કળશ ૭

વિશ્રામ ૨૧

પૂર્વછાયો

પ્રભુ ચાલ્યા ગઢપુર થકી, દેવા દાસને દર્શનદાન;

કૃષ્ણ ગયા ગામ કોટડે, ભક્તિતનુજ શ્રીભગવાન. ૧

ચોપાઈ

ગયા ગોંડળપુર સુખદાઈ, મળ્યા ભૂપતિ ત્યાં હઠીભાઈ;

કહ્યું તેણે આંહીં સ્થિર ઠરો, મોટું મંદિર આ સ્થળે કરો. ૨

કહે શ્રીહરિ મંદિર થશે, જ્યારે ઈશ્વરની ઇચ્છા હશે;

એવું આપી તેને વરદાન, કાળાવડ ગયા કરુણાનિધાન. ૩

ખત્રિ જાદવજી તણે ઘેર, ઉતર્યા જઈને રુડી પેર;

માણાવદરમાં મહારાજ, ગયા દર્શન દેવાને કાજ. ૪

સામા આવિયા ભટ મયારામ, બીજા પણ ત્યાંના ભક્ત તમામ;

પ્રભુએ ત્યાં પ્રબોધની કીધી, કાંઈ ખામી નહીં કોઈ વિધિ. ૫

ભટે વિનતિ કરી પ્રભુ પાસ, મહારાજ રહો એક માસ;

બોલ્યા ત્રિભુવનના પતિ ત્યારે, કચ્છ દેશ જવું છે અમારે. ૬

ચાલ્યા ત્યાં થકી ધર્મનિધાન, ગયા ભાદરે શ્રીભગવાન;

ગામ જોડીયે દર્શન દઈ, આમરણમાં રહ્યા પછે જઈ. ૭

ધૂળકોટે ને પીપળિયામાં, ત્યાં થકી ગયા ગામ ભેલામાં;

વિપ્ર ગોવિંદજીને નિવાસે, કર્યો ઉતારો શ્રીઅવિનાશે. ૮

ગયા ગોવિંદ માળિયે ગામ, દરબારમાં ઉતર્યા શ્યામ;

રણ ઉતરી વાંઢિયે ગયા, ત્યાંથી આધોઈમાં જઈ રહ્યા. ૯

જાડેજા લાધાજી દરબાર, ત્યાં જૈ ઉતર્યા ધર્મકુમાર;

જમ્યા સંત તથા ભગવંત, ભાળી ભૂપનો ભાવ અત્યંત. ૧૦

સ્વામી માનુભાવાનંદ આવ્યા, ઘોડાસરપતિનો પત્ર લાવ્યા;

લખેલો એમાં એટલો સાર, ક્યારે આવશો જગતઆધાર? ૧૧

પુછ્યું શ્રીજીએ સ્વામીને એમ, વાતો ચાલે છે દેશમાં કેમ?

ત્યારે સ્વામીએ ઉત્તર દીધો, તમે યજ્ઞ ડભાણમાં કીધો. ૧૨

તેની ચાલે છે વાત તમામ, એ જ સાંભળીએ ઠામોઠામ;

ત્યારે શ્રીજીએ વાત સંભારી, કરી યજ્ઞ તણી વિસતારી. ૧૩

વસીને વળી આધોઈ ગામે, ઘણી લીલા કીધી ઘનશ્યામે;

ગિરધર ત્યાંથી ભચાઉ ગયા, ત્યાંથી ખોખરામાં જઈ રહ્યા. ૧૪

હતિ પાણીની ત્યાં બહુ તાણ, પ્રાણીનાં તેથી પીડાતા પ્રાણ;

હરિજનને કહે ઘનશ્યામ, ખોદો કૂપ નિકળશે આ ઠામ. ૧૫

ખોદતાં કૂપ નીકળ્યો ત્યાંય, જળ ખૂટે નહીં તેહમાંય;

એવો પેખી પ્રભુનો પ્રતાપ, સતસંગી થયા જન આપ. ૧૬

ભુજનગર પ્રભુજી પધાર્યા, હરિભક્તના હરખ વધાર્યા;

પ્રૌઢ લીલા કરી પરમેશ, લખતાં વધે ગ્રંથ વિશેષ. ૧૭

ગયા માનકુવે મુનિનાથ, હતો સંઘાથે સંતનો સાથ;

રવાગઢમાં ગયા રુડી પેર, શેઠજી હંસરાજને ઘેર. ૧૮

જમીને ત્યાંથી નટવરનાવ, ગયા જ્યાં ગામ કાળાતળાવ;

ભક્ત મેઘજી સુતાર નામ, ઉતર્યા પ્રભુ તેહને ધામ. ૧૯

ગયા માંડવી બંદર શ્યામ, મેતા ત્યાં તો રહે શિવરામ;

ત્રણ દિન રહ્યા તેહને ઘેર, જ્ઞાનવાતો કરી રુડી પેર. ૨૦

ગામ દોણ તથા ગામ ધાણ, પછી ત્યાં ગયા શ્યામ સુજાણ;

ત્યાંથી કૃષ્ણ ગયા ગામ તેરે, રહ્યા માવજી સુતાર ઘેરે. ૨૧

પ્રાગજી દવેને ત્યાં તેડાવી, પારાયણ ભાગવતની કરાવી;

સુણવા સંત સૌને તેડાવ્યા, તેઓ જ્યાં હતા ત્યાં થકી આવ્યા. ૨૨

આવે સંત જે જે પાસે ચાલી, ભેટે શ્રીહરિ બાથમાં ઘાલી;

વળી પૂછે બધા સમાચાર, દેશકાળ કેવો છે તે ઠાર? ૨૩

સાત દિવસે પારાયણ થઈ, સર્વે રાજી થયા સુણી લઈ;

દવેજીની પૂજા પછી કીધી, યથાયોગ્ય તે દક્ષિણા દીધી. ૨૪

સંત માધુકરી માગી લાવ્યા, પાણી છાંટીને ગોળા વળાવ્યા;

જમવા બેઠા તે સંત જ્યારે, ત્રિભુવનપતિ બોલિયા ત્યારે. ૨૫

આંહીંથી હવે ચાલશું અમે, ઝટ પાછળ આવજો તમે;

એમ કહી વિચર્યા ભગવંત, જમી ચાલિયા તરત જ સંત. ૨૬

થયેલો હતો મધ્યાહ્ન કાળ, રવિતાપ તપ્યો વિકરાળ;

સંતો જોડા ન પહેરતા હતા, ચાલતાં અતિ ચરણ દાઝતા. ૨૭

સંતને શ્રીજીએ દીઠા જ્યારે, પોતે પણ કાઢ્યાં પગરખાં ત્યારે;

એક વિપ્રને દીઠો દયાળે, તેને આપી દીધાં તતકાળે. ૨૮

પગે દાઝતા શ્યામ સિધાવ્યા, એક બાવળ આગળ આવ્યા;

બેઠા છાયામાં ત્યાં ભગવંત, ત્યાં તો આવી બેઠા સહુ સંત. ૨૯

સ્વામી માનુભાવાનંદ પાસ, ઉચર્યા એમ શ્રીઅવિનાશ;

કહો આજ બળ્યા પગ કેવા? ત્યારે લાગ્યા તે ઉત્તર દેવા. ૩૦

અમદાવાદ માંહી ઉનાળે, ઝોળી માગીએ મધ્યાહ્નકાળે;

ત્યારે દાઝે છે પગ મહારાજ, એવાં દાઝ્યાં ચરણ અતિ આજ. ૩૧

દેખ્યાં દાઝતાં ચરણ તમારાં, એથી અંતર દાઝ્યાં અમારાં;

કહે શ્રીજી સુણો મુનિરાય, તપ સાધુને કરવું સદાય. ૩૨

ચાલ્યા ત્યાંથી મનોહર માવ, આવ્યા જ્યાં ગામ કાળાતળાવ;

રહી ત્યાંના તળાવની પાળે, સંતો આગળ શ્રીધર્મલાલે. ૩૩

જ્ઞાન વૈરાગ્યની કરી વાત, એમાં ઉડું રહસ્ય અઘાત;

સ્વરૂપાનંદ આદિક સાધુ, બારનું એક મંડળ બાંધ્યું. ૩૪

ગુજરાતમાં ફરવાને કાજ, ત્યાંથી મોકલ્યો તેહ સમાજ;

સતસંગીયોને લખ્યું એમ, કરજો સાધુ આ કહે તેમ. ૩૫

પછી ત્યાં થકી શ્રીજી સિધાવ્યા, ગામ માનકુવે વળી આવ્યા;

ભુજનગર ગયા ભગવાન, શ્યામસુંદર સુખના નિધાન. ૩૬

સારા ભક્ત સુંદરજી સુતાર, તેને ઘેર રહ્યા તે વાર;

પણ વારે વારે કહે વાત, અમે જાશું સોરઠ ગુજરાત. ૩૭

કહે સુંદરજી સુણો નાથ, કેમ બંધાણા તે દેશ સાથ?

જુનો સત્સંગ છે કચ્છ માંહિ, રહેવું ઘટે ઝાઝું તો આંહીં. ૩૮

મારા ઉપર જો હોય મેહેર, સદા કાળ રહો મુજ ઘેર;

પ્રભુએ ત્યારે થઈને પ્રસન્ન, આપ્યું સુંદરજીને વચન. ૩૯

કહેશો આંહીંથી જાઓ તમે, ત્યારે આંહિથી જાશું જ અમે;

એમ કહીને રહ્યા હરિરાય, નિત્ય જ્ઞાનની વારતા થાય. ૪૦

પ્રભુને પગે ગુમડું થયું, વધતાં વધતાં વધી ગયું;

રાખ્યું આસન તો મેડામાંય, કરે દેહક્રિયા સર્વ ત્યાંય. ૪૧

ભુજના ભૂપનો કારભારી, હતો તે હરિનો દ્વેષકારી;

જગજીવન તેહનું નામ, નાત નાગર બહુ ધનધામ. ૪૨

સતસંગી થઈ તેની નારી, શિર સાટે તેણે ટેક ધારી;

જગજીવનને કેવો દ્વેષ, સાંભળો કહું તેહ નરેશ. ૪૩

સારો હય1 કે બળદ નિજ ધામ, પાડતો સહજાનંદ નામ;

કાંઈ વાત કરે વળી જ્યારે, બોલે શ્રીજીનું નામ ટુંકારે. ૪૪

ભક્ત સુંદરજી જે સુતાર, રાજમાં તેનું માન અપાર;

ઘણો તાવ આવ્યો તેને તન, ત્યારે મેતો તે જગજીવન. ૪૫

તેને જોવા તેને ઘેર ગયો, સમાચાર પુછી સ્થિર થયો;

પછી તેણે પુછ્યું તે ઠામ, સહજાનંદ છે કયે ગામ. ૪૬

આપતા હતા ઉત્તર કાંય, આપોઆપ બોલ્યા પ્રભુ ત્યાંય;

અહીંયાં સહજાનંદ હું છું, તમ પાસે હું તરત આવું છું. ૪૭

એમ કહિ હરિ ઉતર્યા હેઠા, કારભારી પાસે આવી બેઠા;

કારભારીએ પુછીયું એમ, પરમેશ્વર છો તમે કેમ? ૪૮

રાધા લક્ષ્મી તણો પતિ હોય, પરમેશ્વર કહેવાય સોય;

ત્યારે બોલ્યા પ્રભુ તેહ સાથ, હું છું રાધા ને લક્ષમીનો નાથ. ૪૯

હું તો છું સચ્ચિદાનંદ બ્રહ્મ, મને ગાય નિગમ2 ને આગમ;

ચડ્યો ક્રોધ એવા સુણી બોલ, થયાં નેણ તેનાં રાતાં ચોળ. ૫૦

ગયો ઘેર તે રીસ ચડાવી, આરબોની બેરખને બોલાવી;

કહ્યું આરબ ઝાઝા સિધાવો, સહજાનંદને બાંધી લાવો. ૫૧

જાણી હીરજીભાઈએ વાત, સગા સુંદરજીના તે ભ્રાત;

કહ્યું જૈને રહો ઘનશ્યામ, ગંગારામજી મલ્લને ધામ. ૫૨

ગંગારામે કહ્યું રુડી પેર, પધારો પ્રભુજી મારે ઘેર;

બધા મલ્લ મરી જશું જ્યારે, દેશું તમને પકડવાતો ત્યારે. ૫૩

કારભારીની ભારજા3 કેરો, મગાવ્યો રથ સરસ ઘણેરો;

કહે સુતારને મહારાજ, તમારા કહ્યાથી જાઉં આજ. ૫૪

પ્રતિજ્ઞા મારી મેં પૂરી કરી, એમ કહીને રથે બેઠા હરી;

ગંગારામજી મલ્લને ઘેર, પ્રભુજી તો રહ્યા રુડી પેર. ૫૫

નાત મલ્લની ત્યાં ભેળી થૈને, ઉભી હાથમાં હથિયાર લૈને;

આરબોની હલાં4 હતી જેહ, ગઈ સુતારને ઘેર તેહ. ૫૬

પુછ્યું જૈ સહજાનંદ ક્યાં છે, કહ્યું મલ્લને ઘેર ગયા છે;

મલ્લ લડવા થયા છે તૈયાર, એવી વાત જાણી જેહ વાર. ૫૭

ત્યારે આરબ તે પાછા ગયા, સમાચાર દીવાનને કહ્યા;

સુણી દીવાન બોલ્યો ન કાંઈ, સમજીને રહ્યો મનમાંઈ. ૫૮

દ્વેષનું ફળ પામ્યો દીવાન, ચૌટા વચ્ચે મરાણો નિદાન;

મોટા પુરુષનો દ્વેષ જે કરે, મહાપીડા તે પામીને મરે. ૫૯

કહે મલ્લ મહાપ્રભુ પાસ, મારે ઘેર રહો એક માસ;

અમે દર્શનનું સુખ લૈયે, સુણી જ્ઞાન કૃતારથ થૈયે. ૬૦

કહે શ્રીજી સુણો તમે સુજ્ઞ, કરવો છે જેતલપુર જજ્ઞ;

માટે ત્યાં જવું પડશે જરુર, એવી ઇચ્છા અમારે છે ઉર. ૬૧

એમ કહી હરિ ત્યાંથી વિચરિયા, આવી રાત અંજારમાં ઠરિયા;

ત્યાંથી ભૂધર આવ્યા ભચાઉ, સતસંગી ગયા સામા ગાઉં. ૬૨

ગયા માળિયે શ્રીમહારાજ, ત્યાંથી પીપળીયે જન કાજ;

ગયા વણથળિએ વૃષનંદ, ભાયાવદરે આનંદકંદ. ૬૩

માણાવદરમાં મહારાજ, વિચર્યા લઈ સંતસમાજ;

ભટજી મયારામને ઘેર, પ્રભુજી ઉતર્યા રુડી પેર. ૬૪

પ્રભુને પધરાવી પલંગ, પૂજ્યા ભટજીએ અધિક ઉમંગે;

ભટજીએ ત્યાં થાળ કરાવ્યો, ધર્મનંદનને તે ધરાવ્યો. ૬૫

સર્વ સંતને દીધી રસોઈ, જમ્યા સૌ ભટ્ટનો ભાવ જોઈ;

ભટજીને કહે ભગવાન, તમે સાંભળો બુદ્ધિનિધાન. ૬૬

ઘણા ઓખાઈ5 જોડા કરાવો, સર્વ સાધુઓને પહેરાવો;

તાપે સાધુના દાઝે છે પાય, મારું અંતર એથી દુખાય. ૬૭

પછી ભટજીએ જોડા કરાવ્યા, સર્વે સાધુઓને પહેરાવ્યા;

માણાવદરનો મહીનાથ,6 હરિને નમ્યો જોડીને હાથ. ૬૮

બીબીયોએ કહાવિયું ત્યારે, કેમ દર્શન થાય અમારે?

ભટજી કહે બારીએ બેસો, ચક7 નાખી ઓઝલમાં રહેશો. ૬૯

આવશે શ્રીજીની અસવારી, તમે નીરખજો નેણ ધારી;

એમ શ્રીજીએ દર્શન દીધાં, સર્વ જનને કૃતારથ કીધાં. ૭૦

કોટી બ્રહ્માંડના કરતાર, સકળેશ્વર સર્વઆધાર;

ઇચ્છે અજ હર ને સુરરાય, તોય દર્શન જેનાં ન થાય. ૭૧

કોટિ કલ્પનું સુકૃત ફળે, ત્યારે તેમનું દર્શન મળે;

જેણે જેણે કર્યાં દરશન, અવતાર એનો ધન્ય ધન્ય. ૭૨

પછી સંતનો લઈને સમાજ, જુનેગઢ ગયા શ્રીમહારાજ;

ઉતર્યા ઝીણાભાઈને ઘેર, તેણે સેવા સજી સારી પેર. ૭૩

પછે ચાલીયા પ્રાતસકાળે, ગયા વણથળી થઈને પંચાળે;

પંચાળુ ઝીણાભાઈનું ગામ, માટે આવિયા તે તેહ ઠામ. ૭૪

જોવા જે સંત કેવા છે સહુ, પ્રભુ પ્રકરણ ફેરવે બહુ;

ત્યારે પ્રકરણ ફેરવ્યું એવું, મન માગે તે તનને ન દેવું. ૭૫

અનાદર થાય મન મોઝાર, નિત્ય એવો જ કરવો આહાર;

ઝીણાભાઈએ સૌને પુછયુંય, તમને નહિ ભાવે તે શુંય? ૭૬

ત્યારે કોઈ કહે ખોરી જાર, તેની બાટી જ હું તો ખાનાર;

કહે કોઈ હું કોદરા કેરો, રોટલો જ જમીશ ઘણેરો. ૭૭

કહે કોઈ હું બાવટો ખાઉં, મનઇચ્છાથી ઉલટો થાઉં;

કહે કોઈ હું તો ખાઉં બંટી, શબ્દ દળતાં કરે નહીં ઘંટી. ૭૮

જેના મનને ગમે નહીં જેહ, અન્ન ખાવાને માગીયું એહ;

ઝીણાભાઈએ શ્રીપ્રભુ પાસ, કરી વાત તે સર્વ પ્રકાશ. ૭૯

આ તો જુદું જુદું માગે ખાવું, કહો ક્યાં થકી તે પ્રભુ લાવું?

કહે શ્રીજી કરો એ ઉપાય, ખોરી જારના ખાખરા થાય. ૮૦

અમારી સાથે જે ફરનાર, નિત્ય એવો કરે જ આહાર;

ગળ્યું ચીકણું જે કહેવાય, એવું ખાવાનું તે નહીં ખાય. ૮૧

ખોરી જારના ખાખરા કીધા, શ્રીજીએ સૌને પીરસી દીધા;

અલૈયે ખાચરે માંડ્યા ખાવા, પણ તેને તો છેક8 ન ભાવ્યા. ૮૨

નવ ભાવે તથાપિ તે ખાય, હુબકો9 થઈ નીકળી જાય;

એવું દેખી મુળુભાઈ દાસે, કહી વાત તે શ્રીજીની પાસે. ૮૩

રોટલો સારો હરિએ કરાવ્યો, અલૈયાને તે ખાવા અપાવ્યો;

ખાઈને પસતાયો બહુય, બીજા નિઃસ્વાદી સ્વાદીયો હુંય. ૮૪

પછી તે તો જઈ તે કાળે, રોવા બેઠા તળાવની પાળે;

કહ્યું કોઈએ શ્રીહરિ પાસ, રુવે છે એક આપનો દાસ. ૮૫

કહ્યું પર્વતભાઈને નાથે, તેડી લાવો તમે ઝાલી હાથે;

પછી ત્યાં ગયા પર્વતભાઈ, તેને તેડી લાવ્યા કર સાઈ. ૮૬

તેને પુછે મહાપ્રભુ એમ, તમે ત્યાં જઈને રોયા કેમ?

અલૈયો કહે એમ મુંઝાણો, બીજા નિઃસ્વાદી હું સ્વાદી જાણો. ૮૭

ખોરી જાર મને નહીં ભાવી, અકળામણ એ થકી આવી;

કહે શ્રીજી મારું કહ્યું માનો, જમજો રોટલો બાજરાનો. ૮૮

એવી આજ્ઞા કરી હરિ જ્યારે, અલૈયાને થયું સુખ ત્યારે;

દયા એવી દયાળુ ધરે છે, નિજ ભક્તની રક્ષા કરે છે. ૮૯

એક અવસરમાં મહારાજ, નદીએ ગયા નાવાને કાજ;

પ્રાણાયામ કર્યો પાણીમાંય, બ્રહ્મરંધ્રે ચડ્યો શ્વાસ ત્યાંય. ૯૦

સર્વે ઐશ્વર્ય શ્યામ ધરે છે, વળી લીલા વિચિત્ર કરે છે;

સમાધિમાં રહ્યા ઘણી વાર, નાજે જોગીયે દીઠા તે ઠાર. ૯૧

અતિ ઉંચે સ્વરે હરિ કેરી, તેણે પ્રાર્થના કીધી ઘણેરી;

સમાધિમાંથી શ્રીહરિ જાગ્યા, નાજાભક્તને કહેવા લાગ્યા. ૯૨

મારો સહજ સ્વભાવ છે જાણ, બ્રહ્મરંધ્રે ચડી જાય પ્રાણ;

તમે ઠીક જગાડ્યો અત્યારે, કોણ જાણે હું જાગત ક્યારે. ૯૩

પ્રભુજીએ પંચાળા મોઝાર, એવી લીલા તો કીધી અપાર;

વિચર્યા ત્યાંથી સુંદરશ્યામ, ફરતાં ફરતાં ઘણાં ગામ. ૯૪

જેતપુર ગયા જનદુઃખહારી, ત્યાંથી ગોંડળ ગિરિવરધારી;

કોટડે થઈ વાંકિયે ગયા, પછી ગઢપુર જઈ સ્થિર થયા. ૯૫

પુષ્પિતાગ્રાવૃત્ત

ગઢપુર સમ કોઈ અન્ય ધામ, પ્રિય હરિને નહિ ધામ કોઈ ઠામ;

ફરિ ફરિ ગઢપત્તને જ આવે, વળિ વિચરે પણ ચિત્ત ત્યાં ઠરાવે. ૯૬

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિકચ્છદેશ-વિચરણનામ એકવિંશતિતમો વિશ્રામઃ ॥૨૧॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે