કળશ ૭

વિશ્રામ ૧૮

પૂર્વછાયો

વાત વિશેષ તે બાઇની, કહું સાંભળો હે નરરાજ;

કોઈ સમે ગઈ બાઈ તે, મહારાજનાં દર્શન કાજ. ૧

ચોપાઈ

પછી કોઈ સમે તેહ બાઈ, ગઈ ગઢપુરમાં હરખાઈ;

ભારે ભીડ સમૈયાની હતી, તેથી દુર ઉભી રહી સતી. ૨

જોઈ શ્રીજીએ તેહને જ્યારે, એને આવવા દ્યો કહ્યું ત્યારે;

પાસે જૈને તે બાઈએ પ્રીતે, પૂજ્યાં ચરણકમળ રુડી રીતે. ૩

બોલ્યા મર્મવચન મહારાય, પીંપળે અડ્યા તે એહ પાય;

સુણી વાત સરવ યાદ આવી, નીચું જોયું શરમ મન લાવી. ૪

મોટીબાએ કહ્યું મહારાજ, કહો કારણ ગરીબનિવાજ;

ત્યારે શ્રીમુખથી સાક્ષાત, કહી વિસ્તારીને સર્વ વાત. ૫

પાકા હરિજનની કેવી ટેક, ન ભમાય ભમાવે અનેક;

બ્રહ્માદિકના ભુલાવ્યા ન ભૂલે, દૃઢ નિશ્ચય દિલથી ન ડૂલે. ૬

એવી ભક્ત આ બાઈ અનન્ય, તેનાં માતપિતાને છે ધન્ય;

એમ શ્રીમુખે વાત વખાણી, તે તો સત્સંગી સર્વેએ જાણી. ૭

હવે ચાલતી તે કહું વાત, સુણો ભૂ૫ અભેસિંહ ભ્રાત;

વિજાપુરથી પ્રભુજી વિચરીયા, જઈ વીસળનગરમાં ઠરીયા. ૮

હતા ચોમાસાના દિન તેહ, થાય ઝરમર ઝરમર મેહ;

જોઈ પ્રગટ પ્રભુનો પ્રતાપ, લોક બોલે માંહોમાંહી આપ. ૯

હરિભક્તનાં કષ્ટ હઠાવા, આ તો સ્વામિનારાયણ આવ્યા;

રહ્યા ઉદયકુંવરબાઈ ઘેર, પ્રભુ ત્યાં જ જમ્યા રુડી પેર. ૧૦

તેહ બાઈનો સુત બળદેવ, પ્રભુ તેને કહે તતખેવ;

જાઓ જ્યાં હોય મામો તમારો, મુજ આવ્યાની વાત ઉચ્ચારો. ૧૧

વળી તે સુબાને કહો તમે, તહાં આવીએ મળવાને અમે;

અથવા સુબો આંહીં પધારે, મળવાની છે ઇચ્છા અમારે. ૧૨

બળદેવ કહે મહારાજ, સુબાને મળવાનું શું કાજ;

તે તો રાખે છે તમ સંગે વેર, ઝાઝું સત્સંગ ઉપર ઝેર. ૧૩

કરે તમને તે પકડીને કેદ, એથી અમને તો ઉપજે ખેદ;

એવું સુણિને બોલ્યા બળવાન, સુબો છે જીવ કે ભગવાન. ૧૪

બળદેવ કહે છે રમેશ,1 તે છે જીવ તમે પરમેશ;

ત્યારે બોલિયા ત્રિભુવનરાય, ધાર્યું જીવનું તો વ્યર્થ જાય. ૧૫

ઇચ્છા ઈશ્વરી બળવતી જાણો, ચિંતા તો તમે ચિતમાં ન આણો;

મારી આજ્ઞા સુણીને સિધાવો, સુબાને તમે જૈને સુણાવો. ૧૬

એવું સાંભળીને બળદેવ, સુબા પાસે ગયો તતખેવ;

કહ્યું સ્વામિનારાયણ આવ્યા, તેણે મળવાને તમને બોલાવ્યા. ૧૭

તમે જો કહો તો આંહીં આવે, કહો તમને જેવી રિતે ફાવે;

સુબે પુછ્યું ધરી ક્રોધ અંગે, કેટલા જન છે તેને સંગે. ૧૮

ત્યારે ત્યાં બળદેવ કહે છે, બ્રહ્મચારી અને એક એ છે;

હતો આરબનો જમાદાર, સુબે તેને કહ્યું તેહ વાર. ૧૯

સહજાનંદ પાસે સિધાવો, તેને પકડીને બાંધીને લાવો;

ત્રીશ આરબ રાખજો સાથે, સારાં હથિયાર રાખજો હાથ. ૨૦

જાણ્યા આરબ આવતા જ્યારે, કરિ યુક્તિ કૃપાનાથે ત્યારે;

બ્રહ્મચારીને પાસે બોલાવી, તેને અંગે વિભૂતિ2 ચોળાવી. ૨૧

બેસાર્યા વીર આસન વાળી, આપી હાથમાં સોટી રુપાળી;

કહ્યું જ્યારે બતાવું હું જેને, સોટી સનમુખ ધારજો તેને. ૨૨

એવામાં તો જમાદાર આવ્યો, તેણે હુકમ સુબાનો સુણાવ્યો;

બાંધો પકડો એવું બોલ્યો જ્યારે, સમશા3 કરી વર્ણિને ત્યારે. ૨૩

સીટી સન્મુખ ધારી જે વાર, સમાધિમાં પડ્યો જમાદાર;

દીઠો અકળીત તેજ અંબાર, દીઠા શ્રીહરિ તેજ મોઝાર. ૨૪

બ્રહ્મચારીને શ્રીભગવાને, સમજાવ્યા વળી કાંઈ સાને;

બીજું અગ્ર સોટીનું બતાવ્યું, જમાદાર જાગ્યો ભાન આવ્યું. ૨૫

બોલ્યો વિનયવચન અનેક, આપો આપ ખુદા તમે એક;

અણસમજે બોલ્યો જે હું આજ, ગુનો માફ કરો મહારાજ. ૨૬

એમ કહીને ગયો સુબા પાસ, કરી વાત ત્યાં સર્વ પ્રકાશ;

કહ્યું એ છે ખુદા અવતાર, એને કોઈ નહીં જીતનાર. ૨૭

શત્રુ સામો હું લડવાને જાઊં, સહજાનંદ સામો ન થાઊં;

ભલું ઇચ્છો જો આપનું આપ, પગે લાગો તેને તજી પાપ. ૨૮

એવી વાત કરે છે જે કાળ, આવ્યા વર્ણિ સહિત વૃષલાલ;

જોઈ વર્ણિનો સંન્યાસી વેષ, ઉર ઉપજ્યો ભાવ અશેષ.4 ૨૯

ઉભા થૈ કર્યો પ્રેમે પ્રણામ આપ્યું આસન બેઠા તે ઠામ;

શ્રીજીને તેના સોબતી જાણી, દીધું માન મીઠી કહી વાણી. ૩૦

સુબાને કહે શ્રીઘનશ્યામ, લાલદાસ છે આપનું નામ;

તમે દેસાઈકુળ કહેવાઓ, સુબાપદથી સારા વખણાઓ. ૩૧

વળી વિસલનગરા છો નાતે, જશ મેળવ્યો છે તમે જાતે;

અમ ઉપર રાખો છો દ્વેષ, તે તો તમને ઘટે નહીં લેશ. ૩૨

ભાગવત ને ગીતા તો સંભાળો, સંત ઉપરથી દ્વેષ ટાળો;

સંતજનનો જે દ્વેષ કરે છે, જમપુરમાં તે બહુ દુઃખ લે છે. ૩૩

લાલદાસ બોલ્યો તે ઠામ, શાસ્ત્ર કલ્પિત તે છે તમામ;

જમપુરની તો વાત અસત્ય, જોઊં નજરે તો જાણે હું સત્ય. ૩૪

ત્યારે શ્રીજીએ દૃષ્ટિ ઠરાવી, તેને સદ્ય સમાધિ કરાવી;

જમપુરમાં ગયો જેહ વાર, જમ મારવા ધાયા અપાર. ૩૫

જમ સુક્ષમ દેહને તાડે,5 સ્થૂળ દેહ પડ્યો બુમ પાડે;

દીનબંધુને દિલ દયા આવી, તેથી તરત સમાધિ તજાવી. ૩૬

ત્રાસે થરથર ધ્રુજે શરીર, નેણમાંથી વહ્યાં જાય નીર;

પ્રભુપદને નમ્યો પ્રેમ આણી, બોલ્યો ગદગદ કંઠેથી વાણી. ૩૭

કૃપાનાથ જગત કરતાર, તમે અમિત6 બ્રહ્માંડ આધાર;

કર્યો અજ્ઞાનતાથી મેં દ્વેષ, હવે સંશય નવ રહ્યો લેશ. ૩૮

મારા ઉપર ઉર દયા આણો, મને આપનો આશ્રિત જાણો;

એમ કહિને થયો સતસંગી, કરી ભક્તિ ભલી નવ અંગી. ૩૯

પધરાવ્યા પોતા તણે ઘેર, પ્રેમે પૂજા કરી રુડી પેર;

વસ્ત્ર ભૂષણ ભારે ધરાવી, ધર્યો થાળ રુપૈયાનો લાવી. ૪૦

જમાડ્યા વિપ્ર ચોરાશી નાત, સતસંગી જમ્યા ભલી ભાત;

હતા સત્સંગી જુદા પડાવ્યા, નાતમાં સર્વેને લેવરાવ્યા. ૪૧

થઈ પધરામણી ઘણે ઘેર, જેજેકાર કર્યો એવી પેર;

પ્રભુ ત્યાંથી કરીને પ્રયાણ, વર્ણિ સહિત ગયા વઢવાણ. ૪૨

ભાળ્યું ભોગાવામાં પૂર ભારે, રાખ્યા વર્ણિને એ જ કિનારે;

પોતે તો કર્યો જળમાં પ્રવેશ, વાર્યા વર્ણિયે માન્યું ન લેશ. ૪૩

એક દેરીમાં વર્ણિ તો રહ્યા, પ્રભુ તો પૂર ઉતરી ગયા;

ધોળીપોળે પેઠા ધર્મનંદ, ચાલ્યા ચૌટામાં વૃષકુળચંદ. ૪૪

કારભારી તો ભાણજી મેતા, વડનગરા તે નાગર હતા;

તેના ઘરની પાસે ગયા જ્યારે, ભાવ્યા ભાણજી મેતાએ ત્યારે. ૪૫

પેખી પરમપુરુષ તે પ્રતાપી, ઘેર ઉતરવા જગ્યા આપી;

પછી પુછ્યા જ્યારે સમાચાર, ત્યારે બોલિયા ધર્મકુમાર. ૪૬

અમે વીસળનગરથી આવ્યા, ગુરુજી અમને તેડી લાવ્યા;

નદીમાં નીર પેખી અપાર, ગુરુ તો અટક્યા પેલે પાર. ૪૭

પૂર ઉતરી આવિયા અમે, હવે કામ કરો એક તમે;

સામે તીર ત્રાપો મોકલાવો, ગુરુને ગામ માંહી તેડાવો. ૪૮

સૌને અચરજ ઉપજ્યું ઉર, કેમ ઉતર્યા આ નદી પૂર;

તારા7 ત્રાપો લઈ મોકલાવ્યા, બ્રહ્મચારીને ગામમાં લાવ્યા. ૪૯

કારભારી પૂછે તતખેવ, તમે આ મુનિના ગુરુદેવ;

બ્રહ્મચારી કહે હું છું શિષ્ય, એ છે જગતગુરુ જગદીશ. ૫૦

ધર્મ સ્થાપવા ધરણી મોઝાર, એણે લીધો મનુષ્ય અવતાર;

એવો સાંભળીને મહિમાય, સર્વે શ્રીહરિને નમ્યા પાય. ૫૧

થઈ ત્યાં તો રસોઈ તૈયાર, બેઠા જમવાને જગતઆધાર;

જમતા જોઈને ગિરધારી, બોલી તે કારભારીની નારી. ૫૨

જમતા જોયા કચ્છ ભુજ માંય, ગંગારામજી મલ્લને ત્યાંય;

એ જ આ મહારાજ દિસે છે, અતિ સમરથ ઈશ્વર એ છે. ૫૩

જમીને જવાની રજા માગી, કારભારી બોલ્યા પગે લાગી;

મારું ઘર કરવાને પવિત્ર, રહો પાંચ દિવસ પ્રભુ અત્ર. ૫૪

સુણી બોલિયા શ્રીઘનશ્યામ, જવું છે સદ્ય ભોંયરા ગામ;

નાજો જોગીયો ભક્ત અમારો, તેને રાજાએ દીધો છે ડારો. ૫૫

માટે ત્યાં ગયા વગર ન ચાલે, જઈ પહોંચવું આવતી કાલે;

એમ કહી નાજાભક્તને કાજ, ત્યાંથી તરત ચાલ્યા મહારાજ. ૫૬

પૂર્વછાયો

સુણી બોલ્યા અભેસિંહજી, નાજા ભક્તનું કહો આખ્યાન;

કેમ થયા સતસંગી તે, કહો શું પડ્યું કષ્ટ નિદાન? ૫૭

ચોપાઈ

ત્યારે બોલિયા તે બ્રહ્મચારી, ધન્ય ધન્ય છે શ્રદ્ધા તમારી;

ભક્તનાં સુણતાં આખ્યાન, થાય પાવન મન અને કાન. ૫૮

નાજોભક્ત મહામુક્ત જેહ, ધર્યો કાઠીના કુળ વિષે દેહ;

રામો જોગીયો પણ તેનો ભાઈ, વસે લાખણકા ગામમાંઈ. ૫૯

તેને સદગુરુનો થયો સંગ, ચડ્યો ચિત્તમાં સતસંગરંગ;

બીજા કાઠી ગોવાળિયા સાખે, તે તો શ્રીજી સાથે વેર રાખે. ૬૦

આવ્યા શ્રીહરિ ત્યાં એક વાર, નાજે ભક્તે સેવા સજી સાર;

દ્વેષી દાઝિ મુવા દિલમાંઈ, પણ બોલી શક્યા નહીં કાંઈ. ૬૧

સવારે ઉઠી સારંગપાણી, હરિકૃષ્ણ ગયા કારીયાણી;

વળી કોઈ દિવસ સંત બેય, આવ્યા લાખણકા માંહી તેય. ૬૨

નાજોભક્ત તથા તેનો ભાઈ, ગયેલા હતા તે સીમમાંઈ;

ભાવ ડોશીને અંતરે આવ્યો, સાધુઓને ઉતારો અપાવ્યો. ૬૩

સંત કાજે રસોઈ રંધાણી, તે તો વાત ગોવાળીએ જાણી;

દસબાર મળી જન આવ્યા, સાધુ બેયને કાઢી મુકાવ્યા. ૬૪

ડોશીયે ઘણી આજીજી કીધી, રસોઈ તોય જમવા ન દીધી;

ઘેર આવિયા બે ભાઈ જ્યારે, સુણી વાત ચડી રીસ ત્યારે. ૬૫

બેય ભાઈએ કીધો વિચાર, વેર વાળવું આ કોઈ વાર;

સંત માટે તો મુકીએ ગામ, સંત માટે તો તજીયે ભામ.8 ૬૬

આવું સાંખીયે જો અપમાન, શેના આપણે ક્ષત્રીસંતાન;

તે તો ક્ષત્રી તણો નહીં ધર્મ, જુવો મન ધરી ગીતાનું મર્મ. ૬૭

પછી એક સમે ખળામાંય, હતો લાખો ગોવાળીયો ત્યાંય;

તેને ચેતાવીને બેય ભાઈ, ગયા કરવા તે સાથે લડાઈ. ૬૮

મલ્લજુદ્ધ કરી માર માર્યો, લાખો ગોવાળીયો તેથી હાર્યો;

ગયા ભાઈ બે તે તજી ગામ, રહેવાને ફર્યા બહુ ઠામ. ૬૯

પણ કોઈએ રાખ્યા ન ક્યાંઈ, ગયા તે ભડલી ગામ માંઈ;

ભાણ ખાચરે આશ્રય આપ્યો, વાસ ડોશી સહિત ત્યાં થાપ્યો. ૭૦

એક દિન હરિએ કરી દયા, નાજા જોગીયાને ઘેર ગયા;

વિપ્ર પાસે કરાવિયો થાળ, જમ્યા જીવન જનપ્રતિપાળ. ૭૧

પડે ગ્રીષમનો બહુ તાપ, તેથી બોલીયા શ્રીહરિ આપ;

ઠંડી જગ્યામાં પાદર જૈએ, પામી શીતળતા સુખી થૈએ. ૭૨

ગયા પાદર સૌ જન સંગે, દીઠો લીંબડો ત્યાં લીલે રંગે;

નાજા જોગીયાના ખોળામાંય, સૂતા શિર ધરી શ્રીહરિ ત્યાંય. ૭૩

ભાણ ખાચર પણ તેહ વાર, આવ્યા દર્શન કાજ તે ઠાર;

તેને જોઈને શ્રીજગદીશે, મુખ અંચળે9 ઢાંક્યું મુનીશે. ૭૪

વળી મુખ ઉઘાડી જોયું જ્યારે, કરી દર્શન તે ગયા ત્યારે;

નાજાભક્તે પુછ્યું પછી એમ, નેત્ર ઢાંક્યાં ઉઘાડીયાં કેમ? ૭૫

સુણિ બોલિયા શ્રીભગવાન, ભાણ લૂટે છે વિપ્ર ને જાન;

એવું કર્મ જ્યાં એનું સંભાર્યું, આંખો ઉપર અંચળ ધાર્યું. ૭૬

નિષકામીપણું એનું સત્ય, જ્યારે સાંભરી આવ્યું અત્યંત;

જોયા જોગ્ય એનું મુખ જાણી, લીધું આંખેથી અંચળ તાણી. ૭૭

ઉપજાતિ (નિષ્કામીપણા વિષે)

નિષ્કામી પૂરો જન જેહ હોય, ન થાય તે તુલ્ય તપસ્વિ કોય;

શાસ્ત્ર કહ્યાં છે વ્રત તો અનેક, નિષ્કામતા ઉત્તમ સત્ય એક. ૭૮

બ્રહ્માજિ ભૂલ્યા વળિ ઇંદ્ર ચંદ્ર, પરાશરે ભૂલિ પડ્યા મુનીંદ્ર;

આ કાળમાં જે નિષકામિ જાણું, વિશેષ તેના મુખને વખાણું. ૭૯

ભલે કરે જો વ્રત દાન યજ્ઞ, સર્વ પ્રકારે જન હોય સુજ્ઞ;

તથાપિ નિષ્કામપણું ન જેને, તો હું ગણું છું અતિ તુચ્છ તેને. ૮૦

પરસ્ત્રિને પાપ વડે ન પેખે, પેખાઈ તે માત સમાન લેખે;

તે તુલ્ય બીજો નહિ પુણ્યશાળી, રાજી થઉં છું મુખ તેનું ભાળી. ૮૧

પૂજા કરી શ્રેષ્ઠ પદાર્થ અર્પે, કે આપીને ભોજન પાન તર્પે;

સંતોષ હું તેથિ કદી ન પામું, જોવા ન ઇચ્છું જન જાર10 સામું. ૮૨

નિષ્કામિ જેવો ન પવિત્ર અન્ય, નિષ્કામિ જાણું જન ધન્ય ધન્ય;

ભક્તિ કરે ને શિલભ્રષ્ટ11 હોય, પામે નહીં અક્ષરધામ સોય. ૮૩

ભલે ધર્યા હોય અનેક ધર્મ, ભલે કર્યાં હોય ઘણાં સુકર્મ;

દારુ બની જાય જ દેવતાથી, સુકર્મ સર્વે વ્યભિચારતાથી. ૮૪

સત્સંગનું ભૂષણ બ્રહ્મચર્ય, પરસ્ત્રિનો ત્યાગ વ્રતાદિવર્ય;12

સર્વે ગુણોથી ગુણ શ્રેષ્ઠ એ છે, શાસ્ત્રો તથા સૌ ઋષિયો કહે છે. ૮૫

ચોપાઈ

ભાણ ખાચર છે નિષકામી, માટે દૃષ્ટિ કરી તેહ સામી;

એમ શીલની શ્રેષ્ઠતા કીધી, નાજે જોગીએ સાંભળી લીધી. ૮૬

એમ ભડલી વિષે ભગવાન, દીધાં દાસને દર્શનદાન;

એક બે દિન ત્યાં સ્થિર રહ્યા, પછી ગિરિધર ગઢપુર ગયા. ૮૭

પુષ્પિતાગ્રાવૃત્ત

ફરિ ફરિ હરિ અન્ય ગામ ગામ, ગઢપુર માંહિ વસે જ ધારી ધામ;

નહિ ગઢપુર તુલ્ય અન્ય કોઈ, સુર મુનિ મુક્ત કરે વખાણ જોઈ. ૮૮

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિવીસલનગર-ગમનનામ અષ્ટાદશો વિશ્રામઃ ॥૧૮॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે