કળશ ૭

વિશ્રામ ૨૦

પૂર્વછાયો

હરિએ આજ્ઞા કરી હતી, જન સર્વ જજો પરગામ;

રાતવાસો રહેશો નહીં, મારું માની વચન આ ઠામ. ૧

ચોપાઈ

આજ્ઞા જે હરિએ ફરમાવી, તે તો સહુ જનને સંભળાવી;

માન્યું વચન તે શ્રીજીનું જેણે, માલ મિલકત સંભાળી તેણે. ૨

સુરબાઈ ગયાં ગોખલાણે, બીજા જન ગયા કોઈ ઠેકાણે;

જેને હરિનો નહીં વિસવાસ, રાખ્યો તેણે તો ત્યાં જ નિવાસ. ૩

ફોજ ગાયકવાડની જેહ, આવી ત્યાં તો બીજે દિન તેહ;

ગામ રામપરા લૂંટી લીધું, કાંઈ કોઈનું રહેવા ન દીધું. ૪

બહુ પીડાના શબ્દ પોકારી, રુવે બાળક નર અને નારી;

આજ્ઞા શ્રીહરિની નહિ માની, તેથી તેને થઈ મોટી હાની. ૫

જેણે જેણે તે સાંભળી વાત, જાણ્યો શ્રીજીનો મહિમા અઘાત;

ગોખલાણા થકી સુરબાઈ, બીજે દિન ગયાં ગઢપુરમાંઈ. ૬

જઈ ભાદરે શ્રીભગવાન, દીધાં દાસને દર્શન દાન;

મળ્યા ત્યાં બ્રહ્મચારી મુકુંદ, અતિ ઉપજ્યો એથી આનંદ. ૭

વસે ત્યાં વશરામ સુતાર, બીજા પણ હરિભક્તો ઉદાર;

કરે શ્રીજીની સૌ જન સેવા, ભલો લાભ અલૌકિક લેવા. ૮

હતો ચાતુરમાસ સુકાળ, વળી તે દેશમાં એવો ચાલ;

શિવનો દોરો લે1 સોમવારે, વારાફરતિ તે ઉજવે જ્યારે. ૯

સગા સ્નેહીને તે તો જમાડે, નોતરે હરિને તેહ દહાડે;

એક પ્રેમજી વાણીયો હતો, જમવા નિત્ય હરિ સાથે જતો. ૧૦

પણ લોભી અતિશે જ એય, કોઈને નહિ નોતરું દેય;

એના લોભ તણી વાત આવી, હરિને હરિભક્તે સુણાવી. ૧૧

પુણ્ય અર્થે તો પૈસોયે એક, કદી વાવરતો નથી છેક;

તેને ઘેર જમો જ્યારે તમે, તમને ખરા માનીએ અમે. ૧૨

કહે શ્રીજી તમે સઉ જમો, તો હું મેળવી દઉં એવો સમો;

સૌએ જમવાની હા કહી જ્યારે, વળી પુછ્યું પ્રભુજીએ ત્યારે. ૧૩

ઝાઝિ છે એને શેમાં આસક્તિ, વિચારીને કહો તેની વ્યક્તિ;

બોલ્યા સૌ જન ત્યાં એવી રીત, રસાસ્વાદમાં છે એને પ્રીત. ૧૪

પછી શ્રીજીએ બોલાવ્યો એને, એક પ્રશ્ન તો પુછીયું તેને;

જમવામાં તમે વખણાઓ, કહો પેંડા તે કેટલા ખાઓ. ૧૫

બોલ્યો પ્રેમજી તે રુડી પેર, પેંડા તો હું જમું પાંચ શેર;2

કહે હરિ જો જમી ન શકાય, સતસંગી જમાડો બધાય. ૧૬

પ્રેમજી કહે હે પરમેશ, પાંચ શેરમાં છાંડું ન લેશ;

પૈસાભાર જો ભુકોએ પાડું, સતસંગી બધાને જમાડું. ૧૭

મારો જો ન આવે વિસવાસ, મુકું નંગ3 પટેલની પાસ;

એમ કહી તેમનું નંગ કાંઈ, આપ્યું પટેલના હાથમાંઈ. ૧૮

પછી શ્રીજીએ પેંડા મગાવ્યા, પાંચ શેર પુરા તે તો લાવ્યા;

પ્રેમજી પેંડા જમવાને લાગ્યો, વચે પાણી પીતાં ભ્રમ ભાગ્યો. ૧૯

ત્રણ શેર જમ્યો તે તો જ્યારે, ઉપજી અકળામણ ત્યારે;

વળી શેર જમ્યો જેમ તેમ, પાંચ શેર પુરા થાય કેમ? ૨૦

જેમ વિપ્ર ઘણું જમનાર, જમી જાય લાડુ દશબાર;

તોય જાણે કરું ઘણો ભોગ, નહીં આવે ફરી આવો જોગ. ૨૧

પછી કંઠ સુધી પેટ ભરે, પછીથી ભલે અકળાઈ મરે;

તેમ પ્રેમજી પણ બહુ જમે, કરે નહિ જ વિચાર તે સમે. ૨૨

પણ થાક્યો બહુ જમી જ્યારે, પડ્યા મૂક્યા પેંડા પાંચ ત્યારે;

જગજીવન બોલિયા જોઈ, જમી જાઓ કે આપો રસોઈ. ૨૩

કહે પ્રેમજી હું તો જમાડું, થોડું ઘી ઘાલી ગોળના લાડુ;

હરિભક્તો કહે ભગવંત, જમાડ્યા ન કદી એણે સંત. ૨૪

પ્રસાદી લેવા પહેલો જ આવે, પુણ્ય કામમાં પૈસો ન લાવે;

ઘેર ખાય ન પૂરો આહાર, પાસે પુંજી4 છે પાંચ હજાર. ૨૫

કહે શ્રીજી સુણો સઉ કોઇ, દુધપાકની લેશું રસોઈ;

કહે પ્રેમજી હે મહારાજ, એવી શક્તિ નથી મારિ આજ. ૨૬

દૂધપાક રસોઈ દેવાય, ત્યારે તો મારું ઘરબાર જાય;

પછી ઘડપણમાં શું હું ખાઉં, જાય ધન ભીખ માગતો થાઉં. ૨૭

કહે શ્રીજી કસર ઘણી કરશું, ઝાઝું ખરચ થવા થકી ડરશું;

કહે પ્રેમજી સો જણ કાજ, અઢી મણ દુધ લ્યો મહારાજ. ૨૮

તેમાં કાંઈ કપૂર નંખાય, ઝાઝું કોઈ થકી ન જમાય;

જે જે હરિજન જમવાને આવે, સાથે છોકરું કોઈ ન લાવે. ૨૯

પ્રેમજીએ પટેલને કહ્યું, આવજો જમવા જન સહ;

દૂધપાક રસોઈ બનાવો, કરકસર તો ખુબ કરાવો. ૩૦

બીજે દિવસે જમ્યાનું ઠરાવ્યું, પટેલે સીધું સર્વ મગાવ્યું;

થઈ સર્વ રસોઈ તૈયાર, જમ્યા પ્રથમ જગત કરતાર. ૩૧

પછી સંત ને હરિજન બેઠા, પ્રભુ પિરસવા પંગતે પેઠા;

દૂધપાકમાં ઘી પીરસે છે, જોઈ પ્રેમજી એમ કહે છે. ૩૨

ઘણું ઘી આવી રીતે વાપરશો, મને તો ભીખ માગતો કરશો;

પીરસો પ્રભુ ઘી થોડું થોડું, ઝાઝું નાણું તે હું ક્યાંથી જોડું. ૩૩

ગણ્યા કરતાં અધિક કોઈ આવે, વઢી તેને તો કાઢી મુકાવે;

કહે પ્રેમજી સૌને કહેજો, મારું કારજ આ માની લેજો. ૩૪

સર્વ સંત જમી રહ્યા જ્યારે, માગી કોઈએ વરિયાળી ત્યારે;

બોલ્યો પ્રેમજી તેહ મુખથી, સાટું વરિયાળીનું કર્યું નથી. ૩૫

પછી જ્યાં વળતો દિન થયો, પ્રભુ પાસે તે પ્રેમજી ગયો;

કહ્યું દાગીનો મારો મગાવો, કહી પટેલને પાછો અપાવો. ૩૬

ત્યારે બોલ્યો પટેલ તે ઠામ, ચૂકાવી દ્યો રસોઈના દામ;

ત્યારે દાગીનો દેશું તમારો, તમ સાથે ન થાય ઉધારો. ૩૭

દીધા દામ ચૂકાવીને જ્યારે, પટેલે દીધો દાગીનો ત્યારે;

પ્રભુએ કર્યું એવું ચરિત્ર, સુણતાં જન થાય પવિત્ર. ૩૮

પૂર્વછાયો

પ્રભુ મળે દુરગુણ ટળે, જાતિસ્વભાવ તો ન જનાર;

પારસ કરે તેમ લોહનું, પણ મટે ન ધાર આકાર. ૩૯

જોડીયા બંદરમાં બની, એવે સમે વળી એક વાત;

તેહ હવે તમને કહું, સુણો ભૂપ અભેસિંહ ભ્રાત. ૪૦

ચોપાઈ

ભલા જોડીયા બંદરમાંય, હતો એક પટેલ તે ત્યાંય;

સતસંગી તેનો સુત થયો, તેથી તાત તો રીસાઈ રહ્યો. ૪૧

સતસંગ છોડાવાને છેક, એણે કીધા ઉપાય અનેક;

ઘરમાંથી તેને કાઢી મુક્યો, તોય તે નહિ સત્સંગ ચુક્યો. ૪૨

હતો એક જ પુત્ર તે એને, તેથી દુઃખ લાગ્યું ઘણું તેને;

રાજા સંગ્રામજી કહેવાય, જામનો તાબેદાર ગણાય. ૪૩

તેની પાદરમાં કૂળદેવી, તે તો વાલી તેને જીવ જેવી;

તેનાં દર્શન કાજ ગયેલ, મળ્યો ત્યાં જઈ તેહ પટેલ. ૪૪

બેય આંખમાં આંસુડાં લાવી, નૃપને અરજી સંભળાવી;

આજ સ્વામિનારાયણ જે છે, જાદુગર અતિ પાખંડી એ છે. ૪૫

મારા પુત્રને તેણે ભમાવ્યો, બાપદાદાનો ધર્મ છોડાવ્યો;

કુળદેવી તમારી છે જેહ, તેની નિંદા કરે બહુ તેહ. ૪૬

એવું સાંભળીને ચડ્યો ક્રોધ, કર્યો સત્સંગી સાથે વિરોધ;

સૌને પકડીને કેદમાં નાખ્યા, તેમાં કોઈને છૂટા ન રાખ્યા. ૪૭

ભાદરે હતા હરિ સાક્ષાત, તેણે સાંભળી તે બધી વાત;

સારા સારા જનો લઈ સાથ, જોડીયે વિચર્યા જગનાથ. ૪૮

ગામ પાસે ગયા પરમેશ, વળ્યો દેવી પૂજીને નરેશ;

પાલખીમાં બેઠો હતો રાજ, દીઠો શ્રીજીનો તેણે સમાજ. ૪૯

પુછ્યું ચાકરને ચિત્ત ધારી, કોણ આવે ધોળાં વસ્ત્રધારી?

ત્યારે ચાકર એમ કહે છે, પોતે સ્વામિનારાયણ એ છે. ૫૦

પગે ચાલી ગયો સામો રાય, પ્રભુને લાગ્યો પ્રેમથી પાય;

ત્યારે બોલિયા સુંદરશ્યામ, ભૂપ છો તમે બુદ્ધિના ધામ. ૫૧

કેમ દ્વેષ રાખો અમ માથે? વાંધો શો પડ્યો છે અમ સાથે?

સતસંગીને કેદ કર્યા છે, શાથી તે ગુનેગાર ઠર્યા છે? ૫૨

ભૂપે ઉચ્ચારી ત્યાં વાણી એવી, અમારા કુળની છે જે દેવી;

તમે તો તેની નિંદા કરો છે, તેથી દ્વેષી અમારા ઠરો છો. ૫૩

એવું સાંભળીને કહ્યું હરિએ, અમે દેવની નિંદા ન કરીએ;

દેવ હિંદુના યવનના હોય, નિંદા કરિએ નહીં અમે તોય. ૫૪

સૌને પોતપોતા તણા ઇષ્ટ, અતિશે હોય વાલા અભિષ્ટ;

તેની જો કાંઈ નિંદા કરાય, ક્લેશ ઉપજે દિલડું દુખાય. ૫૫

માટે શિષ્ય અમારા જે હોય, દેવનિંદા કરે નહિ કોય;

એવી આજ્ઞા કરેલી છે અમે, કરે નિંદા તે અમને ન ગમે. ૫૬

સુણી રાજાએ માનિયું સત્ય, મોટા પુરુષ ન બોલે અસત્ય;

સારા વિનતિના શબ્દ સુણાવ્યા, પાલખીમાં પ્રભુ પધરાવ્યા. ૫૭

કહ્યું એમાં વળી કર જોડી, હરિભક્તોને મુકીશ છોડી;

દરબારમાં આવ્યા ઉમંગે, બેઠા ઓસરી માંહી પલંગે. ૫૮

કેદમાંથી છોડ્યા સતસંગી, આવ્યા સૌ હરિ પાસે ઉમંગી;

પછી ભૂપતિએ ભાવ લાવી, ભલી ભાતે રસોઈ કરાવી. ૫૯

બ્રહ્મચારીએ ત્યાં કર્યો થાળ, જમ્યા જીવન જનપ્રતિપાળ;

સંતો જમવા બેઠા જેહ ઠામ, રહ્યા પિરસવા શ્રીઘનશ્યામ. ૬૦

સજી સાંજે સભા ઘણી સારી, ઘણી જ્ઞાનની વાત ઉચ્ચારી;

જ્ઞાનઅમૃતની વૃષ્ટિ થાય, સૌને આનંદ ઉર ન સમાય ૬૧

કરે શ્રીહરિ દિવ્ય ચરિત્ર, ભાસે પૂરણ તેજ પવિત્ર;

પટેલે પેખ્યું ઐશ્વર્ય એવું, ટાળે સર્વના સંશય તેવું. ૬૨

સતસંગી થયો વ્રત ધારી, કહ્યું કાલે રસોઈ છે મારી;

બીજે દિવસે તો દીધી રસોઈ, જનો અચરજ પામીયા જોઈ. ૬૩

સતસંગી સહુને જમાડ્યા, સારી રીતે સંતોષ પમાડ્યા;

પછી હરિજનને ઘેર ઘેર, પધરામણી થઈ રુડી પેર. ૬૪

થઈ સર્વ પ્રકારે ત્યાં શાંતિ, ભાંગી ગૈ સૌના મન તણી ભ્રાંતિ;

એવો મહાપ્રભુનો પ્રતાપ, એ તો અતિ અકળિત અમાપ. ૬૫

સૌને દઈ સુખનું એમ દાન, ગયા ભાદરે શ્રીભગવાન;

એવામાં હતો આશ્વિન5 માસ, પણ વૃષ્ટિ થઈ ચારે પાસ. ૬૬

ત્રણ દિવસ લગી એલી લાગી, તેથી ટાઢ અતિશય જાગી;

સાધુઓને નિયમ હતું એવું, વનમાં જ અહોનિશ રહેવું. ૬૭

એક વાર જ વસ્તીમાં જાવું, રાંધ્યું માગી ગોળા વાળી ખાવું;

વનમાં એક આસન વાળી, બેસવું સ્થિર નિદ્રાને ટાળી. ૬૮

ધર્મનંદનનું ધ્યાન ધરવું, વરુ વાઘ થકી નહિ ડરવું;

ઘણી વૃષ્ટિ થકી પડી ઠંડ, કરિ તે પણ સહન અખંડ. ૬૯

એક સાધુ અવાચક6 થયા, તેને જોવા ગોવાળિયા ગયા;

નહીં બોલ્યા બોલાવતાં એહ, ત્યારે જાણ્યું તજી ગયા દેહ. ૭૦

જૈને મૂળજીભક્તને ઘેર, બોલ્યા ગોવાળિયા એવિ પેર;

વનમાં એક સાધુ તમારા, ટાઢ્યે પામ્યા છે મૃત્યુ બિચારા. ૭૧

તેના દેહને બાળો ડટાવો, થતું હોય તે રીતે કરાવો;

પછી ત્યાં મૂળજીભક્ત જઈ, જોઈ સાધુની જે સ્થિતિ થઈ. ૭૨

જાણ્યું ટાઢથી થીજી ગયા છે, તેથી શબ સમ સાધુ થયા છે;

મગના ઘણા પાથરા7 લાવી, ગુફા તે ગોઠવીને બનાવી. ૭૩

મુક્યો તે માંહી સાધુનો દેહ, થયા તેથી સજીવન તેહ;

ઘેર જૈને રસોઈ કરાવી, સાધુને ખવરાવ્યું તે લાવી. ૭૪

ભક્ત મુળજી ગામમાં ગયા, સાધુ તો તેહ વનમાં જ રહ્યા;

એવા સાધુને અતિ ધન્ય ધન્ય, નહીં શ્રીજીનું લોપે વચન. ૭૫

પ્રભુજી નિજ આજ્ઞા પળાવે, એ જ ઐશ્વર્ય મોટું કહાવે;

અજ ઇંદ્ર ને શંકર જેવા, આગન્યામાં રહે એવા એવા. ૭૬

ભાદરામાં રહી ભગવાને, એવી લીલા કરી એહ સ્થાને;

ગયા ગઢપુર શ્રીઘનશ્યામ, દેતા દર્શન તે ગામોગામ. ૭૭

કર્યો અનકુટ ઉત્સવ ત્યાંય, હરિજન હરખ્યા મનમાંય;

ન મળે શિવ બ્રહ્માને જેવું, ગઢપુરવાસી લે સુખ એવું. ૭૮

પુષ્પિતાગ્રાવૃત્ત

ગઢપુર પરમેષ્ટ8 ધામ પ્રીછે, તહિં રહિ અક્ષરધામને ન ઇચ્છે;

પ્રગટ પરમનાથ જ્યાં બિરાજે, અતિ સુખ ત્યાં જ અનેક છેક છાજે. ૭૯

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

ભાદરાગામે પ્રેમજી-વણીકઆખ્યાનકથનનામ વિંશતિતમો વિશ્રામઃ ॥૨૦॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે