કળશ ૭

વિશ્રામ ૧૭

પૂર્વછાયો

બોલતાં ચાલતાં બેસતાં, જગજીવન જમતાં થાળ;

સંભારી દુઃખ સતસંગીનું, રહે ઉદાસી દીનદયાળ. ૧

ચોપાઈ

મોટીબાએ કરાવીયો થાળ, બેઠા જમવાને જનપ્રતિપાળ;

જમતાં પ્રભુને જોયાં જ્યારે, દીઠું વદન ઉદાસી તે વારે. ૨

મુકુંદાનંદવર્ણિની પાસ, પરોક્ષે કરી વાત પ્રકાશ;

મહારાજ ઉદાસ દેખાય, રખે આપણને તજી જાય. ૩

તમે રાખજો તેની તપાસ, રાત દિવસ રહી પ્રભુ પાસ;

સુણી બ્રહ્મચારી સર્વ કાળ, રાખે શ્રીજીની છાની સંભાળ. ૪

શ્રીજી પણ મન માંહી વિચારે, જાવું વીસળનગર અમારે;

જૈને ઐશ્વર્ય એવું દેખાતું, સુબાને મન મોહ પમાડું. ૫

પણ વાત કહું કોઈ પાસ, તો ત્યાં સુબાનો છે બહુ ત્રાસ;

માટે મુજને જવા નહિ દેશે, મળી સૌ જન રોકી રહેશે. ૬

એક અવસરે અરધી જ રાતે, ઉઠી ચાલિયા એકલા જાતે;

બ્રહ્મચારીને ઉંઘ ભરાણી, તેથી તેણે તે વાત ન જાણી. ૭

જોયું જાગીને જ્યાં થોડી વારે, મહારાજ દીઠા નહીં ત્યારે;

પડી પોતાના પેટમાં ફાળ, આંખે આંસુ આવ્યાં તતકાળ. ૮

પુરો કરવા માંડ્યો પસતાવો, થયો હું કેમ ઉંઘણ આવો;

દેશે ઠપકો બધા હરિદાસ, મુખ શું હું દેખાડીશ પાસ. ૯

પછી ઉઠી ગયા ગામ બહાર, કર્યા ચિત્તમાં જાતાં વિચાર;

પ્રભુજી જ્યારે જ્યારે રીસાય, રાધાવાડીને રસ્તે જ જાય. ૧૦

દેશ ગુજરાતમાં જવા માટે, નકી વિચર્યા હશે એ જ વાટે;

એવું ધારી ઉતાવળા ચાલ્યા, શીમાડે જતાં શ્રીજીને ભાળ્યા. ૧૧

પ્રભુએ જોયું પાછળ ધારી, દીઠા આવતા ત્યાં બ્રહ્મચારી;

તેને પુર ભણિ પાછા વળાવા, સામા પથ્થર ફેંક્યા ડરાવા. ૧૨

બ્રહ્મચારી કહે અહો શ્યામ, મને વાગશે જો એહ ઠામ;

તોય પુરમાં તે પાછો ન જાઉં, દેહે ઘાયલ થઈ દુઃખી થાઉં. ૧૩

વળી તમને સેવક મુજ જેવો, નહિ આ દેશમાં મળે એવો;

ત્રિભુવનપતિ બોલિયા ત્યારે, કહો ક્યાં છે જવાનું તમારે. ૧૪

બ્રહ્મચારી કહે અહો નાથ, હું તો આવિશ આપની સાથ;

કદી જુદો ન રહું જગરાયા, જાય કાયા ત્યાં કાયાની છાયા. ૧૫

કહે કૃષ્ણ અમે બહુ ફરશું, પછી વીસળનગર વિચરશું;

કહે વર્ણિ કહું તે વિચારો, ત્યાંનો સુબો છે શત્રુ તમારો. ૧૬

સતસંગીયોને દુઃખ દે છે, વળી કથન તે એવું કહે છે;

સહજાનંદ આવે જો આંહીં, તેને નાંખું બંધીખાના માંહી. ૧૭

માટે ત્યાં તો જરુર ન જાવું, શીદ દેખી પેખી દુઃખી થાવું?

કોણ સર્પને મુખ કર ઘાલે? કોણ વાઘના જૈ કાન ઝાલે? ૧૮

માટે મારું કહ્યું માનો તાત, તજો વીસળનગરની વાત;

કહે કૃષ્ણ આ પીપળો આવે, એનાં પાનડાં કોણ હલાવે. ૧૯

બોલ્યા વર્ણિજી જોડીને હાથ, પત્ર પવન હલાવે છે નાથ;

વળી બોલિયા વિશ્વઆધાર, કોણ પવનને છે પ્રેરનાર. ૨૦

બ્રહ્મચારી કહે કહું કેને, પરમેશ્વર પ્રેરે છે તેને;

કહે શ્રીજી શું જાણો છો અમને, કહે વર્ણિ પ્રભુ જાણું તમને. ૨૧

ત્યારે વર્ણિ ફિકર શિદ રાખો, મારે વશ છે આ સંસાર આખો;

મારી મરજી વિના કોઈ તકે, સુકું પાનવું હાલી ન શકે. ૨૨

સૂર્ય ચંદ્ર આકાશે ફરે છે, ધરણીધર1 ધરણી ધરે છે;

બ્રહ્મા ઘડી ઘડી સૃષ્ટિ વધારે, પાળે વિષ્ણુ ને રુદ્ર2 સંહારે. ૨૩

એ તો સૌ મુજ આગન્યા થકી, એવું જાણો છો જો તમે નકી;

ચિત્તમાંથી ચિંતા બધી ટાળો, જૈએ વીસળનગરમાં ચાલો. ૨૪

પછી સાથે ચાલ્યા બ્રહ્મચારી, મોટો શ્રીજીનો મહિમા વિચારી;

હરિભક્તોનું જ્યાં આવે ગામ, રહે રાતવાસો તેહ ઠામ. ૨૫

ગામ કંથારીએ રુડી પેર, ઉતર્યા એક રજપુત ઘેર;

જમ્યા દિવસે પડી જ્યારે રાત, ભક્તે કહિ ભગવાનને વાત. ૨૬

આંહિ એકલો હું સતસંગી, બીજું ગામ બધું છે કુસંગી;

આંહિ પાદરમાં દેવી જે છે, એની આગળ હિંસા કરે છે. ૨૭

આવે છે દશરાનો દહાડો, મારે છે બકરો અને પાડો;

મારાથી નથી તે તો ખમાતું, આંહિ મુજથી નથી રહેવાતું. ૨૮

કહે શ્રીજી આસો માસ થાય, નોમની અડધી રાત જાય;

તમે દેવીની મૂર્તિ ઉપાડો, બુડે તેટલા જળમાં બુડાડો. ૨૯

લોક પાસે કહો વાત એવી, મને સ્વપ્નામાં કહી ગઈ દેવી;

આંહિ હિંસા મને નથી ગમતી, માટે જ્યાં ત્યાં ફરીશ હું ભમતી. ૩૦

હિંસા બંધ કરે સમ ખાઈ, તો તું મુજને બતાવજે ભાઈ;

હિંસા બંધ કરે નકી જ્યારે, જૈને જળમાં બતાવજે ત્યારે. ૩૧

બોલ્યા ભક્ત સુણો ભગવાન, એ છે સાચો ઉપાય નિદાન;

પણ મૂર્તિ તો મોટી જણાય, કેમ તે મુજથી ઉપડાય. ૩૨

સુણીને બોલ્યા શ્યામળવાન, ધરજો એહ વર્ણિનું ધ્યાન;

તનમાં તેથી જોર જણાશે, મુરતિ સુખથી ઉપડાશે. ૩૩

પછી એ જ ઉપાય ચલાવ્યો, ચાલ હિંસાનો બંધ કરાવ્યો;

એવો હરિ હરિજનનો પ્રતાપ, અન્ય દેવથી મોટો અમાપ. ૩૪

પ્રભુ ત્યાંથી વિદાય તે થયા, થોડા દિવસે વિજાપર ગયા;

સારી સત્સંગી ત્યાં વજીબાઈ, સતવારાની નાતે ગણાઈ. ૩૫

કેવી રીતે થઈ હરિદાસ, હવે એનો કહું ઇતિહાસ;

જ્યારે માર્ગીના પંથમાં હતી, ઘણા વેરાગીયોને સેવતી. ૩૬

આવે ગામમાં વેરાગી જ્યારે, તેને પોતાને ઘેર ઉતારે;

ગાંજા ભાગ્ય આપે ખાનપાન, જાણે ભેખ જ તે ભગવાન. ૩૭

સાધુ ફેલ ગમે તેમ કરે, તેનો અવગુણ મનમાં ન ધરે;

રામદાસભાઈ એક વાર, તે તો જૈ ચડ્યા તેને અગાર. ૩૮

ભેખ જાણી કર્યું સનમાન, વાતો સાંભળી થૈ સાવધાન;

તેને રાખ્યા દિવસ દશબાર, સત્યાસત્યનો ઉપજ્યો વિચાર. ૩૯

તેનો સ્વામી તથા વજીબાઈ, સતસંગી થયાં હરખાઈ;

થયો શ્રીજીમાં સ્નેહ અનન્ય, મતપંથ ગમે નહિ અન્ય. ૪૦

ઘેર આવે વેરાગી જો કોઈ, તિરસ્કાર કરે તેને જોઈ;

ગાંજો ભાંગ્ય કે આટો ન આપે, કહે ક્યાંથી આ આવ્યું છે પાપે. ૪૧

બ્રહ્મચારી સહિત ભગવાન, વિજાપુરમાં ગયા ગુણવાન;

કોઈ માણસને પુછ્યું હરિએ, અમે ક્યાં જઈ ઉતારો કરીએ. ૪૨

કોઈ છે ગામમાં જન એવા, કરે સ્નેહથી સાધુની સેવા;

ત્યારે તે બોલિયો નીચું જોઈ, નથી આ ગામમાં એવું કોઈ. ૪૩

વજીબાઈ હતી ભક્ત સારી, સાધુઓની સેવા કરનારી;

તે તો બગડી ગઈ છે ઘણેરી, થઈ સ્વામિનારાયણ કેરી. ૪૪

તમે જો તેહને ઘેર જાશો, સુખ પામો નહીં દુઃખી થાશો;

ઘેર ઉતરવા નહિ દેશે, આંહીંથી જાઓ જાઓ કહેશે. ૪૫

પછી શ્રીહરિ તો તેને ઘેર, જૈને બોલ્યા વચન શુભ પેર;

તીર્થવાસી છૈએ અમે માત, રહીએ કહો તો આંહીં રાત. ૪૬

કહે બાઈ બીજે ક્યાંઈ જાઓ, ગામમાં ભીખ માગીને ખાઓ;

તમ જેવા તો ઢોંગી ધુતારા, બહુ આવે ઉદર ભરનારા. ૪૭

ખાવા ન મળ્યું તેથી થયા બાવા, માલ પારકો માગીને ખાવા;

ખાઈ પીને શરીર વધાર્યું, તે શું આત્માનું કામ સુધાર્યું. ૪૮

થયા છો તમે તીરથવાસી, તેથી નહિ મટે લાખચોરાશી;

ઇચ્છો કલ્યાણ જો એહ દેહે, ભજો સ્વામિનારાયણ સ્નેહે. ૪૯

કહે શ્રીજી સુણો ચિત લાવી, ભોળી છે તને કેણે ભમાવી;

આજ સ્વામિનારાયણ જે છે, પ્રભુ તો નથી પાખંડી તે છે. ૫૦

એણે સાધ્યો છે બાબરો ભૂત, તેથી દેખાડે છે અદભૂત;

એની કોઈ પ્રસાદિ જે ખાય, જન તે તો ગાંડા થઈ જાય. ૫૧

વજીબાઈ કહે સુણ બાવા, જુઠા શબ્દ શું બોલે છે આવા;

જાણો સ્વામિનારાયણ જે છે, કોટિ બ્રહ્માંડકારણ તે છે. ૫૨

ધર્મ સ્થાપવા નરતનુ ધારી, ઘણાં ઉદ્ધારિયાં નરનારી;

એને અજ હર ઇંદ્ર આરાધે, એને પામવા સાધન સાધે. ૫૩

શેષ શારદ વેદ વખાણે, જડબુદ્ધિ જનો નહિ જાણે;

બોલ્યા શ્રીજી કહે સહુ કોય, કળિજુગમાં પ્રભુ નવ હોય. ૫૪

કાશી સુધીના શાસ્ત્રી તેડાવું, સભા ભભકાથી ભારે ભરાવું;

નકી નિર્ણય તે સહુ કરે, પ્રભુ સ્વામિનારાયણ ઠરે. ૫૫

કહે બાઈ જો વાત તપાસી, ઋષિયો જમુનાતટ વાસી;

શાસ્ત્ર અભ્યાસ કીધેલો એણે, કૃષ્ણને નવ ઓળખ્યા તેણે. ૫૬

ત્યારે આજના શાસ્ત્રી બિચારા, પ્રભુનિર્ણય શો કરનારા?

પશુ પાળનારે પ્રભુ જાણ્યા, અને બ્રહ્મા પોતે ભરમાણા. ૫૭

ચાલે બુદ્ધિનું બળ ન લગાર, કૃપા કૃષ્ણની હોય અપાર;

પૂર્વનો હોય શુભ સંસ્કાર, ઓળખાય પ્રભુ અવતાર. ૫૮

કહે શ્રીજી બધી વાત ખોટી, ભ્રમણા તારા ચિત્તમાં ચોટી;

બોલી બાઈ તું જાને લંગોટા, ખોટો તું ને તારા ગુરુ ખોટા. ૫૯

અમે સ્વામિનારાયણ ભજીયે, માથું જાય તથાપિ ન તજીયે;

ભવ બ્રહ્મા જેવા કદી આવે, કેનો ભાર જે અમને ભમાવે. ૬૦

કંથ3 આવ્યો વજીબાઈ કેરો, તેણે પણ ડર દીધો ઘણેરો;

કહ્યું જાઓ બાવા અહિંયાંથી, ત્યારે બોલ્યા પ્રભુ મુખમાંથી. ૬૧

અમે કાંઈ હવે ન કહેશું, પણ ઓશરીમાં પડી રહેશું;

કાંઈ માગશું નહિ તમ પાસે, નથી આવ્યા અમે કાંઈ આશે. ૬૨

લૈને લાકડી મારશો તમે, તોય આંહિથી નહિ જૈયે અમે;

ત્યારે બોલ્યાં વજીબાઈ નારી, પડી રહો ન આપું પથારી. ૬૩

પીતાં ચલમ કે બીડી દેખીશ, લબાચો તારો દુર ફેંકીશ;

સતસંગી તણા ઘરમાંય, નહીં બીડી કે ચલમ પીવાય. ૬૪

પછી તે સૂતા પાથરી વસ્ત્ર, ભૂમી ખુંચી ખુંચે જેમ શસ્ત્ર;

કહે શ્રીહરિ દુઃખે છે અંગ, બાઈ આપને એક પલંગ. ૬૫

કહે બાઈ તે આપું હું ક્યાંથી, આપું દેખાડ્ય તો ઘરમાંથી;

કહે શ્રીજી બીજો ઓરડો છે, આપો તેમાં પલંગ પડ્યો છે. ૬૬

સુણી અચરજ પામી અપાર, કાઢી આપ્યો પલંગ તે વાર;

ત્યારે લાગ્યા પ્રભુ કરગરવા, આપો ગોદડું એક પાથરવા. ૬૭

કહે બાઈ ક્યાંથી આવ્યું પાપ, આ તો અમને નડે છે અમાપ;

કહેતો હતો કાંઈ નથી લેવું, હવે ગોદડું માગે છે કેવું. ૬૮

ગોદડાં પાથર્યાં છે અત્યારે, હવે તો નથી એકે વધારે;

કહે હરિ થોકડી છે ઉથાપો,4 નવું ગોદડું એમાંથી આપો. ૬૯

વજીબા સુણી વિચાર એમ, બાવો આ દેખતો હશે કેમ;

કાંઈ અચરજ દીસે છે છાનું, પણ હું કોઈને નવ માનું. ૭૦

આપ્યાં બે ગોદડાં શ્રીહરિને, સુતી બારણાં બંધ કરીને;

ઓટા ઉપર ઢાળી પલંગ, પોઢ્યા સુંદરશ્યામ શ્રીરંગ. ૭૧

ગઈ અરધીક જામની જ્યારે, જોયું બાઇયે દ્વારથી ત્યારે;

ત્યાં તો શ્રીજીએ ચરણ વધાર્યાં, પીંપળાડાળ સુધી પસાર્યાં. ૭૨

વજીબા વિચારે મન માંઈ, આમાં કારણ દીસે છે કાંઈ;

પણ શ્રીજી વિના માનું અન્ય, તો હું સત્સંગી શેની અનન્ય. ૭૩

ઉપજાતિ (અનન્ય ભક્ત વિષે)

અનન્ય હું શ્રીહરિની જ એક, બીજા તણો ભાર ગણું ન છેક;

કદી ચમત્કાર ઘણા બતાવે, તથાપિ મારા મનમાં ન આવે. ૭૪

જો કોઈ વૈરાટ સ્વરૂપધારી, ભૂલાવવાને મનવૃત્તિ મારી;

માયા રચે જો મુજ પાસ મોટી, તથાપિ હું જાણું ખચીત ખોટી. ૭૫

આકાશમાં જો અતિ ઉડી જાય, તે સૂર્યમાં કે શશીમાં સમાય;

હું ભાર એનો ઉરમાં ન આણું, માયા તણો તેહ ગુલામ જાણું. ૭૬

શ્રીસ્વામિનારાયણ એક સાચા, બીજા બધા જોગિ જરૂર કાચા;

સિદ્ધાઈ પોતે શતધા5 બતાવે, એનો મને ભાર જરી ન આવે. ૭૭

કરે કદી પાવકમાં6 પ્રવેશ, કે વારિધીમાં7 વિચરે વિશેષ;

કહે પરાયા મન કેરિ વાત, તથાપિ જાણું તુચ્છ જીવજાત. ૭૮

ભ્રમાવવા જોગી ઘણા ભમે છે, ભોળા જનોના મનમાં ગમે છે;

મેં તો ધરી અંતર એવી ટેક, શ્રીજી વિના અન્ય અસત્ય છેક. ૭૯

શ્રીજી તણો નિશ્ચય નોય જેને, બીજા તણો ભાર જણાય તેને;

સિદ્ધાઈ સાચો સતસંગી દેખે, પાખંડિ પુરો ઠગ એમ લેખે. ૮૦

મહેશ કે શેષ સુરેશ રાય, મને ભમાવા જ કરે ઉપાય;

તથાપિ હું અંતરમાં ન આણું, શ્રીસ્વામિનારાયણ સત્ય જાણું. ૮૧

ચોપાઈ

એવો ચિત્તમાં કરીને વિચાર, સુતી જઈને તે સજ્યા મોઝાર;

પછી જ્યાં થયો પ્રાતસકાળ, ચાલ્યા ત્યાં થકી દીનદયાળ. ૮૨

પુષ્પિતાગ્રાવૃત્ત

દૃઢ મન હરિમાં જ હેત જેને, તિલભર અન્ય તણી ન ભાર તેને;

કદિ અતિ વિદવાન હોય કોય, વિમુખ વિલોકિ મનાય મૂર્ખ તોય. ૮૩

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

વજીબાખ્યાન-કથનનામ સપ્તદશો વિશ્રામઃ ॥૧૭॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે