કળશ ૭

વિશ્રામ ૨

પૂર્વછાયો

મોરજથી મૈયારિયે, ગયા સંત સહિત ઘનશામ;

વારિ વાક1 તળાવનું, પીને ગયા હાડેવે ગામ. ૧

ચોપાઈ

હાડેવેથી ગયા વસતાણે, રાત વૌઠે રહ્યા સહુ જાણે;

સૈજ થૈને ચલોડે સિધાવ્યા, ત્યાંના હરિજનને હરખાવ્યા. ૨

નથુભાઈ અમીન તે સ્થાને, ઉતર્યા તેને દીવાનખાને;

કરી ભોજન તેને ભવન, ગયા જેતલપુરમાં જીવન. ૩

ભાળી મ્હેલ તળાવની પાળે, કર્યો ઉતારો ત્યાં વૃષલાલે;

તહાં સાધુ તથા બ્રહ્મચારી, વિદ્યા ભણવાને યોગ્ય વિચારી. ૪

એને આજ્ઞા કરી અવિનાશ, કરો સંસ્કૃત કેરો અભ્યાસ;

સૌ હરિનો હુકમ માની લીધો, વિદ્યા ભણવાનો આદર કીધો. ૫

વડ હેઠે બીજે દિન વાલે, સભા સારી સજી ધર્મલાલે;

ગંગાદાસ ને ભીખારીદાસ, પ્રેમે આવી બેઠા પ્રભુ પાસ. ૬

આશારામ ત્રવાડી શ્રીમાળી, સૌ સ્નેહે સેવ્યા વનમાળી;

સભામાં બોલ્યા સુંદરશામ, અમે તો જશું ગામડી ગામ. ૭

સુણી એવું બોલ્યા ગંગામાય, આજ તો આંહીંથી ન જવાય;

કાલ્ય પર્વણીનો2 દિન થાશે, દીકરા કાલ્ય કેમ જવાશે? ૮

વળી જેતલપુરના નિવાસી, બોલ્યા ભક્ત સુણી સુખરાશી;

કાલ્ય તો ઉત્તરાયણ થાય, માટે તે પછી અહિંથી જવાય. ૯

દાનપુણ્ય તણો દિન જાણી, રહો આંહિ જ શારંગપાણી;

સુણી બોલિયા સુંદરશામ, સાંભળો સતસંગી તમામ. ૧૦

કાલે આંહિ ચોરાશી કરાય, કહો કેટલું ઘી વવરાય;

કહે ભક્ત ચોરાશી કરે છે, પાંચ મણ ઘૃત આંહિ વરે છે. ૧૧

ત્યારે બોલિયા સુંદરશામ, આસપાસ વસે છે જે ગામ;

ત્યાંના વિપ્ર તેડાવિયે જ્યારે, કેટલું વરશે ઘૃત ત્યારે. ૧૨

હરિભક્ત કહે જોડી હાથ, દશ મણ વરશે દીનનાથ;

વૃષવંશી બોલ્યા વળી ત્યારે, અમદાવાદના આવે જ્યારે. ૧૩

ત્યારે કેટલું ઘી વવરાય, હરિજન કહે નિશ્ચે ન થાય;

આવે વિપ્ર હજારો હજાર, એથી ખર્ચ અસંખ્ય થનાર. ૧૪

કહે કૃષ્ણ બધે લખી પત્ર, આવે બ્રાહ્મણ સૌ કાલે અત્ર;

ઘણું ઘૃત હાલહાલ મગાવો, અન્ન ખાંડ જથાબંધ લાવો. ૧૫

પછી પત્ર લખી મોકલાવ્યા, ઘૃત આદિક માલ મગાવ્યા;

સાંજ પડતાં તહાં મનરંજ, કર્યા સીધાના ગંજના ગંજ. ૧૬

આજ્ઞા આઠે સિદ્ધિઓને આપી, નહિ ખૂટવા દેશો કદાપી;

જેમ જેમ સીધું વપરાય, તોય ગંજના ગંજ જણાય. ૧૭

ભક્ત શ્રીમાળ દ્વિજ આશારામ, જેને ઝાઝાં દીસે ધન ધામ;

કહે શ્રીજી તેને સુણો સુજ્ઞ, કરશું અમે મહારુદ્ર યજ્ઞ. ૧૮

ચારે વેદના વિપ્ર તેડાવો, વળી યજ્ઞસામગ્રી મગાવો;

કંકોતરિયો લખો ગામોગામ, સતસંગીયો આવે તમામ. ૧૯

રુડું વેદોક્ત કર્મ કરાશે, ઘૃત તો પરનાળે હોમાશે;

કાશી સુધીમાં વિદ્વાન હોય, ત્યાંથી તેડાવવા દ્વિજ તોય. ૨૦

પ્રગણામાંથી3 તો રુડી રીત, દ્વિજ આવે સ્ત્રી પુત્ર સહીત;

એવા પત્ર લખો ગામોગામ, અતિ કરવું છે ઉત્તમ કામ. ૨૧

એવું સાંભળી આજ્ઞા પ્રમાણે, લખી કંકોતરી તેહ ટાણે;

કચ્છદેશ ને કાઠીયાવાડ, દેશ સોરઠ ને ઝાલાવાડ. ૨૨

ગુજરાત તથા ખાનદેશ,4 બીજા પણ બહુ દેશ વિશેષ;

મહા વિદ્વાન વિપ્ર તેડાવ્યા, સતસંગી બધાને બોલાવ્યા. ૨૩

જેહ વસ્તુ મળે જેહ સ્થાન, મંગાવો મહારુદ્ર સામાન;

ત્યારે જેતલપુર તણા જન, બોલ્યા શ્રીહરિ પાસ વચન. ૨૪

ચોખા જેટલા વાવરો તમે, તેટલા પૂરા આપશું અમે;

પુરું પાડશું બળતણ ઘાસ, સુણી એવું રીઝ્યા અવિનાશ. ૨૫

રહે શ્રીકરજિસણ ગામ, ભલા ભક્ત નાનાભાઈ નામ;

ઘીના કુંપા5 ઘણા ભરી લાવ્યા, ધર્મપુત્રને ભેટ ધરાવ્યા. ૨૬

ત્યારે ઉચ્ચર્યા એમ શ્રીજીય, જે જે ઢોરનું આ હશે ઘીય;

તે તે ઢોરનું કલ્યાણ થાશે, અંતે અક્ષરધામમાં જાશે. ૨૭

પછી જોશી સુજાણ બોલાવ્યા, યજ્ઞ આરંભ દિન જોવરાવ્યા;

ઉત્તરાયનના રવિ થાય, બ્રહ્મ ભોજન ચાલુ કરાય. ૨૮

પછી આઠ દિવસ વહી જાય, મહારુદ્ર તો ચાલતો થાય;

ઘણા વિપ્ર વરુણ માંહી વરે,6 મંત્ર હરિહરના જપ કરે. ૨૯

ભણી રુદ્રીને7 કેટલાએક, કરે શંભુ ઉપર અભિષેક;

તેનો હોમ દશાંશ કરાય, એમ વાસર દશ વહિ જાય. ૩૦

દિન ઉત્તરાયનથી અઢાર, થાય પૂર્ણાહુતી તે વાર;

આવે વિપ્રની જે કોઈ જાત, જમે ભોજન ત્યાં સુધી ભ્રાત. ૩૧

કોઈ વિપ્ર જમ્યા વિના જાય, તો તે યજ્ઞ નહી વખણાય;

આપ્યાં જોશીયે મુહુરત એવાં, થોડા ધનથી ન થઈ શકે તેવાં. ૩૨

સ્વરૂપાનંદ જામનગરથી, આવ્યા મંડળ સોત8 સત્વરથી;

આવ્યા સુરતથી રામદાસ, લૈને મંડળ પોતાનું પાસ. ૩૩

બ્રહ્માનંદ મુક્તાનંદ સ્વામી, આવ્યા એ પણ આનંદ પામી;

લખી પત્ર હતાં જે તેડાવ્યાં, સર્વે મંડળ સંતનાં આવ્યાં. ૩૪

જેમ નદીયો નિધિ ભણી ધાય, જનજુથ જેતલપુર જાય;

આવ્યા હરિજન સંતસમાજ, જોઈ રાજી થયા મહારાજ. ૩૫

પછી જેને જેવું જોગ્ય કામ, તેને સોપિયું તેવું તમામ;

કર્યો બહુવિધથી બંદોબસ્ત, જેમ સાચવે વસ્તુ સમસ્ત. ૩૬

ઉત્તરાયનનો દિન આવ્યો, પાક ઉત્તમ રીતે કરાવ્યો;

દ્વિજ આવ્યા ઘણા તે દહાડે, રહ્યા ત્યાં સુધી રોજ જમાડે. ૩૭

દીધાં ઉત્તરાયણ દિન દાન, કહે સૌ આ તો કર્ણ સમાન;

જેમ ચોમાસાના દિન જાય, ઝાઝું નીર તળાવ ભરાય. ૩૮

તેમ દ્વિજ દિન દિન ઘણા આવે, સંખ્યા કોણ ગણે તે ગણાવે;

પછી મંડપ કુંડ કરાવ્યો, જેવો કુંડના ગ્રંથે બતાવ્યો. ૩૯

ઘણા વિપ્ર વરુણ માંહી વરિયા, મંત્રજપ ને અભિષેક કરિયા;

ચારે વેદનાં સૂક્ત9 ભણાય, જોઈ રાજી રાજી હરિ થાય. ૪૦

સારો શોભે તળાવનો આરો, પ્રતિદિન જમે વિપ્ર હજારો;

કૈક રાખતા હરિ પર દ્વેષ, તે તો કરવાને ઇચ્છતા ક્લેશ. ૪૧

રાંધવા જાય ને દ્વેષ રાખે, લાડવા તે તળાવમાં નાંખે;

કરે એમ તે દેખી એકાંત, રાખે ખુટાડવાની તે ખાંત.10 ૪૨

કૈક જાણે કરું મારામાર, પતરાળાં ખુંદાય તે ઠાર;

આવ્યા લાકડીયો લઈ હાથે, વાત જાણી તે નટવર નાથે. ૪૩

કોઈ વિપ્રે એવી બુમ પાડી, ખુટ્યું ઘી હવે મુકો ઉઠાડી;

પાળા સાથે લઈને પચીશ, પાક પાસે ગયા જગદીશ. ૪૪

લાડુ નાંખેલા જળ માંહી જેહ, એક પાર્ષદ પેખીયા તેહ;

પાળે શ્રીપ્રભુને તે બતાવ્યા, ત્યારે સત્સંગી દ્વિજને બોલાવ્યા. ૪૫

હળવદના તથા બીજા જેહ, પ્રભુયે રાખ્યા પાકમાં તેહ;

કુસંગીને કાઢ્યા પાકમાંથી, તે તો તરત ગયા દુર ત્યાંથી. ૪૬

જેની લાકડી જોવામાં આવી, તેના હાથથી તરત તજાવી;

પીરસે દ્વિજ સૌ સતસંગી, બીજા કોઈ નહીં અડભંગી. ૪૭

કોઠી ઘીની ભરેલી દેખાડી, જાણું વિપ્રે જુઠી બુમ પાડી;

બહુ વિપ્ર જમે ને બગાડે, તોય ખૂટે નહીં કોઈ દહાડે. ૪૮

નિત્ય નિત્ય ઘણા દ્વિજ જમે, જોઈ શ્રીહરિને મન ગમે;

દિન પૂર્ણાહુતી તણો આવ્યો, અતિ ઉત્તમ હોમ કરાવ્યો. ૪૯

તેનું વિસ્તારે વર્ણન થાય, કથાનો નહિ પાર પમાય;

કર્યું શ્રીજીયે અવભૃથસ્નાન,11 દીધાં વિપ્રને વિધવિધ દાન. ૫૦

પછી શ્રીજિયે સ્નેહ સહીત, કહ્યું સાંભળો સઉ રુડી રીત;

જેવો છે મારા મનમાં સદાય, કહું બ્રાહ્મણનો મહિમાય. ૫૧

ઉપજાતિવૃત્ત (બ્રાહ્મણના મહિમા વિષે)

જે બ્રાહ્મણો છે મુખ એ જ મારું, એનાથિ બીજું અધિકે ન ધારું;

વિપ્રો તથા જે જન સંત છેય, છે ધર્મના રક્ષક એ જ બેય. ૫૨

સદ્ધર્મનો તે ઉપદેશ દે છે, તો વિશ્વમાં ધર્મ રુડો રહે છે;

ન હોત જો બ્રાહ્મણ કેરી જાત, તો વેદનો અસ્ત12 અવશ્ય થાત. ૫૩

મને મહાયજ્ઞ ભલા જ ભાવે, તે યજ્ઞ તો બ્રાહ્મણ તે કરાવે;

ભૂમી વિષે બ્રાહ્મણ જો ન હોય, તો યજ્ઞનું નામ કહે ન કોય. ૫૪

સૌ ધર્મશાસ્ત્રો ઋષિયે કર્યાં છે, વિપ્રો વડે તે સ્થિર થૈ ઠર્યાં છે;

જો વિપ્રજાતિ જગમાં ન જોત, તો ધર્મશાસ્ત્રો ન હયાત હોત. ૫૫

શાસ્ત્રો પુરાણો દ્વિજ સંભળાવે, એથી જનો આસ્તિકભાવ લાવે;

વિપ્રો પ્રભુજ્ઞાન બતાવનારા, વિપ્રો મને પ્રાણ સમાન પ્યારા. ૫૬

સન્માન જે બ્રાહ્મણનું કરે છે, સન્માન તે તો મુજને જ દે છે;

નિંદા કરે બ્રાહ્મણ કેરી જેહ, તો મારી નિંદા કૃત તુલ્ય તેહ. ૫૭

આચાર્ય જે જે જગમાં થયા છે, તે વિપ્ર કેરે કુળ જન્મિયા છે;

સદ્ધર્મનું બ્રાહ્મણ મૂળ જાણો, જાણે નહીં જે નહિ હોય શાણો. ૫૮

વિપ્રો વડે લગ્નક્રિયા કરાય, વિપ્રો વડે શ્રાદ્ધ બધાં સરાય;

જે ધર્મનું કર્મ કરાય કાંઈ, મુખ્યત્વ દીસે દ્વિજ તેહમાંઈ. ૫૯

શાર્દૂલવિક્રીડિતવૃત્ત

જે શ્રીબ્રાહ્મણવંશ જન્મ ધરીને કર્મો નઠારાં કરે,

છાંડી ટેક વિવેક છેક તજીને નામે નઠારો કરે;

મૂકી માર્ગ મનસ્વિ થૈ મદ ધરી કાંઇ કુમાર્ગે ચડે,

તે તો મોક્ષ તણે ચડી પગથીયે છેલેથી પાછો પડે. ૬૦

જે મારા દ્વિજ આશ્રિતો પ્રતિદિને સંધ્યાદિ કર્મો કરે,

ઝાઝું જો ન ભણાય આચમન લૈ ગાયત્રિ તો ઉચરે;

નાંખે તે ત્રણ અંજળી રવિ ભણી સંભારી પૂજા સમે,

જો જાણે નહિ વૈશ્વદેવ હરિને નૈવેદ્ય ધારી જમે. ૬૧

પુષ્પિતાગ્રાવૃત્ત

શ્રુતિપથ13 શુભ થાપનાર્થ કાજે, નૃપ નરદેહ ધર્યો મહાધિરાજે;

કહિ દ્વિજકુળ કેરિ શ્રેષ્ઠતાઈ, ભણિ ખટ કર્મ તણી ઘણી ભલાઈ. ૬૨

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

જેતલપુર-યજ્ઞારંભનામ દ્વિતીયો વિશ્રામઃ ॥૨॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે