કળશ ૭

વિશ્રામ ૧૬

પૂર્વછાયો

પ્રીતે પૂછે પૃથિવીપતિ, સુણો વિવેકી વરણિરાજ;

સંશય મારા મન તણો, એક આપ મટાડો આજ. ૧

ચોપાઈ

વાસુદેવની મુરતી જેહ, આપી અક્ષરમુક્તે એહ;

પણ ભક્તિધરમ પ્રતિમાય, ક્યાંથી આવિ કહો મુનિરાય. ૨

બોલ્યા વર્ણીન્દ્ર વાત વિચારી, સુણો શંકા મટાડું તમારી;

એક અવસરે સારંગપાણિ, સભામાં એમ ઉચ્ચર્યા વાણી. ૩

ઘણાં મંદિર કરવાં અમારે, તેમાં સ્થાપવી મૂર્તિયો ત્યારે;

માટે મૂર્તિયો જો મળે સારી, લેજો તે એવી આજ્ઞા છે મારી. ૪

એવામાં શ્રીહરિના કોઠારી, નામ હસન જેની મતિ સારી;

ગયા કાંઈ કામે લાઠી ગામ, ત્રણ ગાડાં દીઠાં તેહ ઠામ. ૫

હરિઇચ્છાએ કોઈ સલાટ, ઘડી લાવેલો મૂર્તિના ઘાટ;

છબિયો હતી તેમાં છવીશ, કહ્યું કોઠારિએ તેહ દીશ. ૬

ગાડાં લૈ ચાલો ગઢપુર ગામ, અમે રાખશું મૂર્તિ તમામ;

ગાડાં જોડાવી લાવિયા જ્યારે, જોઈ મૂર્તિયો ધર્મકુમારે. ૭

રુડાં દેખીને મૂર્તિનાં રૂપ, રુદે રાજી થયા મુનિભૂપ;

કાળભૈરવ આદિક ચાર, પ્રતિમાઓ તજી તેહ વાર. ૮

બાકી બાવીશ મૂર્તિયો લીધી, કરી સ્પર્શ પ્રસાદીની કીધી;

શ્યામે શિલ્પિને કીધી દયાય, દામ આપીને કીધો વિદાય. ૯

ભક્તિધર્મની મૂર્તિયા બેય, સ્થાપી તે પ્રતિમામાંથી તેય;

વળી બોલ્યા મુખે બળવંત, સ્નેહે સાંભળો સૌ તમે સંત. ૧૦

મોટું મંદિર આ સ્થળે થાશે, શિખરો જેનાં સરસ જણાશે;

તેહ મંદિરમાં તતખેવ, ધર્મ ભક્તિ તથા વાસુદેવ. ૧૧

પધરાવશું આ પ્રતિમાઓ, સુણી હરિજન સૌ હરખાઓ;

પૂછી વાત તમે મહિપાળ, કહ્યો મર્મ તેનો મેં આ કાળ. ૧૨

વળી પૂછે રુડી રીતે રાય, મુજને એક સંશય થાય;

સદા ધર્મનું છે શ્વેત અંગ, કેમ મૂર્તિ દીસે શ્યામ રંગ. ૧૩

સુણી વર્ણિ કહે સુણો ભૂપ, કહું કારણ એનું અનૂપ;

ધર્મને સદા કૃષ્ણનું ધ્યાન, રહે કૃષ્ણ રુદે કરી સ્થાન. ૧૪

કૃષ્ણમાં લીન છે અંગોઅંગ, તેથી મૂર્તિ દિસે કૃષ્ણ રંગ;

માટે સંશય તે તજો રાય, હવે સાંભળો બીજી કથાય. ૧૫

રહ્યા દુર્ગપુરીમાં દયાળ, પરમેશ્વર જનપ્રતિપાળ;

કૃષ્ણજન્માષ્ટમી દિન આવ્યો, સમૈયો ત્યારે સારો ભરાવ્યો. ૧૬

સંત સર્વને શ્યામે તેડાવ્યા, દેશ દેશના હરિજન આવ્યા;

અષ્ટમીના પ્રભાત મોઝાર, નાવા જાવાનો કીધો વિચાર. ૧૭

થયા તતપર શ્રીમહારાજ, થયો તૈયાર સર્વ સમાજ;

રોઝે ઘોડે રાજેશ્વર ચડ્યા, કૈંક દેવો આવી પગે પડ્યા. ૧૮

ઘોડો ફળિયામાં ફેરવે શ્યામ, નરનારિયો નિરખે તમામ;

ઘોડો જેમ વાળે તેમ વળે, આઘો પાછો લગારે ન લળે. ૧૯

જાણે વાલે તેને વશ કીધો, નિજ મંત્રનો ઉપદેશ દીધો;

સખી સખી પ્રત્યે પૂછે વાત, કેવા શોભે શ્રીજી સાક્ષાત. ૨૦

સખીને સખી ઉત્તર દે છે, સારા સુંદર શ્યામ શોભે છે;

દેવો ઉભા છે સનમુખ આવી, વંદે સાદર શીશ નમાવી. ૨૧

હરિગીતછંદ: અંતર્લાપિકા અલંકાર

શ્રીકૃષ્ણ

શ્રીહરિ

ક્તના

વિશ્રામ

સમ શ્યામ છે,

ન્મુખ

વીન્દુ

ણેશ

હાજર

મ્ર

આઠે જામ છે;

યને

ઘુમાવે

શક

રીસખિ1

શ્યામળો

શોભે સહી,

જાણેન

વીશ્રીમ

ત્પ્રભૂતા

લાગિર

કરણ અહીં;

નંદીશ

હિને

સાધુમાં

ળિને

પ્રણામ

પગે કરે,

ર્શાય

જીવન

ર્શને

જીજ્ઞાસુ

સાદ

મન ધરે. ૨૨

ચોપાઈ

એમ વામાઓ વાત કરે છે, ભલા સુંદર શ્યામ શોભે છે;

વાજાં વિવિધ પ્રકારનાં વાજે, જેથી દેવનાં દુંદુભિ લાજે. ૨૩

નાવા ચાલિયા અખિલઆધાર, સાથે શોભે કાઠી અસવાર;

પ્રભુ આગળ પાર્ષદ ચાલે, કરે વર્ણિ ચમર તેહ કાળે. ૨૪

ખમા ખમા વદે છડીદાર, કરી નિઘા કહે વાર વાર;

આવી ચૌટા વચે અસવારી, નિરખે મળી સૌ નરનારી. ૨૫

ગાજે ઉન્મતગંગા ગંભીર, વહે નિર્મળ નૌતમ નીર;

ઘણો શુભ પુરુષોત્તમઘાટ, જનના જાય જોતાં ઉચાટ. ૨૬

આવી ત્યાં હરિની અસવારી, પેઠા નાવાને ભવભયહારી;

જળકેલી2 કરી સખા સંગે, નરનારિયો નિરખે ઉમંગે. ૨૭

ખળખળિયામાં ચાલે પ્રવાહ, જેમાં પાણીનું જોર અથાહ;

તહાં ઉભા રહે હરિરાય, શિર ઉપર થઈ જળ જાય. ૨૮

જાણે શીશ ફણા ધરિ શેષ, શોભે આકાર એવો વિશેષ;

રવિતાપે તપે નહિ નાથ, માટે શું ધર્યો ગંગાએ હાથ. ૨૯

એવી લીલા જોવા તતખેવ, ઇંદ્ર આદિક આવિયા દેવ;

વળી આવ્યા વરુણ સાક્ષાત, ભલા ભાવે પૂજ્યા નરભ્રાત. ૩૦

નભે દુંદુભિનો થયો નાદ, થયો પુષ્પ તણો વરસાદ;

જન ઉચ્ચરે જય જયકાર, સૌને આનંદ અંગે અપાર. ૩૧

વાલે નીર નદીનું વખાણ્યું, પ્યારું દેવગંગાથી પ્રમાણ્યું;

કહ્યો શ્રીમુખે અતિ મહિમાય, અન્ય તીર્થ આ તુલ્ય ન થાય. ૩૨

એક ત્રાજવે સુરનદી3 ધરી, બીજામાં ગંગા ઉન્મત ઠરી;

હતી હલકી તે આકાશે ગઈ, ભારે મહિમા તે ભૂતળ રહી. ૩૩

આખા બ્રહ્માંડમાં તીર્થ જેહ, એક ત્રાજવામાં ધરે તેહ;

બીજે ઉન્મત્તગંગા ધરાય, પેલું ત્રાજવું આકાશ જાય. ૩૪

વીરજા નદી ગોલોકમાં છે, મોટો શાસ્ત્ર વિષે મહિમા છે;

તોય આ નદી તુલ્ય ન થાય, એવો આ નદીનો મહિમાય. ૩૫

રહીને શત જોજન દૂર, ધારી ઉન્મત્તગંગાને ઊર;

જળમાં કરે જે જન સ્નાન, થાય પાપનો નાશ નિદાન. ૩૬

જન જો હોય જે મહાપાપી, આવે આ નદી પાસ કદાપી;

ધ્વનિ સુણતાં સહુ પાપ નાસે, જેમ સિંહનાદે મૃગ ત્રાસે. ૩૭

તેમાં પણ પુરુષોત્તમ ઘાટ, આપે અક્ષરધામની વાટ;

જેમાં સંત સાથે ઘણી વાર, કરી મેં જળક્રીડા અપાર. ૩૮

મારા આશ્રિત જે નરનાર, કરે તીર્થ અહીં એક વાર;

નહિ તો મને એમ જણાય, નથી સમજ્યો તે મુજ મહિમાય. ૩૯

કરે જપ તપ દાન આ ઠામે, મનવાંછિત તે ફળ પામે;

આવી શ્રાદ્ધ જે આ સ્થળ કરશે, એના પૂર્વજ નિશ્ચે ઉધરશે. ૪૦

એવો અદ્‌ભુત મહિમા ઉચ્ચાર્યો, સુણી સૌ જને અંતરે ધાર્યો;

ગાજતે વાજતે સજી સ્વારી, પુર માંહિ પધાર્યા મુરારી. ૪૧

નૃપ અભય તણે દરબાર, બેઠા આવીને પ્રાણઆધાર;

સભા શ્રીહરિ પાસે ભરાય, ભક્તિ જ્ઞાનની વારતા થાય. ૪૨

કૃષ્ણજન્મનો ઉત્સવ કીધો, સૌએ લાવ અલૌકિક લીધો;

સમૈયો કરીને શુભ પેર, સંઘ સર્વે ચાલ્યા નિજ ઘેર. ૪૩

ચાલતાં પ્રભુની પાસે જઈ, રજા માગે અતિ નમ્ર થઈ;

ત્યારે પુછે પ્રભુ પ્રશ્ન એમ, કહો ત્યાં દેશ કાળ છે કેમ. ૪૪

ગામમાં સતસંગિને જોઈ, કરે છે ત્યાં ઉપદ્રવ કોઈ;

કે ત્યાં સૌ સુખે ભજન કરે છે, કે ત્યાં કોઈથી દિલમાં ડરે છે. ૪૫

એવાં સાંભળી વેણ વિખ્યાત, કહે પોતપોતા તણી વાત;

પછી વીસળનગરના દાસ, રજા લેવા આવ્યા પ્રભુ પાસ. ૪૬

તેને શ્યામે પુછ્યા સમાચાર, બોલ્યા દિલગીર થઈને તે વાર;

સુબો વીસળનગરનો જેહ, ત્યાંનો વાસી છે નાગર તેહ. ૪૭

રાખે સત્સંગી ઉપર દ્વેષ, દુઃખ દે છે તે સૌને વિશેષ;

ભક્તને નાતબહાર કઢાવે, વળી શિર જુઠાં આળ ચડાવે. ૪૮

ગુના વગર ગણે ગુનેગાર, નાંખે છે બંધીખાના મોઝાર;

એક દિન સતસંગી જે ધાર્યા, સૌને બોલાવી તડકે બેસાર્યા. ૪૯

ઉદેકુંવર સુબા તણી ભગની, તેને લાગી શ્રીજીપદે લગની;

બળદેવ સુબાનો ભાણેજ, સતસંગી થયો હતો એ જ. ૫૦

તેઓ બે દરબારમાં પેઠાં, સતસંગીયોમાં જઈ બેઠાં;

તેને સુબે કહ્યું ઘેર જાઓ, શીદ તડકે રહી દુઃખી થાઓ. ૫૧

ત્યારે તેઓ કહે કેમ જૈયે, અમે પણ સતસંગી જ છૈયે;

જશે સૌ સત્સંગીઓ જ્યારે, ઘેર જાશું અમે પણ ત્યારે. ૫૨

દીધી સૌને રજા રુડી પેર, ગયાં ભાણેજ ભગિનીયે ઘેર;

હરિજનને એવાં દુઃખ દે છે, સગાને નાતબહાર મુકે છે. ૫૩

વળી એમ બોલે છે અદ્યાપિ, સહજાનંદ આવે કદાપિ;

એને પકડી બેડી પહેરાવું, બંધીખાને જરૂર નખાવું. ૫૪

એવી વાત સુણી અવિનાશી, થયા અંતર માંહી ઉદાસી;

કહ્યું ભક્તોને ધીરજ ધરજો, ભાવ રાખી ભજન નિત્ય કરજો. ૫૫

તેથી થાશે જ સારું તમારું, નથી દુઃખ હવે રહેનારું;

એમ કહી કર્યા સૌને વિદાય, રાખી વાત પોતે રુદે માંય. ૫૬

પુષ્પિતાગ્રાવૃત્ત

દુઃખ હરિજનનું દિલે ધરે છે, સુખનિધિ શ્યામ સહાયતા કરે છે;

તદપિ ભજન જે કરે ન ભાવે, નહિ નરજાતિ કુજાતિ તે કહાવે. ૫૭

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

ઉન્મત્તગંગા-માહાત્મ્યવર્ણનનામ ષોડશો વિશ્રામઃ ॥૧૬॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે