કળશ ૭

વિશ્રામ ૧૫

પૂર્વછાયો

સ્નેહે બોલ્યા અભેસિંહજી, અહો વર્ણીન્દ્ર જ્ઞાનનિધાન;

કથા સાંભળતાં કૃષ્ણની, નથી તૃપ્ત થતા મુજ કાન. ૧

ચોપાઈ

માટે કૃષ્ણ ચરિત્ર વિચિત્ર, કહો પાવનકારિ પવિત્ર;

ત્યારે વર્ણીંદ્ર બોલ્યા વિચારી, ધન્ય ભૂપતિ બુદ્ધિ તમારી. ૨

તમે સત્ય કહો છો રાય, કોણ કૃષ્ણકથાથી ધરાય;

બદ્રિકાશ્રમ ને શ્વેતદ્વીપ, રહે મુક્ત ત્યાં વિષ્ણુ સમીપ. ૩

વળી અક્ષરધામ નિવાસી, મુક્ત અક્ષર પરમ પ્રકાશી;

સુણે કૃષ્ણકથા સદા કાળ, વિત્યા કલ્પ અનેક વિશાળ. ૪

કથા સુણતાં ત્રપત નથી થાતા, સુણવાને રહે છે ચહાતા;

વળી શારદા શેષ મહેશ, હરિના ગુણ ગાય હમેશ. ૫

કદિયે પણ પાર ન પામે, તોય વર્ણનથી ન વિરામે;

તમે સુણવાને ઇચ્છો છો રાય, તો હું ઉચરું કૃષ્ણકથાય. ૬

કથા છાસઠની સાલ સુધી, કહી મેં તો જેવી મુજ બુદ્ધિ;

હવે ઉચ્ચરતાં સાલવાર, કદિયે નહિ પામિયે પાર. ૭

વળિ અકળિત કૃષ્ણ ચરિત્ર, એની સાંભળો વાત વિચિત્ર;

એક કાળે કદી ઘનશ્યામ, જૂદ રૂપે જઈ બહુ ઠામ. ૮

નિજ દાસને દર્શન દેતા, કરે લીલા તે જન લખી લેતાં;

એક દિવસે અનેક પ્રકાર, જૂદી લીલા કરે ઠારોઠાર. ૯

ગામોગામના જન મળે ત્યારે, કરે વાત પરસ્પર ત્યારે;

કહે એક ગઈ હોળી જ્યારે, હતા શ્રીહરિ ગામ અમારે. ૧૦

કર્યો અદ્‌ભુત રંગનો ખેલ, સમૈયો પણ સારો મળેલ;

સુણી બીજો કહે સુણો ભાઈ, હરિજન થઈ ન કરો હસાઈ.1 ૧૧

એ જ દિવસે અમારે ગામે, સમૈયો કર્યો સુંદર શ્યામ;

ભર્યાં માટલાં રંગનાં જેહ, પડ્યાં છે હજિ તો તહાં તેહ. ૧૨

તમે કચ્છી અમે ગુજરાતી, વાત અદભુત એ છે જણાતી;

પછી નિશ્ચે કરે મન માંય, આવ્યા જૂદા સ્વરૂપથી ત્યાંય. ૧૩

એ જ રીતે આખે પીપલાણે, રૂપ બેય ધર્યાં એહ ટાણે;

જજ્ઞ કીધો ડભાણમાં જ્યારે, દીધાં દર્શન બહુ થળ ત્યારે. ૧૪

વડનગર ને વીસલનગરે, રહો ચોમાસું ભક્તો ઉચ્ચરે;

જૂદે જુદે રૂપે અવિનાશ, વસ્યા ચોમાસું બે સ્થળે વાસ. ૧૫

એક વરસમાં ને એક માસે, પ્રભૂ જૂદે જૂદે સ્થળે ભાસે;

અતિ અકળિત લીલા છે એહ, કેમ નિશ્ચે કહી શકું તેહ. ૧૬

વર્ષ માસનો નિશ્ચે ન થાય, કહું સાંભરે તેમ કથાય;

સડસઠની થઈ સાલ જ્યારે, ગઢપુરમાં હતા હરિ ત્યારે. ૧૭

દાદા ખાચરનો દરબાર, રહ્યા તે વિષે ધર્મકુમાર;

વાસુદેવનારાયણ કેરો, ગમે ઓરડો હરિને ઘણેરો. ૧૮

જોડે ઓરડો દાદા ખાચરનો, વચે એક કરો2 બેય ઘરનો;

હતું બારણું તે કરા માંય, મહારાજ બિરાજતા ત્યાંય. ૧૯

ઉત્તરાભિમુખે એહ બેય, ઓરડા હજી અવિચળ છેય;

દિશા પૂર્વનો ઓરડો જેહ, વાસુદેવ તણો જાણો તેહ. ૨૦

સભા ભાઈયોની તેમાં થાય, બેસે બીજામાં બાઈયો સદાય;

વચલે બારણે બેસે શ્યામ, દેખે બાઈ ને ભાઈ તમામ. ૨૧

ચોમાસાની ઋતુ રૂડી જાણી, કથા વંચાવે સારંગપાણી;

દવે પ્રાગજી પરમ પવિત્ર, સંભળાવે શ્રીકૃષ્ણ ચરિત્ર. ૨૨

પૂર્વછાયો

દિવસ ને રજની વચે, શોભે સુંદર સૂરજ જેમ;

સભાઓ બે નરનારિયોની, વચે શોભે હરિ તેમ. ૨૩

ભક્તિ ધરમ ને જ્ઞાનની, કરે વાતો કરુણાનિધાન;

તે સુણિને નરનારિયો, થયાં સૌ મહામુક્ત સમાન. ૨૪

સૌ જન મન વૃત્તિ ધરે, સદા શ્રીહરિમાં એકતાન;

જામનીમાં3 પણ જાગતાં, ધરે ધર્મકુંવરનું ધ્યાન. ૨૫

એ રીતે થાય ઉજાગરા, તેથી બેઠા સભા મોઝાર;

કથા સાંભળતાં કોઈને, નેણે નિદ્રા આવે લગાર. ૨૬

તે સમે તેને ચેતાવવા, એવી જુક્તિ કરે જગદીશ;

સોપારીનો શુભ બેરખો, પોતે નાખે તે જનને શીશ. ૨૭

તે જન ચેતે ચમકીને, તેથી નિદ્રા નાશી જાય;

શ્રીહરિએ તે સભા વિષે, કરી રાખ્યો એવો ઉપાય. ૨૮

એવો જ બીજો બેરખો, જયાબાઈને આપ્યો જેહ;

ઉંઘે કથામાં કામિની, તેના ઉપર નાંખે તેહ. ૨૯

કથા થતાં એક અવસરે, મહાવર્ણિ મુકુંદાનંદ;

નિદ્રાવશ થયા જોઈને, નાખ્યો બેરખો વૃષકુળચંદ. ૩૦

વર્ણિ તે ઝબકીને જાગિયા, દોડી ગયા પ્રભુજીને પાસ;

ખભે તેડી ભગવાનને, ચાલ્યા તજીને તેહ નિવાસ. ૩૧

ખભા ઉપર વર્ણીન્દ્રના, કેવા શોભે શ્રીઘનશ્યામ;

જેમ ખભે હનુમાનને, શોભે રાજીવલોચન રામ. ૩

પછી પ્રભુએ બોલાવિયા, બ્રહ્મચારીને આવ્યું ભાન;

કેમ તમે તેડ્યો મને, એમ ભાખે શ્રીભગવાન. ૩૩

ખભા ઉપરથી ઉતારીને, પછી પ્રેમે કરીને પ્રણામ;

કર જોડી વરણી કહે, સુણી સુંદર શ્રીઘનશ્યામ. ૩૪

સ્વપન મુજને લાગિયું, જાણે ગયા આપણે કોઈ ગામ;

બેઠા હતા એક મોલમાં, અતિ આગ લાગી એહ ઠામ. ૩૫

મેં જાણ્યું જીવન પ્રાણને, કાંઈ આવશે ઉની આંચ;

તેથી દોડિને તેડીયા, પછી ભર્યાં પગલાં પાંચ. ૩૬

ત્યાં તો તમે બોલાવિયો, ત્યારે ભાન આવ્યું ભગવાન;

જો મરજાદા ભંગ થઈ, ક્ષમા કરો કૃપાના નિધાન. ૩૭

સૌ જન સનમુખ જોઈને, હસી બોલ્યા જગજીવન;

ત્રણે અવસ્થામાં રહે, મુજ ભક્તને મુજ ચિંતવન. ૩૮

વળી કહે વર્ણીન્દ્રને, ધન્ય ભક્ત એકાંતિક ધીર;

સ્વપ્ન વિષે પણ મૂજને, નથી વીસારતા તમે વીર. ૩૯

માતા પિતાને ધન્ય છે, જેના દેહથી ધાર્યો દેહ;

જન્મ ધર્યો તમે જે સ્થળે, અતિ ધન્ય ધરા પણ તેહ. ૪૦

અનન્ય તમ સરખા નથી, એહ ભૂતકાળમાં મુજ ભક્ત;

મુજમાં અતિ આસક્ત છો, બીજા સર્વ થકી છો વિરક્ત. ૪૧

ભવ ભવાની ભારતી,4 અજ અમર અમરઅધીશ;5

તમ જેવા સતપુરુષની, પદરજ ચડાવે શીશ. ૪૨

ચોપાઈ

બ્રહ્મચારી અને ભગવાન, બેઠા આસને જૈ નિજ સ્થાન;

એમ આનંદમાં દિન જાય, નિત્ય કૃષ્ણકથા વંચાય. ૪૩

એક દિવસે વળી એહ ઠાર, પુરુષોની સભા મોઝાર;

પ્રગટ્યો અતિ શ્વેત પ્રકાશ, પ્રસરી રહ્યો છે ત્યારે પાસ. ૪૪

ભાસે કોટિક સૂર્ય સમાન, પણ સૌમ્ય શીતળ ગુણવાન;

સંત વાજિંત્રમાં લઈ તાન, કરતા હતા કીર્તનગાન. ૪૫

મહા તેજ દીઠું જેહ વાર, ગાન બંધ રહ્યું તે ઠાર;

સહુને ઉર અચરજ વસે, અહોહો કહે આ તે શું હશે. ૪૬

દીઠી મૂર્તિ તે તેજ મોઝાર, શ્વેત અંગ ને શ્વેત શૃંગાર;

બાઈયોની સભા બેઠી જ્યાંય, તેજ રક્ત પ્રગટ થયું ત્યાંય. ૪૭

દીઠું રક્ત તેમાં નારીરૂપ, અંગે અંચળ6 રક્ત અનૂપ;

કોઈ વાતે કશી નહિ ખામી, પેખી પ્રમદાઓ7 અચરજ પામી. ૪૮

તેજ શ્રીજીમાં મૂર્તિ સમેત, થયું લીન તે રક્ત ને શ્વેત;

પછી સૌ જન જોડીને હાથ, કહે કૃષ્ણને હે કૃપાનાથ. ૪૯

દીઠી મૂર્તિયો તેજમાં જેહ, કહો કોણ હશે હરિ તેહ;

ભાખે ભક્તવત્સલ ભગવાન, સુણો સર્વે થઈ સાવધાન. ૫૦

હતાં તે મારાં માત ને તાત, ભક્તિ ધર્મ નામે સાક્ષાત;

દિવ્યરૂપે રહે અમ પાસ, આજ પ્રગટ જણાવ્યો પ્રકાશ. ૫૧

તેનું કારણ તે હવે કહ્યું, સુણો સ્નેહ સહિત તમે સહુ;

ગોદોહનમાત્ર8 પણ કોઈ ઠામ, હું તો ન રહું કરી વિશ્રામ. ૫૨

નૃપ અભય તણા પરિવારે, મને વશ કર્યો પૂરણ પ્યારે;

તેથી સ્થિર ઠરીને આ ઠામ, રહ્યો હું ધારીને મુજ ધામ. ૫૩

સદા આ સ્થળ વસવાને કાજ, ભક્તિ ધર્મ તે દેખાયાં આજ;

જ્યાં સુધી રહે વિશ્વવિલાસ,9 ત્યાં સુધી કરશે આંહિ વાસ. ૫૪

સુણી રાજી થયા જન સહુ, એના હરખની વાત શી કહું;

કરામાં હતું બારણું જેહ, પશ્ચિમેથી પુરાવિયું તેહ. ૫૫

કાજુ તે વિષે ગોખ કરાવી, તેમાં મૂર્તિયો બે પધરાવી;

શોભે મૂર્તિયો પૂર્વાભિમુખે, કરે દર્શન સૌ જન સુખે. ૫૬

ભક્તિમાતા ને ધર્મપિતાય, વસ્યાં તે વિષે વાસ સદાય;

કરી સ્થાપન શાસ્ત્રપ્રકારી, આરતી હરિહાથે ઉતારી. ૫૭

જગજીવને જોડીને હાથ, સ્તુતિ કીધી સુણે સહુ સાથ;

જય ભાગ્યવતી ભક્તિમાત, જય ધીરજધર ધર્મતાત. ૫૮

શાર્દૂલવિક્રીડિત

માતા ભક્તિ ભલે નરેશ ભુવને પ્રીતે પધાર્યા તમે,

પૂરો પાડ ગણી ભણી સ્તુતિ ભલી સૌ વંદિએ આ અમે;

સાંગોપાંગ સદૈવ આ સ્થળ વસો એવું મુખે માગીએ,

જેથી આપ પ્રતાપ પામિ ભવની ભીતી10 બધી ભાંગિય. ૫૯

વંદું ધર્મપિતા હિતાર્થ જનના સ્નેહે કરો છો સદા,

ત્રાતા11 લોક તણા સમસ્ત સુખના દાતા તમે છો મુદા;12

સેવે જે તમને સદા સુખિ રહે સંશે ન તેમાં કશો,

માટે આ મહિપાળના સદનમાં13 સ્નેહે સુખેથી વસો. ૬૦

પુષ્પિતાગ્રાવૃત્ત

સ્તુતિ કરિ હરિ આપ એવિ રીતે, પ્રિય નિજમાત પિતાનિ પૂર્ણ પ્રીતે,

નિજજન હિત જેહ માગિ લીધું, સ્થિર વસવા વરદાન એ જ દીધું. ૬૧

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

દુર્ગપુરે શ્રીવાસુદેવાલયે-ભક્તિધર્મપ્રતિમાસ્થાપનનામ પંચદશો વિશ્રામઃ ॥૧૫॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે