાલ્યા ગોખલાણે. ૪૮

પ્રભુ આવિયા પીપળી ગામ, વહે સર્જ્યુ નદી તેહ ઠામ;

સ્નેહે જઈ કર્યું તે વિષે સ્નાન, સખા સંત સહિત ભગવાન. ૪૯

ગામથી દક્ષિણે વડ સારો, જોઈ કીધો ત્યાં કૃષ્ણે ઉતારો;

ગામમાં વાત થૈ તેહ જ્યારે, સામા આવિયા સત્સંગી ત્યારે. ૫૦

દાસ સર્વ આવ્યા તતખેવ, વિપ્ર આવ્યો નહિ મહાદેવ;

હરિનો એને સંશય હતો, તેથી દર્શન કરવા ન જતો. ૫૧

હીમો ઠકર વાઘજી વિપ્ર, તે તો ચાલ્યા પ્રભુ પાસે ક્ષિપ્ર;3

નવો અકેકો ઢોલિયો લઈ, પાથર્યો વડલા તળે જઈ. ૫૨

મહાદેવે કર્યો ત્યાં વિચાર, કરું આજ જઈ નિરધાર;

જૂનો ઢોલિયો જૂની તળાઈ, જઈ પાથરું તે સ્થળ માંઈ. ૫૩

નવા ઢોલિયાનો ત્યાગ કરી, જૂને ઢોલિયે જો બેસે હરિ;

મારા મનનો મનોરથ એહ, પરિપૂર્ણ કરે પ્રભુ તેહ. ૫૪

તો હું જાણું ખરા ભગવાન, ઇષ્ટ જાણી કરું ગુણગાન;

જૂનો ઢોલિયો ગોદડું લૈને, નવા પાસે તે પાથર્યો જૈને. ૫૫

પછી નાથ પધારિયા ત્યાંય, ત્રણ ઢોલીયા ઢાળેલા જ્યાંય;

જૂના ઢોલિયા પર જગદીશ, રાજી થૈને બિરાજ્યા મુનીશ. ૫૬

મહાદેવે કહ્યું જોડી હાથ, તમે સત્ય પ્રભુ કૃપાનાથ;

પણ દુસ્તર4 છે તવ માયા, ભવ બ્રહ્મા જેવા ભરમાયા. ૫૭

એવા એવાને સંશય થાય, ત્યારે હું જેવા તે શું ગણાય;

કર્યો શ્રીહરિએ તેને શાંત, ભાગી ગઈ તેના મન તણી ભ્રાંત. ૫૮

લુવાણા ભક્ત ધારશી નામે, જમ્યા જૈ હરિ તેહને ધામે;

પછી ત્યાં થકી સુંદરશ્યામ, ગયા કોટડે વાવડે ગામ. ૫૯

ગોખલાણે ત્યાંથી હરિ ગયા, ભેટી ભૂપ અભય રાજી થયા;

જગજીવનનો થયો જોગ, મટ્યો સર્વ શરીરનો રોગ. ૬૦

લલિતા ને જયાદિક બાઈ, તથા ઉત્તમ આદિક ભાઈ;

પ્રભુદર્શને આનંદ પામ્યાં, સુખ સર્વ પ્રકારનાં જામ્યાં. ૬૧

કહે સૌ ભલે નાથ પધાર્યા, આજ સર્વ મનોરથ સાર્યા;

પછી માંડ્યું રસોઈનું કાજ, ત્યારે બોલિયા શ્રીમહારાજ. ૬૨

સંત પાર્ષદ છે અમ સંગે, વ્રત તીવ્ર કરે છે ઉમંગે;

રસકસ જરિયે નથી જમતા, મેવા ખાતા નથી મનગમનતા. ૬૩

બોલ્યાં બાઈ અમે પણ એવાં, વ્રત તીવ્ર ધરેલાં છે તેવાં;

દૃષ્ટિયે નાસા5 અગ્ર નિહાળી, બેસવું દૃઢ આસન વાળી. ૬૪

અન્ન તો મુખમાં નવ લેવું, પાણી એક પળી પીને રહેવું;

કહે રાજી થઈ મહારાજ, તપ તીવ્ર કરો છોજી આજ. ૬૫

બીજા કોઈ થકી ન કરાય, કળિકાળમાં તમથી જ થાય;

મારી આજ્ઞા સહૂ શિર ધરો, તીવ્ર વ્રતની સમાપતિ કરો. ૬૬

કર્યા માલપૂવા સુરસાળા,6 જમી બાઇયો સંત ને પાળા;

સુરો ભક્ત કહે કર જોડું, વ્રત તીવ્ર હું તો નહિ છોડું. ૬૭

એક જણને શ્રીજીએ બોલાવ્યો, ખોરી જારનો લોટ મંગાવ્યો;

તેમાં મગ મઠ અડદની દાળ, નાખી ગોળ ભેળાવ્યો તે કાળ. ૬૮

સુરા ખાચરને કહે હરિ, જમો આ તો જાણું ટેક ખરી;

સુરોભક્ત જમ્યા તેહ જ્યારે, કરી કૃષ્ણે પ્રશંસા તે વારે. ૬૯

તમે નિઃસ્વાદિ ને છો વિદેહી, તમે છો મારા સત્ય સનેહી;

કહી એમ સંતોષ પમાડ્યા, પછી માલપુવા તે જમાડ્યા. ૭૦

એવી લીલા કરીને વિચિત્ર, ગોખલાણું તે કીધું પવિત્ર;

ત્યાંથી વાંકિયે વાલમ ગયા, કરિયાણે ત્યાંથી કરી દયા. ૭૧

ગયા ખંભાળે ધર્મદુલારો, કર્યો દરબાર માંહિ ઉતારો;

નાગ ખાચર ભક્ત માણશિયો, ભાયો ગોદડ ભક્તિનો રશિયો. ૭૨

સજી સેવા તે સૌ મળી સાથ, પછી ઇંતરિયે ગયા નાથ;

રામો ખાચર ખાચર જીવો, કાઠીકુળમાં તે પ્રત્યેક દીવો. ૭૩

તેણે સેવા સજી ઘણી સારી, ગયા ગઢપુર શ્રીગિરધારી;

અતિ નેહે ભેટ્યા અવિનાશી, હરખ્યા ગઢપુરના નિવાસી. ૭૪

કહે વર્ણિ સુણો મહિપાળ, વીતી એમ છાસઠની સાલ;

જે જે લીલા કરી ગિરધારી, મેં તો સંક્ષેપે એહ ઉચ્ચારી. ૭૫

પુષ્પિતાગ્રાવૃત્ત

પ્રગટ પ્રભુ તણાં ચરિત્ર ચારુ, સુજન સુણે નિજ શ્રેયસિદ્ધિ સારુ.

પરમ પુનિત થાય તેહ વક્તા, વળી મનવૃત્તિ વિકારથી વિરક્તા. ૭૬

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિજીર્ણદુર્ગે પુષ્પદોલોત્સવકરણ સૌરાષ્ટ્રવિચરણનામ ચતુર્દશો વિશ્રામઃ ॥૧૪॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે