કળશ ૭

વિશ્રામ ૧૯

પૂર્વછાયો

દ્વેષ ન મૂકે દ્વેષિયો, જન જો દૂર વસવા જાય;

અતિ સંકટ ઉપજાવવા, વળી ત્યાં પણ તતપર થાય. ૧

ચોપાઈ

નાજા ભક્તને ગોવાળિયે, ઉપજાવ્યો વળી ત્રાસ ત્યાંયે;

ત્યારે ભડલી તણો તજી વાસ, ગયા વાસુર ખાચર પાસ. ૨

એ તો ભોંયરા ગામનો ભૂપ, જાણ્યું ત્યાં સુખ મળશે અનૂપ;

નાજે ભક્તે કહી તેને વાત, પ્રગટ્યા છે પ્રભુ સાક્ષાત. ૩

તેનું સ્વામિનારાયણ નામ, ભજો તેને તો પુરશે કામ;

કહે રાજા તે સાંપ્રત1 ક્યાં છે? કહ્યું વીસળનગર ગયા છે. ૪

કહે ભૂપ પ્રભુ જે કહાવે, તે તો સંભારે ભક્ત ત્યાં આવે;

દ્રુપદીને સંકટ પડ્યું જ્યારે, પૂર્યાં વસ્ત્ર તરત આવી ત્યારે. ૫

મેતા નરસિંહને આપ્યો હાર, રોક્યો મંડળિકે2 જેહ વાર;

તારો સ્વામી હશે ભગવાન, દેશે કાલ્ય તે દર્શનદાન. ૬

તેની પાસે હું કલ્યાણ માગું, નહીં તો તારા ઢીંચણ ભાંગું;

એમ કહિને દીધો બહુ ડારો, કહ્યું નક્કિ ઢીંચણ ભાંગનારો. ૭

નાજો ભક્ત કહે સુણો રાય, તે તો ગામ ઘણે દુર થાય;

એક દિનમાં તે કેમ અવાય, કોણ ત્યાં સુધિ કહેવાને જાય. ૮

સુણી બોલ્યો પ્રજા તણો સ્વામી, પ્રભુ તો હોય અંતરજામી;

કદી હોય વૈકુંઠ મઝાર, એને આવતાં લાગે ન વાર. ૯

નાજો ભક્ત કહે મારે મુખ, નહિ માગું જે ભાંગો આ દુઃખ;

સાચા ભક્ત હરિના જે હોય, માગે દૈહિક સુખ નહિ કોય. ૧૦

કામાદિક થકી રક્ષણ માગે, માગે પ્રભુપદમાં પ્રિત લાગે;

પંડ મોડો વેલો પડનાર, તેનાં દુઃખ સુખથી શું થનાર? ૧૧

નિધિમાં નાવ બૂડવા લાગે, સાચો ભક્ત ઉગરવા ન માગે;

પ્રભુ પાસે જે કામ કરાવે, સાચો દાસ તે કેમ કહાવે? ૧૨

સુણી અધિપતિ એમ ઉચરે, મારો હુકમ તો પાછો ન ફરે;

કાલ સ્વામીને જો ન દેખીશ, તારા ઢીંચણ હું જ ભાંગીશ. ૧૩

એમ કરતાં તો ત્યાં પડી રાત, હવે શ્રીહરિની કહું વાત;

સાથે ઘોડું ને ભોમિયો લૈને, ચાલ્યા વઢવાણથી સજ્જ થૈને. ૧૪

રાતોરાત ચાલ્યા ચોંપ3 લાવી, નદી ગોમા ને ભાદર આવી;

અતિશે એમાં આવેલું નીર, તેથી ઉભા રહ્યા તેને તીર. ૧૫

વરણીને કહે નરવીર, તમે પણ રહો આ નદીતીર;

જ્યારે ઉતરે પૂર તમામ, રહેજો જઈ ભાદરે ગામ. ૧૬

અમે તો દિવ્યદેહ ધરીને, જશું આ નદીયો ઉતરીને;

એમ કહી સદ્ય શ્રીજી સિધાવ્યા, ભાનુ ઉગતાં ભોંયરે આવ્યા. ૧૭

મળ્યો પાદર ચારણ કોઈ, ત્યારે કૃષ્ણે કહ્યું તેને જોઈ;

જઇને વાસુર ખાચર પાસ, કરો એટલી વાત પ્રકાશ. ૧૮

નાજા જોગિયાના ભગવાન, દેવા આવ્યા છે દર્શનદાન;

પછી ચારણ તે તહાં ગયો, સમાચાર નરેશને કહ્યો. ૧૯

સુણી અચરજ પામિયા સહુ, ક્યાંથી આવ્યા હતા દુર બહુ?

પ્રભુજી નાજા ભક્તને ઘેર, ઉતર્યા જઈને રુડી પેર. ૨૦

નાજા ભક્તે કહ્યું સ્તુતિ કરી, ભલે આપ પધારિયા હરિ;

પ્રભુને પધરાવ્યા પલંગે, બેઠા આગળ અંગ ઉમંગે. ૨૧

ભક્તને કહે શ્રીમહારાજ, નદીએ ચાલો નાવાને કાજ;

પછી ત્યાં જઈને પ્રભુ નાહ્યા, નાજા ભક્તને કહે જગરાયા. ૨૨

અમે ચાલિયા રજની મોઝાર, કાંટા પગમાં તો વાગ્યા અપાર;

એવાં વચન સુણી હરિ કેરાં, કાઢ્યા પગમાંથી કાંટા ઘણેરા. ૨૩

સુખે બેઠા જ્યારે ઘેર આવી, ડોશીએ ત્યાં રસોઈ કરાવી;

એક વિપ્ર પવિત્ર બોલાવ્યો, રોટલો બાજરાનો કરાવ્યો. ૨૪

કરલીની કરી તાજી ભાજી, જમીને થયા શ્રીહરિ રાજી;

દીન થૈને કહે નાજોદાસ, ચાલો જૈયે હવે નૃપ પાસ. ૨૫

પેઠા દરબારમાં પછી જ્યારે, દીઠું અચરજ અદ્‌ભુત ત્યારે;

પડ્યા કાને પીડાના પોકાર, કુટે છાતી રુવે નરનાર. ૨૬

આ તે શું છે પુછે જગતાત, નાજે ભક્તે કહી ત્યારે વાત;

એવો કાયદો નૃપનો છે આંહીં, જન કોઈ ચોરે ચીજ કાંઈ. ૨૭

તેના ઢીંચણ ભાંગી નખાવે, ઘણથી જેમ લોઢું ટીપાવે;

કરે તેની પીડાના પોકાર, રુવે તેના કુટુંબી અપાર. ૨૮

પડ્યા જીવડા કોઈને છેય, પાટો બાંધવા તોય ન દેય;

કૈકનાં રુવે છે નાનાં બાળ, રુવે કોઈની નારી આ કાળ. ૨૯

દયાળુથી તો દીઠું ન જાય, ચડે છે ચીતરી ચિત્તમાંય;

એવું સાંભળ્યું જોયું તે ઠામ, કહે ભક્તને શ્રીઘનશ્યામ. ૩૦

ક્રૂર કર્મ કરે ભૂપ એવું, માટે તેને ન દર્શન દેવું;

અહિંથી પાછા જૈયે ઉતારે, બોલ્યા દુઃખી થતા જન ત્યારે. ૩૧

પ્રભુ ભૂપને દર્શન દેશો, વળી ઉત્તમ ધર્મ કહેશો;

તેથી ક્રૂર કરમ કદી આવું, તજી દેશે માટે તહાં જાવું. ૩૨

વળી છૂટકો થાશે અમારો, અમે માનશું પાડ તમારો;

દયા દિલમાં અમો પર લાવો, પ્રભુ તો ભૂપ પાસે સિધાવો. ૩૩

પછી શ્રીહરિ ગઢ પર ગયા, રાજાજી જોઈને રાજી થયા;

બોલ્યો ભૂપ કરીને પ્રણામ, ભલે આવ્યા તમે ઘનશ્યામ. ૩૪

નહીં આવત તો એવું થાત, નાજા ભક્તના ઢીંચણ જાત;

નિભાડામાંથી નાથજી જેમ, બચ્ચાં રાખ્યાં બિલાડીનાં તેમ. ૩૫

તમે નાજાને ઉગાર્યો આજ, મોટા ઈશ્વર છો મહારાજ;

કરે દેશમાં ચોરીનું કામ, તેના ઢીંચણ ભાંગું છું આમ. ૩૬

મારા ત્રાસથી ચોર ડરે છે, અજાણ્યા આવી ચોરી કરે છે;

સુણી એવું બોલ્યા હરિ આપ, તમે તે કરો છો મહાપાપ. ૩૭

કરે અપરાધ જે જન જેવો, તે પ્રમાણે તેને દંડ દેવો;

તે તો છે રાજનીતિનો ધર્મ, પણ સમજવો તેહનો મર્મ. ૩૮

જુગ જુગની જુદી જુદી રીત, ધર્મશાસ્ત્રમાં છે તે વિદીત;

તે પ્રમાણે કરે નૃપ ન્યાય, તો તે રાજાને પાપ ન થાય. ૩૯

મનકલ્પિત જે દંડ દે છે, નૃપ તે જમપૂર વિચરે છે;

અતિ ઉત્તમ માનુષ્ય દેહ, નાવ ભવજળ તરવાનું તેહ. ૪૦

અલ્પ દોષે એનો કરો નાશ, દેશો ઉત્તર શો જમ પાસ;

પાપનું ફળ પામવું પડશે, નિશ્ચે જાણો તે તો બહુ નડશે. ૪૧

નાજાભક્ત ઉપર પણ એવો, કર્યો ક્રૂર વિચાર તે કેવો;

સુણી રાય બોલ્યા અતિ રુઠી, જમપુરની તો વાત છે જુઠી. ૪૨

ભોળાને બીવરાવવાનું બાનું, તે હું જોયા વિના કેમ માનું?

ત્યારે શ્રીહરિએ દૃષ્ટિ સાંધી, મહીપતિને કરાવી સમાધી. ૪૩

એનો જીવ ગયો જમપુરમાં, જોઈ ત્રાસ થયો અતિ ઉરમાં;

જમના દુત મારવા લાગ્યા, કહ્યું ઢીંચણ તે કેમ ભાંગ્યા? ૪૪

પ્રભુજીએ જગાડ્યાથી જાગ્યો, ત્યારે તો સ્તુતિ કરવાને લાગ્યો;

ધર્મસુત મને નિયમ ધરાવો, જમમારથી મુજને મુકાવો. ૪૫

કહે શ્રીજી કરો દૃઢ સહી, હવે ઢીંચણ ભાંગવા નહીં;

અલ્પ દોષના છે બંધીવાન, તેને જવા દ્યો નિજ નિજ સ્થાન. ૪૬

માનો આટલું વચન અમારું, તેથી કલ્યાણ થાશે તમારું;

પછી ભૂપતિએ એમ કીધું, પ્રભુજીનું વચન ધરી લીધું. ૪૭

છોડી મૂક્યા બંધીવાન જેહ, નમ્યા શ્રીહરિને પગે તહ;

નાજા જોગિયાને કહે નાથ, રહો ગઢપુરમાં અમ સાથ. ૪૮

એવી આજ્ઞા ચડાવીને માથે, ગયા ગઢપુર શ્રીહરિ સાથે;

એવી લીલા કરી એહ ઠામ, ગયા ગિરધર ગઢપુર ધામ. ૪૯

એવામાં બનેલી એક વાત, સુણો ભૂપ અભેસિંહ ભ્રાત;

નૃપ અભયની સ્ત્રી સુરબાઈ, હતી ભૂપથી કાંઈ રિસાઈ. ૫૦

પુત્ર ઉત્તમને સાથે લઈ, ગઢપુરથી રામપરે ગઈ;

તેના મનને મનાવાને કાજ, ગયા શ્રીહરિ લૈને સમાજ. ૫૧

ગઢપુર થકી પશ્ચિમ દિશ, ગયા બે ગાઉ જ્યાં જગદીશ;

તહાં ઉન્મત્તગંગાને તીર, અતિ નિર્મળ નિરખિયું નીર. ૫૨

સર્વે સંત સહિત ભગવાન, ઉતર્યા તહાં કરવાને સ્નાન;

નિર માંહી પેઠા બહુનામી, અતિશે ગંગા આનંદ પામી. ૫૩

ધારાસહસ્ર તણું રૂપ ધર્યું, શ્યામને શિર સિંચન કર્યું;

ફણા શેષની જેવી હજાર, એવી શોભી તે અપરમપાર. ૫૪

વળી શ્રીહરિનો મહિમાય, ગંગા વદન સહસ્રે ગાય;

નવી લીલા નિહાળવા એવી, આવ્યાં નભ સહુ દેવ ને દેવી. ૫૫

પુષ્પવૃષ્ટિ કરે પ્રભુ શીશ, કહે જય જય શ્રી જગદીશ;

ગાય ગાંધર્વ હરિગુણગાન, નાચે અપસરાઓ લઈ તાન. ૫૬

લીલા સંત ને હરિજન દેખે, અતિ ઉત્તમ અવસર લેખે;

કહે ગંગા અહો ભગવાન, શ્રીકૃષ્ણ કૃપાના નિધાન. ૫૭

મારો દેહ પ્રલંબ4 છે જેહ, પણ હૃદય તણું સ્થળ એહ;

સદા આ સ્થળમાં અવિનાશ, દિવ્યરૂપે કરો તમે વાસ. ૫૮

મોટો સર્વથી મહિમા વધારો, અભિલાખ5 પુરો એહ મારો;

સુણી બોલિયા સારંગપાણિ, ગંગા તારું હૃદયસ્થળ જાણી. ૫૯

કર્યું સ્નેહ સહિત અમે સ્નાન, તને દેવાને આનંદદાન;

ધારા સહસ્ર ધરી તેં આ ઠામ, માટે આ તીર્થનું એ જ નામ. ૬૦

મોટો આ સ્થળનો મહિમાય, અહીં પાપીએ પાવન થાય;

આવી આ સ્થળે તીરથ કરશે, સહેજે ભવસાગર તરશે. ૬૧

આખા બ્રહ્માંડનાં તીર્થ જેહ, એક ત્રાજવામાં ધરે તેહ;

પણ આ તીર્થ તુલ્ય ન થાય, એવો આ તીર્થનો મહિમાય. ૬૨

તારે તટ તીર્થ છે ઠામ ઠામ, પણ આ સ્થળે તીર્થ તમામ;

સદા આ સ્થળમાં તુજ પાસ, દિવ્યરૂપે કરીશ હું વાસ. ૬૩

મહિમા જાણી નાય આ ઠામ, એને આપીશ અક્ષરધામ;

શ્રાદ્ધ આ સ્થળમાં જેહ કરશે, તેના પૂર્વજ તો નકી તરશે. ૬૪

ઉપજાતિ

બોલ્યા વળી શ્રીહરિ સંત પાસ, તથા સુણો સૌ હરિભક્ત દાસ;

સૌ જાણજો જે જન સ્નેહી મારા, સૌથી વડું તીર્થ સહસ્રધારા. ૬૫

આત્મા શરીરે હૃદયે ઠસે છે, આ ગંગનું તત્ત્વ અહીં વસે છે;

માટે બધા આ નદીના કિનારા, સૌથી વડું તીર્થ સહસ્રધારા. ૬૬

ગંગા ગયા ગોમતી જે ગણાય, કાવેરિ કાલિંદિ મહી મનાય;

શોધી જુઓ સાત સમુદ્ર સારા, સૌથી વડું તીર્થ સહસ્રધારા. ૬૭

જે મુક્ત છે અક્ષરધામ કેરા, તે ઇચ્છશે આ સ્થળને ઘણેરા;

ન માનશે માનવ જે નઠારા, સૌથી વડું તીર્થ સહસ્રધારા. ૬૮

ચોપાઈ

દાન પુણ્ય જે આંહિ કરાય, અવિનાશી એનું ફળ થાય;

પ્રાણી પામશે અક્ષરવાટ, મોટું તીર્થ જાણો તેહ માટ. ૬૯

આ જે તીર્થ મને ઘણું પ્યારું, મનવાંછિત ફલ આપનારું;

એવી વાત કરી મહારાજે, સુણી સતસંગી સંતસમાજે. ૭૦

પછી ત્યાં થકી પરવર્યા પ્રીતે, ગયા રામપરે રુડી રીતે;

કર્યો ત્યાં એક સ્થળમાં ઉતારો, સંતને વસવા જોગ્ય સારો. ૭૧

સુરબાઈએ સાંભળી વાત, આંહિ આવ્યા શ્રીજી સાક્ષાત;

પાસે તેડાવ્યા દૈ સનમાન, કહ્યું આવ્યા ભલે ભગવાન. ૭૨

પ્રભુ છો નિજજનપ્રતિપાળ, ભલે દર્શન દીધું દયાળ;

સુણી બોલિયા શ્રીગિરધારી, તમે માનો જો આજ્ઞા અમારી. ૭૩

આંહીંથી ગોખલાણે પધારો, તેથી સ્વાર્થ સુધરશે તમારો;

રાણી બોલિયાં વાણી વિચારી, પ્રભુ માનીશ આજ્ઞા તમારી. ૭૪

શશી સૂર્ય ફરે દિન નીશ, માની આજ્ઞા તમારી મુનીશ;

શેષનાગ ધરા શિર ધરે, આજ્ઞા આપ તણી અનુસરે. ૭૫

મેઘ વૃષ્ટિ કરે નિજ ટાણે, એ તો આપની આજ્ઞા પ્રમાણે;

સિંધુ મેલે નહીં મરજાદ, રાખે આપની આજ્ઞાને યાદ. ૭૬

બ્રહ્મા વિષ્ણુ ને ઇંદ્ર મહેશ, આજ્ઞા આપની લોપે ન લેશ;

ત્યારે હું કેમ આજ્ઞા લોપીશ, પ્રભુ જેમ કહો તે કરીશ. ૭૭

ત્યારે બોલ્યા પ્રભુ તેહ ટાણે, તમે જાઓ તરત ગોખલાણે;

સર્વ સામાન ગાડામાં ભરજો, આજ રાતે તો આંહીં ન ઠરજો. ૭૮

પછી ત્યાં થકી ગઢપુર જાજો, સર્વ સંપે વસી સુખી થાજો;

મારી આજ્ઞાને માનશો જ્યારે, સુખિયાં થશો સર્વ પ્રકારે. ૭૯

જન જેહ છે રામપરામાં, કહું છું સૌને એહ સમામાં;

આજ રાતે રહેવું ન આંહીં, માલ મિલકત લૈ જવું ક્યાંહી. ૮૦

અમે તો જશું દેશમાં ફરવા, દૈવી જીવને ઉપદેશ કરવા;

એમ કહિ હરિ તતપર થયા, ગામ ભાદરે ભગવત ગયા. ૮૧

પુષ્પિતાગ્રાવૃત્ત

મહત વચન માંહિ મર્મ હોય, જન નહિ જાણિ શકે જ તેહ કોય;

હરિનું અચળ વાક્ય જાણિ એવું, સમજુ જને સુણી સદ્ય માની લેવું. ૮૨

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

નાજાભકત-રક્ષણનામ એકોનવિંશો વિશ્રામઃ ॥૧૯॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે